Sumudrantike - 27 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 27

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(27)

બાળકોને પાછા મૂકવા જવાનું મેં સ્વીકાર્યું. પટવાથી એક બે જણ મળવા આવી ગયાં. ત્યાં ઘણાં મકાનો પડી ગયાં. પણ કોઈ માણસ મર્યું નથી. ખેરા સંપૂર્ણ ધોવાઈ ગયું છે. પણ તોફાન આવ્યું તે પહેલાં બધા માણસો પટવા વરાહસ્વરૂપ જેવાં સ્થળોએ જતા રહેલા. હવે ધીરે ધીરે બધાં પાછા ફરી રહ્યાં છે.

હું અને સરવણ બાળકોને લઈને ચાલ્યા. ખારાપાટમાં કાદવ થયો છે. પણ બાવળની કાંટ પાસે પથરાળ કેડી સુક્કી છે. અમે તોફાન પછીનાં દૃશ્યો જોતાં ચાલ્યા. ખારાપાટમાં ઢોરના મૃત દેહોની દુર્ગંધ ફેલાવા માંડી છે.

સાંકળ, ઘોડી, દૂરબીન, નકશા. આ બધી શુષ્ક ચીજો સાથે મારો વીગત સમય પસાર થયો, છતાં આ ધરતીએ મારા મનને શુષ્ક રહેવા નથી દીધું.

નૂરભાઈ ગયો. તેને દૂધરાજ જોવા મળ્યો હશે કે નહીં! તેનો વિચાર કરું છું. તો આ ઉજ્જડ પ્રદેશનાં થોડાં ઘણાં પક્ષીઓ પણ યાદ આવી જાય છે.

ક્રિષ્ના, બેલી, બધાં યાદ આવે છે. બેટ પર તો કેટલું યે નુકસાન થયું હશે? ક્યાં ગયા હશે બધા? ત્યાં વાયરલેસ છે. કદાચ અગાઉથી માહિતી મળી હોય તો ઘણું બચાવી શકાયું હશે.

‘એલા, બાવાજીની તુંબડી.’ એક છોકરાના શબ્દોએ મારું ધ્યાન બાવળની ઝાડી તરફ દોર્યું. એક બાવળની ડાળીઓ વચ્ચે બંગાળીનું કમંડળ ભરાઈ રહ્યું છે. કાંટાની પરવા કર્યા વગર હું ઝાડીમાં ઘૂસ્યો અને કમંડળ ઉતારી લાવ્યો. અમે ઝડપ વધારી. બાળકો તો દોડતાં જતાં હતાં.

દૂરથી દેખાતો મઢીવાળો ખડક અત્યારે દેખાયો નહીં અને મને ફાળ પડી. ત્યાં પહોંચીને જોયું તો સમુદ્ર પર ઝળૂંબેલી ખડકની ઘાર ટુકડે ટુકડા થઈને વેરાઈ ગઈ છે. મઢીનાં બેલાં ખારાપાટમાં અહીં-તહીં વેરાયેલાં પડ્યાં છે.

હું એક પથ્થર પર બેસી પડ્યો. સરવણ હતપ્રભ બનીને જોઈ રહ્યો. બાળકો ઊભા ઊભા, વિનાશના અવશેષો નીરખતાં ગુસપુસ કરતાં હતું.

બાવાજી ક્યાં ગયાં હશે? બધું છોડી ચાલ્યા ગયા? કે પછી આ અનંતમહારાજ... મારાથી કલ્પના ન થઈ શકી. હું તેને ગાંડો ગણતો હતો. ધૂની માનતો હતો. તેની મોટા ભાગની વાતોને મેં દંભ અને ડોળમાં ખપાવી હતી; પરંતુ આ ક્ષણે, આ સ્થળે હું સ્પષ્ટ રીતે સમજી શક્યો છું કે તે અધગાંડો દેખાતો માનવી આ સમગ્ર બ્રહ્માંડમાં, નક્ષત્રોથી માંડીને રેતીના કણ સુધીની દરેક ચીજ સાથે સીધો વાર્તાલાપ કરી શકતો હતો - સાવ સરળતાથી પૂર્ણ સભાનપણે.

બાળકો ખેરા પહોંચ્યાં ત્યારે તેમનાં પરિવારજનોની આંખો છલકાઈ ગઈ. ગામમાં કંઈ જ બચ્યું નથી. છતાં શામજી મુખી જરાય ઢીલો નથી થયો. જે કંઈ છે તેમાંથી અને બહારથી આવતી મદદની સામગ્રીથી ઝૂંપડાં પાછાં ઊભાં થાય છે.

હું અને સરવણ પાછા હવેલીએ આવ્યા ત્યારે અવલ પટવા જઈને પાછી આવી ગઈ હતી. તેના ભાઈ-ભાભી તેની સહાયે આવ્યાં છે. ત્રણેય જણાં મળીને અવલની ઝૂંપડી ઊભી કરવામાં પડ્યાં છે.

મને જોતાં જ અવલની આંખોમાં પ્રશ્નાર્થ ચમક્યો. જવાબમાં મેં કમંડળ ઊંચુ કરીને બતાવ્યું. ક્ષણ-બેક્ષણ અવલ થંભી ગઈ પછી એટલી જ સ્વસ્થતાથી વળી-વાંસ બાંધવામાં પરોવાઈ ગઈ. હું અને સરવણ પણ તેની મદદે ગયા. સાંજે બધાં કવાર્ટર્સ પર રોકાયાં.

ઘણા સમયથી અવલને કહેવાની વાત હું કહી શકતો ન હતો. આજે તે કૂવાના થાળા પર નિરાંતે બેઠી છે,ત્યારે સમય છે, ધારીને હું તેની પાસે ગયો. તેની સામે આરામખુરશી નાખીને હું બેઠો.

‘અવલ, મારું કામ પુરું થશે. હું કદાચ વહેલો પણ જતો રહીશ. કદાચ રાજીનામું આપીને પણ.’ મેં શરૂઆત કરી.

‘તો?’ અવલે પૂછ્યું.

‘શહેરમાં જઈને આ હવેલીનો દાવો માંડી શકાય. મારી પાસે ઘણા પુરાવા છે.’ મે કહ્યું.

‘ના.’ તેણે ભગ્નાવશેષો જોતાં કહ્યું.

‘તને ખબર છે? અહીં કેમિકલ ઝોન થશે તો આ મિલ્કતની કિંમત કેટલી થશે?’

અવલે કંઈ જવાબ ન આપ્યો.

‘આ ત્યાગ ન કહેવાય. મૂર્ખાઈ ગણાય’ મેં શ્લેષ કર્યો.

‘મેં ત્યાગ કર્યો જ નથી.’ અવલે કહ્યું. ‘મારું નથી તે મેળવવાની ઈચ્છા ન કરું એને તમે ત્યાગ ગણો છો?’

અવલે થાળાના પથ્થરો પર પગ લંબાવતા જવાબ આપ્યો. ‘કેશોદાદાની સંપત્તિ મારા નામે કરવામાં કાયદો કેટલો સમય લેશે? કદાચ જુઠાણાં પણ રચવા પડે. થોડી ઘણી મિલ્કત ખાતર કેટલો સમય આ રીતે જીવવું તે અક્ક્લનું કામ હોય એવું મને નથી લાગતું.’

‘હાદા ભટ્ટે આ હવેલી સ્વીકારી હતી. તો તને સ્વીકારવામાં શો સંતાપ?’

‘મારા વડસસરાએ હવેલી મેળવવા પાછળ એક મિનિટ પણ બગાડી નથી. આ સંપત્તિ તેમને સહજ પ્રાપ્ય હતી. એટલી જ સાહજિકતાથી તેમણે કેશોદાદાને આપી દીધી.’ અવલ દરિયા તરફ જોતાં બોલી.

‘ક્યારેક તારી વાત મને સમજાતી નથી.’ મેં અવલને સમજવા પ્રયત્ન કરતાં કહ્યું ‘કેશો ભટ્ટને વંશ નથી. તો તેમના વારસદાર તમે જ થયાં ને?’ મને થોડો ગુસ્સો આવ્યો અને મારાથી બોલાઈ ગયું ‘વિષ્નોના બાપુએ પટવાનું ખેતર ખેડ્યું એટલી વાતમાં આ વનવાસ વેઠવાનો તારો નિર્ણય મારે ગળે તો નથી ઊતરતો.’

અવલ એકદમ ચમકી, થાળા પર લંબાવેલા પગ તેણે જમીન પર લટકાવ્યા. મારા તરફ જોઈને તેણે પૂછ્યું ‘તમને શી ખબર?’

‘ગોપા આતાએ અમને વાત કરી હતી.’

અવલ મ્લાન હસી અને બોલી. ‘આવી રીતોથી સર્વજ્ઞ બનવાની કોશિશ કરવી રહેવા દેશો તો શોભશે’ તે થોડી વાર મૌન રહી પછી કહ્યું, ‘જેને જે લાગ્યું હોય તેવું તે બોલે. પણ વિષ્નોના બાપુના દોષે મેં પટવા છોડ્યું એવું સાંભળીને તમે માની લો છો તેનું દુ:ખ થાય છે. અહીં રહેવાનું તો મેં મારી ઈચ્છાથી સ્વીકાર્યું છે. મારા દોષે.’

મેં કંઈ ઉત્તર ન આપ્યો. એક સ્ત્રી સામે બેસીને તેના પતિ વિશે કંઈ બોલવું મને યોગ્ય ન લાગ્યું. અવલ થોડી વાર કંઈ ન બોલી. કંઈક વિચાર્યા કર્યું હોય તેમ એક નજરે દરિયો જોતી રહી પછી બોલી.

‘તમારા મનમાં શંકા ન વસે એટલે સાંભળી લો તો સારું. રતનાબા, કેશોદાદાની પત્ની, ગુજરી ગયાં ત્યારે હું અને વિષ્નોના બાપુ બે જ જણાં તેમની પાસે હતાં. છેલ્લી વેળાએ બા કંઈક બોલ્યાં પણ કંઈ સમજાયું નહીં’ અવલ ભૂતકાળ યાદ કરતાં બોલી ‘પટવાવાળું ખેતર ખેડવાની વાત ઉમાબા પાસે નીકળી ત્યારે હું પરસાળમાં બેસીને ચોખા સાફ કરતી હતી. મારાં વડસાસુ, ઉમાબા ખૂબ ગુસ્સામાં હતાં. વિષ્નોના બાપુને કહે ‘તું, હાદાભટ્ટનું વંશ ઊઠીને કેશાનું ખેતર ખેડીશ? સાંભળી લે, જે દી’તું હળ જોડીશ તે દી હું આંય નંઈ રહું.’

‘ખબર છે મને’ મેં કહ્યું.

‘નથી ખબર,’ અવલ છેડાઈ પડી. પછી વાત આગળ ચલાવી.

‘એ વખતે એમણે જવાબ આપ્યો ‘બા, કેશોદાદા તો નથી, ને દાદીની ઈચ્છા પણ એ ખેતર મને ભળાવવાની હતી. છેલ્લી વેળાએ પણ એમણે ખેતર ખેડવાનું મને કહ્યું છે. પૂછો તમારી વહુને એ પણ ત્યાં જ હતી.’ ’ વાત કરતાં અવલ અટકી અને આકાશ તરફ જોયું. હું ધ્યાન થી તેને સાંભળતો બેઠો હતો:

‘ઉમાબાએ મારી સામે જોયું. હું ઉમાબાની આમન્યા રાખતી. ગભરાઈને મેં લાજ કાઢી લીધી. મૂંઝાઈ ગઈ હતી. ના કહીને મારા વરને ખોટો પાડું અને રતનબાએ ખરેખર તેમને ખેતર ખેડવા કહ્યું હોય તો? કદાચ મેં ન સાંભળ્યું તે એમને સંભળાયું પણ હોય, મેં કહ્યું ‘હા, બા.’

અવલ જેવી મક્કમ સ્ત્રીને પણ ધર્મસંકટનો સામનો કરતા મુશ્કેલી પડે તે સાંભળીને મને નવાઈ લાગી.

‘મારાં વડસાસુ કંઈ બોલ્યાં નહીં. તેણે વિષ્નોના બાપુને કહ્યું ‘અવલલક્ષ્મીના બોલે તને પટવાવાળું ખેડવાની રજા દઉં છું. જા, ખેડ.’

‘તો પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો’ મેં કહ્યું.

‘તમે પૂરું સાંભળશો?’ અવલ બોલી હું મૂંગો થઈ ગયો.

‘એ હળ જોડીને ગયા પછી ઉમાબાએ ગાડું જોડાવરાવ્યું. પોતાનાં કપડાં સિવાય કંઈ લીધા વગર ગાડે બેઠાં. હું તો આભી બની ગઈ. ‘બા! કયાં જાવું છે?’ તો કહે ‘ભટ્ટને નામે જે છે ત્યાં જઈને રહેવું છે. હવે અહીં જીવ નથી લાગતો.’

અવલે ગળું સાફ કર્યું અને વાત ચાલુ રાખી: ‘મેં રોક્યાં અને ખૂબ પૂછ પૂછ કર્યુ ત્યારે બોલ્યા ‘લક્ષ્મી, તમે તમારા વર માટે થઈને બોલ્યાં તો ભલે. પણ કેશો ઘર છોડીને ગયો છે. મરી નથી ગયો. અને કેશોના જીવતાં એની સંપત્તિની સોંપણી રતનવહુ કોઈ કાળે ન કરે. રતન પંદર વરસની હતી ત્યારથી હુ એને ઓળખું છું. પોતાના વરને મરી ગયેલો માનવા એ ક્યારેય તૈયાર ન થાય, અને એટલે જ ખેતર ખેડવાનું એ કહે જ નહીં. કેશાનાં કપડાંય એણે સાચવીને રાખ્યાંતાં. દાનમાં ન’તાં આપી દીધાં.’

‘આ સાંભળીને મારા પગ જમીન પર ચોંટી ગયા. હું કંઈ બોલું ત્યાર પહેલાં ઉમાબા કહે ‘તેં તારો ધરમ પાળ્યો છ. હવે આ વાત તારી અને મારી. તારા વરને કાંઈ કહે તો મારા સમ છે. સ્ત્રીનું મન તો દરિયો સમાય તેવું હોય તેવું હોય. આપણને સૂઝે તે કર્યા કરીએ. બીજાને ખબર પણ શું પડે કે આપણા મનમાં શું છે?’

અવલે વાત પૂરી કરી. પછી મારી સામે જોયું. અને કહ્યું: ‘નરો વા કુંજરો વા’ જેટલી વાતથી યુધિષ્ઠિર જેવાને પાપ પડે. તો અવલની ગતિ તો કેવી થવાની? હાદાભટ્ટના ઘરમાં પછી હું કયાં અધિકારે રહું? ઉમાબાની સેવાને બહાને અહીં આવીને રહી તે હજી રહું છું.’ તે ઊભી થઈને કવાર્ટર તરફ ગઈ.

હું મૌન બેસી રહ્યો. માનવીના મનનો પાર કદાચ ઈશ્વર પણ નહીં પામી શકતો હોય.

***