Swastik - 34 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 34)

લગભગ મધરાતનો સમય હતો. હું એક અજાણી જગ્યાએ ઉભો હોઉં એમ મને લાગ્યું પણ હું ત્યાં ન હતો. મને ખબર હતી માત્ર એ આભાસ હતો હું ત્યાં ન હતો. હું ત્યાં કઈ રીતે હોઈ શકું એ સમય બહુ જુનો હતો. હું મારા બેડરૂમમાં બેહોસીની હાલતમાં હતો પણ મને મણીની શક્તિઓ એ બધું બતાવવા લાગી.

ચારે તરફ છુટા છવાયા ઝૂપડા દેખાતા હતા અને એમાંના કેટલાક ભડકે બળી રહ્યા હતા. કેટલાક શું મોટા ભાગના ભડકે બળતા હતા. એ મદારી કબીલાના ઝુપડા હતા. સત્યજીત, સુરદુલ અને અશ્વાર્થના ઝુપડા હતા.

મધરાત હોવા છતાય જરાય અંધકાર ન હતો. આગની જવાળાઓ જાણે છેક આકાશને આંબી જવા મથતી હોય એમ આસપાસના ઝુંપડા પર અજગરની જેમ ભરડો લઇ રહી હતી. પવન પણ જાણે આગનો સાથી બનવા માંગતો હોય એમ આગને બાકી રહેલા ઝુપડાની દિશામાં તાણી રહ્યો હતો. ધુમાડાના વાદળો જાણે અસલ વાદળો હોય એમ આકશમાં એકઠા થઇ રહ્યા હતા. આગ એના માર્ગમાં આવતી દરેક ચીજને ગળી જઈ રહી હતી. એ ધુમાડાએ ખુદ ચંદ્રને પણ ઢાંકી નાખ્યો હતો. જોકે ચંદ્રના અજવાળાની કોઈ જરૂર ન હતી કેમકે એ આગ એક બાદ એક સુકા ઘાસ જેવા ઝુપડાઓને ભરખી વધુને વધુ તેજ બન્યે જતી હતી અને જાણે એ બધું દિવસના અજવાળા બની રહ્યું હોય એમ લાગ્યું.

એક છોકરી એ આગની જવાળાઓથી બચવા માંગતી હતી કે એની સામે લડી રહી હતી એ સમજાયું નહી પણ એ દોડી રહી હતી અને આગ જાણે તેને જ ભરખી જવા માટે આવી હોય એમ એનો પીછો પકડી દોડી રહી હતી.

એ દોડતી હતી કોઈકને બચાવવા માટે. કોઈક એવું જે એના માટે પોતાના જીવ કરતા પણ વધુ મહત્વનું હતું અને આગ એના કોઈ વહાલસોયા સુધી પહોચે એ પહેલા એ તેને ત્યાંથી આબાદ નીકાળવા દોડી હતી. એના ફેફસા ધમણની માફક હવાને બહાર ફેકી રહ્યા હતા. એના પગ થાકી રહ્યા હતા.

એ ડરેલી હતી. એના ફેફસા વધુ શ્વાસ લઇ શકવા અસમર્થ હતા. એનું ગળું ધુમાડાથી બળી રહ્યું હતું. એના ફેફસાને હમણાં સુધીમાં ધુમાડાએ અંદરથી કાળા પાડી દીધા હતા. ધીમે ધીમે એના હૃદયને મળતો પ્રાણવાયુ એના આસપાસના વાતાવરણમાંથી ઘટી રહ્યો હતો અને અંગાર વાયુના ઘૂંટડે ઘૂંટડા ભરતી એ દોડી રહી હતી.

એ યુવતી લેખા હતી - સત્યજીતની ચિત્રલેખા. સવાલ પોતાના જીવનો હોત તો લેખાએ આગ સામે નમતું જોખી લીધું હોત. એ હાર સ્વીકારી ચુકી હોત પણ એ હાર સ્વીકારી શકે એમ ન હતી. કોઈક એવું જે એના માટે એનું જીવન હતું એનું જીવન છીનવી લેવાનો મોકો એ આગને આપી શકે એમ ન હતી.

એના શરીરમાં પ્રાણ કઈ રીતે ટકી રહ્યો હતો એ જ સમજાય એમ ન હતું કેમકે એ અશક્ય હતું. એટલા થાક પછી દોડતા રહેવું અશક્ય હતું. પણ એના માટે નહિ. કેમકે એના માટે એ દુનિયાનો અંત હતો - એની પોતાની દુનિયા. એ દુનિયા એની હતી.

એ કબીલો એનો હતો. એ કબીલો નાશ થઇ રહ્યો હતો એની આંખો સામે એના કબીલાના ઝુપડા સળગી રહ્યા હતા. જે લોકો આગ લાગી એ સમયે ભાગવામાં સફળ રહ્યા એ બચી ગયા હતા પણ બાકીના એ આગમાં ભડથું થઇને શેકાઈ ગયા હતા. એ એની દુનિયાનો અંત હતો.

લેખા પોતાના અંતને મહામહેનતે રોકી રહી હતી. મૃત્યુ આગ, થાક અને ધુમાડા એમ અલગ અલગ રૂપે એની આસપાસ વીંટળાઈ રહ્યું હતું પણ એ છેલ્લા શ્વાસ સુધી એને દુર હડસેલી રહી હતી - ભલે એ શ્વાસ પ્રાણ વાયુના બદલે અંગાર વાયુથી ભરાયેલો કેમ ન હોય. એની આત્મામા પણ એવો જ એક અંગાર હતો. એની આંખો પણ એક અંગાર વર્ણવી રહી હતી. એટલી આગ વચ્ચે પણ એ પરસેવાથી પલળીને ભીની થઇ ગઈ હતી.

એ ચીસોના આવાજ સંભાળી શકતી હતી. એ રસ્તામાં વિઘ્ન રૂપે આવતા સુકા ઠુંઠાઓ સાથે અથડાઈ લથડીને પછડાતી હતી અને ફરી પોતાની બધી તાકાત ભેગી કરી ઉભો થઇ જતી હતી.

એને બંદુકના ધડાકા અને બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની ચીસ સંભળાતી હતી. અંગ્રેજ સિપાહીઓ દ્વારા બોલાતા અંગ્રેજી આદેશો એ સમજી તો નહોતી શકતી પણ સંભાળી શકતી હતી.

“બર્ન ડાઉન ધોઝ હટઝ. લેટ ધ રેબેલ્સ ફિલ ધ વેઇટ ઓફ ધેઈર ડીફિટ, બર્ન ધીસ ઓલ..”

અને એક પછી એક અંગ્રેજી સિપાહીઓ અને એમની સાથે હિંદીઓ જેમનો પોશાક એ નાગપુરના રાજ સિપાહીઓ હોવાની ખાતરી આપતો હતો એ બાકી રહેલા ઝુપડાઓને આગ ચાંપવા લાગ્યા. નાગપુર સિપાહીઓ કેમ મદારી કબીલાને સળગાવી રહ્યા હશે..? શું એ રાજમાતાનો હુકમ હતો કે પછી રાજકુમાર સુબાહુનો? શું સત્યજીતે સુનયના વિશે જે કહ્યું અને બગાવત કરી એ બદલ રાજ પરિવારે એ કરાવ્યું હશે?

કેટલાકના સિપાહીઓના હાથમાં કેરોસીનના કેન હતા તો કેટલાકના હાથમાં મશાલો. મોટા ભાગનું સળગાવવાનું કામ નાગપુર રાજના હિન્દી સિપાહીઓ જ કરી રહ્યા હતા. જયારે ગોરા સિપાહીઓ આગથી બચવા આમ તેમ ભાગતા લોકો પર પોતાની બંદુકો ફોડતા હતા.

કેટલાક સિપાહીઓ બંદુકમાં દારૂગોળો ભરી એને ઠુંસી રહ્યા હતા. અને એમના પાલક પિતા સમાન ગોરા સિપાહીઓના હાથમાં એ સસ્ત્રોને સજ્જ કરીને સોપી રહ્યા હતા. ગોરા સિપાહીઓ જાણે શિકારની મજા માણી રહ્યા હોય એમ એ બંદુકોના ધડાકા નીર્દોસ લોકો પર વછોડી પોતે મહાન વિનાશક શક્તિ હોય એવા ગર્વથી એ કાળમુખી બંદુકો હિન્દી સિપાહીઓના હાથમાં સોપી રહ્યા હતા.

એક પછી એક ઝુંપડા આગમાં લપેટાઈ રહ્યા હતા. કદાચ હિન્દી સિપાહીઓ એટલી ચાલાકી વાપરી શકયા ન હોત પણ ગોરા લોકોના ખૂનમાં ચાલાકી હતી. દગો અને રાજ રમત એમના ખૂનમાં હતી. તેઓ મેથડોલોગી મુજબ ચાલી રહ્યા હતા એમણે આગ એ રીતે ચાંપી હતી કે દરેક બાજુથી ઝુપડા એ આગનો શિકાર બની રહ્યા હતા.

લેખા એક દિવસ આ બધું થશે એ જાણતી હતી. એ જીતને સમજાવવાનો પ્રયાસ ઘણીવાર કરી ચુકી હતી. માત્ર જીત જ નહિ એના પિતા અને કબીલાના અન્ય માણસોને સમજાંવાવનો પ્રયાસ એ કરી ચુકી હતી કે આ રાજ રમતમાં ભાગ લેતા એક દિવસ બધું ગુમાવવા વારો આવશે અને એ દિવસ આવી ગયો.

લેખા પોતાની કુટીર તરફ દોડી. કદાચ એ એના જાજરમાન પિતા અશ્વાર્થને બચાવવા, એના નાનકડા ભાઈ પ્રતાપને સાચવવા અને એની વહાલસોયી માને જેના ખોળામાં રમીને એ મોટી થઇ હતી એને એ આગમાં ભડથું થઇ જતા રોકવા દોડી હતી.

એક બાદ એક ઝુંપડા આગ સામે હાર માની રહ્યા હતા. એ પોતાની જાતને આગમાં લપેટાઈ જવા દેતા હતા. દરેક વસ્તુ સ્વાહા થઇ રહી હતી. કેટલાક સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો પણ એ આગમાં હોમાઈ ગયા હતા. આક્રંદ અને આર્તનાદની ગમગીની આસમાન સુધી પહોચી ઈશ્વરના દરબારમાં જવા માંગતી હોય એમ પળે પળે ઘેરી બનવા લાગી.

જનરલ વેલેરીયન જાણે રાક્ષસ બની ગયો હતો. તે એક પછી એક ઓર્ડર છોડ્યે જતો હતો અને હમણા સુધી સો કરતા પણ વધુ ઝુંપડા ભડકે બળી ચુક્યા હતા.

વૃદ્ધ, અશક્ત, અને બાળકોને એ આગમાં હોમાતા જોવા મારા માટે અશક્ય હતું પણ હું લાચાર હતો. એ બધું વર્ષો પહેલા બનેલું હતું. હું એમાં કોઈ દાખલ કરી શકું એમ ન હતો. માત્ર હું એ જોઈ શકતો હતો. મારું હૃદય એ દર્દ અનુભવી શકતું હતું.

ચિત્રલેખા બધાથી અલગ ઝુંપડા પાસે પહોચી. એ કબીલાના સરદાર અશ્વાર્થની પુત્રી હતી. એના પિતા કબીલાના મુખિયા હતા માટે એમનું ઝુંપડું બધા કરતા મોટું અને અલગ પડતું હતું પણ એથી શું થઇ ગયું?

કેરોશીનના બેરલો સાથે ઈંગ્લીશ કેન્ટોનમેન્ટથી ઉતરી આવેલી જનરલ વેલેરીયસ અને તેની ફોજ સામે એ ઝુપડાની શું વિસાત?

ચિત્રલેખાએ જયારે એના ઝુંપડામાંથી આગની લપેટો બહાર આવતી દેખી ત્યારે એ સમજી ગઈં એ મોડી પડી છે. એ ધુમાડાની વાશે એને કહ્યું કે સી વોઝ ટુ લેટ. તેને પોતાના ઝુપડાની મીઠી મહેકને બદલે રાખની કૃસ વાસ અનુભવાઈ. એ સીધી આગમાં દોડી જવા માંગતી હતી પોતાના પરિવાર સાથે ભડથું થઇ જવા માંગતી હતી પણ એ પહેલા એ પોતાના પરિવારને એ હાલ સુધી લઇ જનાર લોકોને એમના અંજામ સુધી મોકલવા માંગતી હતી.

અશ્વાર્થ કબીલાના બર્નિંગ માટે એની દર્ષ્ટિ તૈયાર ન હતી. જવાળાઓ જવાળાઓ માત્ર ઝુંપડાઓ જ નહિ આસપાસના વૃક્ષો અને એમાં નાના નાના જીવોને પણ ભરખી રહી હતી. પણ કેટલાક ઝુંપડાઓ સળગતા ન હતા.

કેમ?

ચિત્રલેખા સમજી ન શકી. ગોરાઓ અમુક ઝુંપડાઓ પર મેહરબાન કઈ રીતે હોઈ શકે? એ અશક્ય હતું. ગોરાઓમા લાલચ સિવાય કોઈ ચીજ ન હતી. એમનામાં માનવતા હતી જ ક્યા? માનવતા અને મહાનતા તો એમણે માત્ર પુસ્તકોમાં કેદ કરીને રાખી હતી અને જે બચી માનવતા એમનામાં હતી એ લોકોએ પોતાના દેશમાં પોતાની પ્રજા માટે રાખી હતી. અહી તો તેઓ ગુલામ બનાવવા માટે આવ્યા હતા. ગરીબ પ્રજાને કચડી નાખવા માંગતા હતા.

તો કેટલાક ઝુંપડા કેમ સળગતા નથી? ચિત્રલેખા એ તપાસવા આગળ વધી.

સૈનિકો ઝુંપડાઓમાંથી પ્રાચીન વસ્તુઓ અને મદારી જાતે વર્ષોથી જે ઈતિહાસ જતન કરી સાચવી રાખ્યો હતો એ લઇ જઈ રહ્યા હતા. ગોરા સિપાહીઓ સાથે ભળી હિન્દી સિપાહીઓ પણ સામાન્ય ચોર જેમ ઝુંપડા લૂંટી રહ્યા હતા. સિપાહીઓનો રક્ષાનો નિયમ ક્યાં હતો? શું તેઓ અંગ્રેજોની ગુલામીમાં અને એમની મહેરબાની મેળવવામાં એમના ગુણો ભૂલી ગયા હતા? નાગપુરના રાજ પરિવારને પોતે ક્યારેય માફ નહિ કરી શકે. ચિત્રલેખાએ વિચાર્યું.

નાગપુરના મહારાજાના કહેવાથી મદારી કબીલો ત્યાં આવ્યો હતો અને આજે એ જ રાજ પરિવારના શાહી સિપાહીઓ ગોરાઓ સાથે મળી એમના ઝુંપડા સળગાવી રહ્યા હતા. કેટલાક બાળકો જે કબીલો નાગપુરના જંગલમાં વસ્યા પછી જન્મ્યા હતા એ તો બિચારા જે ઝુંપડામાં જન્મ્યા હતા એ જ ઝુંપડામાં સ્વાહા થઇ ગયા હતા.

ચિત્રલેખા એક ઝુંપડા તરફ આગળ વધી. તેનો હાથ તેની કમર પર ભરાવેલ કટાર પર ગયો. એની આંખોમાં એક નાગિન કરતા પણ વધુ ચમાક દેખાવા લાગી. એ ભડકે બળતી આગ કરતા પણ વધુ ઝવાળાઓ એની આંખોમાં હતી.

એ ઝુંપડામાં કઈક શોધી રહેલા ગોરાઓને મોતને ઘાટ ઉતારવા આગળ વધી. ગોરાઓ ગરીબ મદારીઓના ઝુંપડામાં શું શોધી રહ્યા હતા એ સમજાઈ શકે એમ ન હતું. તેમણે એક બાદ એક ઝુંપડા ફંફોસ્યા હતા અને જે ચીજ શોધી રહ્યા હતા એ હાથ લાગી કે ન લાગી, એમણે ઝુંપડા સળગાવી દીધા હતા. જે પરિવારો એમના ઝુંપડામાં દાખલ થતા જ ડરીને બહાર નીકળી ગયા એ આગથી બચી ગયા હતા પણ બાકીના જે અંદર એમને રોકવા રોકાયા એમને ગોરાઓએ કેરોશીનના બેરલથી ભૂંજી દીધા હતા અને બાકીનું કામ આગે કરી નાખ્યું હતું.

બહાર નીકળી શકયા એ બધા પણ કઈ નશીબદાર ન હતા. બહાર નીકળ્યા એમાંના ગોરાઓ અને હિન્દી સિપાહીઓ સામે લડયા હતા તો મોટા ભાગના ગોરાઓની ગોળીઓ તો કેટલાક હિન્દી સિપાહીઓની તલવારોનો ભોગ બની ગયા હતા.

એક નાનકડા યુદ્ધ જેવું વાતાવરણ ઉભું થયું. યુવાન મદારીઓ હિન્દી અને અંગ્રેજી સિપાહીઓ સામે લડી રહ્યા હતા તો એ સાથે તેઓ સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને સલામત કરવા એમને જંગલની ઝાડીઓ તરફ દોરી રહ્યા હતા.

આગ, અંગ્રેજ અને બંદુકો ત્રણ દુશ્મન સામે એકી સાથે લડવું અશક્ય હતું. કબીલો ભારે ખુવારી વેઠી રહ્યો હતો.

એકાએક ચિત્રલેખા જયાં ઉભી હતી એના પાછળની ઝાડીના પાંદડાઓમા કોઈ અવાજ થયો. એ તેની પાછળ કોણ છે એ જોવા ફરે એ પહેલા એક કાદવવાળો હાથ તેના મોં પર ચંપાઈ ગયો. લેખાએ બંને હાથથી એ વ્યક્તિના કાંડાને પકડ્યો અને તેની પકડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ એ પકડ તોડી શકે એમ ન હતી.

"ચિત્રલેખા, હું છું." એના મો પર ચંપાઈ ગયેલ હાથની પકડ ઢીલી થઇ. ચિત્રલેખાએ અવાજ ઓળખતી હતી. એ સત્યજીત હતો. કબીલાના એક સામાન્ય મદારીનો પુત્ર જેનામાં અસામાન્ય વ્યક્તિત્વ હતું અને જેને ચિત્રલેખા ચાહતી હતી.

"તું અહી શું કરી રહ્યો છે? તારો પરિવાર ઠીક છે?" ચિત્રલેખા એના તરફ ફરી. સત્યજીતે કઈ જવાબ ન આપ્યો, એ ચિત્રલેખાનો હાથ પકડી એને નજીકની ઝાડી તરફ ખેચી ગયો. તેના ચહેરા ઉપર કાદવ ખરડાયેલો હતો.

“તું કેમ કઈ બોલતો નથી...?” ચિત્રલેખા અધીરી બની ગઈ.

સત્યજીતના હાથ જેમ કાદવથી ખરડાયેલા હતા એમ એનો ચહેરો પણ કાદવથી ખરડાયેલો હતો નહિતર એના ચહેરા પરના ભાવ જોઈ ચિત્રલેખા સમજી ગઈ હોત કે એનો પરિવાર નથી રહ્યો. એ ગોજારી આગ એને ભરખી ચુકી હતી.

ચિત્રલેખા જાણતી હતી કે સત્યજીત નાગપુરના રાજઘરાના માટે કામ કરતો હતો. એ રાજકુમારના આદેશથી દુષ્ટ નાગોને જંગલમાંથી ખસેડવાના કામમાં હતો અને એની આડશે તેઓ વજ્ર ખંજરનું રહસ્ય સાચવતા હતા. આથી જ એને એ શાહી સિપાહીઓ રાજકુમારની ફોજ વિરુદ્ધ લડતા ઓળખી ન જાય એ માટે એણે પોતાના ચહેરાને કાદવમાં લપેટ્યો હતો અને કદાચ એ ભીનો કાદવ એના ચહેરાને આગની ઝવાળાઓમાં શેકાઈ જતા રોકવામાં મદદ પણ કરી શકે. એ હિન્દી સિપાહીઓ જાગીરદારો અને બીજા ગદ્દાર સિપાહીઓ હતા. એ સિપાહી સુબાહુના ન હતા.

“એ નથી રહ્યા..” સત્યજીતના કાદવખરડા ગાલ પરથી વહેતા આંસુ ચિત્રલેખાએ જોયા.

“અને છતાં તું હજુ રાજકુમારની ગુલામી કરવા માંગે છે?” ચિત્રલેખાએ એની છાતી પર બંને હાથથી ધક્કો આપ્યો, “તું હજુ તારો ચહેરો છુપાવે છે જેથી તારી અને તારા રાજકુમારની દોસ્તી અખંડ રહે?”

“ના, એનો જીવ લેવા માટે..” સત્યજીતના અવાજમાં વેદના અને ગુસ્સો હતા, “રાજકુમારને મારવા માટે.. એ ઘાતકીની ગુલામી તો હું ક્યારેય છોડી આવ્યો છું અને કદાચ એને લીધે જ આ બધું થયું છે.”

“મારા બાપુ કયા છે?” ચિત્રલેખા સત્યજીતને બાજી પડી, “મારો ભાઈ, મા મારો પરિવાર ક્યા છે?”

“જનરલ વેલેરીયસની કેદમાં..” સત્યજીતે એના માથા પર હાથ મૂકી કહ્યું, “એમને છોડાવવા કોઈ તરકીબ જોઇશે...”

“હું એમની છાતી ચીરીને પાછા લઇ આવીશ..” ચિત્રલેખાના ઉદાસ ચહેરા પર ફરી રોશની જવાળાઓ ફેલાઈ ગઈ.

“એ શકય ન નથી..” સત્યજીતે એને સમજાવતા કહ્યું, “સરદાર અશ્વાર્થ પણ એ જ ભૂલ કરી ગયા..”

“મતલબ..?” એ હબકી ગઈ, “બાબાને એમણે...” એ વાક્ય પૂરું ન કરી શકી.

“ના, બાબા એમની કેદમાં છે.”

“એ, અશકય છે..” ચિત્રલેખા એક કદમ દુર ખસી ગઈ, “તું જુઠ્ઠું બોલે છે. બાબાને કોઈ જીવતા કેદ કરી શકે એ અશકય છે.”

“હા પણ શુરવીરોની એક કમજોરી હોય છે જે આ ગોરા લોકો સારી પેઠે જાણે છે..” સત્યજીતની આંખોમાં ઉદાસી ઘેરી બની, “એમણે તારી મા અને ભાઈને કેદ પકડેલા હતા, બાબા એ તલવાર હેઠી મુકવી પડી હતી.”

“તારા બાકીના મિત્રો ક્યાં છે?"

"ખબર નથી.. હું તને મળવા તારી કુટીર પર આવ્યો હતો. જયારે હું અહી પહોચ્યો ત્યારે બાબાના હાથમાં તલવાર હતી અને જનરલ વેલેરીયસના માણસોએ મા અને નાનકાના ગાળા પર અંગ્રેજી કટારો રાખેલી હતી.” સત્યજીતે આસપાસ નજર કરતા કહ્યું, “છેલ્લા મિત્રોને મે બેઠેલા સાગ પાસે જોયા હતા તેઓ ત્યાં બેસી વાતો કરી રહ્યા હતા."

"તે છેલ્લે જોયા હતા મતલબ?” તે ડઘાઈ ગઈ, “શું તેઓ બધા મૃત છે?"

"મને ખબર નથી. જ્યારે હું એમને છોડી અહી આવ્યો ત્યારે તેઓ જીવતા હતા."

“એ ટકી શક્યા હશે?’

“નાં, એ નહિ ટકી શક્યા હોય..” એ ઉદાસ અવાજે બોલતો ગયો, “તેઓ કોઈ દિવસ લડાઈમાં ગયા જ નથી..”

“મને વિશ્વાસ નથી થતો.. આ કઈ રીતે થઇ ગયું?”

“મેં જે જોયું તે મને પણ નથી સમજાતું.. રાજકુમારના શાહી સિપાહીઓ આમ હુમલો કેમ કરે?”.

“એ જ તો હું પણ વિચારું છું.. આપણા લોકોને તો ખબર જ નથી કે આ લડાઈ શા માટે છે..? તેઓ માત્ર નાગપુરના જંગલને પોતાના લોહીથી ભીંજવી રહ્યા છે.”

સત્યજીતે એનો કોમળ હાથ પોતાના હાથમાં લીધો, “લેખા આપણે કઈક કરવું પડશે એ ગોરાઓ જેવું જ કઈ વિચારી બાબાને છોડાવવા પડશે..”

“પણ શું..?” લેખા એના કાદવ ખરડા હાથની ગરમી અનુભવી રહી, “જીત આપણે એવું શું કરીશું?”

“એ હું જાણું છું.”

સત્યજીત એનો હાથ પકડી એને બીજી તરફ લઇ જવા લાગ્યો, એ તરફ આગ નહોતી.. આગનો ઉજાસ પણ એ તરફ ન હતો.

સત્યજીતે એક સ્થળે અટકી લેખાને પણ થોભવા ઈશારો કર્યો. એણે એક વિશલ વગાડી અને એ સાથે ઝાડીઓમાંથી અંધકારને ચીરતો એક સફેદ ઘોડો બહાર આવ્યો. સત્યજીત અને લેખ ઘોડા પર સવાર થયા.

ઘોડાએ એક જીણી હણહણાટી કરી અને ઘેરી ઝાડીઓ તરફ આગળ વધ્યો. ધીમે ધીમે એ ઝાડીઓના અંધકારમાં વિલીન થઇ ગયા અને મારી આંખો સામે પણ એ ઝાડીઓ જેવો જ અંધકાર ફેલાઈ જાય એ પહેલા હું એકાએક આખો ખોલી શક્યો.

*

“કપિલ...” નયના મારા બાજુમાં જ બેડની કિનાર પર બેઠી હતી. એની આંખોમાં ઉદાસી અને દુ:ખ હતા કેમકે એક નાગિન તરીકે એ મારા ભાનમાં આવતા જ મેં જે જોયું એ બધું મારી યાદોમાંથી અનુભવી શકતી હતી.

હું બોલવા મથ્યો પણ મારા હોઠ ન ખુલ્યા. મારી આંખો ખુલી અને મને સોમર અંકલ મમ્મી અને શ્લોક દેખાયા. મેં એમના તરફ જોઈ ફરી બોલવા પ્રયાસ કર્યો પણ હું બોલી ન શક્યો.

“એ મણીની શક્તિઓ સામે ટકી શકે એમ નથી...” સોમર અંકલે કહ્યું, “એનું મન એ શક્તિ હવે જે બતાવવા માંગે એ દેખી શકવા સમર્થ નથી..”

“હવે શું થશે...?” નયના ચિંતિત થઈ ગઈ. કારણ શું બન્યું હતું એ જાણવું જરૂરી હતું.

“એ મણી તારે હાથમાં લેવું પડશે અને મણીની ઉર્જાને નિયંત્રણમાં લેવી પડશે..” સોમર અંકલે કહ્યું, “નહિતર કપિલ કોમામાં ચાલ્યો જશે...”

નયનાએ કઈ પણ જવાબ આપ્યા વિના મણી મારા હાથમાંથી લઇ લીધું.

“શું થયું છે?” મેં હોઠ ફફ્ડાવયા અને હું બોલી શક્યો.

નયનાએ મણી મારા હાથમાંથી લીધું એ સાથે જ હું મણીની શક્તિઓથી મુક્ત થઇ ગયો. હું પુરા હોશમાં આવી ગયો.

“એવરીથિંગ ઈઝ ઓલરાઈટ..” સોમર અંકલે મારા ખભા પર હાથ મુક્યો.

“વિવક ક્યા છે?” શું એ મળ્યો..?” મેં બેઠા થતા પૂછ્યું, “વૈશાલીનો કોઈ પતો લાગ્યો..?”

પણ એ ચુપ રહ્યા. મને કોઈ જવાબ ન મળ્યો એ પરથી હું સમજી ગયો કે સોમર અંકલને હજુ એમને શોધવામાં સફળતા મળી નથી.

“નયના...” એકાએક મારું ધ્યાન નયના તરફ ગયું એ બેડ પર મારા સ્થાને બેહોશ થઇ ગઈ.

“એને કઈ નહિ થાય.. એ સંપૂર્ણ નાગિન છે..” સોમર અંકલનો હાથ હજુ મારા ખભા પર જ હતો, “એ મણીની શક્તિઓ કાબુમાં કરી લેશે..”

મારી પાસે સોમર અંકલે જે કહ્યું એમ જ થશે એના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. હું નયના તરફ જોઈ બેડની કિનાર પર બેસી રહ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky