Reiki Therapy - 6 - Aura books and stories free download online pdf in Gujarati

રેઈકી ચિકિત્સા - 6 ઔરા

આપણે આપણા જે શરીરને જોઈ શકીએ છીએ તે આપણું સ્થૂળ શરીર છે. આપણા સ્થૂળ શરીરની બહારની બાજુએ બીજા છ શરીર આવેલા છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તે આ મુજબ છે:

1. સ્થૂળ શરીર - PHYSICAL BODY

2. પ્રાણ શરીર - ETHERIC BODY

3. મનોમય શરીર - MENTAL BODY

4. ભાવ શરીર - EMOTIONAL BODY

5. ચૈતન્ય શરીર - SPRITUAL BODY

6. સૂક્ષ્મ શરીર - ASTRAL BODY

7. નિર્વાણ શરીર - CELESTIAL BODY

સ્થૂળ શરીરની બહારની બાજુએ રહેલા બાકીના શરીરને આપણે આભા તરીકે ઓળખીએ છીએ.

આ પૈકી આપણે ફક્ત આપણું શરીર જોઈ શકીએ છીએ બાકીના છ શરીર આપણે જોઈ શકતા નથી. હજારો વર્ષ પૂર્વે આપણા ઋષિમુનીઓએ યોગશાસ્ત્ર માં આ સાત શરીરનાં વર્ણન કરેલાં છે. હવે આજના યુગમાં કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા આ સાત શરીરના ફોટા લઇ શકાય છે.

આ સાત શરીર પૈકી જો આપણું સ્થૂળ શરીર, પ્રાણ શરીર અને મનોમય શરીર એ ત્રણેય શરીર જો સંતુલનમાં હોય તો આપણે સંપૂર્ણ સ્વસ્થ હોઈએ છીએ પરંતુ આ ત્રણે પૈકી કોઈ પણ એક પણ શરીરનું સંતુલન ન રહેવાથી આપણે અસ્વસ્થ અથવા રોગી બની જઈએ છીએ.

સામાન્ય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આપણે આ ત્રણ શરીર અંગે વિચારીશું. બાકીના શરીર વિષે ઊંડાણમાં વિચારવાની જરૂર નથી. જે લોકોને યોગ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવો હોય તેમના માટે જરૂરી છે.

1. સ્થૂળ શરીર - PHYSICAL BODY

આપણે જેને જોઈ શકીએ છીએ તે આપણું સ્થૂળ શરીર છે. આપણને થતા બધા રોગ આપણે તે શરીર ઉપર અનુભવીએ છીએ, આજ શરીર તે રોગોને ભોગવે છે. આજ શરીર વડે તેનું નિદાન અને ઉપચાર આપણે કરી શકીએ છીએ.

આજના સમયમાં ઘણા રોગો એવા છે જેનું નિદાન આધુનિક શોધખોળ વડે પણ શક્ય બન્યું નથી. કેટલીક વાર આપણે તેને વાયરલ ઇન્ફેકશન અથવા ઍલર્જી સમજીને તેનું યોગ્ય નિવારણ નથી કરી શકતા. ઘણી વખત આવા રોગો ના માટે ત્યારે ડૉક્ટર છેવટે મનનો વહેમ છે એમ સમજાવી દે છે પરંતુ વ્યક્તિને થયેલ રોગ અને તેનાથી થતા દુઃખ અને દર્દ ને ભોગવનાર જ સમજી શકે કે આ વહેમ નથી.

મેડિકલ સાયન્સ માને છે કે, કોઈ પણ મોટો રોગ આપણા ધ્યાનમાં આવે તે પહેલાં આપણા શરીરમાં પ્રવેશી ચૂકયો હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે તો આવો રોગ શરીરમાં ક્યાં છુપાયેલો હોય છે કે કોઈ પણ પ્રકારના ટેસ્ટમાં પકડી શકતો નથી?

આ વાત ને સમજવા માટે આપણે પ્રાણ શરીર અને મનોમય શરીરનો અભ્યાસ કરીશું. સ્થૂળ શરીરમાં ઉદ્દભવતા રોગો પૈકી ઘણા રોગોનું મૂળ આ બે શરીર હોઈ શકે છે.

2. પ્રાણ શરીર - ETHERIC BODY

સામાન્ય વ્યક્તિના સ્થૂળ શરીરની ચારે તરફ ચાર થી આઠ ઇંચ સુધી આ શરીર હોય છે. પ્રાણ શરીર વ્યક્તિના કવચ નું કામ કરે છે. તે નેગેટિવ વાયબ્રેશનને શરીરમાં પ્રવેશતાં રોકે છે.

સાધુ-સંતો તથા જેમના શરીરના ઉપરનાં ચક્રોનો ખૂબ વિકાસ થયેલો હોય છે તેમનું પ્રાણ શરીર ખૂબ વિકસિત હોય છે. તે ખૂબ પ્રભાવશાળી અને શક્તિશાળી હોય છે, જેમકે આપણા સંતો. આવી વ્યક્તિ ની પાસે કે તેમના પ્રાણ શરીરના પ્રભાવમાં બેસવાથી સામાન્ય વ્યક્તિને પણ સમતા, સ્વસ્થતા, આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. તણાવ દૂર થાય છે. આથી જ સાધુ-મહાત્માઓ ના સંગમાં આપણે આત્મ જાગૃતિ અંગે ચિંતન કરવા લાગીએ છીએ.

રેઈકીનો અભ્યાસ કરવાથી આપણા શરીરનો યોગ્ય વિકાસ થઈ શકે છે અને આપણે સ્વસ્થ અને નીરોગી અને સ્વસ્થ જીવન મેળવી શકીએ છીએ. જે આપણને આત્માના ઉચ્ચ સ્થાન તરફ લઇ જઈ શકે છે. આ પ્રાણ શરીર પર સાત ચક્રો આવેલાં છે.

3. મનોમય શરીર - MENTAL BODY

મનોમય શરીર એ આપણા સ્થૂળ શરીરનો ચારે તરફ ત્રણથી ચાર ફૂટ સુધી ફેલાયેલું હોય છે. વિચારોની ઉત્પત્તિ અહીંજ થાય છે અને અહીંથી પ્રાણ શરીરમાં થઈને આપણા સ્થૂળ શરીરમાં જાય છે. ક્ષણે ક્ષણે આપણા વિચારો બદલાતા રહે છે અને આ બધા વિચારોને અમલમાં મૂકી શકાતા નથી.

આપણે સામાન્ય રીતે હકારાત્મક અથવા નકારાત્મક વિચારો કરતા હોઈએ છીએ. હકારાત્મક વિચારો આપણી દૈવી શક્તિ છે અને નકારાત્મક વિચારો આપણી રાક્ષસી શક્તિ છે. આ પૈકી આપણને જેવા વિચારો આવે તેવું આપણું જીવન બની રહે છે.

આમ, ત્રણે શરીરને સમજ્યા પછી આપણે કઈ રીતે રોગોના શિકાર બનીએ છીએ તે સમજીએ.

મનોમય શરીરમાં ઉદ્દભવેલા વિચારો, પ્રાણમય શરીરના આધારે આપણા સ્થૂળ શરીરમાં પહોંચે છે. આ પૈકી હકારાત્મક અને નકારાત્મક વિચારોની અસર આપણા ઉપર થાય છે. જયારે આપણા રોજના કામો અંગેના વિચારોની અસર આપણા મગજ ઉપર થાય છે.

દુનિયામાં રેઈકી, એક્યુપ્રેશર, એક્યુપંકચર, પ્રાણિક હિલીંગ જેવી લગભગ 150 પદ્ધતિઓ દવા વગર રોગ મટાડવા માટે વપરાય છે તે પૈકી રેઈકી ખૂબ સરળ છે કારણકે તે કરવા સમય અને સ્થળનું કોઈ બંધન નથી. ખાસ કોઈ નિયમ નથી કે કોઈ આડ અસર નથી.

રેઈકી શક્તિથી આપણા પ્રાણ શરીરમાં રહેલા સાત ચક્રોની ગતિ સંતુલિત બને છે. તેમાં શક્તિનો પ્રવાહ વધે છે અને તેથી આપણા સ્થૂળ શરીરમાં પંચતત્વનું સંચાલન અને પોષણ યોગ્ય રીતે થાય છે. પરિણામે આપણે આપણા તણાવો અને રોગોમાંથી મુક્તિ મેળવીને સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શકીએ છીએ. અંતે આપણે અલૌકિક આનંદ મેળવી શકીએ છીએ.