Reiki Therapy - 7 - Chakras books and stories free download online pdf in Gujarati

રેઈકી ચિકિત્સા - 7 - ચક્રો

આપણા ઋષિમુનિઓએ તેમની દિવ્યદ્રષ્ટિથી આપણા સ્થૂળ શરીરની બહાર રહેલા છ અદ્રશ્ય શરીર અંગે ખૂબ સુંદર જ્ઞાન મેળવ્યું હતું. તેમણે પ્રાણ શરીરમાં રહેલા સાત ચક્રોની આપણા જીવન સાથેની અગત્યતા આપણને ખૂબ સુંદર રીતે સમજાવી છે. તણાવના કારણે ચક્રની ગતિમાં ઉદ્દભવતી અસમતુલા, શક્તિમાં થતો ક્ષય, પંચતત્ત્વની અસમતુલા અને તેનાથી ઉત્પન્ન થતી બીમારી વગેરેની સચોટ જાણકારી તેમની પાસે હતી.

આ સાત ચક્રો આપણા સ્થૂળ શરીરની બહાર આવેલા હોવાથી તે આધુનિક વિજ્ઞાન અથવા સર્જરી દ્વારા જોઈ શકાતાં નથી. યોગ્ય અભ્યાસ દ્વારા આપણે તેને અનુભવી શકીએ છીએ. કિર્લિયન ફોટોગ્રાફી અને આધુનિક વિજ્ઞાન પણ તેને સમર્થન આપે છે.

શરીરમાં કરોડરજ્જુ ઉપર છેલ્લા મણકા થી લઇ માથાના તાળવા સુધી આ સાતેય ચક્રો ગોઠવાયેલાં છે. પાંચ ચક્રો કરોડરજ્જુ ઉપર અને બે ચક્રો માથાના ભાગમાં આવેલાં છે. તેનાં નામ આ પ્રમાણે છે:

1. મૂલાધાર ચક્ર - ROOT CHAKRA- SACROCOCEGENAL PLEXUS

2. સ્વાધિષ્ઠાન ચક્ર -HARA CHAKRA -THE SACREL PLEXUS

3. મણિપુર ચક્ર - SOLAR PLEXUS - THE CEREBRO-SPINAL PLEXUS

4. અનાહત ચક્ર -HEART CHAKRA - THE LUMBER PLEXUS

5. વિશુદ્ધ ચક્ર - THROAT CHAKRA - THE LARYNGEAL PLEXUS

6. આજ્ઞાચક્ર -THIRD EYE - THE CEREBELLUM PLEXUS

7. સહસ્રાર ચક્ર - CROWN CHAKRA - UPPER CEREBRUM PLEXUS

અલગ અલગ ભારતીય ગ્રંથોમાં ઉપરોક્ત ચક્રોનો ઉલ્લેખ મળે છે. જેમકે, ઇશોપનિષદ માં આધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને બ્રહ્મરંધ્રનો ઉલ્લેખ મળે છે. યોગચૂડામણી ઉપનિષદ અનુસાર આધાર ચક્રમાં ચાર, સ્વાધિષ્ઠાન માં છ, મણિપુર માં દસ, અનાહત માં બાર, વિશુદ્ધમાં સોળ અને સહસ્ત્રાર માં હજાર પાંખડીઓ હોય છે.

અલગ અલગ ઉપનિષદોમાં સર્વાધિક રીતે આ પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે. અલગ અલગ ચક્ર અલગ અલગ શક્તિઓ ના આધારે દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે હંસ ઉપનિષદ અનુસાર બ્રહ્મરંધ્ર માં બ્રહ્મનો નિવાસ છે. તંત્ર શાસ્ત્ર અનુસાર જુદાં જુદાં ચક્રો ઉપર ધ્યાન કરવાથી જુદી જુદી શક્તિઓ પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે છે:

મુલાધાર ચક્ર:

આ ચક્ર સુષુમણા નાડીમાં આવેલું છે. આ ચક્ર કુંડલિની શક્તિનો આધાર છે. આ ચક્ર ઉપર ધ્યાન લગાવવાથી કુંડલિની શક્તિ જાગૃત થાય છે અને અલગ પ્રકારના આનંદની અનુભૂતિ થાય છે.

સ્વાધિષ્ઠાન ચક્ર:

આ ચક્ર યોનિના મૂળમાં આવેલું છે. આ ચક્ર યૌન અનુભૂતિઓ અને એના સંબંધિત પ્રવૃત્તિઓનો આધાર છે. આ ચક્ર ઉપર ધ્યાન કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરે દૂર થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

મણિપુર ચક્ર:

આ ચક્ર નાભિના મૂળમાં આવેલું છે. આ ચક્ર નિદ્રા, ઈચ્છા, સંસારિકતા, મોક્ષ, ભય, વિશ્વાસઘાત, શરમ, ઇર્ષ્યા, દુઃખ વગેરેનો આધાર છે. આ ચક્ર ઉપર ધ્યાન લગાવવાથી સૃષ્ટિ ને સમજવામાં મદદ મળે છે અને વૈરાગ્ય લાગે છે.

અનાહત ચક્ર:

આ ચક્ર સુષુમણા નાડીમાં હૃદય પાસે આવેલું છે. અહીં જીવનો નિવાસ છે. અહંકાર, જાતિય આવેગ, આશા, ચિંતા, સંદેહ, અભિમાન વગેરેનું નિવાસ સ્થાન છે. આ ચક્ર ઉપર ધ્યાન કરવાથી બુદ્ધિમત્તા, શુદ્ધતા, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ વગેરેની પ્રાપ્તિ થાય છે.

વિશુદ્ધ ચક્ર:

આ ચક્ર ગળાના મૂળમાં આવેલું છે. આ ચક્ર ઉપર ધ્યાન લગાવવાથી દયા, ક્ષમા, સાહસ, આત્મ-નિયંત્રણ, શુદ્ધતા અને સમન્વય જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે અને સમસ્ત શાસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.

આજ્ઞાચક્ર:

આ ચક્ર કપાળમાં બંને ભ્રમરો વચ્ચે આવેલું છે. આ ચક્ર ઉપર ધ્યાન કરવાથી યોગી સર્વજ્ઞ થાય છે, શાસ્ત્રોનું જ્ઞાન થાય છે અને સાક્ષાત્કાર નો અનુભવ થાય છે. આ યોગી દરેક પ્રકારના અજ્ઞાન માંથી નીકળીને ઓમ્ માં સ્થિર થાય છે અને પરમાનંદ તે પામે છે.

સહસ્ત્રાર ચક્ર:

આ ચક્ર ઉપર ધ્યાન કરવાથી શિવ અને જીવ એક થઇ જાય છે. એને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થઇ જાય છે. અજ્ઞાન અને મોહ દૂર થઇ જાય છે. એ પાપ અને પુણ્યના ચક્કરમાંથી છૂટી જાય છે. એનાં સંચિત કર્મો સમાપ્ત થઇ જાય છે અને આ રીતે તે દેહ મુક્તિ પ્રાપ્ત કરે છે. દેહ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી તેનો પુનર્જન્મ થતો નથી.