Sambandh name Ajvalu - 13 books and stories free download online pdf in Gujarati

સંબંધ નામે અજવાળું - 13

સંબંધ નામે અજવાળું

(13)

હરિના મન હરી લેવાની હામ

રામ મોરી

મેડતાની ચાર વર્ષની એક બાળકી રાજમહેલની અટારીએથી ઉભી બજારે પસાર થતા વરઘોડાને જુએ છે. નાનકડી કોડીલી આંખો પર ઓઢણીએ લાગેલી ઘુઘરીઓ જેવી પાંપણો સ્થિર થઈ વરરાજાને જુએ છે. પોતાના લાંબા ચોટલાને હવામાં ફંગોળી રેતી પર ચડેલા કાચા કુંવારા વંટોળા જેવી એ છોકરી રજવાડી મોજડીએ ઉંબરો ઠેકતી પોતાની ધાવમાતા પાસે પહોંચે છે. માસાહેબ તો જન્મ દીધાના ગણતરીના દિવસોમાં સ્વર્ગે સીધાવી એ પછી આ વ્રજથી આવેલી ધાવમાતાએ એને મોટી કરી. એ ધાવમાતા પાસે હાંફતી ઉભી રહી. સોનેરી ટીકી ટાંકેલી બોર્ડરની જરદોશી ગુલાબી ઓઢણીના કુંવારા પાલવને આંગળીમાં રમાડતા એ બોલી, ‘’ માસીબાસાહેબ, મારી જાન ક્યારે આવશે ? મારો વર કોણ છે ?’’ નવરંગી રેશમી દોરાથી પાનેતરમાં ભરતકામ કરતી ધાવમાતાની આંગળીઓ સ્થિર થઈ ગઈ. કુંવરીબાને આટલી જલદી પરણેતરના ઓરતા આવશે એ નહોતું ધારેલું. ક્ષણ બે ક્ષણ એ કુંવરીની નિર્દોષ આંખો સામે જોઈ રહી અને એના ગાલે હાથ મુકીને બોલી.

‘’મીરાં, આ જો પેલા ગોખમાં હું જે વ્રજથી લાવી છું એ કાન્હાની મૂરત જો, એ લાડકુંવર તારા વર છે.’’

એ પછી મીરાંના ગાલ એના હોઠ જેવા રતુંબડા થયા અને પાંપણો પર મણમણના મોઘમ ભાર મુકાયા. શરમના શેરડા કાનની રાતી બુટ બનીને હરખાયા. ચાર વર્ષની મીરાં એ દિવસે નંદલાલની સોળ વર્ષની નુપૂરા થઈ. હરિને હેત કરનારી, શ્યામની સુંદરી, માધવની મનસ્વિતા, ગોપાલની ગોવાલણ, રસેશ્વરની રાધા, જગદીશની જગમોહિની, ક્રિષ્નની કવિતા. મોહનની મીરાં. પછી એ મીરાં હકથી ગાઈ શકે કે,

‘’ જા કે સર મોર મુકુટ મેરો પતિ વોહી

મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ’’

હરિના દાસ હોવું કોને ન ગમે ? હરિને હેત કરવું કોને ન ગમે ? હરિને ગોપીભાવે ભજનારાઓની જગમાં કોઈ તાણ નથી. મીરાં કહે છે એમ કે વ્રજમાં માત્ર ક્રિષ્ન જ એક પુરુષ છે, બાકી તો બધી ગોપીઓ છે. આ વાત વિશ્વના પરિપ્રેક્ષ્યમાં પણ લાગુ પડે કે જગતમાં પુરુષોત્તમ જ પૂર્ણ પુરુષ છે બાકી બધા એમની સેવિકાઓ છે, એમના ગુણોને ગાનારીઓ છે, એમનો શૃંગાર કરનારી મનસ્વિનીઓ છે, એમની રીઝવનારી રસેશ્વરીઓ છે, એમને ભેટીને રડનારી રાધાઓ છે.

ગુજરાતી ભાષામાં ક્રિષ્નને ઉદ્દેશીને અનેક ગીતો લખાયા છે. મોટાભાગના ગીતોમાં ક્રિષ્નના ગુણગાન, ક્રિષ્નની લીલાઓ, ક્રિષ્નના રાધા, રુક્મણી, અન્ય પટરાણીઓ સહિત ગોપીઓ અને જશોદા માતા સાથેના સંબંધોને આવરીને ગીતો રચાયા છે. એ બધામાં એક ગીત પોતાના પોતને લીધે બહું નોખી ભાત પાડે છે. એ ગીતમાં જે લાવણ્ય છે એ એટલું આહલાદક છે કે એને સાંભળતા જ રહીએ એને ફરી ફરી વાંચતા રહીએ. કવિ શ્રી મુકેશ જોષી દ્વારા આ ગીત રચાયું છે.

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી

ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,

એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં

હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?

મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?

એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને

મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને

હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..

એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,

એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,

હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી

એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું

લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું

પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !

એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

કવિ શ્રી મુકેશ જોષીની આ રચના ફૂલોની પાંદડીઓ પર બાઝેલા ઝાકળ જેવી છે. કાળની કાળમીંઢ પથ્થરિયા મન પર ખળખળ કરતા મીઠા ઝરણાની શાતા લઈને આ ગીત પ્રગટ્યું છે.

અહીં આ ગીતમાં નાયિકા એ આજની કાચી કુંવારી છોકરી છે. એ નાયિકાની જીદ છે કે હરિ હવે તમે આવો અને મને પરણો. કોઈ એક કાળે વિદર્ભ દેશની રાજકુમારી રુક્મિણીએ અરજી કરેલી અને તમે ભવાની મંદિરે સ્વયંવરની સવારે જ એનું અપહરણ કરેલું. તો હું એવું માનું છું કે માધવ તમે અરજીને અડફેટે લેતા નથી. હરિ હું માનું છું કે જેમ મીરાંને તમે જમુનાતીરે દર્શન આપેલા એમ મનેય દર્શન આપીને મારા હાથ પકડીને તમે કહેશો કે તમારી આંખો ઉભેલી પ્રતિક્ષા પગના અંગુઠાના જોરે જે તીવ્રતાથી ઉભી હતી કે અમારે દ્વારિકાથી સીધું દોડી આવવું પડ્યું. અને એક મિનિટ હરિ, તમે એવો કોઈ વહેમ નહીં રાખતા કે હું તમને બત્રીસ ભાતના પકવાન જમાડીશ, તમને પંચામૃતથી સ્નાન કરાવીશ, તમારી માટે કિર્તન થાળ ગાઈશ, તમને મુખવાસ આપીને તમારી આરતી ઉતારીશ. નો વે, કેમકે ભગવાન બનીને નહીં મારા બોયફ્રેન્ડ બનીને આવવાનું તમને નિમંત્રણ આપું છું. હું તમારી પ્રભુતાને નહીં તમારી પ્રેમને નમું છું. મને તમારા ગીતા જ્ઞાનમાં નહીં તમારા માટે લખાયેલા ગીતોમાં જ્ઞાન છે, મારા માટે તમે દ્વારિકાના નહીં મારા મનના રાજા છો. સો યેસ હરિ, હું અપેક્ષા રાખું છું કે તમે ડેનિમ યલો ટીશર્ટમાં અને વુડલેન્ડના બ્લ્યુ પેન્ટમાં આવજો. ( મોટા ભાગે પીળી કામળી અને વાદળી ધોતી જોઈ છે તમારા શણગારમાં એટલે) હરિ તમે પીતાંબર અને સુવર્ણ અલંકારો પહેરીને ન આવતા, પણ બહુ મન થાય તો સુરતી છોકરાની જેમ વ્હાઈટ ગોલ્ડની પતલી ચેઈન પહેરીને આવજો જેમાં તમારા નામ ‘હરિ’નો ‘એચ’ ડાયમંડમાં ચળકતો હોય, હાથમાં એક બે રીંગ સુધી વાંધો નથી. તમારો રથ અર્જુન પાસે મુકીને આવજો, મસ્ત બ્લેક કારમાં આવજો અને એવી કાર લાવજો કે મારા ગામના છોકરાઓ એ કારથી દૂર હટે જ નહીં. હરિ, તમે આંવો ત્યારે મુગટના બદલે ટોપી પહેરીને આવજો ( તમને તો ખબર છે જ કે આપણા કાઠિયાવાડમાં કેટલો તાપ પડે છે) અને હા હરિ, તમારી મોજડી ચાલશે, થોડી વર્કવાળી ન હોય એટલું ધ્યાન રાખજો. બાય ધ વે, મારા ઘરમાં દુઝાણુ નથી અમે લોકો કોથળીને બાટલીનું દૂધ પીઈએ છીએ એટલે તમને માખણ મીસરી બહુ નહીં આપીએ ચલાવી લેજો. વરિયાળીના શરબતમાં નહીંતર લખોટીવાળા લીલી બાટલીની સોડામાં રાજી રહેજો હો. હવે ગીતના અસ્તરને હાથમાં લઈ કવિએ ટાંકેલા આભલા ભરત પર આંગળીઓ ફેરવીએ તો નાયિકાની હરિ માટેની સુચનાઓ વધારે મીઠી બનતી જાય છે. હર, હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે બંને આપણા સંબંધને સંતાડી રાખીશું ? મારી અરજી સાંભળો હરિ, મારા ઘરે અત્યારે બહુ બધા મુરતિયાઓ પોતાના ફોટા સાથે બાયોડેટા મોકલી મારા ઘરના લોકોને રીઝવવાના પ્રયત્ન કરે છે. એક કામ કરો હરિ, આપણે આ લવમેરેજને અરેન્જ મેરેજ બનાવી દઈએ. એક કામ કરો, તમે પણ તમારો મસ્ત ફોટો ( કે જેમાં રાધા તમારી સાથે દેખાતી ન હોય) અને બાયોડેટા ( જેમાં એ ક્લીઅર હોય કે તમારે મમ્મી પપ્પાની કેટલી જોડ છે, સોરી પણ તમે અંગત છો એટલે મજાક તો કરીશ જ) મોકલી આપો. આઈમ શ્યોર કે મારા ઘરના લોકો તો બહુ જ ખુશ થઈ જશે કેમકે તમે તો બધાને ચપટી વગાડતા બધાને ખુશ કરી દેતા હો છો. હરિ, કદાચ તમને આ બધું કરવું ન ગમે પણ મારી મજબુરી છે. મારી ઉંમર હવે પરણું પરણું થઈ રહી છે. મારા આખ્ખા ઘર અને શેરીની તો જાણે નીંદર હરામ થઈ ગઈ છે. મારી વધતી ઉંમર એ લોકોની આંખમાં કાંચો કુંવારો ઉજાગરો બનીને ખટકાય છે. હરિ, તમે જ એક એવા દરજી છો જે મારા જેવા કાપડના ટુકડાને સીવીને કોઈ ચોક્કસ આકાર આપી શકશો બાકી તો બધા આડા અવળા સાંસારિક જવાબદારીઓના ટેભા દઈ મારા પોતને હતું ન હતું કરી નાખશે. તો હરિ, મારા ઘરના લોકો થોડા વધુ પડતા આસ્થાવન છે ગ્રહો બાબતે. એટલે તમારા જન્માક્ષરને કોરા પાને લખીને મોકલાવજો. મને વિશ્વાસ છે વાંધો નહીં આવે કેમકે સોળ હજાર સોળસોને આઠ છોકરીઓ સાથે જેની જન્મકુંડળી મળી ગઈ હોય એની સાથે મારી કુંડળીના રાહુ કેતુને ક્યા વાંધો પડવાન. તો હરિ તમે માગું નાખો તો ઝાપટાની જેમ નહીં મુશળધાર વરસાદની જેમ ગરજી ગરજીને માગું નાખજો એટલે આખ્ખા ગામને ખબર પડે કે લે જુઓ છોકરાવાળા માગું લઈને આવ્યા. હવે તમારી જન્મકુંડળીને બધું સેટ છે પણ હરિ, તમારે મારા મમ્મી પપ્પાને એકવાર તો મળવા આવવું જ પડશે. ના ચિંતા ન કરો રુક્મિ જેવો મારો ભાઈ નથી. કોઈ તમારું અપમાન નહીં કરે. તમે મારા મમ્મીપપ્પાને મળી જાઓ તો સગાઈ નક્કી થઈ જાય કેમકે મારું રૂપ તમારા માટે તો છે. ( ઉભા રહો, હું થોડી શરમાઈ લઉં.) તો હરિ તમે જ કહો તમને ગમે જો હું બીજે પરણી જાઉં તો ? મને ખબર છે તમને નહીં જ ગમે નહીંતર તો રૂક્મિણીના વિવાહ શિશુપાળ સાથે થઈ ગયા હોત. અને એમ છતાં હરિ, જો મારા ઘરવાળા ના પાડે તો મારી પણ તમારી સાથે ભાગી જવાની પૂરી તૈયારી છે. હું તો રોજ સપનામાં તમને પરણું છું. માઘવપુરના મધુવનમાં દરિયાકાંઠે ક્યાંક આપડોય માંડવો હશે. પછી તમારું ઘરવાળી હું અને તમે મારા વરજી. હું તમને એ પછી હરિ નહીં, વરજી કહીશ ( ઉભા રહો, મને ફરી શરમાઈ લેવા દો.) ખેર હરિ, હાથ જોડીને બધી ગમ્મતના પાંચિકા બાજુમાં મુકીશે આંસુભરી આંખે કહીશ કે મને રાધા બનીને નથી રહેવું હરિ, મને પરણીને મારો ઉદ્ધાર તો કરશોને ? સાચ્ચું કહું છું મને રાધાનો પ્રેમ જોઈએ છે પણ એનું ભાગ્ય મને ખપે. ભાગ્યરેખાઓ બદલવી પડે તો પથ્થરથી ટોસી ટોસીને હું બદલી નાખીશ પણ હરિ, તમે આવશોને ?

ગુજરાતી ભાષામાં જ્યારે આવું સુંદર ગીત વાંચીએ ત્યારે ખરેખર એવી અનુભૂતિ થાય છે કે ખરેખર સર્જન ઈશ્વર કરી આપતો હોય છે, કાળામાથાનો માનવી તો આંગળીઓથી કરામત કરતો રહે છે. માધવાય સમર્પયામી !

***