Vivah ek abhishap - 10 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૧૦

આગળ ના પ્રકરણ માં આપણે જોયુ કે અદિતિ ને ફરીથી એ જ સપનુ આવે છે જેનાથી એ ડરીને ચીસ પાડી ઉઠે છે વિક્રમ ના મત મુજબ એ સપના અને શ્રાપ વચ્ચે જરૂર કોઇ સંબંધ હશે.અદિતિ જણાવે છે કે એને અમાસ ની રાતે સપનુ આવે છે પણ વિક્રમ જણાવે છે કે અમાસ ને હજુ પંદરેક જેટલા દિવસો ની વાર છે .દુર્ગા દેવી જણાવે છે કે એમને કદાચ ખબર છે કે અદિતિ ને અમાસ ના પહેલા આ સપનુ કેમ આવ્યુ .દુર્ગા દેવી ત્રણેય ને એક બંધ રુમ ખોલી ને ઠાકોર સમશેરસિંહ ,ઠાકોર ભાનુપ્રતાપ અને ઠાકોર સમરપ્રતાપસિંહ ના પોટ્રેટ્સ બતાવે છે અને એ કહાની ની શરુઆત કરે છે જેના લીધે એ ખાનદાન પર ભયંકર શ્રાપ લાગ્યો છે.
દુર્ગા દેવી એ કહ્યું એ હિસાબે ઠાકોર સમશેરસિંહ ની નાની અને લાડકી બહેન હીર અને હવેલી ના નોકર ના પુત્ર ચંદર બંને એકબીજાને ચાહતા હતા.જે વાત ની જાણ કોઇ ને નહોતી.
હજુ સવાર ના સાડા છ વાગ્યા હતા એટલે મોન્ટી અને મિહિર બંને રુમ માં સુતા જ હતા. અમે ત્રણેય અહિં ઓરડાની બહાર બેસી ને દુર્ગા દેવી ની વાત ધ્યાન દઇ સાંભળતા હતા ત્યારે અમે બધા જ એ વાત થી બેખબર હતા કે કોઇ હતુ જે અમારા પર નજર રાખી રહ્યુ હતુ.
હીર અને ચંદર આગળ પાછળ નો વિચાર કર્યા વગર જ એકબીજા ને ચોરી છુપી થી એકબીજાને મળતા.પણ પ્રેમ ક્યાં છુપાવે છુપાવી શકાય છે.પોતા ના ખેતરો ની લટાર મારતા સમશેરસિંહ ને ચંદર અને હીર ને બંને ને એકસાથે જોતા એમણે પોતા ના સાથી ઓ ને બહાનુ કરી ને પાછા વાળી તો લીધા પણ એમના ક્રોધ પર કાબુ ના કરી શક્યા.પાછા આવીને હીર ની ખબર લેવા માટે રાહ જોવા લાગ્યા.જેમ જેમ સમય વીતતો જતો હતો એમ ઠાકોર નો ક્રોધ બમણો થતો જતો હતો.હીર પણ જાણે એમની ધીરજ ની પરિક્ષા કરતી હોય એમ ખાસી મોડી આવી.અને આવી ત્યારે કોઇ ગીત ગણગણતી પોતાના રુમ માં જતી હતી . સમશેરસિંહજી એ એને રોકી અને એના મોડા પડવાનુ કારણ પુછ્યું ત્યારે એણે કહ્યું કે એ પોતાની સહેલી ને મળવા ગઇ હતી જેણે મોડુ કરાવ્યુ .એક તો નોકર ના પુત્ર સાથે છાનગપતિયા કરવા અને પાછુ એને જુઠુ બોલતા જોઇ સમશેરસિંહ એ કહ્યું ,"અને તારીએ સહેલીનુ નામ ચંદર હતુ નહિ?"
પોતાનુ જુઠ પકડાઇ જતા હીર ડરી ગઇ એ કંઇક આગળ બોલે એ પહેલા જ સમશેરસિંહજીએ જોરદાર તમાચો હીર ના મો પર માર્યો અને ગુસ્સે થી લાલ પીળા થતા કહ્યું ,"અમારા આટઆટલા લાડ લડાવ્યા પછી ય અમારા પ્રેમ માં શું ખોટ દેખાઇ કે પેલા ચંદર જોડે પ્રેમ કર્યો ?વિશ્વાસધાતી,પાછી જુઠુ બોલે છે.શરમ પણ નથી આવતી તને કોઈ નહિ ને નોકર નો પુત્ર જ મળ્યો.?"
"ભાઇ ,ચંદર ખુબ સારો છે મને બહુ જ પ્રેમ કરે છે .તમે એકવાર એને નોકર ના પુત્ર ની રીતે ના
જુઓ .એક યુવક તરીકે જોશો તો ખબર પડશે કે એ કેટલો હોશિયાર ,અને સારો છે?"હીરે રડતા રડતા કહ્યું .
"ચુપ રહે નિર્લજ્જ.પગ ની મોજડી ગમે એટલી સુંદર હોય પણ એને માથા પર તો ના જ મુકાય !તુ આજ પછી તારા રુમ માંજ બંધ રહીશ .ના તો તને ખાવા મળશે કે ના પાણી ત્યારે જ તારી સાન ઠેકાણે આવશે.એમ કહીને એમને તાળી વગાડતા ત્યાં પાઘડી પહેરેલો દુબળો પાતળો ,મોટી મુછાળો એવો વ્યક્તિ હાજર થયો.એટલે સમશેરસિંહજીએ હુકમ કર્યો ,"સુરજનજી ,આ છોકરી ને લઇ જઇ એને એના રુમ મા પુરી દો અને ભુખી અને તરસી રાખો અને આપણા માણસો ને સાથે લઇ જાઓ અને પેલા રઘુનાથ ના નમકહરામ પુત્ર ચંદર ને ગમે ત્યાં થી શોધી ને એને એવો સબક શીખવાડો કે ફરીથી આ ઘર ની પુત્રી તરફઆંખ ઉઠાવીને જોવાની હિંમત ના કરે અને જો ના માને તો એના ટુકડા કરી ને ફેંકી દો નગરવચ્ચે..એ સાંભળીને હીર પર આભ ટુટી પડ્યુ.એ સમશેરસિંહજી ના પગમાં પડી ગઇ અને કરગરવા લાગી કે એને જે સજા કરવી હોય એ કરો પણ ચંદર ને જીવતો રાખો એને કંઇ ના કરો.પણ સમશેરસિંહજી એ એને લાત મારી ને હડસેલી દીધી .સુરજનસિંહજી દયા દાખવ્યા વગર હીર ને ખેંચી ને એના રુમ માં લઇ ગયા.હીર એ સમયે પણ ચંદર ને માફ કરી દેવા માટે આજીજી કરતી રહી પણ સુરજનસિંહજીએ એને રુમ માં બંધ કરી દીધી .હીર બિચારી રોતી કકળતી , બંધ થઈ ગઇ.
સુરજનસિંહ ના માણસો ચંદર ને મારવા માટે ચંદર ને શોધી રહ્યા હતા પણ એનો ક્યાંય પતો નહોતો.કદાચ રઘુનાથને ખબર પડતા એમણે ચંદર ને ભગાડી દીધો હતો.પણ એ બિચારા ને ક્યાં ખબર હતી કે એના નસીબમાં હીર ની સાથે પોતાની જિંદગી પણ ખોવાનુ લખ્યુ હતુ .
બીજા દિવસે બપોરે સુરજનસિંહે દોડતા દોડતા આવીને ખબર આપ્યા કે હીર એના રુમ માં નથી. આખી હવેલી માં તપાસ કરાવરાવી પણ ક્યાંય હીર નો પતો નહોતો .એ પછી આખા ગામ માં તપાસ કરાવરાવતા પણ હીર નો પતો નહોતો મળતો .સમશેરસિંહજીને એમ જ થયુ કે હીર એમની આબરુ ના કાંકરા કરીને ચંદર સાથે ભાગી ગઇ.
પણ એ ભ્રમ ત્યારે ટુટ્યો જ્યારે એક માણસે આવીને એક એવા સમાચાર આપ્યા કે બધા ના પગના તળિયે થી જમીન ખસી ગઇ.સમશેરસિંહ જી ,ભાનુપ્રતાપસિંહજી દોડતા ભાગતા જંગલ ની શરુઆત માં આવતા આવેલા અવાવરુ અને ખંડહર જેવા મકાન માં પહોંચ્યા અને ત્યાં જઇ ને જે ધ્રૃણા સ્પદ દ્રશ્ય જોયુ જે જોઇને બધા ના કાળજા મોં મા આવી ગયા.બધા ની આંખો એ જે દ્રશ્ય જોયુ એના થી વધારે આઘાતજનક દ્રશ્ય એમના માટે બીજુ કોઈ જ નહિ હોય .કેમ કે એમની સામે હીર અને ચંદર ની લાશો પડી હતી.એમાંય બિચારી હીર નુ તો માથા વગર નું ધડ હતુ.સમશેરસિંહને હજુ તો એ ધરપત થાય કે કદાચ આ હીર ના હોય એ પહેલા ભાનુપ્રતાપસિંહ ના હાથ પર લોહી ના છાંટા પડતા એમણે ઉપર જોયુ તો એમના મોઢા માંથી ચીસ નીકળી ગઇ એ જોઇ ને બધા એ જોયુ તો ઉપર છત પર હીર નુ માથુ લટકતુ હતુ .
સમશેરસિંહજી એમની લાડલી બહેનહીર ની આવી દશા જોઇને હીર ના નામે પોક મુકી રડી પડ્યા.એમને એમ જ થયુ કે એમના માણસો એ જ કદાચ આ કામ કર્યુ હશે .એટલે ચંદર ને મારવા જતા હીર નીપણ બલિ ચડી ગઇ.બહુ ક્રોધમાં આવી એમણે ચંદર ને મારવા નો આદેશ દઇ તો દીધો પણ હવે એમને પારાવાર પસ્તાવો થતો હતો.
હજુ તો એ આઘાત ની કળ વળે એ પહેલા જ ભાનુપ્રતાપસિંહજી બોલ્યા ,"અનર્થ થઈ ગયો ભાઇસાહબ.આ નહોતુ થવુ જોઇતુ .એ આપણા માંથી કોઈ ને નહિ છોડે."સમશેરસિંહજીએ રડતી આંખોએ ભાનુપ્રતાપસિંહજીને એનો મતલબ પુછ્યો તો એમણે સામે દિવાલ તરફ આંગળી કરી જેના પર લોહીથી લખેલુ હતુ.
"આબરુ ના નામે નિર્દોષ પ્રેમીઓ ની નિર્મમ હત્યા કરાવી ને તમારા કાળજા ને ઠંડક જરુર મળી હશે પણ અમારા કાળજા ને ક્યારેય નહિ મળે.આજ પછી આ કુળ પરિવાર માં જન્મેલી કોઇ કન્યા ના તો લગ્ન થશે કે ના તો એ પ્રેમ કર્યા નુ સુખ ભોગવી શકે.જો ક્યારેય એવુ કરવા નો પ્રયત્ન પણ જે કોઇ એ કર્યો તો એ કન્યા જ નહિ એની સાથે સુખ ભોગવનાર નુ મ્રૃત્યુ નિશ્ચિત છે.અમારો અધુરો પ્રેમ ક્યારેય એના પ્રેમ ને પુરો નહિ થવા દે.અમારું લોહી વહાવ્યા પછી ચંદનગઢમાં કોઈ ને ય શાંતિ થી જીવન જીવવા નો હક નથી .આજ પછી ચંદનગઢ હંમેશા માટે બરબાદ થઈ જશે."
*****************************
એ ગોઝારા દિવસ પછી ચંદનગઢ ની કાળરાત્રિ ની શરુઆત થઇ છે તે આજ સુધી ખતમ નથી થઈ .ચંદનગઢ ના લોકો ભય ના ઓથાર હેઠળ જીવે છે.ખેડુતો અનાજ ઉગાડે તો ગમે તે રીતે એ ઉભા મોલ માં આગ લાગી જાય છે અને એટલુ જ અનાજ બચે છે જેમના થી એમના પરિવાર નુ પેટ ભરાય.લોકો રાત ના સમયે ઘરની બહાર નથી નીકળતા કેમ કે હજુ ય રાત્રે હીર ની આત્મા એના પ્રેમી ના વિરહ માં ગીત ગાતી દેખાય છે અને ત્યારે કોઈ બહાર હોય અને જો ભુલેચુકે એની નજરમાં આવી ગયુ તો પછી એ માણસ ની લાશ જ મળે છે.મોટા ભાગ ના ગામ છોડી ને જતા રહ્યા છે પણ જેમની જમીન આ ગામ માં છે એ પોતાની જમીન પોતાનુ ઘર છોડી ને નથી જઇ શકતા.
.એ બે હત્યાની વાત ને ભાનુપ્રતાપસિંહે બહુ સિફતપુર્વક દબાવી તો દીધી .પણ એમ એ પ્રકરણ પતે એમ નહોતુ .સમશેરસિંહજી ખુબ દુખી રહેતા એમના મનમાં થતો પસ્તાવો એમને કોરી ખાતો હતો.પણ એ પસ્તાવો વધુ દિવસ ના ચાલ્યો કેમ કે એકસવારે એમના જ બંદ રુમ માંથી એમની લાશ મળી .એમને ગળુ દબાવી ને એમને મારી નખાયા હતા.પોલીસે બધી તપાસ કરી એ તારણ પર આવ્યા કે હત્યા પાછળ રઘુનાથ નો હાથ છે અને એ હત્યા ના આરોપસર રઘુનાથ ને પકડી ને લઇ ગઇ ભાનુપ્રતાપસિંહ પોલીસ સામે કંઇ કહી ના શક્યા પણ ભાનુપ્રતાપસિંહે સમશેરસિંહ ના મ્રૃતદેહ ની ખુલ્લી રહેલી આંખો માં જે ડર જોયો હતો એ ડર એમને ડરાવી રહ્યો હતો.જાણે મરતા પહેલા સમશેરસિંહજી એ કોઇ ભયાનક દ્રશ્ય જોયુ હોય.
સમશેરસિંહજી ના ગયા પછી એમની જગ્યાએ ભાનુપ્રતાપસિંહ આવ્યા .ભાનુપ્રતાપસિંહ પણ એમના મોટા ભાઇ ની જેમ માયાળુ હતા ગરીબો ની મદદ કરતા પણ એમને ગરીબ લોકો થી થોડુ અંતર બનાવીને રાખ્યુ.અને એટલે જ જ્યારે એમના મોટા પુત્ર સમરપ્રતાપસિંહ એમના નોકર ના પુત્ર ધનજીત સાથે હળવા મળવા લાગ્યા એટલે એને પહેલા શહેર માં અને પછી વિદેશ માં ભણવા મોકલી દીધા.એમની નાની દિકરી યશોધરા ને એમણે પોતાની પાસે જ નજર હેઠળ રાખી જેથી એ કોઇ એવી ભુલ ના કરી બેસે જેથી કરીને દિવાલ પર લખેલો શ્રાપ સાચો પડે.
પણ એમને ક્યાં ખબર હતી કે સમરપ્રતાપસિંહ ને વિદેશ માં અભ્યાસ માટે મોકલવુ એમની ભુલ સાબિત થશે.વિદેશ થી પાછા આવ્યા ત્યારે એમણે સમરપ્રતાપસિંહ ના લગ્ન મારી સાથે ધામધુમથી કરાવ્યા .પણ પછી એમણે ભાનુપ્રતાપસિંહ ને યશોધરા ના લગ્ન કરાવવાની વાત કરી.ભાનુપ્રતાપસિંહે એમને યશોધરા ના લગ્ન કરવાની ના પાડી અને ખાનદાન પર લાગેલા શ્રાપ ની વાત કરી પણ વિદેશથી ભણીને આવેલા એમના પુત્ર ને આવી વાત પર વિશ્વાસ નહોતો.
એ પોતાની બહેન ના લગ્ન કરાવવા મક્કમ હતા.એમણે રાયસિંહ ના પુત્ર સુકેતુ સાથે યશોધરા ના લગ્ન નક્કી કર્યા.મારા સસરા ભાનુપ્રતાપસિંહ ને પોતાની પુત્રી યશોધરા ની ચિંતા માં સગાઇ ના દિવસે જ હાર્ટ એટેક આવ્યો એટલે સગાઇ ટળી ગઇ.
પોતાનુ મ્રૃત્યુ નજીક ભાળી એમણે મારા પતિ ને અને મને શરુઆત થી બધી જ વાત કરી અને એમને સમજાવ્યા કે જો યશોધરા ના લગ્ન થશે તો શાંત થયેલી હીર અને ચંદર ની આત્મા અશાંત થઈ જશે અને એમનો આપેલો શ્રાપ જો સાચો પડશે તો અનર્થ થઈ જશે.મારા પતિએ એમને આ વાત સાંભળીને આશ્વાસન તો આપ્યુ કે એ યશોધરા ના લગ્ન નહિ કરે પણ એમના બોદા આશ્વાસન માં મારા સસરા ભાનુપ્રતાપસિંહ ને વિશ્વાસ નહિ બેઠો હોય અને એટલે એ વધારે સમય ના જીવ્યા .અને એ પણ પરલોક સિધાવ્યા.
એમની બધી શ્રાદ્ધ વિધિ પતાવ્યા પછી મારા પતિ એ યશોધરા અને સુકેતુ ની લગ્ન ની તૈયારીઓ કરાવવા લાગ્યા. .મે એમને એ સમયે બહુ સમજાવ્યા હતા પણ એ માન્યા નહિ .એક તો એ વિદેશ માં ભણેલા હોવાથી આવી વાતો પર વિશ્વાસ નહોતા કરતા અને બીજુ કે એ સુકેતુ ના પિતાજી ને વચન આપી ચુક્યા હતા એટલે એ વચન પાળવા પર મજબુર હતા.
અને એ જ થયુ જે વાત નો ડર હતો યશોધરા ના લગ્ન ની રાતે જ સુકેતુ ની પણ હત્યા થઈ ગઇ .કોઇ એ એમના ગળુ કાપી નાખ્યુ હતુ .યશોધરા એ જ રુમ માંથી બેભાન હાલત માં મળી જ્યારે એ ભાન માં આવી ત્યારે પણ સુધબુધ ખોઇ બેઠી હતી .ઘણા પ્રયત્ન પછી ય એ સાજી ના થઈ .અને સાત દિવસ પછી એનો મ્રૃતદેહ પણ એના રુમ માંથી મળ્યો .
મારા પતિ સમરપ્રતાપસિંહ ને ભાન થયુ પણ ત્યાં સુધી માં બહુ મોડુ થઈ ગયુ હતુ. બે જિંદગી એમના વચન ની ભેટ ચડી ચુકી હતી.પોતાની જાત ને પોતાની બહેન અને બનેવી ના મ્રૃત્યુ માટે જવાબદાર માનવા લાગ્યા.એમને પોતાના કર્યા નો પસ્તાવો અંદર ને અંદર કોરી ખાવા લાગ્યો .એટલે એમની તબિયત પણ લથડવા લાગી.એમણે પોતાના માણસો દ્વારા પોતાના મિત્ર ધનજીત ની શોધખોળ કરાવી અને એમના મુંબઇ માં હોવાની ખબર પડતા જ પોતાનો માણસ બોલાવી ને તાબડતોબ બોલાવી લીધા. અમારી બે વરસ ની અદિતિ ને એમના હાથમાં સોંપી એને ચંદનગઢ થી દુર લઇ જવાનુ કહ્યું અને સાથે વચન લીધુ કે અદિતિ ના લગ્ન ના કરાવે અને બીજા પુરુષો થી દુર રાખે .એમણે વચનઆપ્યુ. તો પણ તમારા પિતાજી વધુ જીવ્યા નહિ . અમને આપેલા વચન નુ માન રાખવા એ તને પોતાની સાથે લઇ ગયા.અને તમારા પિતાજી ના મ્રૃત્યુ પછી અમે પણ એ હવેલી ખાલી કરી અહિં આ મકાન માં રહેવા લાગ્યા.
એ પછી શું થયું તમને ખબર જ છે.હવે તમે જ કહો શું યશોધરા ના લગ્ન કર્યા પછી એમની સાથે જે પણ થયુ એ પછી તમને ય શ્રાપ ની વાત બકવાસ લાગે છે?અને કદાચ શ્રાપની વાત બકવાસ લાગતી હોય તો તમારા આ હવેલીમાં કદમ મુક્યા ની રાતે જ તમને આવેલુ બિહામણુ સ્વપ્ન પણ બકવાસ છે?
દુર્ગા દેવી ની વાત સાંભળીને મને પણ લાગ્યુ કે એ દિવાલ પર લખેલું લોહીથી લખેલુ લખાણ એ હીર અને ચંદર નો શ્રાપ જ છે જે કદાચ કોઈ કાળે મિથ્યા નહિ કરી શકાય.મે અદિતિ તરફ જોયુ અને મનમાં વિચાર આવ્યો કે આ શ્રાપ તો ગમે તે ભોગે દુર કરવો જ રહ્યો .નહિ તો અદિતિ નુ જીવન પણ યશોધરા ની જેમ એમાં હોમાઇ જશે એ વિચારતા જ મારા શરીરમાં ભયની કંપારી આવી ગઇ.પણ એ કાળમુખા શ્રાપ ને દુર કરવો તો કેમ?કેવી રીતે ?અમારા કોઈ પાસે બોલવા માટે એક શબ્દ પણ નહોતો અત્યારે તો આશ્વાસન પણ નહિ એટલે વિચારમાં પડી ગયા કે શું કરી શકાય પણ એ સમયે અમને પણ ખબર નહોતી કે કોઇ છે જે ક્યાંકથી છુપાઇ ને અમારા પર નજર રાખી રહ્યું છે.
વિક્રમ ,અદિતિ કેમ કરી ને આ શ્રાપથી છુટકારો મેળવશે એ જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.