Operation Polo books and stories free download online pdf in Gujarati

ઓપરેશન પોલો

ઓપરેશન પોલો

ઓપરેશન પોલો – હૈદરાબાદના ભારતમાં વિલયની અનોખી વાર્તા

૧૫મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો તે તો આપણને ખબર જ છે, પરંતુ ભારત સાથે એ જ દિવસે અન્ય ૫૬૫ રજવાડાંઓ પણ આઝાદ થયા હતા. આ તમામ રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાની જવાબદારી તે સમયના અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પર આવી પડી હતી. સરદાર પટેલે પોતાના સેક્રેટરી વી પી મેનનના સંનિષ્ઠ સહકારથી એક અશક્ય કાર્ય પૂરું પાડ્યું અને તે હતું તમામ રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાનું અને ભારતને એક રાષ્ટ્ર બનાવવાનું.

ભારતના આઝાદ થયાના એક જ વર્ષની અંદર અંદર ૫૬૨ રજવાડાં તેમાં ભળી ગયા હતા પરંતુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ હજી પણ ભારતના અંગ બન્યા ન હતા. આ તમામમાં હૈદરાબાદનું મહત્ત્વ ખૂબ હતું કારણકે તે ભારતના તમામ રજવાડાંઓમાં સહુથી મોટું હતું અને તેનું ક્ષેત્રફળ ગ્રેટ બ્રિટન કરતા પણ વધુ હતું. એ સમયે હૈદરાબાદ રાજ્યમાં આજના મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢ જેવા રાજ્યોના ઘણા વિસ્તારો સામેલ હતા.

ભારતની આઝાદી સમયે હૈદરાબાદ પર નિઝામ અસફ ઝાઈ વંશના નિઝામ ઉસ્માન અલી ખાનનું શાસન ચાલતું હતું. જો કે હૈદરાબાદના રાજ પર નિઝામનો નહીં પરંતુ તેમના સલાહકાર કાસીમ રિઝવીનો કાબુ હતો. આ કાસીમ રિઝવી એક મજબૂત રાજકીય સંગઠનના નેતા પણ હતા જેને આજે આપણે મજલીસ-એ-ઇત્તેહાદુલ-મુસલમીન તરીકે ઓળખીએ છીએ. કાસીમ રિઝવી પાસે આ રાજકીય સંગઠન હોવા ઉપરાંત તેમની ખુદની એક સેના પણ હતી અને આ સેનાના સૈનિકોને રઝાકાર તરીકે ઓળખવામાં આવતા હતા. એક આંકડા અનુસાર આ રઝાકારોની સંખ્યા વીસ હજારથી માંડીને બે લાખ સુધીની હતી.

હવે, જ્યારે ભારત આઝાદ થયું અને એક પછી એક દેશી રજવાડાં ભારતમાં ભળવા લાગ્યા ત્યારે કાસીમ રિઝવીની આ રઝાકાર સેનાએ ભારત સાથે ભળવાની હૈદરાબાદના નિઝામને બિલકુલ ના પાડી દીધી. કાસીમ રિઝવીએ નિઝામને બે વિકલ્પો આપ્યા એક તો હૈદરાબાદ સ્વતંત્ર ઇસ્લામિક દેશ બને અને અહીં શરીયતનો કાયદો ચાલે, અને બીજો વિકલ્પ હતો પાકિસ્તાન સાથે ભળી જવાનો.

પરંતુ આ બંને વિકલ્પો બિલકુલ તર્કસંગત ન હતા. કારણકે હૈદરાબાદ જેવા વિશાળ રાજ્યમાં મુસ્લિમોની બહુમતી ન હતી અને બહુમતી હિંદુઓ ભારતમાં કોઇપણ કિંમતે ભળી જવાનું દબાણ સતત નિઝામ પર કરી રહ્યા હતા. બીજો વિકલ્પ એટલેકે પાકિસ્તાનમાં જોડાઈ જવાનો વિકલ્પ પણ એટલે યોગ્ય ન હતો કારણકે હૈદરાબાદ અને પાકિસ્તાનની સરહદ વચ્ચે ૧૫૦૦ કિલોમીટર જેટલું અંતર હતું અને તે ચારેતરફથી ભારતથી ઘેરાયેલું હતું.

પરંતુ કાસીમ રિઝવી અને રઝાકારોની સેનાએ હૈદરાબાદની બહુમતી પ્રજાની ઈચ્છાને બિલકુલ કાને ન ધરી અને તેમના વિરુદ્ધ થયેલા બળવાને દબાવી દેવા માટે પ્રજા પર જુલમ કરવાના શરુ કર્યા. સમગ્ર હૈદરાબાદ રાજ્યમાં હિંદુઓ તેમજ અન્ય ધર્મના લોકો પર અત્યાચાર શરુ કરવામાં આવ્યા અને તેમના ઘર બાળવામાં આવ્યા તેમજ તેમની સંપત્તિ લુંટી લેવામાં આવી. હૈદરાબાદ રાજ્યનું એક ગામ પણ બાકી નહોતું બચ્યું જ્યાં રઝાકારોએ આ પ્રકારે જુલમ કર્યો ન હોય! વળી આ બધું ધોળા દિવસે થતું હતું તેમ છતાં કાસીમ રિઝવીથી દબાયેલા નિઝામે તેના તરફ આંખ આડા કાન કર્યા.

આ તરફ દિલ્હીમાં બેસેલા આગેવાનો પણ હૈદરાબાદની આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. સરદાર પટેલના મતે રઝાકારો હૈદરાબાદમાં એ જ કરી રહ્યા હતા જે મુસ્લિમ લીગના કાર્યકર્તાઓ ડાયરેક્ટ એક્શનના નામે પંજાબ અને બંગાળમાં કરી રહ્યા હતા. આ સમયે ભારતના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને અન્ય રજવાડાંઓની માફક હૈદરાબાદની સમસ્યા પણ માત્ર વાતચીતથી ઉકેલવાનું કહ્યું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ પણ માઉન્ટબેટનની આ સલાહ સાથે પોતાની સહમતી દર્શાવી.

પરંતુ, સરદાર પટેલે આ બંનેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હૈદરાબાદની સમસ્યાનો ઉકેલ લશ્કરી દખલગીરી સિવાય બીજો કોઈજ ન હોઈ શકે. જો કે બાદમાં માઉન્ટબેટન અને જવાહર લાલ નહેરુ બંને સરદાર પટેલની દલીલ સાથે સહમત થયા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે હૈદરાબાદની મડાગાંઠને હવે કોઇપણ રીતે ઉકેલવી જોઈએ. તરતજ સરદાર પટેલે ભારતીય સેનાને હૈદરાબાદ રાજ્યની સરહદ પર મોકલી આપી અને નિઝામને હૈદરાબાદના ભારત સાથે વીના કોઈ શરતે વિલીનીકરણ કરવા અંગેના દસ્તાવેજો મોકલ્યા.

પરંતુ કાસીમ રિઝવીની ઈચ્છા હેઠળ કાર્ય કરતા નિઝામે આ દસ્તાવેજો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારબાદ સરદાર પટેલ પાસે બળપ્રયોગ કરવા સિવાય અન્ય કોઈજ વિકલ્પ બાકી ન હતો. આ જ સમયે હૈદરાબાદ રાજ્યની અંદર પણ અસંતોષ ધૂંધવાઈ રહ્યો હતો અને રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ અને અન્ય તમામે એક થઈને હૈદરાબાદના નિઝામ સામે બંડ પોકાર્યું.

હૈદરાબાદ પર હુમલો કરનાર ભારતીય સેનાના વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાની નિયુક્તિ કરવામાં આવી. હૈદરાબાદમાં દેશનું સહુથી વિશાળ પોલો ગ્રાઉન્ડ આવ્યું છે અને આથી ભારતીય સેનાના આ ઓપરેશનને ‘ઓપરેશન પોલો’ નામ આપવામાં આવ્યું.

૧૩મી સપ્ટેમ્બર ૧૯૪૮ના દિવસે ભારતીય સેના દ્વારા ઓપરેશન પોલો શરુ કરવામાં આવ્યું. શરૂઆતમાં ભારતીય સેનાને રઝાકારો દ્વારા સારીએવી લડત મળી પરંતુ બાદમાં સેના અને ભારતીય સૈનિકોના મજબૂત મનોબળને લીધે રઝાકારો મેદાન છોડીને ભાગી ગયા. ૧૭મી સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે નિઝામે યુદ્ધવિરામની ઘોષણા કરી. મેજર જનરલ જયંતો નાથ ચૌધરી સમક્ષ હૈદરાબાદના ચીફ ઓફ આર્મી સ્ટાફ મેજર જનરલ સઈદ એહમદ અલ ઇદ્રુસે સમર્પણ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો અને હૈદરાબાદનું ભારત સાથે આધિકારિક વિલીનીકરણ થયું.

આ લડાઈમાં ૨૦૦૦ રઝાકારો મૃત્યુ પામ્યા, તેમની સાથે હૈદરાબાદ રાજ્યની સેનાના ૮૦૦ સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ભારતીય સેનાના ૩૨ વીર જવાનો શહીદ થયા હતા. કાસીમ રિઝવીને પકડી લેવામાં આવ્યો અને તેને જન્મટીપની સજા થઇ, પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલના અવસાનના થોડા જ દિવસોમાં કાસીમ રિઝવીને ભારત સરકારે છોડી મૂક્યો અને તેને સન્માન સાથે પાકિસ્તાન મોકલી આપવામાં આવ્યો અને અહીં ૧૯૫૫માં તેનું મૃત્યુ થયું.

આઝાદી પછી ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરવાનું બેજોડ કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું હતું. તમામ રજવાડાંઓને એકપછી એક ભારતમાં જોડવા માટેની અસંખ્ય વાર્તાઓ છે જે દેશના ઇતિહાસમાં ક્યાંક ધરબાઈ ગઈ છે. તેને લીધે સરદાર પટેલના દેશની એકતા માટેના પ્રદાનની જેટલી નોંધ લેવામાં આવવી જોઈએ તેટલી લેવાઈ નથી. પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સરદાર પટેલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અજરામર થઇ ગયા છે.

ભારતના આ પનોતાપુત્રને શતશત નમન!

***