Premnu Aganphool - 5 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 5 - 1

પ્રેમનું અગનફૂલ - 5 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મિશન પેશાવર

ભાગ - 1

ચાંદની ચોક સ્થિત આવેલ ‘રો’ ની ઓફિસ.

જે આમઆદમી માટે ‘રે બેન્કર્સ એન્ડ કેમિકલ્સ’ કંપનીના નામે જાણીતી હતી.

કંપનીના ડાયરેક્ટર મી.સોમદત્ત એ ખરેખર તો ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ના મુખ્ય અધિકારી હતી, પણ તે વાત અમુક અધિકારીઓ અને વડાપ્રધાન ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન જેવી મોટી હસ્તીઓ જ જાણતા હતા.

પીન ડ્રોપ્સ સાયલન્ટ વાતાવરણમાં એ.સી. ચાલવાનો આછો અવાજ આવી રહ્યો હતો. ઓફિસના વાતાવરણમાં આહ્વલાદક ઠંડક સાથે અનેરી ખુશ્બુ ફેલાયેલી હતી.

સર મેજર સોમદત્ત પોતાની ચેર પર બેઠા બેઠા જમણી તરફની કાચ જડેલ મોટી બારીમાંથી ચાંદની ચોક અને લાલ કિલ્લાની ચહલપહલને નીરખી રહ્યા હતા. તેની આગળ મોટી કાચની બનેલ ટેબલની સામે આરામદાયક ખરશીઓ ગોઠવેલી હતી. અત્યારે તે ખુરશીઓ ખાલી પડેલી હતી.

મેજર સોમદત્ત અત્યારે અમદાવાદથી વિસ્ફોટભર્યા સમાચાર લઇને આવતા કદમ તથા પ્રલય, આદિત્ય અને તાનીયાની વાટ જોઇને બેઠા હતા. તેઓના ચહેરો બેહદ ગંભીર જણાતો હતો.

લગભગ દસ મિનિટમાં જ કદમ, પ્રલય, આદિત્ય, તાનીયા સાથે આવી પહોંચ્યા. સરને અભિવાદન કરી તેઓ સામે પડેલ ખુરશીઓમાં ગોઠવાઇ ગયાં.

મેજર સોમદત્તે બેલ મારી પટાવાળાને બોલાવી કોફીનો ઓર્ડર આપ્યો. ત્યારબાદ તેઓએ કદમ સામે જોયું.

‘સર... અમદાવાદમાં થયેલ દંગાફસાદમાં આપણા પડોશી દેશ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. તથા સ્થિત ત્રાસવાદી સંગઠનનો પૂરો હાથ છે અને ગુજરાતના મુખ્યમંત્રીને બદનામ કરવાનું મોટું ષડયંત્ર હતું.’ કહેતાં કદમે એક એક મુદ્દાઓ યાદ કરી બધી વિગત જણાવી.

એકદમ શાંત ચિત્તે સૌ કદમની વાત સાંભળી રહ્યાં હતા.

‘હં’ કદમની વાત પૂરી થયા પછી મેજર સોમદત્ત આંખો બંધ કરી કેટલીય વાર વિચારતા બેસી રહ્યા પછી અચાનક આંખો ખોલી બોલ્યાં.

‘હં... કદમ તો તારો વિચાર પાકિસ્તાન જઇ દુર્ગાને શોધી ભારત પાછો લઇ આવવાનો છે.’ કહેતાં તેઓએ કદમ સામે જોયું.

‘સર... સાથે સાથે દેશની શાંતિ ડહોળાવનાર દેશના હિન્દુ-મુસ્લિમ ભાઇઓ વચ્ચે દંગાફસાદ કરાવનાર લોકોને ત્યાં જ પાકિસ્તાનની ધરતી પર સજા આપવા માટે મારે જવું છે.’

‘કદમ... હું પણ તારી સાથે આવીશ મારે દેશને બરાબર કરનાર દેશ પાકિસ્તાનને મારે બતાવવું છે કે હવે પછી ભારત તરફ ખરાબ નજરે જોશો તો તમારી આંખો ફોડી નાખીશ.’ એકદમ ક્રોધભર્યા અવાજ સાથે પ્રલય બોલ્યો.

‘કદમ... અમે પણ તારી સાથે આવશુ. ગુજરાતના મુખ્યમંત્રીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભેડિયાઓને રહેંસી નાખવા.’ તાનીયા અને આદિત્ય એક સાથે બોલ્યાં.

કદમ વારાફરતી સૌ સામે જોઇ રહ્યો.

‘પ્રલય... તારે પાકિસ્તાન જવાનું છે, પણ કદમની સાથે નહીં, અલગ રીતે. કદમથી અલગ રહી તારે કદમની મદદ કરવાની છે અને આદિત્ય, તાનીયા તમારા બંનેને એક કેસના સીલસીલામાં અહીં જ રહેવાનું છે.’ ગંભીર પણ સૌમ્ય અવાજે મેજર સોમદત્ત બોલ્યા.

‘ઓ.કે. સર...’ સૌ એક સાથે બોલી ઊઠ્યા.

‘યાત્રીઓ કૃપયા ધ્યાન દે હમ પાકિસ્તાન કે પેશાવર શહેરમેં આ ગયે હૈ, કૃપયા આપ અપને સીટ બેલ્ટ કો બાંધ લીજીએ. થોડી દેરમેં હમારા વિમાન બચાખાન એરપોર્ટ પર ઉતરાણ કરેગા.’ થોડી થોડી વારે એનાઉન્સમેન્ટ રહ્યું હતું.

વાદળાઓના ટુકડાઓ વચ્ચે પસાર થતું વિમાન પેશાવરના અવકાશમાં ચક્કર લગાવી રહ્યુ હતું. ત્યારબાદ થોડી પળો પછી લાંબી મુસાફરી કરી થાકી ગયું હોય તેમ પેશાવર શહેરના ‘બચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ’ ના રન-વે પર દોડતું દોડતું એરપોર્ટની ઇમારત પાસે આવીને ઊભું રહ્યું.

વિમાનના દરવાજા પાસે સીડી લગાવવામાં આવી કે તરત એક પછી એક યાત્રીઓ નીચે ઊતરવા લાગ્યા.

ઊતરતા યાત્રીઓની હરોળમાં દસમાં નંબર પર એક હ્યુષ્ટપુટ અને પહાડી સીનો ધરાવતો ગોરાચટ્ટાક ચહેરાવાળો યુવાન હાથમાં સુટકેશ ઝુલાવતો ઊતરી રહ્યો હતો. આંખ પર ગોગલ્સ ચશ્માં, વ્હાઇટ ટી-શર્ટ પર ગ્રે-કલરનું પેન્ટ તેમણે પહેર્યું હતું. એકદમ બેફિકરાઇ સાથે નીચે ઊતરતો તે શખ્સ પ્રલય બોલ્યો.

વિમાનમાંથી નીચે ઉતર્યા બાદ એરપોર્ટની વિધિ પતાવીને એરપોર્ટની બિલ્ડિંગમાંથી બહાર આવ્યો.

સાંજનો સમય થવા આવ્યો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો જતો હતો. બચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટની બિલ્ડિંગ રોશનીથી ઝળહળી ઊઠી હતી.

‘સર ટેક્ષી...’ બિલ્ડિંગના બહારના પ્રાંગણમાં રહેલી ટેક્ષીઓની કતારમાંથી એક ટેક્ષી ડ્રાઇવર ઝડપથી પ્રલય પાસે આવ્યો.

પ્રલય ઝડપથી ટેક્ષીનો દરવાજો ખોલી પાછળની સીટ પર બેસી ગયો.

ડ્રાઇવરે ટેક્ષી સ્ટાર્ટ કરી પછી ગરદન પાછળની તરફ ફેરવી પૂછયું, ‘સર... આપને ક્યાં જવું છે ?’

‘કોઇ સારી હોટલમાં લઇ લે...’ કહેતાં પ્રલયે સુટકેશના આગળના પોકેટમાંથી ટેબલેટ બહાર કાઢી. પેશાવર સિટીનો નકશો સર્ચ કરી જોવા લાગ્યો, બચાખાન એરપોર્ટ સિટીની મધ્યમાં હોવાથી સિટીના મધ્યમાં ક્યાંય પણ જવા માટે એરપોર્ટથી લગભગ દસ મિનિટનો જ સમય લાગતો હતો.

‘હોટલ નૂરજહાં કેવી છે ?’ પેશાવર સીટીના નકશામાં 3 સ્ટાર હોટલ નૂરજહાંની ડીટેલ સર્ચ કરી જોઇ તેણે ડ્રાઇવરને પૂછ્યું

‘સર... થોડી કોસ્ટલી છે, પણ અદ્યતન સુવિધાવાળી છે.’

‘સારું તો ત્યાં જ લઇ લે.’ કહેતાં ફરીથી પ્રલય ટેબલેટમાં પેશાવરના રસ્તા, બિલ્ડિંગો વગેરેના ધ્યાન સાથે જોવામાં મશગૂલ થઇ ગયો. થોડી વાર પછી ટેબલેટ ઓફ કરી એક ઊંડો શ્વાસ લીધો પછી બારીની બહાર જોવા લાગ્યો.

ચારે તરફ અદ્યતન ઇમારતો રોશનીથી ઝળહળતી હતી. પેશાવરના ખૂબસૂરત જી.ટી. રોડ પર ગાડી રફતાર સાથે આગળ વધી રહી હતી. થોડીવારમાં જ ટેક્ષી રાઇટ સાઇડ ટર્ન લઇ શેરખાન શહીદ સ્ટેડિયમ પસાર કરી સદર રોડ પર વળી ગઇ, ત્યાર પછી થોડીવારમાં તેઓ હોટલ નૂરજહાં પહોંચી ગયાં.

હોટલ નૂરજહાં આવતાં જ ડ્રાઇવરે હોટલના ગેટની અંદર ટેક્ષીને લઇ તેના પોર્ચમાં ઊભી રાખી.

‘સર... આપની મંજિલ આવી ગઇ.’ મુસ્કુરાતાં તે બોલ્યો.

‘આભાર દોસ્ત... મને તારો મોબાઇલ નંબર આપ. જરૂર પડતા તને બોલાવી શકું.’ ટેબ્લેટને સુટકેસમાં સેરવતાં ઝડપથી પ્રલય નીચે ઊતર્યો.

‘સર... આ મારુ કાર્ડ...’ હાથ લંબાવી કાર્ડ આપતાં તે બોલ્યો, ‘સર, મારું નામ અબ્દુલ મિંયા છે. ગમે ત્યારે મોબાઇલ પર રિંગ મારશો કે હું આપની સેવામાં ઉપસ્થિત થઇ જઇશ.’

‘ઓ.કે...’ કહેતાં પ્રલયે ટેક્ષી ભાડું ચૂકવ્યું પછી હોટલમાં રિસેપ્શન કાઉન્ટર તરફ આગળ વધી ગયો. પ્રલયને હોટલમાં એ.સી.રૂમ મળી ગયો.

કમરામાં જઇ એ.સી. ચાલુ કરી પ્રલયે પૂરા કમરાની તલાશી લીધી પછી ઝડપથી સ્નાન ઇત્યાદિ ક્રમ પતાવી નીચે હોટલના વ્હાઇન બાર કમ રેસ્ટોરન્ટના હોલમાં આવ્યો. કોર્નર પરની એક ટેબલ ખાલી જોઇ તે બેસી ગયો.

ચારે તરફ આનંદના છોર ઊડી રહ્યા હતા. સંગીતના સૂરો સાથે ચારે તરફ અલગ અલગ અત્તરની માદકતા ઠંડા વાતાવરણમાં પ્રસરેલી હતી.

ચારે તરફ હાસ્યના છોર ઊડી રહ્યા હતા.

લોકો પોતપોતાની મોજમસ્તીમાં એકદમ મશગૂલ હતા અને ડી.જે. પર વાગતા પશ્ચિમી સંગીત પર ઝૂમી રહ્યાં હતાં.

પ્રલયે ડિનરનો ઓર્ડર આપી, નિરાંતે બેઠા બેઠા ચકોર ર્દષ્ટિએ સાથે ચારે તરફ જોઇ રહ્યો હતો.

થોડી પળો પછી અચાનક બાર હોલમાં સન્નાટો છવાઇ ગયો.

આનંદથી મસ્તીમાં રાડારાડ કરતા લોકો એકદમ ચૂપ થઇ ગયાં.

આશ્ચર્ય સાથે પ્રલયે ચારે તરફ ફેરવી પ્રલયની ર્દષ્ટિ ફરતી ફરતી હોલના પ્રવેશદ્વાર તરફ ગઇ.

લગભગ સાડા છ ફૂટની ઊંચાઇ અને એકદમ મજબૂત રાક્ષસી બાંધો, તેને જોતાં જ ઐતિહાસિક કથાઓમાં આવતા રાક્ષસના ઉલ્લેખની યાદ આવી જાય. ચહેરા પર કેટલાય ‘ઘા’ના ઝખ્મના કાપા પડ્યા હતા. તેની આંખો એકદમ ગોળ મોટી અને લાલચટાક જણાતી હતી. નીચેનો હોઠ એકદમ મોટો અને જાડો હતો. માથા પર નામ પૂરતા જ વાળ હતા. બ્લ્યુ ટી-શર્ટ નીચે કાળા કલરનું જીન્સ પહેર્યુ હતું.

હસતા-નાસતા, આનંદથી રાડા-રાડ કરતા લોકો તેને જ જોઇને ચૂપ થઇ ગયા હતા.

‘કદાચ અહીંનો દાદો હશે....’ વિચારતાં બેફિકરાઇ સાથે પ્રલયના ચહેરા પર સ્મિત ફરક્યું પછી શું થાય છે, તેની રાહ જોતાં પ્રલય નિરાંતે બેસી રહ્યો.

શેતાન જેવા લાગતા તે શક્સે આગ ઝરતી કઠોર નજરે હોલમાં ચારે તરફ જોયું પછી એક ટેબલ તરફ આગળ વધ્યો.

તે ટેબલ પર એક ખૂબસૂરત નવયુવતી બેઠી હતી. કશ્મીરની કલી હોય તેમ તેનો ખૂબસૂરત ગુલાબી હતો અને તેની આંખો એકદમ ભૂરી હતી. તે કાળાં વસ્રો પરાધીન હતી તેથી તેની ખૂબસૂરતી ઓર નીખરતી હતી.

શેતાન જેવી તે વ્યકતિને પોતાના તરફ આવતો જોઇ તેની આંખોમાં ખોફનાં કૂંડાળાં ફરી વળ્યાં, તેનો ખૂબસૂરત ચહેરો સફેદ પડી ગયો.

તે શેતાન જેનું નામ તાહિરખાન હતું તે ઝડપથી તે સ્ત્રીના ટેબલ પાસે પહોંચ્યો અને પછી તરત જ તેણે તે સ્ત્રીનો હાથ પોતાના લોખંડી સાણસા જેવા મજબૂત હાથમાં પકડી લીધો.

‘અરે... છોડ છોડ... આ શું માંડ્યું છે.’ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરતી તે સ્ત્રી એકદમ ધ્રૂજી રહી હતી. તેના અવાજમાં પણ ભયની લાગણી હતી.

વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઇ ગયો.

‘જાનેમન... કેટલાય દિવસોથી હું તને શોધું છું. આ તો મારો માણસ તને અહીં જોઇ ગયો અને તરત મને મોબાઇલ કર્યો. જાન... હું બધા જ કામો છોડી તને લેવા માટે અહીં દોડી આવ્યો છું.’ ક્રૂર હાસ્ય કરતાં તે બોલ્યો.

‘મેં.... મેં... તારું શું બગાડ્યું છે ? મ... મને છોડી દે. ખુદાના ખોફથી ડર, તને હું પગે લાગું છું.’ હરણીની જેમ ધ્રૂજતી તે સ્ત્રીની આંખોમાંથી આંસુ ધરી આવ્યાં.

હોલ ખીચોખીચ ભર્યો હતો. છતાં પણ જાણે હોલમાં રહેતા માણસો માણસો નહિ પણ મુર્દા હોય તેમ ડરથી ચૂપચાપ પોતાના ટેબલ પર બેસી તમાશો જોઇ રહ્યા હતા.

‘અરે... અરે... તાહીરખાનજી પ્લીઝ છોડી દ્યો, પ્લીઝ મારી હોટલ.’ કાઉન્ટર પર બેઠેલો હોટલનો રિસેપ્સનિસ્ટ ત્યાં દોડી આવ્યો અને તાહીરખાન સામે ક્ષમાયાચના માંગતો હોય તેમ બંને હાથ જોડી કમરથી નીચા નમી તે બોલ્યો.

તાહીરખાન તે સ્ત્રીનો હાથ છોડી દીધો, પછી તે રિસેપ્સનિસ્ટને ઘૂરકતો રહ્યો.

પછી એકાએક તેનો ડાબો હાથ આગળ વધ્યો અને રિસેપ્સનિસ્ટને ગરદન પર લોખંડના સાણસાની જેમ જડાઇ ગયો અને પછી પોતાના ડાબા હાથના બાવડાની તાકાતથી તાહિરખાને રિસેપ્સનિસ્ટને અધ્ધર ઊંચો કર્યો.

‘અ... હા... હા... કફ’ જેવો અવાજ રિસેપ્સનિસ્ટના મોંમાંથી નીકળી રહ્યો હતો. તેની આંખો ચકળવકળ થતી હતી. તાહિરખાનના હાથનું દબાણ તેની ગરદન પર એટલુ હતું કે તેનાં ફેફસાં ઓક્સિજન માટે તરફડવા લાગ્યા.

જમીનથી ફૂટ જેટલા અધ્ધર થયેલા તેના પગ તરફડિયા મારતા હતા.

તાહિરખાનનું સમગ્ર ધ્યાન રિસેપ્સનિસ્ટ પર હતું. તે જ વખતે ધ્રૂજતી તે સ્ત્રી ચૂપાચૂપ ઊભી થઇ અને ટેબલની હરોરમાંથી સરકતી આગળ વધી.

‘એય...’ ત્રાડ પાડતાં જ તાહીરખાનને તે સ્ત્રીનો હાથ ઝડપથી પોતાના જમણાં હાથમાં પકડી લીધો અને ખોફ ફેલાવતી અંગારાભરી આંખો વડે તે સ્ત્રી તરફ નજર ફેરવી.

બીકથી તે સ્ત્રીના ગળામાંથી એક ભયનું લખલખું ફેલાવતી એક જોરદાર ચીસ નીકળી પડી.

તાહિરખાને ફરીથી રિસેપ્સનિસ્ટ સામે જોયું પછી કોઇ શેતાન હસતો હોય તેવું ક્રૂર હાસ્ય ફેલાવતાં રિસેપ્સનિસ્ટ થોડો વધુ ઉપરની તરફ અધ્ધર કર્યો અને પછી શરીરની સમગ્ર તાકાત એકઠી કરી પુરાજોશ સાથે અધ્ધર ‘ઘા’ કર્યો.

રિસેપ્સનિસ્ટના ગળામાંથી ગૂંગળાતી ચીસ સરી પડી. તેનો દેહ હવામાં અધ્ધર તરતો સામે બનેલા કાચના બાર પર પૂરા જોસ સાથે અથડાયો.

તેની ભયાનક ચીસ સાથે કાચ તૂટવાનો ખનનન.. ધડુમનો અવાજ ગુંજી ઊઠ્યો.

કેટલાય કાચના ટુકડા તેના શરીરમાં ઘૂસી ગયા. ભયાનક વેગ સાથે અથડાવાથી તેનું માથું ફાટી ગયું. તેનો લોહી નીતરતો દેહ નીચે ફર્શ પર પછડાયો, થોડીવાર ધ્રૂજયો પછી બેહોશીની આગોસમાં ઊતરી ગયો.

‘મ... મને... છોડી દો.’

‘એય... હવે ચૂપાચૂપ ચાલ નહીંતર અહીં બધાની વચ્ચે જ તારાં કપડાં એક એક કરીને ઉતારીશ અને પછી...’ કહેતા જીભ વડે ચટાકો લેતાં ગંદુ હાસ્ય વેર્યુ. તેની આંખો વાસનાથી ઉત્તેજિત થયેલી જણાતી હતી.

‘પ્લીઝ... મને છોડી દો.’ કહેતાં તે સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

‘અબે ચાલને...’ કહેતાં તાહીરખાને સ્ત્રીનો હાથ પકડીને ખેંચ્યો તે સ્ત્રી નીચે ફસડાઇ પડી પછી ચીસો નાખવા લાગી.

તેની ચીસોની તાહીરખાન પર કોઇ જ અસર ન થઇ.

પછી તાહીરખાન ગંદુ હાસ્ય વેરતો. સ્ત્રીનો હાથ પકડીને ફર્શ પર સરકવા લાગ્યો.

અત્યાર સુધી ચૂપચાપ તમાશો જોઇ રહેલો પ્રલય એકાએક પોતાના સ્થાનેથી ઊભો થયો.

હોલમાં મોત જેવો સન્નાટો છવાઇ ગયો. ડી.જે. માંથી વાગતું સંગીત તો ક્યારનુંય બંધ થઇ ગયું હતું.

પ્રલયની આંખોમાં ક્રૂરતા છવાઇ, તેની આંખોમાં ખૂન ઊતરી આવ્યું, તે ઝડપથી તાહીરખાન તરફ આગળ વધ્યો.

હોલમાં બેઠેલા લોકો સન્નાટામાં આવી ગયા. પ્રલયને તાહીરખાન તરફ આગળ વધતા જોઇ લોકોને લાગ્યું કે આ નવયુવાન થોડીવારમાં જ લાશના રૂપમાં અહીં પડ્યો હશે.

પ્રલયનું ઊકળતું ખૂન જાણે લાવા બની ગયું હોય તેવું લાગતું હતું. તેની સમસ્ત શરીરના મસલ્સ ખેંચાઇને અક્કડ થઇ ગયા હતા.

‘એય સુવરની ઔલાદ... છોકરીને છોડી દે નહીંતર તારી બંને ટાંગોને વચ્ચેથી ચીરી નાખીશ.’ ક્રોધથી છીંકોટા નાખતા પ્રલયે તાહીરખાન સામે આંગળી ચીંધી ત્રાડ નાખી.

તાહીરખાન અચાનક પ્રલયને પોતાની તરફ આવતો જોઇ ચમક્યો. તેના મોં પર ફેલાયેલું ગંદું હાસ્ય બંધ પડી ગયું.

તેના રાક્ષસી જડબાં ભીંસાયાં. તેણે ખતરનાક ર્દષ્ટિ સાથે પ્રલય સામે જોયું, ‘છોકરા, તારું મોં ગંધાય છે, તું તારી જાનની સલામત ચાહતો હોય તો મારો ક્રોધ તારા પર તૂટી પડે તે પહેલા અહીંથી નાસી જા.’

હોલમાં ભયાનક ભયનું વાતાવરણ વ્યાપી ગયું. મોત જેવા છવાયેલા સન્નાટામાં ત્યાં બેઠેલા લોકો ધ્રૂજી રહ્યો હોય તેવું લાગતુ હતું.

ચેતવણી આપ્યા પછી પણ પ્રલયને પોતા તરફ આગળ વધતો જોઇ તાહિરખાને ઝાટકો મારી તે સ્ત્રીને ફર્શ પર પછાડી અને ટી-શર્ટની બાંયો ચડાવતો પ્રલયની સાથે ટકરાવા માગતો હોય તેમ આગળ વધ્યો.

તાહિરખાન અને પ્રલયની નજર એકબીજા સાથે અથડાઇ ચારે આંખોમાં જાણે લોહી નીતરતું હોય તેવી ખૂંખાર બની ગઇ.

હોલમાં બેઠેલા લોકોના દિલની ધડકનો એકદમ વધી ગઇ.

પ્રલયના માથા પર ખૂન સવાર થઇ ચૂક્યું હતું.

તાહીરખાન ઝડપથી તેના તરફ આગળ વધતો હતો.

***

Rate & Review

Bharat Maghodia

Bharat Maghodia 3 years ago

Nitin Patel

Nitin Patel 2 years ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 years ago

Kano

Kano 2 years ago

Ramanuj Rameshbhai