Premnu Aganphool - 7 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 7 - 1

પ્રેમનું અગનફૂલ - 7 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મંજિલ તરફ

ભાગ - 1

જે ટેકરી પર તેના પર ગોળીબાર થતો હતો. તે ટેકરીના પાછળના ભાગ તરફ કદમે ઇ. રસીદને સરકતો જોયો.

કદમ તે વૃક્ષની પાછળ ચૂપચાપ ઊભો રહ્યો.

બે-ચાર ક્ષણ વીતી.

‘ધડામ...’ વાતાવરણમાં જોરદાર વિસ્ફોટનો અવાજ થયો અને પછી કદમે ટેકરી તરફથી ચીસોના અવાજ અને રેતી, ધૂળોના ગોટાઓ સાથે પથ્થરોને અધ્ધર ઊડતા જોયાં.

ધુળના ગોટાઓ વચ્ચે ઇન્સ્પેક્ટર રસીદ મુઠ્ઠીઓ વાળી દોડતો હતો. તેના તરફ ધસી આવી રહ્યો હતો. તેનું પૂરું શરીર ધૂળથી ભરાઇ ગયું હતુ.

‘રસીદ...’ ચીસ પાડતો કદમ તેના તરફ દોડ્યો.

‘ચાલ... જલદી બધું પૂરું થઇ ગયું છે. મેં જે ટેકરી પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.’ કહેતાં કદમનો હાથ પકડી રસીદ દોડવા લાગ્યો. બંને સડક પાર કરી ગાડી પાસે આવ્યા.

બીજી જ પળે રસીદ ગાડી સ્ટાર્ટ કરી અને સ્પીડમાં ભગાવી મૂકી હતી. જૂના જમાનાના ખખડધજ તે મકાનમાં કોઇ રહેતું ન હતુ અને મકાન પણ વસ્તીથી દૂર હતું. એટલે જ ઇ. રસીદએ તે મકાન પસંદ કર્યું હતું.

મકાનના એક કમરામાં પ્રલય, કદમ અને ઇ. રસીદ બેઠા હતા. તેની સામે ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં તાહિરખાન બેઠો હતો. તેનો ચહેરો લેવાઇ ગયો હતો, પણ હજુ તેના ચહેરા પર મક્કમતા છવાયેલી હતી.

કદમે સિગારેટનો એક ઊંડો દમ લીધો, પછી નાકમાંથી ધુમાડા કાઢતો ઊભો થયો અને આગળ વધી, સળગતી સિગારેટને તાહિરખાનના ચહેરા પર આંખના નીચેના ભાગમાં ચાંપી દીધી.

તાહિરખાનનો ચહેરો પીડાથી તરડાઇ ગયો. તેના મોંમાંથી એક ચીસ સરી પડી.

‘તાહિરખાન... તારે તારી જબાન ખોલવી જ પડશે, તું પોપટની જેમ બોલવા નહીં માડે ત્યાં સુધી હું સિગારેટ પર સિગારેટ પીતો રહીશ અને તેન ચહેરા પર સિગારેટ ચાંપતો રહીશ, છતાં તું તારું મોં નહીં ખોલે તો પાકીટમાંથી છેલ્લી સિગારેટ તારી બંને આંખોમાં ચાંપી દઇશ. એક વખત તું આંધળો થઇ જઇશ, પછી અમે ચોક્કસ છોડી મૂકશું.’ પછી માટલા જેવા ઠંડા અવાજે બોલતાં કદમ પાછો બેસી ગયો અને નિરાંતે બીજી સિગારેટ સળગાવી પીવા લાગ્યો.

થોડો સમય વીત્યો હતો. કદમ, પ્રલય, રસીદ બેઠા બેઠા આરામથી વાતો કરતા હતા. કદમે બીજી સિગારેટ પૂરી કરી અને ત્યાર સુધીમાં તેણે ઊભા થઇ પાંચ વખત તાહિરખાનના ચહેરા પર સિગારેટ ચાંપી હતી.

તાહિરખાનનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. પીડાથી તેના મક્કમતા તૂટતી જતી હતી. અત્યાર સુધી કદમે તેની સાથે કશી જ વાત કરી ન હતી.

કદમે ત્રીજી સિગારેટ સળગાવી અને પછી તાહિરખાન સામે નજર ફેરવી. તાહિરખાન ધ્રૂજી ઊઠ્યો તે માનસિક રીતે તૂટતો જતો હતો.

‘પ... પૂછો... પૂછો... તમારે શું પૂછવું છે ?’ સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં દહેશતભરી નજરે કદમ સામે જોઇ તેણે પૂછ્યું.

‘તાહિરખાન... હજુ તને પૂછવાની વાર છે. એકાદ આંખમાં સિગારેટ ચાંપ્યા પછી પૂછીશ તો ચોક્કસ તું સાચા જવાબ આપીશ.’ મુસ્કુરાતાં કદમ બોલ્યો.

‘હું... હું... તદ્દન સાચા જવાબ જ આપીશ તમે પૂછો.’ કદમની વાત સાંભળી તે ધ્રજી ઊઠ્યો.

‘કેમ... ? ભાઇ, તાહિર તું તો પેશાવરનો મોટો દાદો છે... ભાઇ તારાથી આખું પેશાવર ધ્રૂજે છે. તારા માણસો અમને વીઝી-વીઝીને મારી નાખશે. એવું બધું કહેતો હતો ને કેમ બધો પાવર ખલાસ થઇ ગયો...?’ કટાક્ષભર્યા અવાજે પ્રલયે કહ્યું.

તાહિરખાનના ચહેરા પરથી પરસેવાથી ધારો નીતરી રહી હતી.

‘તાહિરખાન... તું હજુ આ લોકોને ઓળખતો નથી નહીંતર આ લોકો સામે બાથ ભીડવાનુ સ્વપ્નમાંય વિચાર ન કરત. તાહિર તારા જેવા તો કેટલાય મવાલીઓને આમણે મરાવી નાખ્યા છે. સમજ્યોને એટલે હવે ડાહ્યો થઇ સાચા જવાબ આપજે, જો આ લોકોને એમ લાગ્યું કે તું ખોટું બોલી રહ્યો છે. તો તો પછી તને કાંઇ જ પૂછશે નહીં અને તારી આંખોને ખોલી સિગારેટ ચાંપી દેશે. જિંદગીભર આંધળો થઇ મવાલીની જેમ ગલી-ગલીમાં ભટકતો રે’ જે સમજ્યો.’ ઇ. રસીદ હસ્યો.

‘હું... હું... સાચું જ બોલીશ, પૂછો.’ ગભરાતા અવાજે તાહિરખાન બોલ્યો.

‘તાહિરખાન... હું પૂછું તેના જવાબ એકદમ સાચા આપજે. નહીંતર તારી આંખો ખોલી સિગારેટના ડામ તો દઇશ, સાથે સાથે જેમ આંબાના ચીરા કરીએ તેમ તારા શરીરમાં ચારે તરફ છૂરીથી ચીરા પાડી અંદર મરચું, મીઠું ભભરાવીશ યાદ રાખજે... તાહિરખાન સામે આંગળી ચીંધતા કડક શબ્દોમાં કદમે કહ્યું.

તાહિરખાન ગળામાં અટકેલું થૂંક માંડ માંડ ગળી શક્યો.

કદમે એક નવી સિગારેટ સળગાવી અને તેનો ઊંડો કશ ખેંચ્યો ત્યાર બાદ તાહિરખાન સામે જોયું, ‘તાહિરખાન, દુર્ગા ક્યાં છે ?’

‘દુર્ગા... ? ક... કોણ દુર્ગા... ?’ ગભરાતાં તાહિરખાન બોલ્યો.

‘તાહિરખાન ભારતના રાજ્ય ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓ વચ્ચે ઝેર ફેલાવી દંગાફસાદ કોણે કરાવ્યા... ?’

‘મ... મને ભારતમાં થયેલા દંગા ફસાદની ખબર ક્યાંથી હોય...’ તાહિરખાન થોથવાયો.

‘થાડ...’ એકદમ પ્રલય ઊભો થયો અને તાહિરખાનના માથાના બાલ પકડી દાંત કચકચાવીને તેના ગાલ પર જોર સાથે થપાટ મારી.

તાહિરખાનના મોંમાંથી ચીસ નીકળી ગઇ. તેનો હોઠ ખૂણામાંથી ફાટી ગયો અને તેમાંથી લોહીની લકીર જડબા પર રેલાઇ.

‘મ.... મારો નહીં... ખરેખર મને પૂરી બાતમાં નથી પણ... પણ...’

‘બકવા માડં તાહિરખાન નહીંતર આ પ્રલય તારા પર પ્રલય બનીને તૂટી પડશે.’

ઇ. રસીદ ક્રોધભર્યા સ્વરે બોલ્યો.

‘મ... મને જાણ છે એટલું હું કહીશ... મારશો નહીં.’ તાહિરખાન દહેશતભરી નજરે પ્રલય સામે જોઇ રહ્યો.

‘તાહિરખાન... ગુજરાતમાં દંગાફસાદ થયા. નકલી નોટોની સપ્લાય થઇ, દુર્ગાનું અપહરણ કરવામાં આવ્યું તે બધી જ જડના મૂળ અહીં પેશાવરમાં છે, એ પાકી બાતમી મળ્યા પછી જ અમે તમારા પેશાવરમાં પગ મૂક્યો છે. ક્રોધભરી સળગતી આંખો સાથે પ્રલયે તાહિરખાન સામે જોયું. ‘ચાલ હવે જલદી બકવા માંડ...’

‘અફઝલ શાહિદ... અફઝલ શાહિદના આ બધાં કામ છે, પણ... પણ...’ તાહિરખાને ગળામાં અટકેલું થૂંક ગળ્યું.

‘આ અફઝલ શાહિદ કોણ છે...?’ સિગારેટનો દમ ભરતાં કદમે પૂછ્યું.

‘અફઝલ શાહિદ પેશાવરનો ડોન છે. અફઝલ શાહિદ પેશાવરનું રાજ કારણ ચલાવનારાઓના આકા છે. અફઝલ શાહિદ આંતકવાદી સંગઠન લશ્કરનો વડો છે... તેના નામથી આખું પેશાવર ધ્રૂજે છે તે... ?’

‘બસ... બસ... અમારે અફઝલ શાહિદનાં વખાણ નથી સાંભળવા. તારો અફઝળ સાહિદ મરવાનો થયો છે. તેથી જ ભારતની શાંતિમાં પથરો નાખ્યો છે. તે સુવરની ઔલાદ મળશે ક્યાં એ બતાવી દે...’ પ્રલય બોલ્યો.

‘પેશાવરની લગભગ 130 કિલોમીટર દૂર પેશાવરનું જ એક ગામ બુધ્ધઇ છે, જે ચારે તરફ પહાડોથી ઘેરાયલું છે, તે ગામ કહેવા માટે જ મામગામ છે, પણ હકીકતથી અફઝલ શાહિદનો અડ્ડો છે, જ્યાં કેમ્પમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.’

‘દુર્ગા... ? દુર્ગા કોણ છે. તેની મને ખબર નથી, પણ થરપાર્કરના રણ બોર્ડરથી સુલેમાન એક છોકરીને અહીં ભગાવી લાવ્યો છે, અને તે છોકરીને તે બુધ્ધઇ લઇ ગયો છે.’

‘સુલેમાન... ? બરાબર તે જ છોકરી દુર્ગા છે. જેનું અપહરણ કરી અહીં લાવવામાં આવી છે. સમજ્યો સુવર... તે સુલેમાન સાથે ભાગીને નથી આવી.’ ડોળા તતીડાવતાં કદમે કહ્યું.

‘આ સિવાય તું જે જાણતો હોય તે બાકી નાખ... ફટાફટ...’ રસીદે ચપટી વગાડી.

‘મ... મને વધુ કાંઇ જ ખ્યાલ નથી.’

‘ઠીક છે, બુધ્ધઇ કેમ્પનું વર્ણન જણાવ... ત્યાં સુરક્ષાની વ્યવસ્થા કેવી છે, કેટલા આતંકવાદીઓ ત્યાં ટ્રેનિંગ લે છે, ફટાફટ બોલવા માંડ મારા ભાઇ, આમ તો મેં બુદ્ધઇનો રસ્તો જોયો છે, પણ તે વસ્તીના લોકો આ કેમ્પ પર નભે છે, કેમ્પ જયાં છે તે મેદાનની બુધ્ધઇ ગામ એક કિલોમીટરના અંતરે છે, લગભગ બસો ખોરડાની ત્યાં વસ્તી છે, ગામના લોકો ત્યાં કેમ્પના આસરે જીવે છે, તે લોકો કેમ્પનું બધું કામ કરે છે, તેના બદલામાં વળતર રૂપે કેમ્પમાંથી તેઓને પૈસા મળે છે. ચારે તરફ ઘેરાયેલા ઊંચા ઊંચા પર્વતની ચારે તરફ કેમ્પના સિપાઇઓ રાત-દિવસ ચોકીઓ બનાવી કેમ્પની રક્ષા કરે છે.’

‘ઠીક છે... અમે બધું ફોડી લઇશું... પછી કદમ તરફ નજર કરતાં પ્રલય આગળ બોલ્યો, ‘કદમ... આપણે કાલ સવારના બુધ્ધઇ જવા નીકળી જશું... બરાબર...!’

‘બરાબર... પણ... આનંદ હજુ પેશાવર આવ્યો નથી, તે આજ અહીં આવી જવાનો હતો.’ કહેતાં કહેતાં આનંદ કદમના ચહેરા પર ચિંતાની લકીરો છવાઇ.

‘તો મોબાઇલ કરી પૂછી લે તે ક્યાં છે... આપણે કાલ સવાર સુધી એની વાટ જોઇ શકીશું, પછી નીકળી જશું...’

‘જો તેના મોબાઇલ પર રિંગ મારી હતી પણ તેનો મોબાઇલ સ્વીચ ઓફ બતાવે છે.’

‘એક કામ કરીએ... આપણે કાલ સવારના બુધ્ધઇ જવા નીકળી જઇએ. હું મારા એક વિશ્વાસુ માણસને સમજાવી એરપોર્ટ પર મોકલી આપીશ, તે આનદને ટેકઓવર કરી લેશે, પણ મને તો તેનો ફોટો જોઇશે...’ ઇ. રસીદએ કહ્યું.

‘ફોટો મળી જશે...’ કદમે તરત કહ્યું.

‘ઠીક છે, એ કામ થઇ જશે, પણ હવે આ પાકિસ્તાની બુલડોગનું શું કરવાનું છે... ?’ રસીદએ પૂછ્યું.

‘આપણે તાહિરખાનને જીવતો છોડી મૂકશું તો કદાચ તે અહીંથી છટકી જાય અને બુધ્ધઇ આપણે ત્યાં આવી રહ્યા છીએ તે સમાચાર પહોંચાડી દે તો આપણન ભારે પડી જાય.’ પ્રલય બોલ્યો.

‘એવું નહીં થાય મારા માણસો આને છટકવા નહી દે.’ મક્કમતાપૂર્વક ઇ.રસીદ બોલ્યો.

‘ના... ઇ. રસીદ... તારા માણસો પર મને પૂરો ભરોસો છે, પણ હું કોઇ જ રિસ્ક લેવા નથી માંગતો...’ ખિસ્સામાંથી રિવોલ્વર બહાર કાઢતાં પ્રલય બોલ્યો.

‘મ... મને... મારશો નહીં. હું અહીંથી ક્યાંય નાસી નહીં જાઉં અને હું બુધ્ધઇ તમારા આવવાના સમાચાર પણ નહીં આપું... પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો...’ ગભરાયેલા તાહિરખાનની આંખો દહેશતથી ચકળ-વકળ થવા લાગી.

‘તાહિરખાન... હું માનવતાનો પૂજારી છું, હું માનવ જિંદગીની મૂલ્યતા સમજું છું, પણ... પણ... તાહિરખાન હું મારા દેશને દુશ્મનોને ક્યારેય છોડતો નથી, તારા જેવા હરામખોરોને લીધે મારા દેશના કેટલાય લોકોની જિંદગી બરબાદ થઇ છે. તું જીવવાને લાયક નથી. જા... ઉપર જઇ તારા કરેલા કરમ માટે ખુદાના દરબારમાં માફી માંગજે. કદાચ તારા આત્માને શાંતિ મળશે. અલવિદા...’ કહેતાં જ પ્રલયે દાંત કચકચાવીન તાહિરખાનના લમણા પર રિવોલ્વર મૂકી ઘોડો દબાવી દીધો. ‘ફિસ’ના અવાજ સાથે સાયલેન્સયુક્ત રિવોલ્વરમાંથી ગોળી નીકળી અને તાહિરખાનના ભેજામાં સમાઇ ગઇ. તાહિરખાનનું મસ્તક એક તરફ ઢળી ગયું, તેના મસ્તકમાંથી લોહીની ધારો છૂટી અને તેના પૂરા શરીરને નવડાવતી નીચે રેલાવા લાગી.

પ્રલયનું રુદ્ર સ્વરૂપ જોઇ ઇ.રસીદ મનોમન ધ્ર્રૂજી ઊઠ્યો.

આનંદ પહેલી વખત પાકિસ્તાન આવ્યો હતો. એરપોર્ટ પર ઔપચારિક વિધિ પતાવી તે પોતાની બેગ લઇ બહાર આવ્યો.

ટેક્ષી... ટેક્ષી... ટેક્ષી... ની બૂમો વચ્ચે એક ટેક્સી તેની પાસે આવીને ઊભી રહી.

આનંદ ટેક્ષીનો પાછળનો દરવાજો ખોલી બેસી ગયો.

‘સર...’ પ્રશ્નાર્થભરી નજરે ડ્રાઇવરે તેની સામે જોયું.

‘કોઇ સારી હોટલમાં લઇ લે.’ સીટમાં શરીરને ઢીલું છોડતાં રિલેક્સ થતા આનંદ બોલ્યો.

ડ્રાઇવરે ટેક્ષીને ગિઅરમાં નાખી આગળ વધારી.

એરપોર્ટના ગેટ પાસે ટેક્ષી ધીમી પડી.

‘અનવર...’ કોઇએ બૂમ પાડી ડ્રાઇવરે તે તરફ નજર કરતાં ટેક્ષીને બ્રેક મારી આંનંદ સામે જોયું.

‘સર... મારો ભાઇ... આપને હોટલ પર છોડી, ઘરે જવાનું હોતા મારા ભાઇને સાથે લેવો છે. આપને વાંધો ન હોય તો...’

‘ઠીક છે લઇ લે... મને કોઇ જ વાંધો નથી.’ હસતાં હસતાં આનંદે કહ્યું.

ટેક્ષી ડ્રાઇવરે આગળનો દરવાજો ખોલ્યો, કથીત તે ટેક્ષી ડ્રાઇવરનો ભાઇ ડ્રાઇવર સીટની બાજુમાં સીટ પર બેસી ગયો. ત્યારબાદ ટેક્ષી રફતાર સાથે આગળ વધી ગઇ.

અચાનક આનંદના દિમાગમાં ખતરાની ઘંટી રણકવા લાગી.

તેને શહેરની કોઇ સારી હોટલમાં જવાનું ડ્રાઇવરને કહ્યું હતું, પરંતુ અત્યારે ટેક્ષી શહેર છોડી આગળ વધી રહી હતી.

‘ડ્રાઇવર... આપણે શહેરમાં કોઇ સારી હોટલમાં જવાનું છે, તું ટેક્ષીને શહેરથી બહાર કઇ તરફ લઇ રહ્યો છે ? ટેક્ષી ઊભી રાખ.’ સખ્ત શબ્દોમાં આનંદે કહ્યું, પરંતુ ટેક્ષી ડ્રાઇવરે જાણે કશું જ સાંભળ્યું ન હોય તેમ તે ટેક્ષીને આગળ વધારતો રહ્યો. ટેક્ષીની સ્પીડ પહેલાં કરતાં તેણે વધારી નાખી હતી.

આનંદનું મગજ ઘૂમી ગયું.

આનંદ આગળ કંઇ બોલે તે પહેલા જ ટેક્ષી ડ્રાઇવરના બાજુની સીટ પર બેઠેલ કથિત ટેક્ષી ડ્રાઇવરના ભાઇએ પાસું ફરાવી આનંદ તરફ નજર કરી તેના ચહેરા પર કાતિલ સ્મિત ફરકી રહ્યું હતું.

અચાનક તેણે આનંદ સામે હાથ લંબાવ્યો.

તેના હાથમાં રિવોલ્વર ચમકતી હતી.

‘ચૂપચાપ બેસી રહે નહીંતર...’ વાક્યને અધૂરું છોડી તેણે રિવોલ્વરની ઘોડા પર હાથની આગંળીનું દબાણ થોડું વધાર્યું.

દહેશતથી આનંદની આંખો ફાટી ગઇ.

‘ત... તમે... તમે કોણ છો ? અને મને તમે ક્યાં લઇ જાવ છો...?’ જુઓ હું એક વેપારી માણસ છું અને...

‘તારું લેક્ચર બંધ કર.’ આનંદની વાત વચ્ચેથી કાપી નાખતા તે તાડૂક્યો, ‘આગળ જતાં તને બધી ખબર પડી જશે, પણ હવે એક શબ્દ પણ બોલ્યો છો તો તેનો જવાબ મારી રિવોલ્વર આપશે, સમજ્યો...’

આનંદના માથામાંથી પરસેવાની ધારો નીતરવા લાગી.

શાહી ગાર્ડન પાસેના રેસ્ટોરન્ટમાં ચા-નાસ્તો કરી તેઓ સવારના બુધ્ધઇ જવા નીકળ્યા હતા. શહેરનો એરિયા ધીરે ધીરે છૂટતો ગયો. શહેર રોડ પૂરો થતં આગળ ઉબડ-ખાબડ અને સિંગલ પટ્ટી રોડ પર તેઓ આગળ વધી રહ્યા હતા.

ઇ. રસીદ જીપ્સી ગાડી ચલાવી રહ્યો હતો. તેની બાજુની સીટ પર પ્રલય બેઠો હતો. જ્યારે કદમ પાછળની સીટ પર પગ લાંબા કરી બેઠો હતો અને આરામથી સિગારેટ પી રહ્યો હતો, રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. ચારે તરફ નાની-મોટી ટેકરીઓ ફેલાયેલી હતી અને ઊગતા સૂર્યનો પ્રકાશ તેના પર પડતાં ટેકરીઓ અનેરી ભાસતી હતી. વરસાદ પડી ગયો હોવાથી ચારે તરફ ઘાસ ફૂટી નીકળ્યું હતું અને મંદ મંદ વાતા પવનોમાં લહેરાઇ રહ્યુ હતું. એકદમ દિમાગને તાજું તરબોળ કરી નાખે તેવું આહ્લાદક વાતાવરણ હતું.

ગાડીના એન્જિનના ઘરઘરાટ સિવાય ચિર શાંતિ ફેલાયેલી હતી.

‘રસીદ... આપણે બુધ્ધઇ કેટલા વાગે પહોંચી જશું...?’ પ્રલયે પૂછ્યું.

પ્રલય... રસ્તામાં કોઇ વિધ્ન ન આવ્યું તો સાંજના ચાર વાગ્યાના સમયે આપણે બુધ્ધઇ પહોચી જશું, પણ વરસાદને લીધે આગળ રસ્તો ખરાબ હશે તો થોડો વધુ સમય લાગશે.

‘ભાઇ રસીદ... તું ગાડી આરામથી ચલાવજે, યાર... હજુ તો પ્રલયનાં લગ્ન કરવાનાં છે. તેના બાળકોને મારે રમાડવા છે, પ્રલયનાં બાળકો મારા પર બેસી જિ ઘોડો... ઘોડો... રમશે અને હું ચારે પગે આંગણામાં તેને ફેરવીશ.’ કદમે ત્રાંસી આંખે પ્રલય સામે જોતાં કહ્યું.

‘તું ઘોડો નહીં ગધેડો બનવાલાયક છે અને રહી મારા લગ્નની વાત તો હજુ સુધી મેં તે વિશે વિચાર્યું નથી સમજ્યોને...?’

‘ભલે મારે ગધેડો બનવું પડે યાર, તારાં બાળકોને મારે હજુ રમાડવાં બાકી છે. એટલે જ કહું છું રસીદને કે ભાઇ ગાડી ધીમી ચલાવજે નહીંતર શું થશે ખબર છે ?’ પીઢ માણસની જેમ મોંને ગંભીર કરતાં કદમે કહ્યું.

‘એ... ભાઇ... તારો બકવાસ બંધ કર અને તારા જીભડાને લગામ દે... મહેરબાની મારા બાપ...’ પ્રલયે બંને હાથ કદમ સામે જોડ્યા.

ઇ. રસીદ ગાડી ચલાવતાં ચલાવતાં જોર જોરથી હસી રહ્યો હતો.

‘ભાઇ ધરતીના પ્રલય પહેલાં તો તું મને બાપ કહે નહીં યાર, હું ક્યાં તારો બાપ છું, યાર ભાઇ કહે, દોસ્ત કહે તો ચાલશે પણ...’

પ્રલય કદમ સામે આંખો તાણી.

‘રેવા દે... ભાઇ આમ ડરાવ નહીં ભલે તે મને બાપ કહ્યો, ચાલ દોસ્ત છો તો કર્યો માફ, પણ ભાઇ પ્રલય, તું કહે છે કે તારા જીભડાને લગામ આમ... હવે મારી જીભ કાંઇ થોડો ઘોડો છે તેને લગામ હોય અને જેમ ખેંચુ તેમ તે અંદર બહાર થાય પણ યાર પ્રલય...’

‘કદમના બચ્ચા હવે તું ચૂપ થવાનું શું લઇશ...’

‘પ્રલય પહેલાં તો તું મને કહે કે આપણા બેમાંથી મોટું કોણ છે...’

‘હું છું કેમ...?’

‘એ તો સારી વાત છે, હું મોટો છું, અને મારાં લગ્ન પહેલાં થાય જેણે તે નિયમ બનાવ્યો હોય તો તે તું જિંદગીભર કુંવારો રહેવાનો કેમ કે મેં લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે.’

‘હેં ! તો તું લગ્ન નહી કરે તો મારાં લગ્ન પણ નહીં થાય તો આ કદમનો બચ્ચો વચ્ચે ક્યાંથી ટપકી પડ્યો... શું હું કુંવારા બાપ બનવાનો છું અને...’

‘બસ... બસ હવે મારે દિલ્હી ચાલીને તાનીયાને કહેવું પડશે કે કદમ કુંવારો જ બાપ બનવા માંગે છે, તેને તારી કોઇ જ કિંમત નથી.’ કહેતાં કહેતાં પ્રલય હસ્યો.

‘તું તારે તાનીયા-બાનીયા-વાનીયા જે હોય તેને કહી દેજે. એ બિલાડીથી હું ડરતો નથી, સમજ્યો.’ મોં મચકોડતાં, મુઠ્ઠીઓ વાળતાં કદમે ક્હયું.

‘ઠીક છે દિલ્હી ચાલ પછી તાનીયાના હાથમાં પકડેલા વેલણના માર ખાતા ખાતા ઊઠ-બેસ કરજે.’

‘ઐસી-તૈસા તાનીયાની. હું તેનાથી ડરતો નથી. હું શું કરવા વેલણનો માર ખાઉં, ખાવુ જ હોય તો રસગુલ્લા, અંગુર, રબડી કેમ ન ખાઉં...?’

‘તો પછી વેલણનો માર કોણ ખાશે મારા ભાઇ...?’

‘વેલણનો માર ખાવા માટે બેઠો છે ને આ બે હાથવાળો, મારો વાલો આવશે. તો યાર રસીદ...?’

‘એ ભાઇ... હું તને મારા બે હાથ અને બે પગ જોડીને કહું છું કે તમારો બે વચ્ચે મને ન લાવ અને મને વેલણ ખાવાનો શોખ પણ નથી સમજ્યો ને...?’ કહેતાં રસીદએ મોં મચકોડ્યું.

અને પછી ત્રણે ખડખડાટ હસી પડ્યા.

કદમે સિગારેટનો છેલ્લો દમ ભરી ઠૂંઠાને બહાર ઘા કર્યો. પછી બોલ્યો, ‘પ્રલય, તને નથી લાગતું કે આપણે આનંદની વાટ જોવી હતી. આપણે થોડી ઉતાવળ કરી.’

‘કદમ... આનંદનો કોન્ટેક્ટ જ નથી થતો અને આપણે આપણું મિશન જલદી પૂરું કરવાનું છે. જેટલું મોડું થશે એટલી અડચણો વધશે અને મિશન પૂરું થાય પછી આપણે આનંદની તપાસ કરીશું. તે ભારતમાં જ હોય તો કોઇ ચિંતા નથી અને તે પેશાવરમાં જ ક્યાંક ફસાઇ ગયો હશે તો તેને જરૂર છોડાવીને પછી જ ભારત જઇશું, બરાબર ને...?’

‘પ્રલય... મને તારી તાકાત અને તીવ્ર બુદ્ધિ પર પૂરો વિશ્વાસ છે.’ લાગણીભર્યા સ્વરે બોલતાં કદમ પ્રલય સામે જોઇ રહ્યો.

***