Khukh - 6 books and stories free download online pdf in Gujarati

કૂખ - 6

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૬

‘પ્રકાશ...’ અંજુ પ્રકાશની આંખોમાં આંખો પરોવી પળાર્ધ માટે અટકી કે છટકી ન જાય એવી ત્વરાથી બોલી : ‘એક વાત પૂછું ? જે મારે પહેલા પૂછવી જોઈતી હતી...’

પ્રકાશની મૂક સંમતિ સમજીને ઘસાતાં સ્વરે બોલી : ‘તું ક્યાંય કોઈનો પતિ તો નથી ને !?’

અંજુનું આવું પૂછવું, સવાલ કરવો પ્રકાશને ઠીક કે યોગ્ય ન લાગ્યો. પોતે કોઈને પતિ હોય અથવા ન હોય તેથી તેને શું ફેર પડવાનો હતો ? ખરું પૂછે તો આવો સવાલ જ કોઈને કરાય નહી.

પણ પ્રકાશની પ્રતિક્રિયા જાણ્યા,સાંભળ્યા વગર કહી દીધું:‘તો તું આટલો ડર શા માટે અનુભવે છે ?’

થોડીવાર તો પ્રકાશને એમ થયું કે અંજુએ પોતાને રંગે હાથ પકડી લીધો છે. અંદરથી જાણી લીધો છે. બોચીએથી આખેઆખો ઝાલી લીધો છે. હવે છૂટવાની કોઈ સંભાવના નથી.

‘પણ ના...એવું ક્યાં કશુંય છે !’

‘શું કહ્યું !?’ અંજુના સવાલ સામે જવાબ વાળતા બોલ્યો : ‘એવું હોતતો ક્યાં કોઈ પ્રશ્ન હતો...’

પોતે કોઈનો પતિ નથી તેનો પસ્તાવો, અફસોસ પ્રગટી રહ્યો છે. એવું અંજુ સમજાયું. તેથી તેને ચાનક ચઢ્યું. તે પૂછી જ બેઠી : ‘તો પછી પ્રશ્ન ક્યાં છે ?’

‘કોઈ પ્રશ્ન નથી. પણ વધારે સારું થાય એવું સમજીને કહ્યું હતું. બાકી તું કહે તેમ...’

‘ઠીક છે.’ કહી અંજુ ઊભી થઇ. ધીમા પગલે ચાલી બારી પાસે ઊભી રહી.

બારી બહારનું દ્રશ્ય અદભૂત હતું.ઊંચી ઈમારતો, ગાઢી વનરાજી...સઘળું જ આયોજનબદ્ધ ઉગાડેલું હતું. બ્યુટીપાર્લરમાંથી બહાર આવેલી સ્ત્રી જેવું નયનરમ્ય હતું. ક્યાંય સુધી એમ જ ઊભી રહી.

ને પ્રકાશ સોફા પર તનથી સ્થિર અને મનથી અસ્થિર હોય એમ બેસી રહ્યો.

‘પ્રકાશ !’ અંજુ ઝટકા સાથે ડોક ફેરવી, પ્રકાશ સામે તિક્ષ્ણ નજરે તાકીને બોલી : ‘હું એક સ્ત્રી છું છતાંય આટલું બિન્ધાસ્ત બોલી શકું છું, નિર્ણય લઇ શકું છું...ને તું એક ફક્કડ ભાયડો હોવા છતાં ડરે છે ?’ બે ડગલા પાસે આવીને ધસમસતા અવાજે બોલી : ‘તને ડર શેનો...ને શું કરવા લાગે છે !?’

અંજુના રૂપ-રંગ બદલાઇ ગયા. તે જાણે ગામડાંની અસ્સલ ગુજરાતણ બની ગઇ !

‘તારી એ ખુમારી, તારી બહાદુરી, તારું સ્વમાનપણું...મને તારા સુધી ખેંચી લાવ્યું છે.’અંજુ સ્વર બદ લાઇ ગયો. તે કહે :‘હું સમજી-વિચારીને તારા પાસે આવી છું.’ બંધ રૂમમાં સન્નાટો છવાઇ ગયો.સામે પ્રકાશની બેઠક નીચે જ ધડાકો કે ભડાકો થયો હોય એમ ઝટ કરતો બેઠો થઇ ગયો. તેના પરથી લોહી ઊડી ગયું હતું. તે પળવારમાં પીળોપચ થઇ ગયો હતો.

‘એ બધું ક્યાં ગયું તે તું આવો...’અંજુ આગળ બોલવાના બદલે આંખો તાણી પ્રકાશને ત્રોફવા લાગી.

પ્રકાશ અંજુની નજરનો ભાર ઝીલી શક્યો ન હોય એમ આડું જોઈ ગયો.તેનું પંડ્ય કંપવા લાગ્યું હતું.

‘હું તો મારા એ પ્રકાશની પાસે આવું છું...’

પ્રકાશના પગ નીચેથી જાણે ધરતી ખસવા લાગી. પોતાનો જ ભાર લાગ્યો. ઊભા રહી નહી શકાય એવા ડરે, ફરી સોફા પર ધબ દઈને ફસડાઈ પડ્યો. સોય ઝાટકીને છાતી વીંધતો ઘા વાગ્યો હતો !

‘સાચું કહે પ્રકાશ,ક્યાંય વટલાઇ તો નથી ગયો ને !?’પછી લગોલગ જઇને કહે :‘શરમનો માર્યો ના પાડી શકતો ન હોય...’

દયામણી નજરે, કશાજ ઘાત-પ્રત્યાઘાત વગર પ્રકાશ અંજુ સામે જોઈ રહ્યો.

અંજુને દયા આવી. હોય...સમય.સંજોગો માણસ ઘડતાને પછાડતા હોય છે.જાતે જ સમાધાન શોધીને સ્વીકારી લીધું.તે ઘસાઇને પ્રકાશ પાસે સોફા પર બેઠી.પ્રકાશ પણ સહેજેય ખસ્યા વગર એમ બેઠો રહ્યો. બંનેના શ્વાસ એકમેકને મળવા લાગ્યા.

સાવ નજીવા સમયમાં અંજુ થયું હતું કે, પોતાનું બોલવું આવેશભર્યું ને બિનજરૂરી હતું.આવું ચોખ્ખું ને ઉઘાડું કહેવાની જરૂર નહોતી.જે હોય તે..અહીં માત્ર કામ સાથેનો મતલબ હતો.ટપાકા નહી,રોટલાનું કામ હતું.

‘સોરી પ્રકાશકુમાર...’આમ કહી અંજુ પ્રકાશ તરફ ઢળી, સહેજ મોં ઊંચું કર્યું પછી વ્હાલપનો વીંઝણો ફેરવતી હોય એમ ગાલ પર નાકનું ટેરવું ઘસી, પ્રકાશના કોરા ગાલ પર હળવું ચુંબન છોડી દીધું...

સામે પ્રકાશ સ્ટેચ્યુ જેવો થઇ ગયો. આંખો ફાટી રહી...ને હ્રદય બમણાવેગથી ધડકવા લાગ્યું. નાડીના ધબકારા તેજ થઇ ગયા. થીજી ગયેલું લોહી, ઉછાળા મારવા તૈયાર થઇ ગયું.

‘પ્રકાશ...!’

પ્રકાશ એકદમ ઊભો થઇ ગયો. તેને હજુય કશુંય માનવામાં કે સમજમાં આવતું નહોતું. ઘડીભરમાં આ શું બની ગયું...ને હવે શું બનશે !

‘પ્રકાશ...!’ અંજુ અચરજ અનુભવતી બોલી : ‘શું થયું...? કેમ આમ....’

બાળક પેઠે પોતાના ગાલને પંપાળતો પ્રકાશ તૃષાતુર નજરે અંજુ સામે જોઈ રહ્યો.

‘ગાંડિયા ! મને જોઈ નથી તે...’ કહી અંજુએ પ્રકાશના ગાલ પર પ્રેમાળ ટપલી મારી ટપાર્યો...પછી લાડથી કહે : ‘ભૂખ લાગી છે, મને ક્યાં સુધી ભૂખી રાખવી છે !’

પ્રકાશ માથે પાણીના છાંટા ઉડ્યા હોય એમ થોડો થથરી ગયો. સ્વસ્થ થઇ અંજુ સામે ભીની નજરની છાલક નાખી...ને બોલ્યો : ‘ભૂખતો મને પણ લાગી છે !’

‘લાગે, બધાને ભૂખ લાગે. શરીરની જરૂરિયાત છે, સંતોષવી તો પડે !’

પ્રકાશ પાસે તત્કાલ આપી શકાય એવો કોઈ પ્રત્યુતર નહોતો. તે ફરી મૌન થઇ એમ ઊભો રહ્યો.

એકાંતનો સુવાંગ ઈજારો રાખીને બેઠેલા રૂમમાં લપસણી ક્ષણોનો ઉમેરો થાવા લાગ્યો હતો. ભીની ભોં પર પગને લપસતાં વાર ન લાગે, લાખ ઉપાય છતાંય લપસી જવાય...બંને આંખનું મટકું મારવાનું જ નહી, સઘળું ભૂલી એકબીજા સામે જોઈ રહ્યાં.

-તનથી તડપતા સ્ત્રી-પુરુષ એકબીજાને જુએ તેમ...

સમય પ્રવાહી થઇ ગયો.એકાંત ઓગળવા લાગ્યું.રૂમની દીવાલો જાણે નજીક આવવા લાગી...

ત્યાં ડોરબેલ રણકી. ડોરબેલનો તીણો, કર્કશ અને એકાએક હુમલો કરનાર અવાજ નાજુક સમયના પટ પર પટકાયો. ઓગળતો સમય છેદાઇ ને છિન્નભિન્ન થઇ ગયો.

અંજુ સહેજ પણ થથર્યા કે આંચકો અનુભવ્યા વગર સ્થિર ઊભી રહી. પણ પ્રકાશ થથરી કે હલબલી ગયો. તેણે કંપતા હાથે, ઝડપથી રૂમનું બારણું ખોલ્યું...સામે વેઈટર ઊભો હતો.

‘સર ! આપ દોનોં કો ઠહરના હૈ ?’

સવાલ સાચો પણ કસમયે ને અણધાર્યો હતો.હજુ એક સ્થિતિની કળ વળી નહોતી ત્યાં આવો સવાલ સામે આવી ઊભો રહ્યો. શું કરવું, કહેવું...પણ તત્કાલ કહી દીધું : ‘તું જા...મેં અભી બતાતા હું.’

વેઈટર સલામ ભરેલી મુદ્રામાં સ્માઈલ ફરકાવીને ગયો. પણ અઘરો પ્રશ્ન છોડતો ગયો હતો. જવાબ તો આપવો પડે, નોંધવું પડે...પ્રકાશ ઊભો રહ્યો. ત્યાં અંજુ પાછળ આવીને ઊભી રહી. તેણે પૂછ્યું :‘શું હતું ?’

પ્રકાશ અબોલ રહ્યો તેથી અંજુએ જ કહ્યું :‘અત્યારે તો હું ક્યાં જઈશ !?’

‘જ્યાં જવું હોય ત્યાં..’આમ કહેવાના બદલે પ્રકાશે કહ્યું :‘જવાનો સવાલ જ ક્યાં છે !’

‘તો શેનો સવાલ છે ?’આવું પૂછવાના બદલે અંજુ અબોલ રહી.કોઈ ગહન કે અજાણ્યા વિચારના લીધે તેનાં ઉજળા ચહેરા પર કરચલીયો આકાર લેવા લાગી હતી.આંખો ઝીણી થાવા લાગી હતી.

પ્રકાશને જાણે યાદ આવી ગયું હોય એમ બોલ્યો : ‘ભૂખ લાગી છે ને !’

અંજુએ મોં પર મરકલું ફરકાવીને મૂકસંમતિ આપી.

‘શું જમવું છે ?’ અંજુના ટેસ્ટથી હવે અજાણ હતો એટલે પૂછવું વાજબી હતું.

‘તું જે જમાડે તે...’

‘તો દાલ-બાટીનો ટેસ્ટ કરીએ !’

ફ્રેશ થઇ નીચે આવ્યાં.વચ્ચે કાઉન્ટર પર પ્રકાશે સાવ ધીમેથી કહી દીધું:‘આવીને કહું છું, રોકાવાનું...’

અંજુએ સાંભળ્યું, અણસાંભળ્યું કર્યું.

બંને બાઈક પર નીકળ્યાં...

રાતના આઠ વાગવા આવ્યા હતા.પણ અંધારું આવ્યા પહેલા જ પાછું ચાલ્યું ગયું હતું. પાટનગરમાં ધોધમાર વરસતી લાઈટોના ઝગમગાટ વચ્ચે અંધારાનું હોવું, રહેવું ફાવે એવું નહોતું.

‘ઘ’ ચારના સર્કલે બંને ઊભાં રહ્યાં. ફુવારા, લાઈટીંગ, પબ્લિક...અંજુ મુગ્ધભાવે જોવા લાગી.

મોટા સર્કલની વચ્ચે ત્રણ-ચાર પ્રકારના ફુવારા વિવિધ રીતે પ્રગટી રહ્યા હતા.મંદિરનું શિખર, શિવ લિંગ, નૃત્ય કરતી નૃત્યાંગના...જેવા આકારો ઊપસી આવતા હતા. તેમાં ખાસતો લાઈટની કરામત હતી.

સર્કલ અને વિધાનસભા વચ્ચે અંતર છે.પણ ખાસ બનાવેલા ફુવારા, બાંધકામના લીધે અંતર રહ્યું નથી.બે પહોળા રસ્તા વચ્ચે બગીચો બનાવવામાં આવ્યો છે.તેમાં રંગ-બેરંગી ફૂલછોડ,વિવિધ આકારનું કટિંગ કરેલી મહેંદી અને ફૂટપાથ જેવા પગથીઓ...વળી બંને બાજુ લળીને ઊભેલાં ઊંચા વૃક્ષો,તેનાં પર પડતો લાઈટનો પ્રકાશ...નવલો નજારો રચાતો હતો.

‘પ્રકાશ !’ અંજુએ પ્રકાશના ખભા પર હાથ મૂકીને કહ્યું:‘મને તો નક્કી નથી થતું કે હું ગુજરાતમાં છું !’

પ્રકાશ સમજ્યો નહી તેથી કશું બોલ્યો નહી.પણ અંજુએ કહ્યું:‘વાહ ગુજરાત...!’એટલે દ્વિઘા નીકળી ગઇ. અંજુને ગમ્યું તેથી પ્રકાશને સારું લાગ્યું. તે અંતરથી ગૌરવ અનુભવવા લાગ્યો.

ગાંધીનગરથી દસેક કિલોમીટર દૂર હાઇવે પરની એક દેશી હોટેલમાં બંને ખાટલા પર બેસીને જમ્યાં. બાટીને બે હાથ વચ્ચે રાખી,ચોળતી વખતે અંજુએ કહ્યું હતું :‘આ તો આપણી કાઠિયાવાડની લાપસી,ઓરમું કે ચૂરમા જેવું લાગે છે !’

‘દાળના બદલે ગોળ નાખો એટલે ચૂરમું !’

‘સાચું કહું પ્રકાશ...’અંજુ બોલી :‘આપણને આપણાની ઓછી કદર હોય છે.હું તો ત્યાં સુધી કહું છું કે આપણું ગૌરવ અનુભવવાનું જ સાવ ઓછું છું. અહીંનો માલ ત્યાંથી, પરદેશમાંથી પેકીંગ થઈને આવે એટલે હોંશે હોંશે સ્વીકારીએ...’

અંજુનું કહેવું તદ્દન નહી પણ વત્તા-ઓછા અંશે સાચું હતું. આ તેનો અનુભવ બોલતો હતો.

પ્રકાશ સાંભળતો ને સમજતો હતો પણ અત્યારે આવી ભારેખમ સાંભળવા કે પચાવવાના મૂડમાં નહોતો. તે અંજુ સામે જોઈ, સહેજ હસીને તદ્દન હળવાશથી બોલ્યો : ‘આ તારું જ ઉદાહરણ લ્યો ને !’

અંજુ સમજી, નસમજી હોય એમ પ્રકાશ સામે જોઈ રહી.

‘તું પરદેશથી પેકીંગ થઇને આવી એટલે...’

પ્રકાશનો વ્યંગ અંજુ પળાર્ધમાં પામી ગઇ. તે રીતસરની ઊછળી અને બાળકના જેમ પ્રકાશને મુક્કા મારવા લાગી. સામે પ્રતિકાર કરતો પ્રકાશ હસવા લાગ્યો.

આ વેળા બંનેની ઉંમરમાંથી એક દસકો ઓછો થઇ ગયો હતો.

હોટલ પર પાછા આવ્યા ત્યારે રાતના અગિયારનો સમય થવા આવ્યો હતો.

‘પ્રકાશ !’ અંજુએ ધીમેથી પૂછ્યું : ‘શું કરીશું હવે ?’

અંજુના કહેવાનો ભાવાર્થ બહુ સ્પષ્ટ હતો. એક તો પહેલા જેવું ઘોડાપૂર રહ્યું નહોતું પણ સમય સાથે વહી કે ઓછરી ગયું હતું. ઘોડાપૂરમાં ઘણો કચરો ધોવાઇને સાફ થઇ ગયો હતો. નર્યું નિર્મળ કે સ્વચ્છ થઇ ગયું હતું. કોઈ જાતનો ઉચાટ અનુભવાતો નહોતો. તેના બદલે નિરાંત જેવું લાગતું હતું.

મોડી રાત થવામાં હતી. છતાંય કશી ઉતાવળ હોય એવું લાગતું નહોતું. સામે બંનેમાંથી કોઈને ઘેર રાહ જોનારું કે પૂછનારું છે નહી. એ પણ એટલું જ સાચું છે.

પ્રકાશ કશો જવાબ આપી શક્યો નહી. તેના માટે પણ શું કહેવું,જવાબ આપવો એ એક દ્વિઘા જ હતી.

અંજુ પોતે જે કામ માટે આવી છે, અહીં આવવાનો જે હેતુ છે તે હજુ બર આવ્યો નથી. વળી પ્રકાશે સેરોગેટ મધરનો નવો વિચાર આપ્યો છે...તેનું કેવી રીતે ગોઠવવું, કરવું. આ બધા સવાલો સામે ઊભા જ હતા. તેમાં આ...સાવ નવું જ અણધાર્યું આવીને ઊભું રહ્યું.

‘અંજુ, બટનેચરલ...હોય, બને...’ જાત સાથે સંવાદ કરવા લાગી : ‘સહજતાથી સ્વીકારવાનું હોય..’

સ્વીકારવાની બાબતે વળી ગંભીર થઇ ગઇ.

પ્રકાશ કશું વિચારી, ગોઠવીને બોલ્યો : ‘આ કામ માટે શું કરવું, કેવી રીતે આગળ વધવું તેની એક ફ્રેમ મારા મનમાં ગોઠવાવા લાગી છે. મને લાગે છે કે, સરળતાથી આપણે કામ પાર પાડી શકીશું.’

અંજુ પ્રકાશ સામે જોઇ રહી. વાત સમજાતી નહોતી. કારણ કે પોતે જે વિચારી, નક્કી કરીને આવી છે તેમાં તો પ્રકાશે માત્ર પતિ હોવાની ભૂમિકા જ અદા કરવાની છે. તેમાં આ વાત બંધ બેસતી નથી.

થોડીવાર અકળ મૌન છવાયું. પછી અંજુ જ બોલી : ‘આપણું કામ, મારી જાણ – સમજ મુજબ સરળ જ છે. છતાંય તું કહે તેમ...મને તારા પર વિશ્વાસ છે.’

રૂમમાં સોફા પર બંને બેઠાં હતાં. તેમાંથી પ્રકાશ એકદમ ઊભો થઇ ગયો. તેને થયું કે, વિશ્વાસ વાળી વાત વારંવાર કેમ આવે છે ? ખરેખર વિશ્વાસ નથી કે શું ?

પણ સમજાયું કે,અંજુ આયોજન કરીને આવી છે.તે કહે તેમ કરવાનું છે..પ્રકાશ થોડો સાથર્યો પડ્યો.

‘આપણે અત્યારનું કરીએ..’ પ્રકાશ આગળ બોલ્યો : ‘હવે ઊંઘવાનું જ છે તો..’

‘તો...’ અંજુ પણ ઊભા થઇ, કશીક અવઢવ સાથે એકદમ બોલી ગઇ :‘શું કરીએ !’

‘ગરબા જોવા જઈએ, બીજું શું !?’

‘ગરબા !!’ અંજુ રીતસરની ઊછળી ઊઠી. તેની આંખો પહોળી થઇ ગઇ. પણ એકાએક ઘડિયાળ સામે જોઈને કહે : ‘સમય તો જો...અત્યારે હોય, ગરબા !?’

‘હા, હવે જ સમય થયો છે....પાર્ટીપ્લોટમાં રમાતાં ગરબાનો !’

‘તો ચાલ..’

પ્રકાશ પાસે પાસ હતા તે પાર્ટીપ્લોટમાં આવ્યા.પ્રવેશ માટે ચક્રવ્યૂહના સાત કોઠા પસાર કરવા જેવું હતું. અંદર આવી બે-પાંચ મિનિટ ઊભાં રહ્યાં. બંધાતો માહોલ જોયો પછી એક જગ્યા જોઇને ત્યાં બેસી ગયાં.

સ્ટેજ પર ઓરકેસ્ટ્રા ગ્રુપ ગરબા-ગીતો ગાઈ રહ્યું હતું.સાથે વાજિંત્રો, નોનસ્ટોપ વાગતાં હતાં. તેના સૂર-તાલ મોટા સ્ટીરીયો – સ્પીકરમાં, પડછંદ અવાજે વાગતા-પડઘાતા હતા.

સ્ટેજ આગળ એક મોટા ગોળાકારમાં બોર્ડર બાંધી ગરબા રમવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી હતી.રમવાની વિશાળ જગ્યામાં સૌ-સૌના જૂથ કે ટૂકડી પ્રમાણે પોતપોતાની રીતે રમતાં હતાં.એક સાથે કે રીતે જોઈએ તો લાગે કે, રંગબેરંગી યૌવન હિલ્લોળે ચઢ્યું છે !

અંજુ મોં વકાસીને જોઈ રહી હતી.ત્યાં પ્રકાશે કહ્યું:‘અંજુ ! આ ગરબે રમનારાં એકાદ-બે માસ અગાઉ થી તૈયારી કરતાં હોય છે. નવી સ્ટાઇલ, ડ્રેસ...ને તેનાં માટે ખર્ચ પણ કરી જાણે !’

‘હવે લગભગ બધે આવું જ છે...!’

‘ગુજરાતનો ગરબો ગ્લોબલ બન્યો છે.’ જરૂરી ન્હોતી છતાંય સંવાદ ચાલુ રાખવાના ઈરાદે પ્રકાશે વાત વિસ્તારતા આગળ કહ્યું :‘અત્યારે આ કાર્યક્રમનું એક ટી.વી.ચેનલ દ્વારા જીવંત પ્રસારણ થઇ રહ્યું છે. દુનિયામાં કેટલાય દેશના લોકો જોતા હશે !’

‘તે સમયે આપણાં ગામડાંની કેવી હતી !’

‘એ સરખામણી હવે કરવા જેવી નથી.જે સમયે,જે જગ્યાએ જયારે હોય ત્યારે સાચું ને સારું જ હોય...’

‘વાહ પ્રકાશકુમાર..’અંજુને શું સૂઝયું તે ટીખળ કરતાં બોલી : ‘શું તમારી સમજ છે, કહેવું પડે...!’

પ્રકાશ ક્ષણભર હેબતાઈ ગયો.પોતે આ શું સાંભળી રહ્યો છે...પણ અંજુને મોં ફેરવી મોઘમ હસતી જોઈ ગુસ્સો આવ્યો.પણ અંજુએ સામે જોયું ને જાણે જાદુ થયો.બંને એક સાથે હસી માહોલ ને માણવા લાગ્યાં.

બંને ઊભાં થયાં ત્યારે એકનો સમય થવા આવ્યો હતો. અંજુ તેની કાયા મરડી, આળસ ખંખેરી... ઢળતી નજરે પ્રકાશ સામે જોઇને પૂછ્યું : ‘હવે આપણે ક્યાં જઈશું !’

પ્રકાશ એકદમ સતર્ક થઇ ગયો. જવાનું ઠેકાણું તો નક્કી જ છે...છતાંય અંજુ આમ કેમ પૂછે છે !?’

અંજુના આ લપસણા સવાલને સમજવાનો પ્રકાશ પ્રયત્ન કરવા લાગ્યો.

***