Khukh - 7 books and stories free download online pdf in Gujarati

કૂખ - 7

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૭

પ્રકાશે ગંભીર થઈને કહ્યું : ‘જવાનું હોટલ પર બીજે ક્યાં ?’

સામે રમતિયાળ સ્વરમાં અંજુ કહે : ‘મારે એમ કે ઘેર જવાનું હશે !’

પ્રકાશ સ્થિર થઇ અંજુ સામે જોઈ રહ્યો. પછી નિસાસો નાખી, કશું બોલ્યા વગર ભીડ ચીરતો આગળ ચાલ્યો. અંજુ પણ તેને અનુસરી. નીકળવાની ધક્કામુક્કી હતી. ખેલૈયાઓ પાસેથી પસાર થતાં, પરસેવો અને પરફ્યુમ મિશ્રિત ગંધ તન-મનને વિહવળ કરી જતી હતી. બાઈકસવારીમાં બંને હોટલ પર આવ્યા. ટ્રાફિકના લીધે વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડી...અંજુ ઊછળીને અથડાઈ હતી.તેની છાતીનો ઉપસેલો ભાગ, વાંસામાં અફળાયો, અથડાયો હતો. લોહીની ગતિ,ધબકારા વધી ગયા હતા.

‘જરા સાંભળીને...’ આમ કહેવામાં કોઈ ફરિયાદ કે શિખામણ નહોતી પણ...

ત્યારે થયેલું કે, બાઈક ભલે ચાલતું જ રહે...મુકામ આવે જ નહી, મંઝીલ લંબાતી જાય.

પણ બહુ ઓછા સમયમાં હોટલ પર આવી ગયાં હોય એવું થયું હતું.

પ્રકાશે વિષય છેડવા કહ્યું : ‘આ સમય જ બહુ ખરાબ હોય છે.’

પ્રકાશનું કહેવું અંજુને સમજાયું નહી. તે સામે જોતી રહી.

‘અત્યારે આમ છૂટ્યા પછી અમુક ખેલૈયા, સમયસર ઘેર પહોંચતા નથી ને રસ્તામાં ન બનવાનું બને છે !’ પછી કહે : ‘કેટલાંય કિસ્સા ન્યુઝમાં ચમકે છે.’

અંજુને પ્રકાશનું કહેવું સમજાય ગયું.તેણે નજીક આવીને કહ્યું :‘કોઈ સમય કયારેય ખરાબ હોતો નથી. અને બનવાનું હોય એ જ બનતું હોય છે,તેમાં ન બનવાનું શું હોય !’પછી કહે:‘આપણા માટે ન બનવાનું હોય...તેમનાં માટે...’

તે આગળ બોલી પણ શરીરના અંગમરોડ સાથેનો સળવળાટ અને સ્વર બદલાઈ ગયેલો લાગ્યો. તેની નોંધ પ્રકાશના મનની સ્લેટ પર અંકિત થઇ ગઇ. હોય...પરદેશનું તાજું કલ્ચર છે, સ્ત્રી છે...એકલી છે. પણ પોતાને આવું, આ...શું થાય છે ? અથવા ન થવું જોઈએ એવું કેમ થાય છે ?

‘શું થવું ને શું ન થવું, બોલ...?’છાતીમાં ધબકારા વધી ગયા હતા.તે બાઈક પરથી નીચે ઉતરીને ઊભો રહ્યો. સવાલ છાતીમાં ઘૂમરાતો હતો કે મસ્તિકમાં...નક્કી કરવું ખુદને મુશ્કેલ હતું. પણ એક વાત માની લેવી પડે એમ હતી – શોભના સાથે હોય ત્યારે આવું કયારેય બન્યું નહોતું.અથવા બન્યું નથી.

-અત્યારે શું બન્યું છે ?

પ્રકાશ કોઇથી ઝલાઇ કે પકડાઈ ગયો હોય એમ આંચકા સાથે ઊભો રહી ગયો.

અંજુ અકળાઇ.તેણે તીરછી નજરે પ્રકાશને ત્રોફ્યો.નજરમાં ભાવ હતો કે આક્રોશ...ખુદ નક્કી કરી શકે એમ નહોતી. પણ પોતાના પુરુષ પર ખફા થયેલી સ્ત્રીના જેવી જ નજર હતી.

પછી શું સૂઝયું તે અંજુ એક ડગલું આગળ વધી પ્રકાશને હાથથી ઝાલી લીધો.પછી ખેંચતી હોય એમ આગળ ચાલી.પ્રકાશ બાળકના જેમ ખેંચાતો રહ્યો.લિફ્ટમાં આવ્યાં..સાવ સાંકડા એકાંતમાં બંનેના શ્વાસ એક મેકને સ્પર્શવા લાગ્યા.ઓગળવા લાગ્યા..ત્યાં અંજુ સાવ ધીમેથી ટહુકી:‘રોકાઇ જા,ઘેર ક્યાં કોઈ રાહ જોનારું છે !’

પ્રકાશની આંખો ચાર થઇ ગઇ...ભાવતું હતું ને ડોકટરે કહ્યું. ઘેર જઈને પણ શું ? ના પાડવાને કોઈ કારણ નથી. તેણે આંખો પટકાવી મૂક સંમતિ આપી.

બંને એકબીજાના હાથ ઝાલી રૂમના દરવાજે આવ્યાં ત્યાં વેઈટર રાહ જોઇને ઊભો હતો. તેને જોઈ બંનેને ગુસ્સો આવ્યો.કશું કહેવા કે આગળ જાય તે પહેલા જ તે રસ્તો રોકીને ઊભો રહ્યો.પછી તે રેકર્ડ કરેલી કેસેટ માફક બોલી ગયો :‘સર પ્લીઝ...આપકો સાથમેં ઠહરના હૈ તો એન્ટ્રી કરવાના જરૂરી હૈ...’

એકાદ ક્ષણ બંને કશી પ્રતિક્રિયા આપ્યા વગર વેઈટર સામે જોતાં રહ્યાં.

‘સાથે રહેવું, રોકાવું...અમારી મરજીની વાત છે. તું કહેનારો કોણ...?’

પણ પ્રકાશનો મુખવટો બદલાઇ ગયો.તે ગુસ્સા સાથે સહેજ ઉગ્રતાથી ઊંચા અવાજે બોલ્યો :‘નો.. મારે રોકાવાનું નથી.’

પ્રકાશને ગુસ્સે થતાં જોઈ અંજુ સ્તબ્ધ થઇ ગઇ.તેને સારું ન લાગ્યું...પહેલા વેઇટરને રવાના કર્યો. પછી કહ્યું:‘ન રોકાવું હોય તો ના પડવાની,તેમાં ગુસ્સો કરવાની શું જરૂર છે?’અંજુના સ્વરમાં પણ છૂપો ગુસ્સો હતો. પોતે રોકાઇ જવાનું કહ્યું....ને આમ આડકતરી ના પાડી દીધી છે. અનાદર કર્યો તેવું લાગ્યું.તેથી અણ ગમો ઉદભવ્યો હતો. ‘વેઈટરની ડ્યુટી છે....’

પ્રકાશ અંજુ સામે જોતો રહ્યો. તેની ભાવ-ભંગીમાને બદલાઇ ગયાં હતાં.

‘સોરી...’

પ્રકાશનું સોરી કહેવું અંજુને ઠીક લાગ્યું. તે થોડી શાંત અને સથરી પડી.થોડીક મિનિટો એમ જ પસાર થઇ ગઇ.અંજુને હતું કે,પ્રકાશ કહે અને પ્રકાશને હતું અંજુ કહે...પણ જે પહેલા કહે તેમ કરવાનું બંને માટે મંજુર મનથી હતું. એક લપસણી સ્થિતિમાંથી પસાર થઇ જવાયું હતું.તે અજાણ રહ્યું નહોતું.મનભરીને સમજી ગયાં હતાં.

‘તું નીકળ...’ આમ કહી અંજુએ પ્રકાશની પ્રતિક્રિયા જાણવા તેના મોં પર નજર માંડી. પ્રકાશના મનોભાવ યથાવત જ રહ્યા.

‘સવારે મળીશું...!’

પ્રકાશ પાછું જોયા વગર જ, લિફ્ટના બદલે પગથિયાથી નીચે ઉતરી ગયો.

પોતાના ક્વાર્ટર આવ્યો ત્યારે ખાસ્સી રાત પસાર થઇ ગઈ હતી. રાતે અગિયારથી બારના સમય ગાળામાં ઊંઘી જવાની આદત છે.આ સમય વહી ગયા પછી ઊંઘવું લગભગ અશક્ય બની જાય.તેમ જ થયું ... ઊંઘ આવતી નહોતી. તેથી પથારીમાં પડખા ઘસવા લાગ્યો.

-સાથે રહ્યા હોતતો...

‘તો શું ?’ એકદમ ઊભો થઇ ગયો.આંખો પહોળી થઇ ગઇ.એક સોહામણું ને તેનાં પછવાડે બિહા

મણું...લગાતાર બે દ્રશ્યો આંખો સામે ઉપસી આવ્યા. હળવું હાંફતો તે એમ બેઠો રહ્યો.વોલકલોકના કાંટા ટક...ટક..કરતા હતા.રોડ પરથી પસાર થતા એકલદોકલ વાહનના અવાજ સિવાય સઘળું શાંત હતું. થોડા સમય પહેલા જ ગુરખો,તેની ચોકીદારીની સાબિતીરૂપે લાકડી પછાડી નીકળી ગયો હતો.

ત્યાં મોબાઈલની રીંગ વાગી. ઓચિંતાનો અવાજ સાંભળી પ્રકાશથી ડર સાથે ધ્રુજી જવાયું. કોઈ વિસ્ફોટક પદાર્થ સામે જોતો હોય એમ મોબાઈલના સ્ક્રીન પર જોયું....સામા છેડે અંજુ હતી.જુગૂપ્સાથી રીસીવ કર્યો...અંજુ બોલી : ‘તને ઊંઘ નહી આવતી હોય, મને પણ....’

ઘડીભર બંને મૌન રહ્યાં.

‘તું અકળાઈ ઊઠયો હતો,તારી માંહ્યલી પીડાને હું સમજી શકું છું. અને હું પણ એ પીડાથી પર નથી.’

પ્રકાશ ઉચાટ ઓછો થવા લાગ્યો હતો તેથી કશું બોલ્યા વગર સાંભળતો હતો.

‘તું ભાગ્યો...ખરું ને !’પછી પ્રકાશના હોંકારાની અપેક્ષા વગર જ આગળ બોલી:‘આવા સ્થળે ને સમયે એક સ્ત્રી-પુરુષ વચ્ચે જે બનવાનું હોય તે બને તો બને. તેમાં સંયમનો સવાલ પેદા કરવા જેવો હોતો નથી. ધર્મ-અધર્મને પણ વચ્ચે લાવવા જેવું નથી. શરીરને પોતાનો પણ ધર્મ છે...’ અંજુ સહેજ અટકી.

પ્રકાશને બહુ સમજાતું કે ગળે ઉતરતું નહોતું.પણ એમ થતું હતું કે,આ તારો અનુભવ બોલે છે કે....

‘ખેર...પણ તારામાં એક ગરવો ગુજરાતી જીવે છે, તેં ભીના ને લપસણા રસ્તા પરથી પગને આબાદ પણે પસાર કરી લીધો, ધન્યવાદ !’

પ્રકાશને પોતાના કાન પર કે અંજુ બોલે છે...તેનાં પર વિશ્વાસ બેસતો નહોતો.પણ હકીકત હતી.

ગુડ નાઈટ કહું કે....મોર્નિંગ !’

‘શુભરાત્રી...’ પ્રકાશે આમ કહી મોબાઈલ કટ કરી નાખ્યો. પછી આંખો બંધ કરી, લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો...

સવારે મોડું ઊઠાયું. ઝડપથી તૈયાર થઇ ઓફિસે આવ્યો. સૌથી પહેલા એ જાણવા મળ્યું કે, શોભના મેડીકલ લીવ છે.

-કેમ રજા મૂકી ?શું કરવા...? ખરેખર કોઈ બીમાર નહી હોય ને ? કે પછી...અનેક સવાલના પછવાડે તર્ક-વિતર્ક થવા લાગ્યા. ફાઈલ ફેંદવાવાનું છોડી, ખુરશીમાં સ્થિર થવાનો પ્રયાસ કરવા લાગ્યો. તે દરમ્યાન બે-ચાર વાર શોભનાની બેઠક સામે જોઈ લીધું. રજા મૂકવાની ખોટી વાત છે, તે આવી જ ગઇ છે. કદાચ કોઈ કારણોસર વહેલામોડું થાય...પણ આવે જ. આવી જ છે...મન માનવા તૈયાર નથી.

અને આવું હોય તો અગાઉ કહી દે, ફોન કરીને પણ...

શોભના વગરની ખાલી ખુરશી આંખોમાં કણા માફક ખૂંચી. ક્યારેય આમ ખાલી ખુરશી ને જોઈ નથી.

શું કરવું તે સૂઝ્યું કે સૂઝતું નહોતું. વોટરબેગમાંથી પાણીનો ગ્લાસ ભરી તે એકશ્વાસે ગટગટવી ગયો. થોડી નિરાંત થઇ.

‘હશે, કોઈ કામ હશે એટલે રજા મૂકી હશે !’ પ્રકાશ મનને મનાવવા લાગ્યો.

‘રજા મુકે તેની ક્યાં ના છે પણ...’

‘પણ શું ?’ સોયની અણી માફક સવાલ ભોંકાયો.

‘પણ મને તો ખબર હોવી જોઈએ ને ?’

‘તને શું કરવા ખબર હોવી જોઈએ !?’

પ્રકાશ પોતાની સાથે જ સામસામે આવી ગયો.

‘તને કહેવાનું કોઈ કારણ...!’

પ્રકાશ સાવ ઢીલો થઇ ગયો. થોડીવાર ચૂપચાપ બેસી રહ્યો.પછી હાર્યો જુગારી બમણો રમે તેમ, કશું બતાવી દેવા માગતો હોય મોબાઈલ હાથમાં લીધો. ને કોઈ વાત, વિચારને પ્રવેશ આપ્યા વગર શોભનાનો નંબર જોડ્યો...તલપ ને તાલાવેલી સાથે કાને રાખી ખુરશીમાં ટટ્ટાર થઇ ગયો. જોનાર ને લાગે કે સ્ટેચ્યુ છે !

-રીંગ પૂરી થઇ ગઇ. જેમ જેમ સમય જતો હતો તેમ છાતીના ધબકારા વધ્યે જતા હતા. ઉપાડે તો, સીધું જ કહેવું હતું – રજા મૂકી છતાંય કહેવાનું નહી !

પણ મોબાઈલ રિસીવ ન થયો એટલે આક્રોશ ઓગળીને ચિંતામાં ઉમેરો થવા લાગ્યો. શું હશે, શું થયું હશે..કે પછી..માત્ર અનુમાન, કલ્પના કરવા સિવાય પોતાના પાસે કશું હતું નહી. હવે કોને પૂછવું, કોના પાસેથી વિગત મેળવવી...આ તરફ વિચારવું યોગ્ય નહોતું. જેને પૂછે તે, સામે સવાલ કરે : ‘તેની તને ખબર હોય કે અમને !’

પછી ગંદુ-ગોબરું હસે તે વધારામાં.

ત્યાં મોબાઈલમાં રીંગ વાગી...એકદમ ઉપાડી લીધો.

કોલબેક...કરે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી. મનથી ગૌરવ લેવા લાગ્યો.

‘બસમાં બેસી ગઇ છું. બારી પાસેની સીટ છે.જોવાની મઝા આવે છે.હું સમયસર પહોંચી જઈશ. ડોન્ટવરી...’

‘પણ ક્યાં પહોંચી જઈશ ?’ પ્રકાશે શોભના સમજીને પૂછી લીધું.

‘જ્યાં પહોંચવાનું છે ત્યાં...’

-પણ ક્યાં....? એવો ગુસ્સાભર્યો સવાલ અદ્ધવચ્ચે અટકી ગયો. અવાજ શોભનાનો નહોતો પણ... અંજુનો હતો. આ હકીકતને સ્વીકારવામાં તકલીફ પડી. માંડમાંડ સ્વીકારી શક્યો.

‘હા..હા...અંજુ કેમ છો, ક્યાં પહોંચી ?’

સામે અંજુને પ્રકાશનો આ સાવ શુષ્ક ને ઉપરછલ્લો સ્વર આશ્ચર્ય ઉપજાવી ગયો. થયું કે, પ્રકાશ જ બોલે છે ? ગઈ કાલે જાણ્યો ને માણ્યો એ પ્રકાશ આ બોલે છે !

થોડી ક્ષણો એમ જ પસાર થઇ ગઇ. પછી પ્રકાશ બોલ્યો : ‘કામમાંથી ફ્રી થઈને તારા સાથે વાત કરું છું.’ સામે અંજુનો જવાબ હતો : ‘ઠીક છે, નો પ્રોબ્લેમ !’

એક બાજુ શોભનાને બીજી બાજુ અંજુ ! પ્રકાશને થયું કે પોતે બંને બાજુની ભીંસ અનુભવવા લાગ્યો છે. આમ થતું રહેશે તો ક્યાંક ભીંસના લીધે જીવ ચાલ્યો જશે, સાવ કારણ વગર !

ત્યાં મનમાં જ જાગ્યું : ‘ભાઈ, કારણ વગર કશું જ હોતું નથી. કારણો સ્વીકાર્ય ન હોય એટલે આમ લૂલો બચાવ કરતા હોઈએ છીએ.’

‘સર ! સચિવશ્રી યાદ કરે છે.’

આ વચ્ચે કોણ બોલ્યું...પણ જોયું તો સામે સેવક સેવંતીલાલ ઊભો હતો.

પ્રકાશ કશીક અવઢવ સાથે સચિવશ્રીની ચેમ્બરમાં આવ્યો. અને હજુ કંઈ બોલે, વિચારે પહેલા જ સચિવે સીધું જ પૂછ્યું : ‘શોભનાએ એક વીકની લીવ પર છે તે...કોઈ ખાસ કામ-પ્રસંગ...’

સચિવના ચાબૂક જેવો સવાલ પ્રકાશ પર ક્રૂર રીતે વીંઝાયો. કલ્પના પણ નહોતી કે આવો સવાલ સામે આવશે ! પ્રકાશ કશું બોલ્યા વગર એમ જ ઊભો રહ્યો. સવાલનો ચચરાટ હજુ શમ્યો નહોતો તેથી ખભા ઊંચા નીચા કરવા લાગ્યો.

‘શોભના...તારા વિશે ઓફીસમાં કોઈ પૂછે એટલે મને જાણ કરવી જરૂરી છે, સમજી !’ આવું વિધાન પ્રકાશના દિમાગમાં રમતું ને ભમતું થઇ ગયું. પણ તેણે મૌન તોડ્યું કે છોડ્યું નહી.

પ્રકાશનું પ્રત્યુતર વગર ઊભા રહેવું સચિવને ખટક્યું અથવા ઠીક ન લાગ્યું. અહમ ઘવાયો હોય એવું થયું.તે થોડા ઉગ્ર અને વિશેષ અધિકાર સાથે બોલ્યા:‘રજા તમને કહ્યા વગર મૂકી હશે !’સામે પ્રકાશથી બોલાઇ જ ગયું :‘હા..’તો પોતાની વાત પકડી રાખતા સચિવે કહ્યું :‘તેમના ટેબલની એક-બે ફાઈલો અર્જન્ટ છે. મંત્રીશ્રીના કાર્યાલયમાં પહોંચડવાની છે.’

-તમને તો ખબર જ હોય ને....સચિવના આવા વિધાનમાં ઘણું આવી જતું હતું.એક ક્ષણે તો થઇ આવ્યું કે, ઊંચા અવાજે-સૌ સાંભળે તેમ કહી દે:‘મારે શોભના સાથે એમ કોઈ લેવાદેવા નથી. અને તમે ધારો છો એવો કોઈ સંબંધ મારે નથી.’

પણ પ્રકાશ આમ બોલવાના બદલે,‘સર ! આઇ ડોન્ટ નો...’કહી એકદમ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.પછી થોડું ચાલી ખુરશીમાં ધબ દઈને બેસી ગયો. આંખો કરી...સૌથી પહેલું કામ કરવાનું છે અહીંથી બદલી કરાવવાનું....

**** **** ****

અંજુ બસમાંથી ઊતરી ગામના પાદરમાં ઊભી રહી.

ગામના પાદરનો નાક-નકશો સમૂળગો બદલાઇ ગયો હતો. વડલા નીચે બસ સ્ટેન્ડનું છાપરું હતું. વડલો રહ્યો નહોતો ને ત્યાં બસ સ્ટેન્ડ નવેસરથી ચણાઈ પાકું ને સ્લેબવાળું થઇ ગયું હતું. તેની બાજુમાં સહકારી મંડળીનું મોટી ઈમારત ઊભી હતી. હવાડો, સીમ તરફનો રસ્તો...કશું જ નજરે ચઢતું નહોતું. હા, નજરે ચઢી એક સ્ત્રી...જે બકાલું વેચવા પાથરણું પાથરીને બેઠી હતી. ત્યાં સુધી તો ઠીક પણ તે મોબાઇલમાં કોઈ સાથે વાત કરી રહી હતી.એક કાળે કોઈ સ્ત્રી આમ જાહેરમાં વાત કરી ન શકતી. તેનાં બદલે.. છડેચોક

કોઈ સાથે વાત કરી રહી હતી. અંજુને ગામના સંદર્ભે અચરજ થયું. બાકી સ્ત્રીઓતો હવે પુરુષોને હંફાવે છે... મન પર સાંત્વનનો પાટો બાંધી અંજુ કોઈ અજાણ્યા પ્રદેશમાં વિહરતી હોય એમ આગળ વધી.

ગામનો ચોરો પ્રમાણમાં સાવ ખાલી હતો.એક-બે માણસો જ બેઠા હતા. તેના પહેરવેશ હતા. પાઘડી, ચોરણી કે પહેરણવાળો પોશાક નહોતો પણ પેન્ટ, શર્ટના આધુનિક પોશાક પહેરેલા હતા. તે જોઈ અંજુથી બોલાઇ ગયું : ‘અહીં કરતા તો ત્યાં સારો ડાયરો જામે છે !’

શેરી વળોટી અંજુએ ઘરના ફળિયામાં પગ મૂક્યો. સૂનું ફળિયું આંખોમાં ખટક્યું, વાગ્યું. બળતરા થઇ. તનમાં, તરછોડાયેલો એ સમય, માહોલ જાણે આળસ મરડીને બેઠો થયો. હૈયું ભરાઈ આવ્યું.

આયખાના ગણ્યાગાંઠ્યા દિવસો ઓછા કરતાં હોય અથવા ગણતાં હોય એવી ઓશિયાળી અવસ્થામાં જમનામા, ઓસરીની કોર પર બેઠાં હતાં.એકાદ પળ ઊભી રહી અંજુ, જનેતાને જોતી રહી...હૈયું હાથ ન રહ્યું.

હાથમાં હતો તે સામાન ઝડપથી ઓસરી પર મૂકી, નાના બાળકની જેમ જમનામા વળગી, અંજુ રડવા લાગી. સાથે જમનામા પણ રડવા લાગ્યા.મા-દીકરીના રુદનથી ઘર અને ફળિયાને પણ જાણે રોવું આવી ગયું. રડવા સિવાયનો અવાજ અદ્રશ્ય થઇ ગયો.

હૈયું હળવું થયા પછી, સાડલાના છેડાથી આંખો લૂછતાં જમનામા બોલ્યાં : ‘બેન ! ભાયુ પણ આવ્યા છે.’ અંજુએ જમનામા સામે જોયું. તો કહે : ‘તારી વાટ જોય છે..’

‘કેમ !?’ અંજુથી પૂછાઇ ગયું.

‘તને મળવા દીકરી..’

આંખનું મટકું માર્યા વગર કે કશુંય બોલ્યા વગર અંજુ, જમનામાના આથમીને નિસ્તેજ થઇ ગયેલા ચહેરા સામે જોતી રહી. પછી ઊંડોથી નિસાસો નાખીને બોલી : ‘મા..!તારા વગર દસ મિનિટ પણ રહી શકતી નહોતી...ને આજે દસ વરસે તારાં દર્શન કરું છું !’

જમનામાના અંજુ સામે જોતાં રહ્યાં. તેમનાં ચહેરાની કરચલીયો ઓછી થઇ ગઇ હતી.

ત્યાં બંને ભાઈઓ એક સાથે આવ્યા.અંજુ ઝડપથી ઊભી થઇ, વારાફરતી બંને ભાઈઓને પગે લાગી.

આ દ્રશ્ય જોઈ જમનામાની આંખોમાં તાઢપ ફરી વળી, ખૂબ જ સારુ લાગ્યું.

પળ પળ પસાર થતી રહી, કોઈ કશું બોલ્યું નહી. પણ પછી નાના રમેશભાઈએ જ વાતની શરૂઆત કરતા કરતા કહ્યું : ‘બેન તું, વડોદરા ઉતરી !?’

અંજુને ભાઈના સ્વર પાછળ રહેલા ભાવને સમજી શકી નહી. તેથી સહજ બોલી ગઇ : ‘વંદુનો આગ્રહ હતો એટલે...’

‘લોકો વાતું કરેને...’ મોટાભાઈએ વાતમાં સૂર પુરાવતાં કહી દીધું.

અંજુને સમજાઇ ગયું. તેનાં મોં પરની રેખાઓ બદલાઇ ગઈ. તેની જીભે આવી ગયું : ‘લોકો વાતો કરે તેની ચિંતા છે, પણ મારી...’ પણ આમ કહેવાના બદલે, વાતનો સૂર બદલાવીને કહ્યું : ‘ભાઈ, તમારે ત્યાં તો આવવાની જ છું ને !’

ત્યાં જમનામાએ પ્રેમાળ આક્રોશ વ્યક્ત કરતાં, દીકરા વતી કહ્યું : ‘પરદેહથી આટલા વરહે માવતરે આવી..ને પરબારી કોયના ઘેર્ય ઊતરી ઇંતો મનેય નો હારું લાગ્યું બેન !’

માનું કહેવું તદ્દન વાજબી હતું.તેથી અંજુ સમસમીને અબોલ રહી.મા અને ત્રણેય ભાંડરડાં આમ વરસો પછી ભેગાં મળ્યાં કે બેઠાં હતાં. પણ કોઈ પાસે વાત કે વ્યવહારનું અનુસંધાન રહ્યું હોતું. સામાજિક સંબંધોમાં અંજુ તો સાવ વિખૂટી પડી ગઇ હતી.ફોન પર સંપર્ક થતો...તે પણ પછીથી ઓછો થવા લાગ્યો હતો.વાતના વિષયો સાવ ઓછા થઇ ગયા હતા.સાવ ખપ પૂરતી જ વાત થતી. લાંબી વાતો સાવ ટૂંકી થઇ ગઇ હતી.નિયમિતપણે સંપર્ક અનિયમિત થવા લાગ્યો હતો.વળી રૂબરૂ મળવું કે સામે બેસી વાતો કરવાનું રહ્યું નહોતું તેથી આંખો શેહ-શરમ રહી નહોતી.

આક્રોશ ઘણો હતો. વાતાવરણ ભારેલા અગ્નિ જેવું હતું...પણ શરૂઆત કોણ કરે, ક્યાંથી કરે...અને કર્યા પછી શું ? એ સવાલ પણ જવાબ માગી લે તેવો હતો.

પણ અંજુએ આ ભારઝલ્લા માહોલમાંથી મુક્તિ મેળવવી હોય એમ ઘરમાં જઈ ઘરવખરી વ્યવસ્થિત કરી પછી, જમનામાને પૂછી-પૂછી રસોઈ બનાવવા લાગી. પોતે સમજણી થઇ,રસોડાનો કારોબાર લગભગ પોતે સંભાળી લીધો હતો ત્યારે..જમનામાને ચીજ-વસ્તુ માટે પૂછવું પડતું.આજે પોતાને પૂછવું પડે છે...અંજુ ને આ સારું લાગ્યું કે ખરાબ એ ખુદ નક્કી કરી શકી નહી.પણ લગભગ બધું બદલાઇ ગયું છે તે સ્વીકારી લીધું. ખરેખર તો ખુદ બદલાઇ ગઇ છે એ પણ મનોમન કબુલી લીધું.

‘આ ઘરમાં પગ મૂક્યા’ને દહ વરહ પછી તો તમે ત્રણેયને ભાંખોડિયા ભરતા’તા...’ સાવ ઓછા શબ્દોમાં જમનામાએ જાણે ઘણુંબધું કહી દીધું હતું.

જમનામાનું આમ કહેવું સાંભળી બંને ભાઈઓએ સમજાયું નહી અથવાતો કોઈ અસર ન થઇ પણ અંજુને સમજાઇ ગયું.તે મનોમન બોલી પણ ખરી:‘મા,હું જાણું છું મારે દસ વરસ થવા આવ્યા છતાંય સંતાન નથી. પણ સંતાન માટે જ દેશમાં આવી છું.’

ચારેય સાથે જમવા બેઠાં. જમનામાએ જાતે પીરસ્યું. પીરસતાં પીરસતાં તેમની આંખો ભરાઇ આવી. તે ગળું ખંખેરીને બોલ્યાં:‘તમે નાના હતાં તંઇ આમ જ ખવરાવતી...’પછી પીડાતા સાદે બોલ્યાં :‘હવે તો તમે મોટા થઇ ગ્યાં...!’

ત્રણેયમાંથી કોઈ કશુંય બોલ્યા વગર જમનામા કહેવું સાંભળતાં રહ્યાં.

પછી પોતીકી પીડા દબાવી,રાજીપો વ્યક્ત કરતાં હોય એમ કહે :‘તમારોય પરિવાર થ્યો, બાળ-બચ્ચાં મોટા થ્યાં...’

આ ટાણે અનાયસે બંને ભાઈઓથી અંજુ સામે જોવાઇ ગયું. સામે અંજુથી ભાઈઓનું આમ જોવું અજા ણ્યું રહ્યું નહી.આંખો મળી ન મળી મોં ફેરવી લીધું. પછી ડૂસ ડૂસ ખાઈ અંજુએ હાથ ધોઈ નાખ્યા.

રાતે ફળિયામાં ખાટલા ઢાળીને બેઠાં. શેરીમાં કે અડખેપડખે ખાસ કોઈ શોરબકોર નહોતો. મોટાભાગ ના પરિવાર શહેરમાં,ખાસ કરી સુરતમાં સ્થાયી થઇ ગયા હતા. માત્ર વૃદ્ધો ઘર સાચવીને રહ્યા હતા. પહેલા માણસો હતા પણ વીજળીનું અજવાળું નહોતું ને આજે માણસો નથી પણ લાઈટો ઝગારા મારતી હતી.

‘બા...’વાતનો તંતુ સાંધતા રમેશભાઈએ કહ્યું :‘અમારે તો બાળ-બચ્ચાં છે પણ આ અંજુ તો પારકાનો પરિવાર કરવાની છે !’ અવાજમાં રહેલી તીવ્રતા નિર્મળ વાતાવરણમાં ઘચરકો કરી ગઇ. એક ક્ષણે વાગ્યું હોય એવી બળતરા થઇ. છતાંય અબોલતા અકબંધ રહી.

જમનામા કશું સમજ્યાં નહી તેથી તેમનો કશો પ્રતિભાવ પ્રગટ્યો નહી. પણ અંજુ સમજી ગઇ હતી. જનોઈવઢ ઘા પડ્યો હોય તેવું લાગ્યું હતું. તેનાથી સહેવાયું કે રહેવાયું નહી. તે બોલી :‘હું દીકરી દત્તક લેવાની છું એમ સીધું કહી દ્યોને....બા પણ સમજાય !’

બહેન – ભાઈ વચ્ચે ચકમક ઝરી છે તે જમનામા સમજાયું પણ શું કરવા...તે ન સમજાયું એટલે પૂછ્યું : ‘ગગી શેની વાત કરો છો ?’

‘બા, આ બેનબા દીકરી ખોળે બહેડવા દેશમાં આવ્યા છે ?’

‘દીકરી ખોળે બહેડવા...!?’ જમનામાની જીભ બહાર નીકળી ગઇ, આંખો પહોળી થઇ ગઈ...તે ઉભડક પગે થઈને ચિંતા અને ક્રોધ સાથે બોલ્યા : ‘કોની દીકરી !?’

‘કો’કની...ગમે તેની...!’

જમનામા માટે આ નવું ને અસહ્ય હતું. દીકરો દત્તક લીધાનું ને એ પણ પરિવારમાંથી હોય એવી ખબર હતી પણ દીકરી ને એ પણ બીજાની કોઈની... જમનામા જડબેસલાક થઇ ગયાં.

જમનામા અંજુના લીધે દુઃખી અને નારાજ પણ એટલા જ હતાં. પરદેશ ગયા અંજુ સાવ નાઠાબારી થઇ ગઈ છે,બગડી ગઇ...એવું નક્કી થઇ ગયું છે.જેમની સાથે લગ્ન કર્યા હતા તેની સાથેથી છુટ્ટાછેડા લઇ, કોઈ બીજા સાથે રહેતી હતી...હવે તેની સાથેથી પણ અલગ થઇ એકલી રહે છે. દીકરી આમ ઘર ને વર બદલે...જમનામા માટે અંજુની આઘાતજનક બાબત હતી. તેઓ ક્યારેક કહેતાં : ‘અંજુડીના બદલે પેટ પથરો પાક્યો હોતતો..’પણ અત્યારે અંજુ સામે જ હતી.વળી દીકરી દત્તક લેવાનો બળાપો તેમાં ઉમેરાયો, બળતામાં ઘી હોમાયું તે બોલી જ જવાયું :‘તેં તોં મારું ધાવણ લજવ્યું...’ પછી રીતસરના રડવા લાગ્યાં.

બા ધાર્યું કરાવશે એમ સમજી બંને ભાઈઓ ગેલમાં આવી ગયા.

અંજુ તો આઘાતની મારી હતપ્રદ થઇ ગઇ.સામે શું બોલવું,કહેવું...એ બધું સમજના ક્ષેત્ર બહાર નીકળી ગયું. એક ક્ષણે તો એમ જ થઇ આવ્યું કે અહીં આવવાની જરૂર નહોતી.પસ્તાવો એક પ્રવાહ ઝડપથી પસાર થઇ ગયો. ઊભા થઇ ચાલતી થાય...પણ વળતી ક્ષણે થયું કે, જનેતા છે-જે પોતે થવાં જઇ રહી છે – વળી ઘણી બાબતોની તને ખબર ન હોય એટલે તેની રીતે સાચી છે.મનને મનાવી લેતા વાર ન લાગી.

‘બા...આમાં ધાવણ લજવવાની વાત જ નથી.’ અંજુ થોડી સ્વસ્થતાથી બોલી:‘તારાં ધાવણના લીધે તો હું ટકી શકી, જીવું શકી. નહિતરતો...’તે આગળ બોલી શકી નહી. હૈયું ભરાઇ આવ્યું.સાથે ભોગવેલી એ યાતના પણ સામે આવીને ઊભી રહી.

‘એક ભવમાં બે ભવ કર્યા...દીકરી...!’ રડમસ સ્વરની વચ્ચે લાગણી લડથડાતી હતી.

બાને કેમ સમજાવવું કે ભવ બેભવની વાત સમાજે ઊભું કરેલું સ્ત્રી માટેની તરકટ કે નાટક જ છે. કેમ પુરુષ માટે આવું નથી કહેતા ? પુરુષ તો કબરના કાંઠે હોય તો પણ રીમેરેજ કરે ત્યારે ભવ-બેભવની વાત ક્યાં જાય છે...પણ એ સમજાવવું અહીં યોગ્ય નહોતું અથવા અસ્થાને હતું.છતાંય રહેવાયું નહી એટલે ઊંચા આવજે બોલી જવાયું :‘ત્યાં મારી હાલત કેવી હતી તે તમે જાણો છો ?’ અંજુનો ચાબૂક જેવો સ્વર ફળિયાના વરસોથી અબોલ રહેલ એકાંતમાં વીંઝાવા લાગ્યો. તે વરસોથી દબાવી રાખેલો બળાપો ઓકતા બોલી : ‘તમે તો ગામમાં ને સમાજમાં છાતી ફુલાવીને ફરતાં ને કહેતાં હશો : મારી દીકરી પરદેશમાં છે !’

અંજુ ધ્રુજવા લાગી. સંયમ જાળવવાનો પ્રયાસ હાથમાંથી છુટ્ટી ગયો હતો. ભીતરમાં સળગતો અગ્નિ ભડકો થઇ ઊઠયો હતો. જાણે પોતે જ પોતાના કહ્યામાં કે કાબૂમાં રહી નહોતી.

‘ત્યાં પરદેશમાં શું હતું તે તમે જાણો છો ? તમે તો રૂડો-રૂપાળો મૂરતિયો જોઇને પરણાવી દીધી... તરત જ વળાવી દીધી !’

અંજુનું આમ ધડાકાભેર બોલવું નવું ને નવાઇભર્યું લાગ્યું તેથી જમનામા અને બંને ભાઈઓ મોં વકાસી ને સાંભળવા લાગ્યા.

‘મૂરતિયો પરણેલો ને દીકરાનો બે બાપ હતો !’

અંજુએ જાણે બોમ્બબ્લાસ્ટ કર્યો...ને ઘર, ફળિયું છેદાઇને છિન્નભિન્ન થઇ ગયું.

‘હેં...!!’અંજુ આવું કહેવું ને સાંભળવું જમનામાએ સાંભળ્યું અણસાંભળ્યું કર્યું...એવું ન હોય. અંજુ બોલી નથી. અથવા ભૂલ થઇ છે.

‘બા, ગળે ઉતરતું ન હોય તો ઉતારો !’

તે સાચું જ બોલે...જમનામાને દીકરી પર ભારોભાર ભરોસો હતો. તેથી છાતી પર જીવલેણ ઘા પડ્યો હોય કાળજું ચિરાઈ ગયું. અવાક થઇ ગયાં. શરીરમાં ન સમજાય કે નામ ન પાડી શકાય એવી પીડા પ્રસરી વળી. જિંદગીમાં કદાચ પહેલીવાર આવો તનતોડ અનુભવ થઇ રહ્યો હતો. સ્વસ્થ થતા થોડી વાર લાગી. રહી રહીને થતું હતું કે, આ ખોટું છે...એવું હોય જ નહી. સામે કશું બોલવાના બદલે તગતગતી આંખે દીકરી સામે જોઈ રહ્યાં.

‘તું જ કહે બા..’અંજુ બોલી :‘એવા દગાબાજ સાથે રહું કે છેતરપીંડી કરનારના તાબે થાંઉ તો બા તારું ધાવણ લાજે...’ ઘર, ફળિયું ને સઘળું એકાંત જાણે એક કાને ને ધ્યાને થઇ ગયું. રોટલાની રહે ઊભેલું કૂતરું પણ કાન પટપટાવવાનું ભૂલી ગયું.

‘હું એને લાત મારી સામી છાતીએ રહી...’

અંજુની વાતે બંને ભાઈઓની આંખો ઉઘડી ગઇ. કલ્પનામાં પણ ન આવી હોય એવી વિગત જાણ્યા પછી શરમના માર્યા બંને ભાઈઓ એકબીજા સામે નજર મેળવી શક્યા નહી.

‘બા,તારી આ દીકરીનો નવો અવતાર છે...’કહીને અંજુ જમનામા તરફ ઢળી. પછી ખોળામાં માથું નાખીને રડવાનું રોકીને કહે : ‘હું ત્યાં કેમ રહું છું તે મારું જ મન જાણે છે...’

અંજુનું રડવું આકરું હતું. વિદાયવેળાએ પણ આવું રડી નહોતી.

જમનામા અવાક થઇ ગયાં હતાં. તેમના માટે આ સઘળું સમજ બહારનું હતું. દીકરીને ઠપરામણના બે શબ્દો કહેવા હોય તો પણ શું કહે ? પ્રતિક્રિયામાં તેમની આંખોના વીરડા છલકાવા લાગ્યા હતા.

‘હશે બેન..’ રમેશભાઈએ આશ્વાશન આપતા કહ્યું:‘બની ગયું તે બની ગયું...દુઃખી થવાથી શું વળશે !’

‘બા..’મોટાભાઇના ગળે ડૂમો બાઝી ગયો હતો. બહેનની કથિતપીડા જાણે પોતાના પંડ્યમાં પ્રસરી વળી હતી. હ્રદય વલોવાવા લાગ્યું હતું. આશ્વાશનના કોઈ શબ્દો સુઝતા નહોતા.

આક્રોશ લઈને આવેલું વાતાવરણ દુઃખની ગર્તામાં ધકેલાઈ ગમગીન બની ગયું હતું.

ત્યાં અંજુના મોબાઈલની રીંગ વાગી. ભીનાને વિષાદગ્રસ્ત વાતાવરણમાં લિસોટો પડ્યો. અંજુએ ધીમેકથી મોબાઈલ ઉપાડ્યો...રિસીવ કર્યો. રડવાનું ઓછર્યું નહોતું. ગળામાં ડૂસકાં ભર્યા હતા.છતાંય સહેજ ગળું ખંખેરીને સાવ ધીમેથી બોલી : ‘હલ્લો...’

સામે પ્રકાશ પૂછતો હતો : ‘ક્યાં છો ?’

‘મમ્મી ને ભાઈઓ પાસે...’

પછી પ્રકાશના પ્રત્યુતરમાં કહી દીધું : ‘હું પછી વાત કરું...’

ઘડીભર અબોલતા છવાઇ ગઇ.

રમેશભાઈને ફોન પર થયેલી શબ્દોની આપ-લેથી અંદાઝ આવી ગયો હતો કે સામે કોણ છે...તેણે વાતને સાવ જુદી રીતે રજુ કરી કરતા કહ્યું : ‘બા ! બેન માથે વીત્યું એ તો બેન જ સહન કરી શકે.’

અંજુએ મોં ઊંચું કરી રમેશભાઈ સામે જોયું.

‘પણ હવે એવું ન બને, ફરી ભૂલ ન થાય એનો ખ્યાલ રાખવો પડે.’

રમેશભાઈની વાતનો સંદર્ભ સમજાયો પણ તાત્પર્ય સ્પષ્ટ ન થયું તેથી ત્રણેય એકબીજા સામે જોતાં રહ્યાં. સામે રમેશભાઈ પણ પ્રતિભાવને પકડવા માટે ચહેરાઓને ફંફોસવા લાગ્યા.

‘ફોન...’અંજુ સામે જોઇને સીધું જ કહ્યું : ‘પ્રકાશનો હતો ?’

‘કોણ પ્રકાશ !?’

‘પેલો અંજુ સાથે રાજકોટ ન્હોતો ભણતો !’

મોટાભાઇને ખ્યાલ આવી ગયો એટલે પૂછ્યું : ‘તેનો ફોન શું કરવા હતો ?’

‘ભાઈ, હોળી જ આ વાતની સળગી છે ને !’ રમેશભાઈને જે મુદ્દા પર આવવું હતું ત્યાં આવી ગયા. તેથી મનોમન થોડા હરખાઈને બોલ્યા : ‘હું ભૂલનું અમસ્થા નહી કહેતો !’ અંજુ સામે જોઈ ઠાવકાઇથી કહ્યું : ‘બેનબા તેની સાથે લગ્ન કરવાના છે ને !?’

‘હે....ઇ તો ઓલ્યો...’ જમનામા અને મોટાભાઈના ગળામાંથી એક સાથે આછી ચીસ નીકળી ગઇ.

પણ તેઓ કંઈ બોલે એ પહેલા જ અંજુ તાડૂકીને બોલી :‘અરે...દીકરી દત્તક લેવા માટે ઓન પેપર રજિસ્ટ્રેશન કરાવવાની છું.’

‘એનો અર્થ એ જ થયો ને !’

‘ના...’ અંજુ ઉગ્રતાથી બોલી : ‘તમે ધારો છો એમ નથી.’

મોટાભાઇએ જુદી જ રીતે વાત કરતા કહ્યું : ‘પછી એ ડિવોર્સ પેપરમાં સહી નહીં કરે તો ?’

‘મને તો એ પ્રકાશીયાનો ઈરાદો જ સારો લાગતો નથી.’

‘પણ આમાં આ વચ્ચે આવ્યો જ ક્યાંથી !?’

અંજુને થયું કે પ્રકાશ વિશેનું બહુ થયું.તેને પોતે જ સામેથી યાદ કર્યો છે...છતાંય દોષ તેનો જ જુએ છે. છતાંય પોતે કહ્યું છે એ કહેવાના બદલે થોડા આક્રોશને અણગમા સાથે બોલી : ‘કોનો ઈરાદો સારો ને કોનો ઈરાદો ખરાબ એ કહેવું જ મુશ્કેલ છે મોટાભાઇ !’

ક્યારેય ઊંચા અવાજે ન બોલનારી અંજુ આમ બોલી તે મોટાભાઇને ખટક્યું. પણ મન મારીને મૌન રહ્યા. તેમણે થતું હતું કે અંજુના વાણી, વર્તન અને વ્યવહાર બદલાઇ ગયા છે.

‘તમારો મેઈલ કરવાનો ઈરાદો શું હતો...એ કોણ કહી શકે !?’અંજુ હોઠ ભીંસીને ઘસાતાં સ્વરે બોલી.

‘મેઈલ..!?’ રમેશભાઈએ હકીકત છૂપાવવાનો ડોળ કર્યો.

‘હા...’ અંજુ ભારપૂર્વક બોલી : ‘પ્રકાશ પર હતો....!”

ઘડીભર અબોલ રહીને રમેશભાઈએ કહ્યું:‘એ રદ્દી નોટ છે, નકામો માણસ છે.એને કોઇપણ સંજોગોમાં ટાળવો પડે...’પછી જીભ પર સાકરના પાણીનું પોતું ફેરવી મીઠાશથી કહ્યું :‘તું અમારી બેન છો, હવે દુઃખી થોડી થવા દઈએ !’

‘હું ક્યાં દુઃખી થાઉં અને ક્યાં સુખી...એની મને ખબર છે...’ અંજુ આવું બોલવા ગઇ ત્યાં મોબાઈલની રીંગ વાગી...

***