DALA NI DAGDAI books and stories free download online pdf in Gujarati

દલાની દગડાઈ

દલો બધા ભાઈઓ માં મોટો હતો . નાનપણથી જ ખાવાપીવાની ખુબ જ છૂટછાટ એટલે દલાનો દેહ નદીકાંઠે આડબીડ ઉગી નીકળેલા વડલાની જેમ વિસ્તરેલો ! દલાના બાપને બીજા બે છોકરાઓ માટે જેટલું કાપડ, કપડાં સીવડાવવા જોઈએ એટલું એકલો દલો જ પોતાન પંડ્ય ઉપર વીંટાળતો. દરજી પણ દલા ના કપડાં સીવવાની ખુબ જ આનાકાની કર્યા પછી ડબ્બ્લ પૈસા લઈને કપડાં સીવી દેતો .થોડો મોટો થયા પછી એકવાર ચમારવાડે પગરખાનું માપ દેવા ગયો ત્યારે "એકાદ ઢોર મરે પછી કેવડાવીશ" એવો જવાબ મળેલો !!

દલાનો બાપ મોટો ખેડૂત હતો એટલે એના ઘેર ભેંસોનું ધણ હતું એમ કહો તોય ચાલે ! એટલે દલો ઉભા ગળે ઘી દુધ ખાઈ પી ને આડો અને ઉભો ફાટી પડેલો.ગામમાં એની સામે આંખ ઊંચી કરીને જોવે એવું કોઈ જનમ્યું નહોતું.

ગામની નિશાળમાં દલો દસ વર્ષે દસ એકડા શીખી રહ્યો . એના બાપને પોતાના આ પાટવી કુંવરને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાના અભરખા હતા. એટલે એ કહેતો કે "ભલે એક ભેંસ વધુ બાંધવી પડે, પણ દલાને તો ભણાવવો જ છે !" અને નિશાળના ગુરુજનો દલાની વાડીના તાજા શાકભાજી અને ભેંસો ના ઘી દૂધ ગુરુ દક્ષિણા તરીકે સ્વીકારીને બે ત્રણ વર્ષે આગળના ધોરણમાં દલાને ધકાવતા. અને તાજોમાજો દલો, સાહેબો ના ચિંધ્યા કામ દોડી દોડીને કરતો.એટલે આવો કૃપાપાત્ર શિષ્ય સૌને વ્હાલો'ય લાગતો. એટલે ગામના બધા જ છોકરાઓને દલા સાથે ભણવાનો લ્હાવો પ્રાપ્ત થયેલો. દલા ના બાપે બાંધેલી ભગરી ભેંસો ના ઘી દુધ દલાને ધકાવી ધકાવી ને ધોરણ સાત નાપાસના અંતિમ પડાવ સુધી લઈ ગયા ત્યારે દલો ભણવાથી સાવ કંટાળી ગયો. ના છૂટકે સૌ ગુરુજનોએ દલાનો વિદાય સમારંભ રાખ્યો અને દલાના ડહાપણ (!)ની ગાથા ગાઈને, દલાના ઘેર લાડુનું જમણ લઈ ભારે હૈયે સૌ છુટા પડ્યા .

ત્યારબાદ ખીલેથી છૂટેલા માતેલા સાંઢ જેવો દલો વકરવા માંડેલો. ગામનો ચીકો હજામ દલાની વાડીમાંથી પોતાની બકરી માટે લીલા રજકાના બે પૂળા કાયમ વાઢી જતો. એના બદલામાં એની કાતર મહિને દાડે અને વારે તહેવારે દલાના માથે અને અસ્તરો દાઢી ઉપર આંટો ફેરો કરી જતો. દલો હાથમાં પકડાય નહીં એટલા ટૂંકા ટૂંકા વાળ રાખતો એટલે ઓળવાની ઝંઝટ જ રહેતી નહીં. અને કોક વૈદરાજની વાત સાંભળી ગયેલો કે "વાળમાં એરંડિયું ગુણકારી છે" એટલે હંમેશા એનું માથું એરંડિયાની ચીકાશથી મહેકતું (!). દલાનો દેહ ઢંકાય એવા હવા ઉજાસ વાળા પહેરણ અને લેંઘા સીવવા માટે,અને ફાટેલા કપડાને ટાંકા ટેભા કરવા નગીનદાસ દરજી ખુજ ઉત્સુક રહેતો, કારણ કે એને પણ દલાના ઘરની ઘાટી છાછ વગર રોટલો ગળે ઉતરતો નહીં. દલો પહરણના છેલ્લા બે ત્રણ બટન બંધ કરતો એટલે એની મર્દાનગી ગામની જુવાનડીયું જોઈ શકતી, ક્યારેક કોઈક વાડીમાંથી સાદ પાડીને દલાને મદદ માટે પોકારતું'ય ખરું પણ દલો માત્ર સાત્વિક મદદ જ સમજતો. એની આંખ એવા બીજા કોઈ 'કામ' ને ઓળખતી નહીં .

સાત નાપાસ દલાએ હવે ખેતીકામમાં ધ્યાન આપવા માંડ્યું હતું. દલાના મહાકાય શરીરમાં દોડતી તાકાત એક ઉત્તમ ખેડૂતની લાયકાત હતી. એટલે દલાએ એના બાપના તમામ કામ ઉપાડી લીધા હતા. હવે એ મોટો સાહેબ બનશે એવી આશા એના બાપે સાવ મૂકી દીધી હતી. શિયાળાની કડકડતી ટાઢમાં ખેતરમાં પાણી વાળવાનું હોય, ભર ઉનાળે હળ હાંકવાનું હોય કે વરસતા વરસાદમાં ખેતરમાં પાળા બાંધવાનું કામ હોય તો દલાને ક્યારેય આળસ થતી નહીં. દલાની કોઠાસૂઝ પણ કામ કરતી હતી. પોતે ખાઈ પી ને જમાવેલી કાયા પાસેથી કામ પણ એટલું જ લેવા માંડ્યું.અને ખેતીની આવક લગભગ બમણી કરી દીધી.
આખા દિવસની ભૂત મહેનત દલાને રાતે ઘસઘસાટ ઊંધાડી દેતી.એને કોઈ દિવસ સ્વપ્ન આવતા નહિ.આમ દલો સુખી જીવન જીવતો હતો.એને લાયક કન્યાની તપાસ હવે કરવી પડશે એમ એના માબાપ વિચારતા હતા.પણ દલાનું હૈયું તો સાવ અબોટ અને પ્રેમની દુનિયાથી છેક અજાણ હતું.
પણ બધાયનો દિવસ તો આવતો જ હોય છે ! ઘેલાભાઈ મહેતા તાલુકાના પોલીસ સ્ટેશનમાં હવાલદાર હતા.તેને ખાખી બુશર્ટ ,ઢીંચણ સુધીનો ચડડો અને એક નેતરનો સોટો સરકાર તરફથી મફતમાં મળેલા.આ સિવાય જીવનમાં જરૂરી અન્ય ચીજો કેવી રીતે મફતમાં મેળવી શકાય તે કળાઓ ઘેલોભાઈ સારી પેઠે જાણતો. ક્યાંક પોતાની વરદીનો રોફ, ક્યાંક નેતરનો સોટો અને ક્યાંક મીઠી જબાન વાપરીને પોતાની આવકમાં વૃદ્ધિ કરી લેતો. દલાની વાડીએથી તાજા શાકભાજી અને ઘેરથી ઘાટી છાછ આ આવકમાં સામેલ હતા.
એમને ઉપરવાળાની દયાથી એક સુંદર કન્યા રતન પ્રાપ્ત થયું હતું.એ મીના ગોળ મોઢા વાળી, મોટી મોટી આંખોવાળી, ગોરા ગોરા ગાલ વાળી, લાઆં......બા કાળા અને છેક કમર નીચે સુધી ચોટલો પહોંચે તેવા વાળ વાળી, ભરાવદાર સીના અને પતલી કમરવાળી હતી !!. દલા સાથે ગામની નિશાળમાં સાત સુધી એ'ય ભણી હતી.અને ઠોઠ દલાથી આગળ પણ નીકળીને દલાને ભૂલી પણ ગઈ હતી.
આવી રૂપાળી મીના એક સવારે દલાના ઘેર છાછ લેવા આવી. છાછ લેવા આવનાર સૌ સ્ત્રીઓ લાઈનમાં ઉભી રહેતી.અને દરેકને દલાની માં છાછ આપતી.પણ મીનાને પોતે પોલીસની દીકરી અને એ પણ રૂપાળી એટલે ઘમંડ નામનું એક હથિયાર એની સાથે ચોંટેલું રહેતું.અને હવાલદારની અદ્રશ્ય હાકને કારણે સૌ આ ઘમંડથી છેટા રહેવામાં સાર સમજતું.
દલો ફળિયામાં ખાટલામાં સૂતો હતો. વહેલી સવારની ઠંડીને કારણે એણે ઘોદડું માથાથી પગ સુધી ખેંચીને ઓઢયું હતું.દલાની મહાકાય કાયા ખાટલામાં માંડ સમાતી હતી.એટલે પગ વાળીને સૂતો હતો. એટલે જેને ખબર ન હોય તેને ખાટલામાં ગોડદાનો મોટો ઢગલો પડ્યો હોય એવું લાગતું.
દરરોજ તો મીનાની માં છાછ લેવા આવતી. પણ શહેરમાં કોલેજમાં ભણતી મીના વેકેશન પડ્યું હોવાથી ઘેર આવી ગઈ હતી.એટલે આજ સ્વાભાવિક રીતે જ માંને ઘરકામ માં મદદ કરવાના હેતુથી છાછ લેવા એ દલા ગૃહે આવી હતી. એ આવીને લાઈનમાં ન જ ઉભી રહે ને ! પણ આજ એના જેવી જ બીજી કોઈ છોકરી પણ લાઈનમાં ઉભી હતી એણે લાઈનની પરવા કર્યા વગર સીધી જ આગળ ચાલી ગયેલી મીનાનો વિરોધ કર્યો.
" અમે'ય છાછ લેવા જ આવ્યા છઈએ, કાંઈ નવરીના નથી, જો તો આ છોડી તો સાવ શરમ વગરની જ છે "
મીનાના મોટા ડોળા એની ઉપર મંડાયા. " હું કોણ છું ખબર છે ને ? ''
" તું કાંઈ નવાબની દીકરી નથી, અને હોય તોય અમારે શુ ? છાની માની આમ લાઈનમાં ઉભી રે "
"નવાબની દીકરી કોને કે'શ હેં ? કોને કે'શ ? છાછ કંઈ તારા ઘરે લેવા નથી આવી સમજી ? " મીના તાડુકી. પેલી પણ ગાંજી જાય તેમ નહોતી.
"બવ દોઢ ડાયું થ્યા વગર આમ વાંહે ઉભી રે , નકર હમણે ચોટલો ઝાલીને ભોં ભેગી કરી દેઈશ હા "
ખલાસ ! યુદ્ધનું રણશીંગુ ફૂંકાઈ ગયું.બીજી સ્ત્રીઓ પણ પેલી મીનાને અટકાવનાર છોકરીના પક્ષમાં બોલવા મંડી. અને કોલાહલ મચી પડ્યો.અને દલાની સવારની મીઠી નીંદરનું અચ્યુત્તમ કેશવમ થઈ ગયું.ખાટલામાં પડેલો ઢગલો સળવળ્યો , ખાટલો થોડો હચમચ્યો અને આખરે ગોદડું હટાવીને મહાકાય માણસ આળસ મરડીને બેઠો થયો.એને જાગેલો જોઈને ફળિયામાં સોપો પડી ગયો.છાછ લેવા આવનાર સ્ત્રીઓને આ પહેલા પણ તાકીદ કરવામાં આવી હતી કે જ્યારે ડેલીમાં છાછ લેવા આવો ત્યારે જો દલાભાઈ સુતા હોય તો ચૂપ રહેવું. નહિતર આજીવન છાછ પ્રતિબંધ લગાડવામાં આવશે. અને ભૂતકાળમાં દલાના ક્રોધનો ભોગ અમુક વાતોડિયણ બની પણ હતી જે આજ દિન સુધી દલાની હાજરીમાં છાછ પામી શકી નહોતી.
એકાએક યુદ્ધવિરામ થયેલો જોઈને મીના નવાઈ પામી હતી.બાલ્યાવસ્થામાં સહપાઠી રહી ચૂકેલા દલાને એ કોલેજ સુધીની સફર દરમ્યાન સાવ ભૂલી ગયેલી.ઉંચો અને પડછંદ મહાકાય માનવ એને ભૂખ્યા વરુ ની જેમ તાકી રહ્યો હતો. અને સૌ સ્ત્રીઓ છાછ નહિ મળવાની બીકે થર થર ધ્રુજી તો નહોતી રહી પણ ડરી રહી હતી !!
પગથી માથા સુધી તાજો જ જાગેલો દલો મીનાને તાકી રહ્યો. એને જોતાવેંત જ પેટમાં શાની ગલી ગલી થઈ ? આ છોકરી આટલી બધી કેમ ગમી ગઈ ? સવારની ઊંઘ બગડી તોય કેમ આની ઉપર દાઝ નથી ચડતી ? વગેરે સવાલોના જવાબ દલાને મળ્યા નહિ.એણે મીનાને મીઠું હસીને બની શકે એટલા હળવા સાદે કહ્યું, " સવાર સવારમાં દેકારો નઈ કરવાનો હો, હું સૂતો હોવ એટલે હો "
પછી એની બા ને ઉદ્દેશીને બોલ્યો, " બા આમને છાછ આપી દયો ને !"
ઓહો હો ! મીનાનો તો વટ પડી ગયો. છાછ સૌથી પહેલા લઈને જતી વેળાએ પોતાને હજી એકધારું તાકીને ઉભેલા દલા સામે જરીક હસીને બોલી, "થેન્ક યુ "
બસ, એ નજર અને એ મીઠું સ્મિત ! દલો દિલ હારી બેઠો. બધી સ્ત્રીઓ સાનમાં સમજીને છાની છાની હસી પડી.દલાની પ્રેમકથા અહીંથી શરૂ થઈ.
ઘેલાભાઈ હવાલદાર પોલીસ સ્ટેશનની બહાર નીકળે એટલે ઇન્સ્પેકટર અને ગામમાં આવે એટલે પોલીસ કમિશનર બની જતા.નેતરનો સોટો સાઇકલ પાછળના કેરિયરમાં ભરાવીને ઉભી બઝારે નીકળી પડતા.અને અમથા અમથા વગર ડ્યુટીએ ગમે તેને તતડાવતા. ,"એ'ઇ, ચ્યમ આંય બેઠો છો, વગર કામે બવ બાર ની બેહવાનું , ચાલ ભાગ " આટલું કહેવાથી ડરીને ભાગી જશે તેમ લાગે તો જ એ ભગાડતો. કોક માથાભારે મળે તો , "શુ છે દરબાર, મઝામાં ? કે'જો કાંઈ કામકાજ આપડા લાયક હે હે હે !" એમ કહી પૂંછડી પટપટાવતો. ગામના અમુક રખડેલ કે જેઓ પ્રેમગ્રંથના પંડિત હતા એ આ હવાલદારના નકલી રોફથી ડરીને મીનાથી છેટા રહેવામાં જ માલ છે એમ સમજતા.અને અન્ય આંકડાઓમાં માખી વગરનું મધ શોધતા.
પણ દલો ઘેલા હવાલદારના સોટાથી બીવે એવો નહોતો. સાત નાપાસ સુધીની સફરમાં લેશન નહિ લઈ જવાના ઘોર અપરાધ બદલ આવા સોટા અનેક વખત એની બેઠક ઉપર પછડાઈ પછડાઈને તૂટી ગયા હતા. કદાચ પેલી ખાખી વરદી દલાને પ્રેમપંથે પગરણ માંડતા અટકાવી શકે તેમ હતી પણ મીનાનું એ સ્મિતમઢયું "થેન્ક યુ" અને દલો સમજ્યો હતો એ પ્રમાણે પ્યારભરી નજરથી એ સાવ ઘાયલ જ થઈ ચૂક્યો હતો, એટલે એના દિલમાં ઉઠેલું તોફાન કોઈ કાળે શમે તેમ નહોતું !
દિવસે ખેતરમાં ક્યારા છલકાઈ જવા લાગ્યા. રાત્રે ખાટલામાં સૂઈને આકાશમાં ઉગેલા તારાઓમાં મીનાનું મોં દલાને જોઈને હસી પડતું. દલો પણ ફાટી આંખે તાકી રહેતો. મીના આકાશમાંથી છાછ લેવા ઉતરતી.દલો દોડીને એનું વાસણ લઈ લેતો. ઓસરીમાં કોઈ જ નહોતું અને છાછમાં માખણ નાખીને દલો મીનાને આપતો. મીના થેંક્યું કહીને હસી પડતી.
"હવે ક્યાં સુધી આમ છાછ જ લેવા આવવું છે ?" દલો પૂછતો.
" તમે ના નહિ પાડો ત્યાં સુધી "
" હું તો કવ છું કે કાયમ આવી જા, છાછ તો શું ઘી અને માખણ પણ મળશે, તારે રોજ રોજના દોડા નઈ "
"તે હું ક્યાં ના કહું છું, તમે કેતા હોવ તો રોકાઈ જ જઉં " મીના ગાયની ઘંટડી રણકતી હોય તેવા મીઠા સ્વરે બોલીને મીઠું મીઠું હસતી.
પછી દલો મીનાનો હાથ પકડતો. મીના ખોટું ખોટું ડરીને હાથ છોડાવવાનો ડોળ કરતી. દલો મીનાને ગળે વળગાડવા ખેંચતો.
" છોડો, કોક ભાળી જશે ''
"એક બક્કી તો ભરવા દે "
"ના હો , મારા બાપુ ખીજાય "
"આંય, ક્યાં તારા બાપુ ભાળે છે "
મીના ના ના કરતી, દલો છોડી દેતો તોય ઉભી રહેતી.વળી દલો હાથ પકડતો
"ચાલો, હવે હું જાઉં , કોઈ જોઈ જશે "
"પણ એક બક્કી "
મીના ઝટ દઈને દલાના ગાલ પર બક્કી ભરતી. દલો હચમચી જતો. વળતી બક્કી ભરવા જાય ત્યાં તો દલાની આંખ ઉઘડી જતી. ઓછીકુ ગોટો વળીને દલાની બગલમાં દબાઈ જતું. ડેલી બહાર જાગી ગયેલું એકાદ ગલુડિયું લાંબા સ્વરે રડી પડતું, જાણે કે દલાનું તૂટેલું સપનું એ જાણી ગયું હોય એમ!! દલો આકાશના તારલા માં હસતી મીનાને જોઈ રહેતો.
દલાની આંખ ઘેરાતી.પણ તારલામાં બેઠી બેઠી મીના મરકી મરકીને એને સુવા દેતી નહીં. સવારે દલો રોજ વહેલો જાગીને ઓસરીની ધારે દાતણ કરવા બેસતો. મીના છાછ લેવા આવતી.મીઠું હસતી અને સૌથી પહેલી છાછ લઈને થેંક્યું કહીને ચાલી જતી.ગામની બીજી સ્ત્રીઓ આ ખેલ જોતી અને ડફોળ દલા ઉપર મનમાં જ હસતી. "બળ્યું, આપણા બાપનું શુ જાય છે, ઓલ્યો હવાલદાર વાંહો ફાડી નાખશે આ દલિયાનો, ડોબા જેવો સમજે છે કે ઓલી હા પાડશે ''
મીના તો આ સળગેલા દાવાનળ વિશે સાવ બેખબર હતી. એ વેકેશનમાં આવી હતી. માં પાસેથી જાણ્યું હતું કે દલો છગનકાકાનો મોટો દીકરો છે અને સારો છોકરો છે, એટલે એનાથી ડરવાની જરૂર નથી.બસ આટલું જ !!
એક દિવસ દલો સવારના દસેક વાગ્યે ખેતરમાં કામ કરતો હતો. અને વાડીનો ઝાંપો ખોલીને માથા પર કપડાંનું બાચકું મૂકીને વાડીમાં પ્રવેશતી મીના દ્રષ્ટિગોચર થઈ.દલાએ આંખ ચોળી.સાલ્લુ સ્વપ્નું તો નથીને ! પણ ના સાચોસાચ એ જ હતી. દલાની વાડીએ એ કપડાં ધોવા આવી હતી. દલો વાડીએ એકલો જ હતો ત્યારે !!
દલાએ દોટ મૂકી. કુવા પર સરસ મજાની પાણીની કુંડી હતી.કુંડી ફરતે ખાસ કપડાં ધોવા માટે જ પહોળા અને લીસ્સા પથ્થર લગાડ્યા હતા. દલો ત્યાં આવીને ઉભો રહ્યો.
મલપતી મલપતી મીના આવી. દલાને જોઈને મીઠું હસી. ગાયના ગળે બાંધેલી ઘંટડી રણકી, "કેમ છો દલાભાઈ ? માસીએ કીધું કે વાડીએ દલાભાઈ છે, પાણીની કુંડી ભરી દેશે એટલે કપડાં ધોવા આવી "
દલાને શુ જવાબ દેવો એ સુજ્યું નહિ.એ અડબુથની જેમ તાકી રહ્યો.
" ઓ હેલો, દલાભાઈ ..." ઘંટડી ફરી રણકી
"હેં ? કપડાં ધોવા છે ? હા હા લ્યો હું મોટર ચાલું કરીને કુંડી ભરી દઉં " દલો દોડીને ઓરડીમાં ગયો. મોટર ચાલુ કરીને તેને પાણીની કુંડી ભરી આપી.અને કુંડીમાંથી પાણી વહી ન જાય તે માટે નીકાલની જગ્યાએ ડૂચો પણ લગાવી દીધો.આ બધી મહેનત દરમ્યાન એની નજર તો મીના પર જ હતી. અને મીના પોતાનું કામ થઈ રહ્યું હોવાથી ખુશ થઈને હસી રહી હતી અને દલો એને સપનામાં જે બકી ભરીને જતી રહી હતી એ સાચે જ આજ બકી ભરવા જ આવી હોવાનું સમજી રહ્યો હતો.
મીના કુંડીના પથ્થર પર બેસીને કપડાં ધોવા લાગી.દલાને ત્યાં કંઈ જ કામ ન હોવા છતાં ઓરડીના ઓટલે બેઠો.
કપડાં ધોઈ રહેલી મીના ક્યારે પોતાને જુએ એની રાહ જોતો દલો કામ કાજ મૂકીને બેઠો.પ્રેમના વળગણ આવા જ હોય ને ! પ્રેમ મળવાની આશામાં જ માણસો પોતાનો કિંમતી વખત બરબાદ કરી દેતા હોય છે, એ વખતે કોઈ સમજાવનાર હોય તો પણ કોઈ સમજતું નથી જ્યારે અહીં તો પોતાની માનેલી માનુની એકલી કપડાં ધોવાને બહાને પોતાને મળવા જ આવી છે એમ દલો સમજતો હતો.
પણ સાલી સામું કેમ જોતી નથી ? દલાએ ખોંખારો ખાધો.પણ ખોંખારો બેઅસર રહ્યો. એ બેઠો બેઠો મીનાને જોઈ રહ્યો.એકાદ વાર ઉભા થઈને મીના પાસેથી પસાર પણ થયો, ખેતરમાં ખાલી ખાલી આંટો મારીને જલ્દી જલ્દી પાછો પણ આવી ગયો,
" દલાભાઈ, આ પાણી તો સાબુવાળું થઈ ગયું છે, કુંડી ફરીને ભરી આપોને પ્લીઝ". આખરે દલાને નવું કામ ચીંધવામાં આવ્યું. તરત જ દલાએ ડૂચો કાઢીને કુંડી ખાલી કરી આપી. ફરી ડૂચો મારીને નવું પાણી પણ ભરી આપ્યું.
" થેન્ક યુ હો દલાભાઈ.. "
"મારું નામ દલસુખ છે " વારંવાર પેલી દલાભાઈ દલાભાઈ કહી રહી હતી એ દલાને ખટકતું હતું.
"ઓહ, સોરી હોં, દલાભાઈ, આઇ મીન દલસુખભાઈ.." મીનાએ દલા ઉપર નેન ટેકવ્યા.
"દલસુખ કેશો તોય ચાલશે, હું કાંઇ તમારાથી મોટો નથી''
મીના હસી પડી. હવે એને ખ્યાલ આવ્યો કે આ બબુચક દલો જુદા જ ટ્રેક ઉપર દોડી રહ્યો છે.ચાલાક મીનાએ દલાને રમાડવાનું ચાલુ કર્યું.
"ઓહો, એમ વાત છે, ચાલો હું તમને દલસુખ કહીશ બસ ?"
દલો તો રાજીના રેડ થઈ ગયો. એની આંખો મીના ઉપરથી હટતી જ નહોતી.થોડીવાર આમતેમ આંટા માર્યા પછી ....
"આપણા ઘરની છાછ બાકી કેમ છે ?"
"મસ્ત હો , મને તો બીજાના ઘરની ભાવતી જ નથી." મીનાએ અંગુઠા અને પહેલી આંગળી ને જોડીને 'મસ્ત' નો સંકેત કર્યો.
" આખા ગામમાં આપણી જેવું બીજું કોઈ નહિ મળે " દલાએ પોતાની પ્રશસ્તીગાન શરૂ કર્યું.
"હા, હો તમે બહુ મોટા છો "
"મોટા એટલે કેવા "
"તમે બહુ જાડા પણ છો ''
"તે કોક માણસ જાડું'ય હોય, ઇના ગુણ જોવાના હોય '' દલાએ પોતાની કાયા નો બચાવ કર્યો
"પણ, આમ હું કેવો લાગુ છું તમને ? " દલાએ જીભનો ગોટો વાળી ને મહાપરાણે સરસંધાન કર્યું.
મીનાને કોઈ ઉપમા સુજી નહિ.એને મજાક સુજી આવી.
"આ પેલો બળધ બાંધ્યો ને એવા..." કહીને એ હસી.
ખલ્લાસ !! દલાની ચોટલી ખીતો થઈ ગઈ.હદયની કુંડીમાં ભરેલું મીના નામનું પાણી જાણે કે ખળ ખળ વહી ગયું.
દાઝે ભરાયેલ દલાએ કુંડીનો ડૂચો કાઢી નાખ્યો.ચોખ્ખું પાણી કે જેમાં મીનાને સાબુ વાળા કપડાં તારવવાના બાકી હતા એ ધોરીયામાં વહી ગયું ! સાવ આવા જવાબની આશા નહોતી એને !
"જાવ, બળદ જેવાં નો હોય ઇની વાડીએ લૂગડાં ધોઈ લેજો "
કહીને પાવડો ખભે મૂકીને એ ખેતર તરફ પોતાના તાજા જ જન્મીને તરત જ મૃત્યું પામેલા પ્રેમને લઈને ચાલ્યો ગયો.
મીનાને મજાક ભારે પડી ગઈ.ભીના થયેલા કપડાંની પોટકી એનાથી ઉપડે એમ પણ નહોતું. આ ગાંડીયાને બળધ કહેવા બદલ એને પસ્તાવો પણ થયો.
એ સોરી સોરી કહેતી રહી, પણ "સોરો" ખિજાઈ ગયો હતો !આખરે પ્રેમી થવા તુલેલા એક અરમાન ભર્યા યુવકને બળધ સાથે સરખાવવામાં જો આવ્યો હતો !
મીના , દલાના દિલને કચડીને ભીના કપડાં માંડ માંડ ઉંચકીને ચાલી ગઈ.ઘાયલ પ્રેમી કદાચ ઘાયલ થયેલા વાઘ જેટલો ક્રૂર બની જતો હશે ? દલિયાએ વિદાય લઈ રહેલી, રોજ બકી ભરવા (તારોડીયામાંથી)આવતી પ્રેમિકા સામું'ય ન જોયું !!
હતાશ દલો ખૂબ અકળાયો. પાછા આવીને કારણ વગર બળદને બે સોટા માર્યા. "સાલ્લા, તારે લીધે મને બળધ કીધો" અને ઓરડીમાં જઇ ને સુઈ ગયો.આજ એને કંઈ કામ કરવાનું મન નહોતું થતું.બપોરનું ભાત એમનું એમ પડી રહ્યું. બળદ બિચારો માલિકનો માર ખાઈને મુંગો મુંગો રડી પડ્યો. છેક સાંજે દલાને કળ વળી. ભાતના રોટલા કૂતરાને નાખી દઈ ને બળદને પાણી પાયું. અને એની ડોકે વળગીને રડ્યો. બળદને મારવા બદલ કે મીના દ્રારા ઘાયલ થવા બદલ, એ એને ન સમજાયું.
સાંજે ઘેલાભાઈ હવાલદારના ઘેરથી દલાનું તેંડુ આવ્યું. દલો ડરતો ડરતો મીનાગૃહે ગયો. મીનાની આંખમાંથી અંગારા ખરતા હોય એમ લાગ્યું.
"કેમ, અલ્યા દલિયા ? તારી ફાટ હમણાં કી વધી ગઈ છે કે શું ? વાડીએ એકલી આવેલી બેનને આમ પજવાય કે ? લૂગડાં ના ધોવા દેવા હોય તો ના પડાય, આમ કુંડીમાંથી પાણી કાઢી નંખાય કે ? બેન બિચારી માંડ ઘેર આવી. તારે આવું કરાય કે ?"
ઘેલાભાઈએ મીનાને બેન તરીકે રજૂ કરીને આપેલો ઠપકો દલા માટે કારમો ઘા સાબિત થયો. પણ એમ એ બીવે એમ નહોતો.
" ઘેલાકાકા, મીનાએ મને બળદ જેવો કીધો'તો .."
"લે, એમાં શું તું બળદ થઈ જવાનો હતો ? બેન તો એમ કહેતી હતી કે તું એટલો તાકાતવાળો છો, ગાંડીયા તું ઓછી બુદ્ધિનો છો એટલે તને ના સમજાય, બેન તો..."
"ઓછી બુદ્ધિનો હોવ ને તો મારી વાડીએ નો આવવું અને છાછ લેવા મારા ઘરે પગ નો મુકવો શું ? અને મારી વાડીએ કુંડીમાં પાણી રાખવું કે કાઢી નાખવું ઇ મારી મરજી શું ? અને તમારી છોડી કોલેજમાં ભણતી હોય તો ભલે ભણે, અમને બધી જ ભાન પડે છે શું ? અને તમે તાલુકે હવાલદાર છો તે થાય ઇ ભડાકા કરી લેજો શુ ? અને ઇ મારી બેન પણ નથી શું ? ક્યારના બેન બેન શું ચોટયા છો , હું એનો ભાઈ નથી શું ?"
આવા અનેક "શું" ના એકસામટા પ્રહાર કરીને દલો તરત જ ઘેલા હવાલદાર વળતો જવાબ આપે એ પહેલાં જ ભાગી છૂટ્યો.
મીના અને તેની માં પણ આ અનેક " શું " ના ધાણીફૂટ પ્રહારો થી ઘાયલ થયા હતા.
" આવ્યા મોટા, કોઈ ખેડુને આમ ઘેર બોલાવીને ઘસકાવવાનો નો હોય, નઈ ભળ્યા હોય તે, તમે ખાલી હવાલદાર છો, કાંઈ પોલીસ કમિશનર નથી તે જેને હોય એને દબડાવો છો, હવે ખાઈ લેજો એના ઘરની છાછ. આ વળી વાયડીની થઈ, તારા ડોહાને બળધ કેવાની શી જરૂર હતી, એમ કોકને ઢોર હારે સરખાવો તો પછી સામેનું માણસ બગડે જ ને, બિચારાને પાણીનું'ય પૂછ્યું ? આવ્યો એટલે માંડ્યા તતડાવવા, જાણે બાપની વાડી હોય " મીનની માએ બળાપો કાઢ્યો.
ઘેલાભાઈને હવે બોલવા જેવું કાંઈ રહ્યું નહિ.મીનાને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો. ઘેલોભાઈ હવે આ ફરિયાદ દલાના બાપાની કોર્ટમાં રજૂ કરવા ઉપડ્યા. બહાર નીકળીને જુએ તો સાઈકલના એક પણ ટાયરમાં હવા નહિ,ભાગતા દલાનો રોષ સાઇકલ પણ બની હતી !
ઘેલાભાઈ છગનબાપાની કોર્ટમાં હાજર થયા.
"છગનભાઇ, તમારા દલિયાને સમજાવી દેજો, નકર ..."
"નકર શુ ? ગોળીએ દેશો ઇમ ?"
"બેન કપડાં ધોવા આવી તો કુંડી ખાલી કરીને ખેતરમાં ભાગી ગ્યો'તો "
"તે ખેતરમાં કામ હોય તે જાવું નઈ ? તમારી છોડી લૂગડાં ધોવે તાં લગણ ઉભો રે ? તમારા બાપનો નોકર છે ? રોટલા તમે દયો છો ?"
"હું ઇમ નથી કે'તો, નો ધોવા દેવા હોય તો ના પડાય.."
"તે જાવ ના પાડવી છી, ઉપડો હવે "
ઘેલા હવાલદારની હવા સાવ જ નીકળી ગઈ. બેટા કરતા બાપ અઘરી આઈટમ નીકળ્યો.
રાત્રે દલો આકાશના તારાઓ જોતો હતો. ઘેલો હવાલદાર હવા વગરના ટાયરવાળી સાઇકલ દોરીને જતો હતો. મીના ક્યાંય દેખાતી નહોતી.
" મારે સાવ આમ નો કરવું જોવે ! હવે તો ઇ સામું'ય શેની જોશે, સાલ્લુ ગરમ થઇ જવાણું, ભારે કરી" દલો પસ્તાઈ ને મોડી રાતે સુઈ ગયો.
સવારે ઉઠીને ઓસરીની ધારે બેઠેલા દલાએ મીનાની બહુ વાટ જોઈ.પણ મીના છાછ લેવા ન આવી. દલો તૈયાર થઈને વાડીએ જતા પહેલા મીના ના ઘર પાસેથી નીકળ્યો. દલાના નસીબે મીના શેરીમાં સામી મળી. દલાની સામે જોઇને એ મોં બગાડીને આડું જોઈ ગઈ.
" બવ ખોટું લાગ્યું ?"
"............"
"તને કવ છું, નથી સાંભળતી ? બે'રી છો ? ''
"મારે તારી સાથે વાત નથી કરવી, જા ને જતો હોય ત્યાં "
"પણ મારે વાત કરવી હોય તો ?"
"તો શુ કામ કુંડી ખાલી કરીને ભાગી ગ્યો, અને મારા બાપુની સાઈકલમાંથી હવા કાઢી નાખી "
"સોરી "
"નહિ જોયો હોય મોટો સોરી વાળો " મીના ચાલતી થઈ ગઈ.
"પણ કીધું તો ખરા, ભુલ થઈ ગઈ, તેં મને બળધ કીધેલો.."
"તે તું છો એવો કીધો " મીના ખિજાઈને ઘરમાં ચાલી ગઈ.
દલો ફરી બળધ બનીને ઉભો રહ્યો. વાડીએ પહોંચ્યો ત્યાં સુધીમાં દલાએ એના દિલમાંથી મીનાને વિદાય આપી દીધી.
ત્રણ વરસ પછી મીનાની કોલેજ પુરી થઈ ગઈ.ઘેલા હવાલદારે મીનાને પરણાવી ત્યારે આખી જાનને દલાએ છાછ પાઈ. જાન નો ઉતારો પણ દલાની ડેલીમાં રાખવા દીધો. વરરાજાને જોઈને દલો ખૂબ ખુશ થયો.
"મીના કાંઈ મારી જેવા બળધ હારે થોડી પરણે ? ઇ રૂપાળી અને ભણેલી ગણેલી અને હું અક્કલનો ઓથમીર, દલિયા તું અમથો અમથો મીનાના નામની માળા જપતો'તો "
દલાએ મન મનાવીને મીના ના લગ્નમાં ખૂબ મદદ કરી.ઘેલાભાઈ અને મીના પણ ખૂબ રાજી થયા. વિદાયવેળાએ ગાડીમાં બેસતી વખતે મીનાએ ત્યાં જ ઉભેલા દલાને રડતી આંખો લૂછીને કહ્યું, થેંક્યું "
દલો હસીને બોલ્યો, "નો મેનશન''
જાન વિદાય થવાની તૈયારીમાં જ હતી.ત્યાં જ એક આખલો મીનાએ પહેરેલું લાલ પાનેતર જોઈને દોડ્યો. જાનૈયાઓમાં નાસભાગ મચી ગઇ. દોડતા આવતા આખલાને જોઈને વરરાજો પણ ગળામાંથી છેડાછેડી બાંધેલો ખેસ કાઢીને ભાગ્યો.કારનો માલિક વળી શુ કામ ઉભો રહે ? કારની બાજુમાં લાલ પાનેતર પહેરીને કોડભરી મીના એની પર ધસી આવતા આખલાને જોઈ ધ્રુજવા લાગી. એક જ ક્ષણમાં આખલો મીનાને ઉડાડી જ દેત, પણ એના શિંગડા બે મજબૂત હાથોમાં પકડાઈ ગયા. પળનો પણ વિલંબ કર્યા વગર દલો આખલા અને મીના વચ્ચે દીવાલ બનીને ઉભો રહી ગયો. માંડવા પક્ષના લોકો દોડ્યા અને મીનાને અંદર લઈ ગયા.બીજા લોકો પણ લાકડીઓ લઈને ધસી આવ્યા અને આખલાને મારી હટાવ્યો. વરરાજા કારમાં ગોઠવાયા.બધાએ દલાનો ખૂબ ખૂબ આભાર માન્યો.
વેવાઈએ રજા માંગી. પણ મીનાએ અંદર જઈને પાનેતર કાઢી નાખ્યું. અને પાનેતરના છેડે બાંધેલ વરરાજાનો ખેસ અને પાનેતર લઈને એ બહાર આવી.જાનમાં સોપો પડી ગયો.મીનાએ કાર પાસે આવીને પાનેતર અને ખેસનો ઘા કર્યો.
" સાલ્લા કાયર, આખલાને જોઈને મને મૂકીને જીવ બચાવવા ભાગી ગયો ? તારી જેવા બીકણની બયરી નથી બનવું મારે "
મીનનું રૌદ્ર સ્વરૂપ જોઈને વરરાજા સમેત આખી જાન જાણે કે જીવ વગરની જડ જેવી થઈ ગઈ.
ખૂબ દેકારો મચ્યો. વાત મારામારી ઉપર પણ આવી ગઈ.સામ સામા આક્ષેપો થયા.ઘેલાભાઈએ મીનાને સમજાવી,છેલ્લે વરરાજાએ હાથ જોડીને માફી માગી તોય મીના એકની બે ન થઈ તે ન જ થઈ !!
આખરે જાન કન્યા વગર વિદાય થઈ. મીનાના છુટા છેડા થયા.
થોડા દિવસો પછી દલો ખેતરમાં પાણી વળતો હતો.ત્યાં જ ઝાંપો ખોલીને માથે કપડાંનું બાચકું લઈ મીનાને આવતી દલાએ દીઠી. કુંડી પાણીથી ભરેલી જ હતી. મીના કપડાં ધોવા લાગી.પણ દલો ખેતરમાંથી કુવા પર ન આવ્યો.
" એ.... દલસુખ, અહીંયા આવો ને.. " મીનાએ દલાને સાદ પાડીને બોલાવ્યો.
દલાને પોતાના કાન ઉપર વિશ્વાસ ન આવ્યો. "મને ભણકારા વાગતા હોય, ઇ થોડી મને સાદ કરે ?"
"એ....મારા બળધીયા..."
હવે દલો હરકતમાં આવ્યો. "મને બળધીયો કીધો, આજ ફરીને બોલી "
ખભે પાવડો લઈને એ કુવા પર ધસી આવ્યો.પેલા આખલાની જેમ જ. જાણે કે પાવડો મીનાના માથામાં મારશે ! પણ મીના તો મીઠું મીઠું હસી રહી છે.
"કોને કહે છે હેં ? મને ? તે દી ખબર છે ને આ બળધીયો નો હોતને તો જીવતી જ નો હોત ડોબી " દલાએ જે ખિજાઈને કહેવાનું હતું એ સાવ નરમાશથી કીધું.
" આઈ લવ યુ દલસુખ "
"હે ?''
દલો ભલે સાત નાપાસ હતો, પણ આટલુ અંગ્રેજી તો એને આવડતું જ હતું.
" કેમ, બળધને નો સમજણ પડી ? ગુજરાતીમાં કહું ?"'
મીના હસી રહી હતી અને દલો મુંજાઈ રહ્યો હતો.
"મારે જવાબ અંગ્રેજીમાં દેવો હોય તો શુ કેવું પડે ?"'
"આઈ લવ યુ ટુ , એમ કહેવાય મારા વાલા દલસુખ !"
"આઈ લવ યુ ટુ " દલાએ પાવડાનો ઘા કરીને બેઉ હાથ પહોળા કર્યા.
મીના દોડીને એના પ્યારા બળધની બાહોમાં સમાઈ ગઈ.