NYAY books and stories free download online pdf in Gujarati

ન્યાય

વાર્તા: ન્યાય લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775

દામોદરદાસ ની દીકરી ચંપા પિયરમાં તેની ચોથી ડીલીવરી માટે આવી હતી.અગાઉની ત્રણે દીકરીઓ હતી એટલે હવે દીકરો આવે એ માટે તેણે અનેક દેવી દેવતાઓ ની બાધાઓ રાખી હતી.દામોદરદાસ પણ ભગવાનને પ્રાર્થના કરતા હતાકે આ વખતે તો મારી દીકરીને કુળદીપક આપ.મને થોડો જશ આપ પ્રભુ. ચંપાની મા વર્ષો પહેલા દેવલોક પામ્યા હતા એટલે આ ડોસાએ જ દીકરીને મોટી કરી હતી.ખેતરમાં તનતોડ મજુરી કરીને ગુજરાન ચલાવ્યું હતું.ચંપાને થોડું ઘણું ભણાવીને સારો મુરતિયો જોઇને પરણાવીને પોતે નિવૃત્ત થઇ ગયા હતા.ગરીબીતો હતીજ અને ચંપાને પરણાવ્યા પછીતો સાવ કંગાળ બની ગયા હતા.ચંપાની ત્રણે ડીલીવરીઓ પિયરમાં જ કરવી પડી હતી.સાસરી વાળાઓ નો જ એવો આગ્રહ હતો.આ ખર્ચને પહોંચી વળવા જે થોડો ઘણો દર દાગીનો હતો તે પણ વેચાઈ ગયો હતો.ચોથી વાર ચંપાને પિયર લાવવાની થઇ ત્યારે એમને ચિંતા હતીકે કેવી રીતે ખર્ચો કાઢીશ.પણ તેની સાસરીવાળા ઓ એ રાખવાની તૈયારી બતાવી નહીં એટલે લાવ્યા વગર છૂટકો નહોતો.

ચંપાને આજે દવાખાને લાવવી પડી.તેમના જમાઈ જશવંતલાલ પણ આવી ગયા હતા.ડોકટરે જરૂરી રીપોર્ટ કઢાવ્યા, થોડી દવા આપી.અને સાંજે રીપોર્ટ આવી જાય પછી ડીલીવરી કરાવીએ એવું કહ્યું.દવાખાના નાં બાંકડા ઉપર ડોસાએ લંબાવ્યું અને ભગવાનની માળા જપવા લાગ્યા.

સાંજે રીપોર્ટ જોઇને ડોકટરે કહ્યું કે આ વખતે તો ઓપરેશન કરવું પડશે.ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચ થશે.ડોસાના માથા ઉપર જાણે બોમ્બ પડ્યો.હવે શું કરીશું? તેમણે જશવંતલાલ સામે જોયું તો તેઓ નીચું જોઇને ઉભા રહ્યા.જમાઈ ને સરકારી નોકરી હતી.પગાર સારો હતો.ડોસાને થયું કે જમાઈ પાસે થોડો સમય માટે હાથ ઉછીના પૈસા લઉં અને સગવડે આપી દઈશ.તેમણે જમાઈના ખભા ઉપર હાથ મુકીને કહ્યું કે ‘જશવંતલાલ હાલ પુરતો દવાનો ખર્ચ તમે આપીદો સગવડે હું તમને પાછા આપી દઈશ.’ આ સાંભળીને જશવંતલાલ તો જાણે સાપ ઉપર પગ આવ્યો હોય એમ ભડક્યા. અને કરડાકી ભર્યા ચહેરે કહ્યું કે મારે ટૂંકા પગારમાં તમારી દીકરી અને તેની ત્રણ દીકરીઓના મોટા ખર્ચાછે.બચત ક્યાંથી હોય? તમે બીજેથી વ્યવસ્થા કરીદો.

હવે...એકજ રસ્તો હતો.નાનું ઘર છે એ ગીરવે મુકવું.ડીલીવરી સાંજે કરવાની હતી.ડોક્ટરને પૈસા જમા કરાવવાની હજી ત્રણ કલાક ની વાર હતી.માથે ટોપી પહેરી,ધોતિયાનો છેડો સરખો કરી તેઓ ‘થોડીવારમાં આવું છું’ કહીને ઉપડ્યા.ચંપાને ખબર હતીકે બાપા પાસે ફૂટી કોડી પણ નથી.દાગીનો પણ નથી.કેવીરીતે કરશે આટલો મોટો ખર્ચ.તેની આંખો ભરાઈ આવી.

એક કલાક પછી ડોસા પૈસાની સગવડ કરીને આવી ગયા.તેમણે ચંપાને કહ્યું કે ચિંતા કરીશ નહીં પૈસાની સગવડ છે.સાંજે ડોક્ટર આવી ગયા.ચંપાને તપાસી અને ઓપરેશન રૂમમાં લીધી.ડોસાએ પૈસા જમા કરાવી દીધા.

દામોદરદાસ ઓપરેશન થીએટર ની બહાર બાંકડા ઉપર બેસીને માળા કરવા લાગ્યા.જશવંતલાલ પણ ચિંતાતુર થઈને બેઠા હતા.પડોશમાંથી ત્રણ ચાર સ્ત્રીઓ પણ આવી ગઈ હતી.બધાંના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી.ઓપરેશન થઇ રહ્યું હતું.

થોડીવાર થઇ ત્યાં બાળકના રડવાનો અવાજ આવ્યો.બધાના જીવ તાળવે હતા.નર્સે દરવાજો ખોલ્યો અને હસતા ચહેરે બહાર આવી.અને ખુશખુશાલ થઈને બોલી’ મહાલક્ષ્મીજી પધાર્યા છે.અભિનંદન ‘ જશવંતલાલ નો ચહેરો કાપોતો લોહી ના નીકળે એવો થઇ ગયો.પડોશીની સ્ત્રીઓ આવી હતી તેમની આંખો ભરાઈ આવી.એટલામાં તો બધાના આશ્ચર્ય વચ્ચે ડોસા ખડખડાટ હસવા લાગ્યા.હસતા જાય અને તાળીઓ પડતા જાય.જશવંતલાલ સામે જોઇને વધારે જોરથી હસતા જાય.દવાખાનામાં હાજર બીજા દર્દીઓ પણ ડઘાઈ ગયા.બધાને થયું કે ખલાસ,આઘાતને કારણે ડોસાનું ચસકી ગયું.નર્સે ડોસાને પાણી આપ્યું અને હાથ ઝાલીને પલંગમાં બેસાડ્યા.અને આરામ કરવાનું કહ્યું.ડોક્ટરને પણ આ જોઇને દુ:ખ થયું.

એટલામાં ડોસા પલંગમાં બેઠા બેઠા વેદના સભર અવાજે બોલ્યા ‘કોઈ એમ ના સમજતા કે હું ગાંડો થઇ ગયો છું.હું તો આજે રાજીના રેડ થઇ ગયોછું.જશવંતલાલ ને ચોથી દીકરી આપીને ભગવાને જે સબક શીખવાડ્યો છે એ જોઇને મારી શ્રદ્ધા વધી ગઈ છે.આ જમાઈએ આખી જીંદગી મારું કેટલું શોષણ કર્યું છે એ એમને કોઈ પૂછો તો ખરા.વારે તહેવારે જાતજાતની માગણીઓ કરીને આ ડોસાને કંગાળ કરી નાખ્યો.મારે ઘરમાં ખાવાના સાંસા હતા તો પણ ચંપાને ચારેચાર ડીલીવરી માટે પિયર મોકલી.આ બધું મારે એટલેજ સહન કરવું પડ્યું કેમકે હું દીકરીનો બાપ છું.અને એટલેજ...એટલેજ ભગવાને તમને ચાર ચાર દીકરીઓ આપી છે.ભગવાને ન્યાય કર્યો છે.’પીંપળ પાન ખરંતા હસતી કુંપળીયા,મુજ વીતી તુજ વીતશે ધીરી રહો બાપુડિયા ‘