SATSANG books and stories free download online pdf in Gujarati

સત્સંગ

વાર્તા-સત્સંગ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775

સ્વામી ભવ્યાનંદ નો સંતકથા ઓ વિશે પ્રવચનો નો આજે છેલ્લો દિવસ હતો.હૉલ ખીચોખીચ ભરેલો હતો.લગભગ પંચોતેર વર્ષની ઉંમરે પહોંચેલા સ્વામીજીની વાણી ભક્તિ રસથી તરબોળ હતી.રોજ રાત્રે ત્રણ કલાક તેમનું પ્રવચન ચાલતું જેમાં ભક્તિ અને સત્સંગ સિવાય બીજા કોઇ વિષય ની વાતો થતી નહીં.ત્રણહજાર માણસોની બેઠક વ્યવસ્થા વાળો હૉલ એકપણ દિવસ ખાલી નહોતો રહ્યો.લોકો મોબાઇલ અને ટી.વી.જોવાનું પણ ભૂલી ગયા હતા.

સતત તણાવવાળી અને ભાગદોડ વાળી જિંદગીથી કંટાળેલા લોકો ને સ્વામીજી ના પ્રવચનોથી ખૂબજ માનસિક શાંતિ નો અનુભવ થયો હતો.સ્વામીજી રોજ બે કલાક સંતકથાઓ વિશે સત્સંગ કરતા અને છેલ્લો એક કલાક શ્રોતાઓ ની પસંદ ના કોઇ વિષય વિશે વક્તવ્ય આપતા.કોઇવાર ગુરૂ મહિમા વિશે, કોઇવાર દાન દક્ષિણા ના મહિમા વિશે,કોઇવાર સાકાર-નિરાકાર ઈશ્વર વિશે,કોઇવાર કર્તવ્ય કર્મ વિશે,કોઇવાર સમાજસેવા વિશે એમ શ્રોતાઓ ની પસંદગી ના વિષય ઉપર સુંદર છણાવટ કરતા.લોકો એકચિત્તે તેમને સાંભળતા અને જ્ઞાન સહિત પરમશાંતિ અનુભવતા.

પ્રવચન ના ચોથા દિવસે શ્રોતાઓ એ માગણી કરીકે આજે માતૃપ્રેમ અને માતૃમહિમા વિશે વક્તવ્ય આપો.સ્વામીજી આ માગણી સાંભળીને થોડા ગંભીર થઇ ગયા અને થોડી ક્ષણો પછી બોલ્યા કે માતૃમહિમા વિશે હું છેલ્લા દિવસે પ્રવચન કરીશ.એ પછીના દિવસોમાં પણ સંતકથાઓ અને શ્રોતાઓ ની પસંદગી ના વિષયો ઉપર મનભાવન સત્સંગ થયો.

આજે સત્સંગ નો છેલ્લો દિવસ હતો.હૉલ ખીચોખીચ હતો.શ્રોતાઓ હવે આવતીકાલ થી આ સત્સંગ જોવા નહીં મળે એવું વિચારીને ઉદાસ હતા.

સમય થયો એટલે શિષ્યો સ્વામીજી ને ટેકો આપતા આપતા મંચ સુધી લાવ્યા.ઉંમરના કારણે ચાલવામાં તકલીફ રહેતી હતી એટલે બે શિષ્યો સ્વામીજી ને ઉંચકીને મંચ ઉપર લઇ ગયા.પણ આજે શિષ્યોને પણ લાગ્યું કે સ્વામીજી સવારથી અસ્વસ્થ છે.નિત્યક્રમ મુજબ તેઓ સવારે ચાર વાગ્યે ઊઠતા.નાહી ધોઇને પૂજાપાઠ માં એક કલાક થતો.પછી થોડું દૂધ લેતા અને ધ્યાન મગ્ન બેસી રહેતા.

આજે સવારે સ્વામીજી છ વાગ્યે ઊઠ્યા.શિષ્યોને આશ્ચર્ય થયું.નાહી ધોઇને પૂજાપાઠ પણ ના કર્યો અને દૂધ પણ ના પીધું.શિષ્યો એ પૂછ્યું પણ ખરૂં કે 'દાદા, તબિયત બરાબર ના હોયતો ડૉક્ટર ને બોલાવીએ' પણ તેમણે ના કહી.એક બે શિષ્યોએ જોયું કે સ્વામીજી ની આંખો સજળ હતી.આખો દિવસ કોઈની સાથે બોલ્યા પણ નહીં.જમવાના સમયે પણ તેમણે કહ્યું કે આજે ભૂખ નથી.શિષ્યો ચિંતાતુર હતા.પણ સાંજે સત્સંગ ના સમયે તૈયાર થઈને બહાર આવી ગયા.

સત્સંગ પ્રવચન પહેલાં પ્રાર્થના થઇ.પછી સ્વામીજીએ માઈક હાથમાં લીધું.’સજ્જનો અને સન્નારીઓ તમને કદાચ મનમાં પ્રશ્ન થયો હશેકે માતૃપ્રેમ વિશે બોલવા માટે મેં કેમ છ દિવસનો સમય માગ્યો હશે” આટલું બોલ્યા ત્યાં સ્વામીજી ની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાનો ચાલુ થઇ ગયો.શિષ્યો ગભરાઈ ગયા.તેમને પાણી આપ્યું.

વરસતી આંખોએ જ કહ્યું ‘ ત્રીસ વર્ષની ઉંમરે મેં સન્યાસ લીધો હતો.આજે મારી ઉંમર પંચોતેર વર્ષ છે.મારા જન્મ પહેલાજ મારા પિતાજીનો દેહાંત થઇ ગયો હતો.કારમી ગરીબી વચ્ચે મારી માતા એ મારો ઉછેર કર્યો હતો.હું ત્રીસ વર્ષનો થયો ત્યારે માતા વૃદ્ધ થઇ ગઈ હતી.હું એકમાત્ર તેનો સહારો હતો.પણ મને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો અને મેં વૃદ્ધ માતા ની પણ પરવા કર્યા વગર સન્યાસ લીધો.મારી માતા ચોધાર આંસુએ રડી હતી.તેની આંખોમાં જે વેદના મેં જોઇ હતી એ આજ દિવસ સુધી હું ભૂલી શક્યો નથી.મને વિદાય આપતી વખત નો તેનો ચહેરો મારા દિલમાં કોતરાઇ ગયો છે.મારા સન્યાસ પછી છ મહિના માં જ મારી માતા નું અવસાન થયું હતું. પિસ્તાલીસ વર્ષ સુધી મેં તન મન થી ઈશ્વરની ભક્તિ કરીછે પણ એવું લાગેછેકે ઈશ્વરે પણ મને માફ કર્યો નથી.અપરાધભાવ થી હું પીડાઈ રહ્યો છું.

‘ભાઈઓ બહેનો,દીકરાઓ અને દીકરીઓ કદી માતા ને તરછોડશો નહીં કે તેની આંતરડી કકળાવશો નહીં.ગમે એટલું મોટું પાપ થઇ ગયું હશે પણ માતા ના આશીર્વાદ તમારી સાથે હશે તો ઈશ્વર ને પણ હંફાવશે.પણ જો માતા ને દુભવી હશે તો ઈશ્વર પણ તમને નહીં બચાવી શકે.’ મા એ મા બીજા બધા વગડાના વા ‘બચપણમાં હું એક કવિતા ભણ્યો હતો તમે પણ ભણ્યા જ હશો.’જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ સંસારમાં જ રહીને મા-બાપ,નાના ભાઇ બહેનો ,અશક્ત વૃદ્ધો ,અપંગો ની સેવા કરજો.કદી પણ સન્યાસ લેવાનું વિચારશો નહીં.’

હવે સ્વામીજી નો અવાજ તરડાઇ રહ્યો હતો.તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.શ્રોતાઓ પણ આંસુઓ થી પાવન થઇ રહ્યા હતા.સત્સંગ એ સંજીવની છે એ પુરવાર થઇ ગયું હતું.