BALIDAN books and stories free download online pdf in Gujarati

બલિદાન

વાર્તા-બલિદાન

લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775

સુલતાનપુર ગામમાં સોપો પડી ગયો હતો.આશરે દસેક હજારની વસ્તી ધરાવતા ગામમાં સાંજે સાત વાગ્યા પછી જાણેકે કરફ્યુ પડી જતો હતો.માણસો કરતાં કૂતરાં વધારે ફરતાં દેખાઈ રહ્યાં હતાં.આખા ગામમાં ભય નું સામ્રાજ્ય હતું.અને પાછી ચુપકીદી છવાયેલી હતી.છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ હતી.ગામને જાણે સાપ સુંઘી ગયો હતો.એવું લાગતું હતું કે બધા બધુજ જાણેછે કાં તો પછી કોઈ કશું જાણતું નથી.આ ગામમાં કદી કોઇ બે કોમ વચ્ચે પણ ઝઘડો થયો નહોતો.ખેતીવાડી ઉપર નભતું આ ગામ એકંદરે સુખી હતું.

બે મહિના પહેલા બનેલા એક ગોઝારા બનાવને કારણે ગામના સુખને ગ્રહણ લાગ્યું હતું.તે દિવસે સવારે વહેલા ખેતરમાં જતી સ્ત્રીઓ એ તળાવ કિનારે વડના ઝાડ ઉપર એક પુરુષ ની લટકતી લાશ જોઇ અને આખા ગામમાં દોડાદોડી શરૂ થઇ.હોબાળો થયો.તાલુકા પોલીસ મથકે થી પોલીસ વાન આવી.લાશને જમીન ઉપર ઉતારવામાં આવી અને ઓળખ થઇ.લોકો દંગ થઇ ગયા.ગામના સરપંચ લાલજીભાઈ ના દીકરા અંબુ ની લાશ હતી.વધારે અચરજ ની અને આઘાતજનક વાત એ હતી કે લાશ ની સેથી માં સિંદુર પુરેલું હતું.હાથમાં બંગડીઓ પહેરેલી હતી અને આંખોમાં કાજળ લગાવેલું હતું.વાત ચર્ચાના ચગડોળે ચડી.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ થઇ.દર બે ત્રણ દિવસે તાલુકા પોલીસ મથકેથી ઇન્સ્પેકટર આવીને ગામમાં પૂછપરછ કરવા લાગ્યા.પણ ગુના નું કોઈ પગેરું મળ્યું નહીં.

નવાઇ ની વાત તો હતી.આટલું નાનું ગામ અને સરપંચ ના દીકરાની હત્યા થાય અને કોઇ આરોપી પકડાય નહીં.તપાસ દરમ્યાન પોલીસે નોંધ્યું કે અંબુ ને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી,તેને દારૂની આદત હતી પણ તેનાથી કોઈને હેરાનગતિ નહોતી.

આ વાતને પંદર દિવસ વીત્યા હતા ત્યાં ગામની રેલ્વે ફાટક ઉપર લોકોએ એક પુરુષની લાશ જોઇ.આ લાશને સાડી પહેરાવેલી હતી,સેંથીમાં સિંદુર પુરેલું હતું અને હાથમાં બંગડીઓ પહેરેલી હતી.ગામમાં હાહાકાર મચી ગયો.પોલીસ આવી .લાશની ઓળખ થઇ.ગામમાં ધીરધાર નો ધંધો કરતા નગીનભાઈ શેઠના દીકરા રંજન ની લાશ હતી.એક હત્યાનું પગેરું મળ્યું નહોતું ત્યાં બીજી હત્યા.છેવાડાનું ગામ હતું છતાં પણ દૈનિક પેપરમાં સમાચાર છપાઇ ગયા.સ્થાનિક નેતાઓ,પત્રકારો અને પોલીસ અધિકારીઓ ની અવર જવર વધી ગઇ.બીજી હત્યાને પણ પંદર દિવસ થઇ ગયા છતાં રહસ્ય અકબંધ હતું.ગામના બે સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત માણસોના દીકરાઓની હત્યા ઉકેલવાની હતી એટલે પોલીસ ખાતા ઉપર દબાણ હતું.

પોલીસ સ્ટેશને સાંજે સાતેક વાગ્યે ફોન રણક્યો. ઇન્સ્પેકટર હાજર હતા તેમણે વાત ચાલુ કરી સામે છેડે થી દબાયેલા સ્વરે કોઈ પ્રૌઢ વ્યક્તિ નો અવાજ આવ્યો ‘ સાહેબ સુલતાનપુર ગામ માં આજે ત્રીજી હત્યા થવાની છે તેની માહિતી આપવા આપને ફોન કર્યો છે’ ઇન્સ્પેકટર સ્તબ્ધ થઇ ગયા અને જલ્દીથી સ્વસ્થ થઈને બોલ્યા ‘બતાવો જલ્દી શું માહિતી છે?’

સામે છેડેથી અવાજ આવ્યો ‘ આજે રાત્રે ગામની ઉત્તરે આવેલા બલિષ્ઠ હનુમાનજી ના મંદિરની પાછળ આવેલા ખેતરમાં રાત્રે બાર વાગ્યે એક હત્યા થવાની છે.પકડીલો હત્યારાને’આટલું બોલીને ફોન કપાઇ ગયો.પોલીસ સ્ટેશનમાં ધમધમાટ વધી ગયો.પંદર પોલીસનો કાફલો વાનમાં બેસી ને સુલતાનપુર રવાના થઇ ગયો.

બલિષ્ઠ હનુમાનજી ના મંદિરની ફરતે પોલીસ પહેરો છુપાઈને ગોઠવાઈ ગયો.બાતમીદારે આપેલ ટાઇમ થવા આવ્યો હતો પણ કોઈ ચહલપહલ નહોતી.બાર વાગીને વીસ મિનીટ થઇ.એટલામાં ઇન્સ્પેકટરના મોબાઈલમાં રીંગ આવી.સાહેબે ફોન રિસીવ કર્યો.’શું થયું સાહેબ ખૂની પકડાયા? ખૂન તો બરાબર બાર વાગ્યે થઇ જ ગયું છે.હા..હા..હા..હા..’ સાંજે આવ્યો હતો એ જ બાતમીદાર નો અવાજ હતો.સાહેબ સમજી ગયાકે મુરખ બની ગયા છીએ.હવે સમય ગુમાવ્યે પાલવે એમ નહોતું.આખો પોલીસ કાફલો ગામ તરફ રવાના થયો.ગામના ચોક આગળ અત્યારે અડધી રાત્રે લોકોનું ટોળું જોઇને પોલીસ ને પણ નવાઇ લાગી.

ટોળાની વચ્ચે એક પુરુષની લાશ પડી હતી.અગાઉ ની લાશ જેવો જ દેખાવ હતો.માહિતી મળી કે બલિષ્ઠ હનુમાનજી ના મંદિરના પુજારી સુખરામ ની લાશ છે.ટોળું ધીરે ધીરે વિખરાઈ ગયું.પોલીસે લાશનો કબજો લીધો.આ ત્રણ બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી.

બીજા દિવસના દૈનિક પેપરમાં હેડ લાઈનમાં સમાચાર છપાયા.જીલ્લા પોલીસ અધિકારી પણ ગામમાં આવી ગયા.બે મહિનામાં ત્રણ ત્રણ હત્યાઓ થાય અને કોઈ સુરાગ ના મળે એ કેવું?ગામમાં વીસ પોલીસ ને ચોવીસ કલાક ચાંપતી નજર રાખવા ઓર્ડર કર્યો.

સવારે દસ વાગ્યા નો સમય હતો. ઇન્સ્પેકટર ની જીપ આવીને ઊભી રહી કે તુરંત જમાદારે આવીને સાહેબને કહ્યું ‘સાહેબ કોઈ કોલેજ ની પાંચ વિદ્યાર્થીનીઓ આપને મળવા આવી છે બહુ જરૂરી માહિતી આપવાની છે એવું કહેછે.’ સાહેબ હજુ તો ઓફિસમાં પગ મુકે તે પહેલાં તો ન્યુઝ પેપરના પત્રકારો અંદર આવી ગયા.સાહેબે પૂછ્યું કે ‘કેમ ભાઈ સવારના પહોરમાં આવી ગયા છો? કોઈ ધડાકો કરવાનો છે કે શું?’

પત્રકારોએ કહ્યું કે’સાહેબ ધડાકોતો તમે કરવાના છો એવી બાતમી મળી છે એટલે આવ્યા છીએ’ સાહેબ હસતા હસતા એમની ઓફિસમાં જતાં જતાં બોલ્યા ‘બેસો ત્યારે ચા પીને જજો.’

જમાદારને બોલાવીને સાહેબે પેલી કોલેજ કન્યાઓને મોકલવાનું કહ્યું.પાંચ કોલેજીયન છોકરીઓ અંદર આવી.સાહેબે નિરીક્ષણ કર્યું કે સારા ઘરની,દેખાવડી અને વેલ એજ્યુકેટેડ લાગેછે.તેમને સામે બેસાડીને સાહેબે જમાદારને ચા નો ઓર્ડર આપ્યો અને પછી સ્મિતભર્યા ચહેરે બોલ્યા’બોલો બહેનો જે માહિતી હોય એ ગભરાયા વગર આપો.’

એક છોકરી જે જરા ચબરાક દેખાતી હતી એ બોલી ‘ સાહેબ સુલતાનપુર મર્ડર કેસના હત્યારાઓ ને અમે જાણીએ છીએ’ સાહેબ તો ખુરશીમાંથી ઊભા થઇ ગયા.’જલ્દી બોલો જે જાણતા હોય એ.તમને કશું નહીં થાય.પ્લીઝ જલ્દી બતાઓ કોણ છે હત્યારાઓ?

પાંચે કન્યાઓ એકી અવાજે બોલી ‘સાહેબ અમે પાંચે મળીને ત્રણ હત્યાઓ કરી છે.અમે સરેન્ડર થવા આવ્યા છીએ.અમને કસ્ટડીમાં લઈલો.અમારે જે બયાન આપવું છે તે અમે કોર્ટ માં ન્યાયાધીશ સમક્ષ જનતા જાણે એ રીતે આપીશું.’ બહારના રૂમમાં બેસીને પત્રકારો આ સાંભળી રહ્યા હતા.તેમણે પણ આવીને સાહેબને કહ્યું કે છોકરીઓ ભલે હત્યારી હોય પણ ગુનો કબુલ કરીને હાજર થઇ છે.એટલે એ કહેછે એમજ કરો તો સારું.’

સાહેબે ઓકે કહીને છોકરીઓને કસ્ટડીમાં લીધી.આખા શહેરમાં હોબાળો થઇ ગયો.લોકો જાતજાતની વાતો કરવા લાગ્યા.પોલીસ સ્ટેશન આગળ પબ્લિક અને પત્રકારો ની ફોજ ખડકાઇ ગઇ.પણ આ છોકરીઓ એ જ કહ્યું કે અમારે જે કહેવાનું છે તે અમને કોર્ટ સમક્ષ જ કહીશું.

કોર્ટ આગળ એટલી ભીડ હતીકે પોલીસને પણ નાકે દમ આવી ગયો હતો.પોલીસની ગાડીમાં આ કન્યાઓને લાવવામાં આવી અને ન્યાયાધીશ કાજલબેન પાસે રજુ કર્યા.કેસ શરૂ થયો.જજે ગુનાની વિગત જાણવા આ કન્યાઓને પૂછ્યું.’બોલો જે કહેવું હોય એ.’

ચાર કન્યાઓ એ પાંચમી કન્યા તરફ આંગળી કરીને કહ્યું કે ‘બેન અમે પાંચ ખાસ ફ્રેન્ડ છીએ અને સુલતાનપુર માં જ રહીએ છીએ અને કોલેજ આવવા શહેરમાં અપ ડાઉન કરીએ છીએ.આનું નામ પારૂલ છે,બે મહિના પહેલા એક રાત્રે આ ત્રણ નરાધમોએ પારૂલને એકલી આંતરીને બળાત્કાર કર્યો હતો.અને રસ્તામાં મુકીને ભાગી ગયા હતા.બીજા દિવસે અમે પારૂલના ઘરે કોલેજ જવા માટે બોલાવવા ગયા ત્યારે પારૂલ પથારીવશ હતી અને તેના ઘરમાં બધાની આંખો રડી રડીને સુઝી ગઇ હતી.અમને તો આ જાણીને ભયંકર આઘાત લાગ્યો.પારૂલની મમ્મીએ કહ્યું કે મારી દીકરી આપઘાત કરવાનું કહેછે.

અમે ચાર બહેનપણીઓ એ મનોમન એક નિર્ણય કર્યો અને પારૂલ ના રૂમમાં ગયા અને ઘરના બીજા બધાં સભ્યોને બહાર બેસાડી દીધા અને બંધબારણે અમે આ અંજામ આપવાની પ્રતિજ્ઞા લીધી.બેન જો અમે હાથ જોડીને બેસી રહ્યા હોત તો પારૂલ બિચારી બની જાય,લોકો હસી મજાક કરે,કોર્ટમાં પણ તે ઓશિયાળી બનીને જવાબ આપે,લોકો દયા બતાવે,બીજી સ્ત્રીઓ પણ ભયભીત થઇ જાય,પારૂલ ના માબાપને ઝેર ખાવાના દિવસો આવે, અને ગુનેગારોને સજા થતાં વર્ષો નીકળી જાય,કદાચ નિર્દોષ પણ છૂટી જાય,પારૂલ નું જીવતર ઝેર બની જાય.આવું ના થાય અને આવું અધમ કૃત્ય કરતાં નાલાયકો હજાર વાર વિચાર કરે અને સ્ત્રીઓમાં હિંમત આવે એટલે અમે આ ગુનો કર્યો છે.અમે સજા ભોગવવા તૈયાર છીએ.ભલે અમારો બલિ ચડે પણ હજારો કન્યાઓ નું ભાવી ના જોખમાય એ જ અમારો ઉદેશ છે.

અમે સમાજની સ્ત્રીઓ ને અપીલ કરીએ છીએ કે હિંમત થી કામ લો.ગુનેગારોને સબક શીખવાડો.

કાજલબેન આ બહાદુર કન્યા ઓ સામે આભાર ની લાગણી થી જોઈ રહ્યા.આખરે તો તેઓ પણ સ્ત્રી જ હતા ને..