પ્રેમનું અગનફૂલ - 11 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories Free | પ્રેમનું અગનફૂલ - 11 - 2

પ્રેમનું અગનફૂલ - 11 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મિશન કામયાબ

ભાગ - 2

કદમ, પ્રલય અને રસીદના માથામાં અફઝલ શાહિદ રાયફલોને ફટકારી હોવાથી તેઓના માથામાંથી લોહી નીકળી તેઓના ચહેરા પર રેલાતું હતું. રસીદને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું.

તે આતંકવાદીઓના કેમ્પના ચોગાન પરનુ ર્દશ્ય હતું. લાકડાના થાંભલાઓ પર મોટા વાંસના પાઇપ આડા બાંધવામાં આવ્યા હતા. અને તે પાઇપો પર પ્રલય, કદમ, રસીદ તથા આનંદને ઊલટા લટકાવવામાં આવ્યા હતા.

દુર્ગા એક તરફ ધ્રૂજતી ઊભી હતી. કેટલાય આતંકવાદીઓ વાસના ભરી નજરે દુર્ગાને તાકી રહ્યા હતા.

‘મારા વ્હાલા સિપાઇઓ, આ ત્રણ દુશ્મન દેશના આદમી છે અને આ છોકરી તથા તેના યારને છોડાવવા માટે અહીં આવ્યા છે. તેઓ ભલે કબૂલ ન કરે પણ આ છોકરીનાં વસ્ત્રોના એક એક લીરા થતા જશે તેમ તેમ તેનો યાર પોપટની જેમ બોલતો જશે. હા... હા... હા... હા...’ ઝેરી સ્મિત ફરકાવતાં અફઝલ આનંદની પાસે આવ્યો.

‘છોકરા, તારી આ દોસ્તની ઇજજત લૂંટાતી જશે તે ચૂંથાઇ જશે પછી જો સામે પહાડી પર જો.’ સામેની પહાડી તરફ આંગળી ચીંધતા અફઝલ ક્રૂર અવાજ આગળ બોલ્યો. ‘જો સામે પહાડીઓ પર ગીધોનાં ઝુંડ બેઠા છે.’ તે ગીધો નહીં આવશે અને આ તારી દોસ્તનું માંસ તોડી તોડીને ખાશે તે બરાબર જોઇ લેજે. પછી તને પણ તારી દોસ્ત પાછળ નર્કમાં જવા રવાના કરી દઇશ. કહેતાંની સાથે જ તે દુર્ગા તરફ આગળ વધવા લાગ્યો.

‘હરામખોર દુર્ગાની ઇજજત પર હાથ નાખ્યો છે તો તારા ટુકડા કરી ગીધને ખવડાવી દઇશ કૂતરા...’ પ્રલય ચિલ્લાયો તે કાળઝાળ ગુસ્સાથી ધ્રૂજી રહ્યો હતો.

‘પહેલાં તારા ટુકડા કરી ગીધોને ખવડાવીશ... તું મારા ટુકડા કરવાનું વિચારવાનું છોડી દે... છોકરીની ઇજજતની મજા માણ્યા પછી પ્રથમ તારો વારો. બસ... હા... હા... હા...’ અફઝલ પર જાણે પાગલપન છવાયેલું હોય તેમ હસતાં હસતાં દુર્ગા તરફ આગળ વધવા લાગ્યો.

‘કમીના.. એકવાર મારાં બંધન ખોલ પછી તને બતાવું કે દુર્ગાને હાથ પણ કેમ અડાડી શકીશ... શેતાન... દુર્ગાએ મા દુર્ગાનો અવતાર છે. આજ તારું મોત તને બોલાવી રહ્યું છે.’ કદમ ચિલ્લાયો.

‘હું એવો મૂર્ખ નથી કે તમારાં બંધન ખોલુ, આ તો તમારે ખુલ્લી દુર્ગાની ઇજજત લીરેલીરા થતા જોવાનું છે. નહીં જુવો તો તમારી આંખોમાં મરચાની ભૂકી નખાવી આંખો ખોલાવીશ.’ દુર્ગા પાસે પહોંચી ગયેલ અફઝલ સૈયદ બોલ્યો.

ત્યારબાદ તેણે દુર્ગાનો પટ્ટો પકડીને ખેંચ્યો અને બીજો હાથ દુર્ગાનો હાથ પકડી ધક્કો માર્યો. દુર્ગા ચીસ પાડતી નીચે પટકાઇ.

‘સબૂર...’ અચાનક પડઘા પાડતો એક અવાજ આવ્યો. અફઝલ અવાજની દિશામાં જોયું તો એક મોટા પથ્થર પર સુલેમાન ઊભો હતો.

‘અફઝલ... છોકરીને જવા દે. તેની ઇજજત પર હાથ નાખ્યો તો આપણાં સંબંધ હું પૂરા કરી નાખીશ.’ ત્રાડ સાથે સુલેમાન બોલ્યો.

‘શાબ્બાસ... સુલેમાન શાબ્બાસ...’ તાળીઓ પાડતો અફઝલ ક્રૂર સ્મિત સાથે બોલ્યો. ‘સુલેમાન, મને ખબર હતી કે દુર્ગાની ઇજ્જત લૂંટાતી તું જોઇ નહીં શકે. કેમ કે તું સુલેમાન છો જ નહીં.’

અફઝલ સૈયદના વાત સાંભળી પ્રલય, કદમ અને રસીદ ચોંકી ઊઠ્યાં.

‘સુલેમાન... મને તારા પર પહેલાંથી જ શંકા હતી, કાલે તે મારા માણસોને મારી નાખ્યા, પણ સુલેમાન એક માણસ મરતાં પહેલાં જ, તેને તે ગોળી મારી અને આ લોકોને પણ તેં જ બચાવ્યા તેવું કહેતો ગયો હતો. તને ખબર નથી પણ હું પેશાવરથી રાત્રિના જ પાછો આવી ગયો હતો અને ત્યાંના પણ બધા સમાચાર મને મળી ગયા. આ લોકોએ તાહિરખાનને હોટલમાં ઢોર માર મારી ત્યાંથી તેનું અપહરણ કર્યું છે અને તાહિરખાન પાસેથી જ બધી બાતમાં લઇ તેઓ અહીં આવી પહોંચ્યા અને આવતાંની સાથે જ તેઓ બુધ્ધઇ ગામાં જઇ દુર્ગા અને આનંદને છોડાવ્યા. મન બધી જ બાતમી મળી ગઇ છે.’

અફઝલ વાત કરતો હતો ત્યારે સુલેમાનનો હાથ પોતાની કમર તરપ ધીરે ધીરે સરકતો હતો અન પછી ઝડપથી સુલેમાને કમર પર ખોંસેલી રિવોલ્વર ખેંચી લઇ અફઝલ તરફ તાકી.

‘અફઝલ...’ ત્રાડભર્યા અવાજે તે બોલ્યો. અફઝલ જરાય આઘોપાછો થવાની કોશિશ કરી છે તો તારી ખોપરીનો છુંદો બોલી જશે. તારા ચમચાઓને કહે કે આ લોકોને છોડી દે નહીંતર...’ કહેતાં તેણે રિવોલ્વરના ટ્રેગરે પર હાથની આંગળીનુ દબાણ આપ્યું.

‘છોડી મૂકો...’ અફઝલ સૈયદે એક આતંકવાદી સામે ઇશારો કર્યો પછી સુલેમાન સામે જોયું. ‘સુલેમાન... યાદ રાખજે તું અહીંથી જીવતો જઇ નહીં શકે. આ પહાડીઓની ઉપર ચારે તરફ નજર કર.’ સુલેમાને પહાડીઓની ઉપર ચારે તરફ નજર ફેરવી જોયું. પહાડીઓ પર ચારે તરફ કેટલાય આંતકવાદીઓ રાયફલો તાકી ઊભા હતા.

‘જોઇ લીધું સુલેમાન... આ લોકો મારી પરવાહ કર્યા વગર તને ગોળીઓથી ભૂંજી નાખશે. માટે ચૂપાચૂપ તારી રિવોલ્વર મને આપી દે.’ હાથ લાંબો કરતાં અફઝલ બોલ્યો.

‘નહીં... અફઝલ મને મોતની પરવાહ નથી, પણ તને મારા હાથેથી મરતો તને આજ કોઇ નહી બચાવી શકે. જલદી તારા માણસોને કહે રાયફલો ફેંકી દે, નહીંતર હું ત્રણ બોલીસ અને તારી જિંદગી ખત્મ...’ મક્કમ અવાજે સુલેમાન બોલ્યો, પછી તેણે કાઉન્ટ ગણવાનું ચાલું કર્યું... એક...

બે... કહેતાં રિવોલ્વરના ટ્રેગરને દબાવ્યું. ધમારા સાથે રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને અફઝલ સૈયદના ગાલને સ્પર્શ કરતી આગળ નીકળી ગઇ.

અફઝલ સૈયદના ગાલ પર કાપો પડ્યો અને તેમાંથી લોહીની ધાર થઇ.

પર્વતની ચાર તરફ ઊભેલા આતંકવાદીઓની રાયફલો સુલેમાન તરફ તકાયેલી હતી.

‘અફઝલ... આ તો માત્ર તારી જિંદગીનું ટ્રેલર હતું. બસ હવે ત્રણ બોલીશ એટલે બધું ખત્મ તેં મારી નિશાનબાજી જોઇ લીધી ને...’

‘ફેંકી દ્યો... રાયફલો નીચે ફેંકી દ્યો...’ અફઝલ સૈયદ જોરથી બોલ્યો, તેનો હાથ પોતના ગાળ પર દબાયેલો હતો.

પર્વત પર ચારે તરફ ઊભેલા આતંકવાદીઓએ રિવોલ્વરને નીચે મૂકી.

‘સાંભળો... હરામખોરો... રિવોલ્વરને તમારા પગ પાસે મૂકવાની નથી તેને નીચે ઘા કરો... જલદી...’ સખ્તાઇભર્યા અવાજે સુલેમાન બોલ્યો.

બધા આતંકવાદીઓ પોતેપોતાની રાયફલો પર્વત ઉપરથી નીચે ફેંકવા લાગ્યા.

સુલેમાને અફઝલ સામે જોયું, ‘અફઝલ... તેં બરાબર સાંભળ્યું નથી લાગતું. મેં તને આ લોકોને છોડી દેવાનું કહ્યું છે. જલદી મારી પાસે ત્રણ બોલવા માટે વધુ સમય નથી સમજ્યો.’ રિવોલ્વરને અફઝલ તરફ હલાવતા સુલેમાન બોલ્યો, ‘કે પછી ત્રણ બોલી જ નાખું...?’

‘છોડી દ્યો... આ લોકોને છોડો જલદી...’ અફઝલે ચીસ પાડી, તેના ચહેરા પર પરસેવા સાથે લોહીની ધાર થતી હતી.

બે આતંકવાદીઓએ જલદી આનંદ, પ્રલય, કદમ અને રસીદને છોડી મૂક્યા.

‘જલદી મારી પાસે આવી જાવ.’ સુલેમાને ત્રાડ પાડી. આનંદે દુર્ગાનો હાથ પકડ્યો ચારે જણ દોડવા લાગ્યા.

એક આતંકવાદી જે અફઝલ સૈયદની પાછળની પહાડી પર ઊભો હતો. તેણે ઝડપથી પોતાની ભેઠમાં ભરાવેલી રિવોલ્વર બહાર કાઢી અને દોડતા પ્રલય, કદમ, રસીદ, આનંદ, દુર્ગાની પાછળ તાકી.

ધાંય... ધાંય... ધાંય... ધમાકાઓથી પહાડીઓ ધ્રૂજી ઊઠી અને પછી તે આતંકવાદીનો દેહ પર્વતની ઉપરથી ધડામ કરતો અફઝલની નજદીક ઊથલીને પડ્યો. સુલેમાનની રિવોલ્વરમાંથી હજુ ધુમાડા નીકળી રહ્યાં હતાં.

‘અફઝલ... તારા માણસોને સમજાવી દે કોઇ અમારો પીછો ન કરે. નહીંતર બધાના આના જેવા જ હાલ થશે...’ ગોળી ખાઇ મૃત્યુ પામેલા આતંકવાદી તરફ આંગળી ચીંધતા સુલેમાન બોલ્યો પછી પ્રલય અને કદમ સામે જોયું. ‘ચાલો જલદી... આ તરફ ભાગો જલદી...’ સુલેમાને ચીસભર્યા અવાજે કહ્યું.

પ્રલય, કદમ અને રસીદએ ત્યાં પડેલી રાયફલો ઉઠાવી લીધી.

પ્રલય, કદમ, રસીદ, આનંદ અને દુર્ગા દોડતાં હતાં. દુર્ગા દોડી શકતી ન હતી. આનંદ લગભગ તેને ખેંચીને લઇ જતો હતો. સૌની પાછળ રિવોલ્વર હાથમાં પકડી સુલેમાન દોડતો હતો.

‘પીછો કરો જાવ... એકપણ બચવો ન જોઇએ.’ અફઝલ શાહિદે ત્રાડ પાડી.

અને તરત જ આતંકવાદીઓ પોતપોતાની રાયફલો ઉઠાવી પહાડીઓ પર ચારે તરફ દોડવા લાગ્યા. અફઝલ પોતે પણ હાથમાં રિવોલ્વર લઇને દોડતો હતો.

ત્યારબાદ વાતાવરણ ગોળીઓના ધમાકાઓથી ધ્રૂજી ઊઠ્યું.

‘આ તરફ પહાડીની પાછળ છુપાઇ જાવ. જલદી...’ સુલેમાને ચીસ ભર્યા અવાજે કહ્યું, પ્રલય, કદમ, રસીદ સૌ દોડ્યા અને પહાડીની ભેખડ પાછળ છુપાઇ ગયાં.

ધાય.. ધાય.. ધાય... સુલેમાનની રિવોલ્વર ગર્જી ઊઠી. બે આતંકવાદીઓ ગોળી ખાઇ નીચે પછડાયા.

‘સુલેમાન... અમારી પાસેથી રિવોલ્વર છીનવી લેવમાં આવી છે અને આ રાયફલોની ગોળીઓ હમણાં ખત્મ થઇ જશે. અહીં લગભગ સો જેટલા આતંકવાદીઓ છે.’ ધાંય... ધાંય... ધાંય... ગોલીઓ છોડતાં આગળ બોલ્યો. ‘હું હથિયારનો બંદોબસ્ત કરીને આવું છું, ત્યાં સુધી તમે આતંકવાદીઓ સામે મોરચો સાંભળી રાખજો...’ ફરીથી ગોળીઓના ધમાકા થયા. ધાણીઓની જેમ ચારે તરફથી ગોળીઓ છૂટતી હતી.

કદમે ગોળી છોડી સામેના પર્વતની ટેકરી પરથી એક આતંકવાદી ચીસ પાડતો નીચે પડ્યો.

‘પ્રલય...’ કદમે ગોળીઓ છોડતાં કહ્યું, ‘પ્રલય, તું આનંદ અને દુર્ગાને અહીંથી લઇ જા, તેઓ અહીં વધુ વખત સુરક્ષિત નહી રહી શકે.’

‘ભલે... હું આનંદ તથા દુર્ગાને લઇ જાઉં છું, લે આ રાયફલ...’ આનંદની રાયફલ કદમને આપતાં પ્રલય બોલ્યો. પછી પ્રલય, આનંદ અને દુર્ગાને લઇ પર્વતોની આડમાં છુપાતો આગળ વધી ગયો.

‘આપણે પણ ધીમે ધીમે પાછળ સરકવું પડશે. વધુ વખત આપણે આતંકવાદીઓ સામે ટક્કર લઇ નહીં શકીએ.’ ગોળીઓ છોડતા કદમ ઊંચા અવાજે બોલ્યો.

‘ચાલો... ધીમે ધીમે તમે લોકો પાછળ હટતા જાવ. હું મોરચો સંભાળી રાખું છું’ સુલેમાન એક આતંકવાદીને ઠાર કરતાં બોલ્યો.

‘હરામખોરો ભાગી જવા ન જોઇએ સાથીઓ, તેઓને ચારે તરફથી ઘેરી લેવાની કોશિશ કરો.’ ત્રાડભર્યા અવાજે અફઝલ શાહિદ ચિલ્લાયો અને પછી આંતકવાદીઓ પર્વતની ઓથ લઇ ગોળીબાર કરતા કરતા જ્યાં સુલેમાન, કદમ, રસીદ પહાડીની પાછળથી ગોળીબાર કરતા હતા, તેની ચારે તરફ ઘેરાવો કરવા લાગ્યા.

પચ્ચીસથી ત્રીસ જેટલા આતંકવાદીઓ તો ઠાર થઇ ગયા હતા. છતાં પણ તેઓની સંખ્યા ઘણી હતી. તેઓ ધીરે ધીરે તેમનો ઘેરાવો નાના કરતા જતા હતા. અફઝલ ચિલ્લાતો સૌને પ્રોત્સાહન આપતો હતો.

‘સુલેમાન... આપણે પીછેહઠ કરવી પડશે. તમે ધીરે ધીરે પાછળ ખસતા જાવ.’ સામેની પહાડી પર દેખાતા એક આતંકવાદીને ઠાર કરતાં કદમ ચિલ્લાયો.

તેઓ સૌ ધીરે ધીરે પાછળની પહાડી તરફ સરકતા હતા.

‘આપણે જલદી અહીંથી દૂર નીકળી જવું પડશે. આતંકવાદીઓને આપણને ચારે તરફથી ઘેરો ઘાલી રહ્યા છે. તેઓ ચારે તરફ પહાડીની ઉપર છે અને આપણે નીચે છીએ.’ ગોળીઓ છોડતા પાછળ સરકતા રસીદએ કહ્યું.

પ્રલય, આનંદ અને દુર્ગાની સાથે અંધાધૂંધ દોડતો આગળ વધી રહ્યો હતો. તેને ખબર હતી કે જેટલી જલદી થાય તેટલું સારું કેમ કે કદમ, રસીદ અને સુલેમાન આતંકવાદીઓની સામે વધુ વખત ટકી નહીં શકે.

‘મ... મારાથી ચલાતું નથી.’ સુકાઇ ગયેલા હોઠ પર જીભ ફેરવતાં હતાશાભર્યા સ્વેર દુર્ગા બોલી.

‘દુર્ગા... આપણા બધાને જીવ જોખમમાં છે. મારે જલદી દારૂગોળો લઇને અહીં આવવું પડશે અને તે પહેલાં તમારા બંનેને સુરક્ષિત જગ્યાએ પહોચાડવાનો છે. દુર્ગા... હિંમત ન હારતી તું દોડ... દોડ્યે રાખ...’ પ્રલય ચિલ્લાયો.

‘પણ... પણ... મારાથી દોડાતું નથી.’

‘દુર્ગા જો સામે નદી દેખાય છે. આપણે બસ નદી પાર કરી જઇએ ત્યાં સુધી હિંમત રાખ, પછી જરૂર પડ્યે તું થોડો આરામ કરી લેજે.’ પ્રેમ ભરી નજરે દુર્ગા સામે જોતાં આનંદ બોલ્યો.

તેની પ્રેમભરી નજરે દુર્ગાના શરીરમાં એવો જોશ પૂર્યો તે દોડવા લાગી.

‘શાબ્બાશ... દુર્ગા આમ જ દોડતી રહેજે હમણાં આપણે નદી પાર કરી જશું.’ પ્રલય બોલ્યો.

થોડી જ વારમાં તેઓ નદી પાસે પહોંચી ગયા. ત્યાં લાકડાનો નાનો પુલ બનેલો હતો. પુલ પસાર કરી વિના વિધ્ને તેઓ નદી પાર કરી ફકીરની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. ઝૂંપડી પાસે એકદમ સન્નાટો છવાયેલો હતો. નદીના પાણીના ઘુઘવાટનો અવાજ સિવાય એકદમ સ્તબ્ધતા ફેલાયેલી હતી. ઝૂંપડી પાસે અફઝલ બે આતંકવાદીને મૂકી ગયો હતો, તે પણ ત્યા ન હતા.

‘આનંદ... તું દુર્ગા સાથે અહીં જ ઝૂંપડીમાં રહેજે. બાબા આવે તો તેને બધી વાત કરજો. તમે અહીં સુરક્ષિત છે. કેમ કે તમે ઝૂંપડીમાં છો. તેની કોઇને કલ્પના પણ નહીં આવે.’ કહેતાંની સાથે ઝડપથી પ્રલય ઝૂંપડીના પાછળના ભાગમાં આવ્યો. ઝૂંપડીના પાછળ આવી તેણે અમુક જગ્યાએ વચ્ચેથી માટીને હટાવવા લાગ્યો. માટી હટતાં એક પેટી દેખાઇ. પ્રલયે જોશપૂર્વક પેટી બરાર કાઢી ઝડપથી પેટી ખોલી. પેટીની અંદર બોમ્બ મૂકેલા હતા, પ્રલયે ઝૂંપડીમાંથી બાબાનો પડેલો થેલો લીધો, પછી બોમ્બને તેમાં ભરી લીધા, ત્યારબાદ અમુક સૂચન આનંદને કરી તે નદી તરફ દોડ્યો.

***

Rate & Review

Bharat Maghodia

Bharat Maghodia 2 years ago

Nitin Patel

Nitin Patel 2 years ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 years ago

Kano

Kano 2 years ago

Minal Sevak

Minal Sevak 2 years ago