Maro Shu Vaank - 18 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 18

મારો શું વાંક ?

પ્રકરણ - 18

એક મહિનાની અંદર તો રહેમત પાકકું ટ્રેક્ટર ચલાવતા શીખી ગઈ. મોટા વેપારીઓ સાથે ખેત-પેદાશોનાં સોદા કરતાં પણ ધીરે-ધીરે શીખી ગઈ. રહેમતને આ રીતે કામ કરતાં જોઈને હવે શકુરમિયાંને થોડોક હાશકારો થયો હતો.

તલ અને કપાસનાં પાકનાં સોદાઓ મહેશ શેઠ હારે આ વખતે રહેમતે ખૂબ સારી રીતે પાર પાડ્યા હતા. પાકનાં સોદાઓ પાર પડી ગયા પછી સુમિત બોલ્યો... કેમ શકુર કાકા ! મેં કીધું તું ને કે એક જ મહિનામાં આપણાં રહેમતબેન આ બધું કામ શીખી જાશે અને આજે એમણે એ વાત સાબિત કરી દીધી...

હા સુમિત ! તારી વાત એકદમ સાચી પડી. મારી દીકરી છે જ એટલી હોશિયાર... આટલી જલ્દી આ બધું કામ સંભાળી લીધું... આજે મને મારી રહેમત ઉપર ખૂબ જ ગર્વ છે.. હવે હું આ દુનિયામાં ના રહું તોય મને મારી દીકરીની ચિંતા નઈ રે... એ હવે પગભર થઈ ગઈ છે... શકુરમિયાં ખુમારી સાથે બોલ્યા...

રહેમત છણકા સાથે બોલી.... અબ્બા ! આવું ના બોલો... તમારાં અને આપણાં પૂરા પરિવાર વગર તો હું કાઇં જ નથી... આજે હું આટલું શીખી શકી એ બધું અબ્બા.... તમારાં અને આપણાં પરિવારનાં સાથને કારણે જ છે.. તમે બધાંયે જ મને મારા હોવાપણાંનો એહસાસ કરાવ્યો છે અને મને પગભર બનાવવામાં અબ્બા તમારો અને અમ્મા, ભાઈ અને આપાનો સૌથી મોટો ફાળો છે.

જાવેદ ચોરાની બાજુમાં રહેલી મીઠાઈની દુકાનેથી પેંડાના પડીકા બંધાવી આવ્યો અને કામે આવેલા બધાં દાળિયાઓને રહેમતે પેલીવાર માં જ વેપારી હારે પાકનો સોદો આટલી સારી રીતે પાર પાડી દીધો એનાં હરખમાં બધાને પેંડા વેચ્યાં...

રહેમત આંખોમાં હર્ષનાં આંસુ સાથે ઊભી-ઊભી આ બધું જોઈ રહી હતી... સુમિત હલકા સ્મિત સાથે રહેમતની બાજુમાં ઊભો રહીને જાવેદને બધાંને પેંડા આપતો જોઈ રહ્યો તો...

ઇબ્રાહીમ પેંડો ખાતો ખાતો સલમાનની સ્ટાઇલમાં ચાલીને સુમિત પાસે આવ્યો અને બોલ્યો.... સુમિત ભાઈ ! આવતા અઠવાડિયે સલમાન ભાઈની નવી ફિલમ આવવાની છે... બોલો મારા હારે તમારી ટિકિટેય બુક કરાવું?

સુમિત મશ્કરા અંદાજમાં ઇબ્રાહીમનાં કસાયેલા બાવળા ઉપર હથેળીનો થપ્પો મારીને બોલ્યો.... જીવતો-જાગતો સલમાન મારી હામે ઊભો છે પછી પૈસા ખરચીને મારે સલમાનને જોવાની શું જરૂર?

ત્યાં તો શકુરમિયાનાં બાજુનું ખેતર કે જે હનીફભાઇનું હતું એમનો દીકરો અફઝલ આવ્યો... રહેમત, સુમિત અને ઇબ્રાહીમ જ્યાં ઊભાતા ત્યાં અફઝલ પહોંચ્યો... જઈને સીધ્ધો ઇબ્રાહીમનાં ખભ્ભે જોરદાર થપાકો માર્યો અને બોલ્યો... કાં સલમાનની નકલ મારવા વાળા.... હારું છે ને?

ઇબ્રાહીમે ફક્ત હલકાં હાથે અફઝલનાં ખભ્ભા ઉપર હલકો ધબ્બો માર્યો એમાં અફઝલ નીચો નમી ગયો.... ઇબ્રાહીમ કટાક્ષ કરીને બોલ્યો... બસ અફજલયા... આટલો ધીમેથી ધબ્બો માર્યો એ ય નો ખમાણો.... જોરથી માર્યો હોત તો મરી જ જાત...

અફઝલની છાપ ગામમાં એક ખરાબ માણસ તરીકેની હતી... એના કામ ગુંડા જેવા ચોરી ચપાટીનાં હતા. રહેમતને એ એકધારો જોવા લાગ્યો ... અને બોલ્યો.... કેમ ભાભી ! હારું છે ને? તમારો ધણી તો બોવ નપાવટ પાયકો... મારા લાયક કાઇં કામ-કાજ હોય તો કે જો... કહીને પાછો રહેમત સામે ઘૂરવા લાગ્યો... પોતાને એ જે નજરથી જોઈ રહ્યો તો એ પારખી જઈને રહેમતને એ માણસ ઠીક લાગ્યો નહીં...

ત્યાં દૂરથી જાવેદ અફઝલ ઉપર તાડૂકતો આવ્યો... અફજલયા.... તે રહેમતને ભાભી કેમ કીધી? ઓલાં દી આખા ગામને ભેગું કર્યું તું ત્યારે તું ક્યાં મરી ગ્યો તો... તે સાંભળ્યુ નોતું... કે રહેમત અમારાં ઘરની દીકરી છે.... આજ પછી કોઈ દી ભાભી બોલ્યો તો... અને પાછો વચ્ચે અટકીને જાવેદ બોલ્યો... આમ શું રહેમત હામે ઘૂરેશ? તારા ઘરની માં-દીકરીઓ હામે આવી રીતે જોવેશ? હાલ નીકળ અયાંથી નકર તારા ટાંટિયા ભાંગી નાખીશ...

અફઝલનાં ગયા પછી સુમિત બોલ્યો... રહેમત બેન ! આ માણસ નજરનો હારો નથી... ગામની બે-ત્રણ છોકરીઓનાં બાપે એનાં બાપને જઈને એ નાલાયકની ફરિયાદ કરેલી... પણ એ નપાવટ સુધરતો જ નથી... રહેમતબેન આ નાલાયક માણસથી હમેશાં દૂર જ રેવાનું.....

બીજે દિવસે સવારે ગામનાં ચોરા પાસેની કરિયાણાની દુકાને હુસેનાબાનું ગુજરી ગયા એવો રાશીદનો ફોન આવ્યો... એમેય ઘણાં સમયથી હુસેનાબાનું બીમાર હતા...

જિન્નતબાનું રોતા-કકળતા આખા ઘર હારે રાશીદને ત્યાં પહોંચી ગયા... દફનવિધિ પૂરી કરીને શકુરમિયાંનો આખો પરિવાર બે-ત્રણ દિવસ ત્યાં જ રોકાવાનો હતો...

આખરે બે દિવસ થતાં રાશીદ કામ હોવાને કારણે ખેતરે જાવા નીકળતો હતો ત્યારે રહેમત બોલી... અબ્બા ! હું આવું તમારા હારે?

રાશીદ બોલ્યો... મારી દીકરી તો મને હમેશાં હુકમ કરતી તી... આ હારે આવવાની મંજૂરી લેતી તું ક્યારથી થઈ ગઈ? હાલ બેટા... એમાં પૂછવાનું શું હોય.... તારું તો ખેતર છે...

બેય બાપ-દીકરી ખેતરે પહોંચ્યા..... મગફળીનો પાક ઉતારીને સોદો પાર પાડવા માટે તૈયાર થઈ ગયો તો અને વેપારી આજે સોદો કરવા આવવાનો હતો.. રહેમત બોલી... અબ્બા ! આજે પાકનાં વેપારી હારે હું સોદો પાર પાડીશ....

રાશીદને પહેલી વખત પોતાની દીકરીમાં આટલી હોશિયારીનાં દર્શન થયા.. એ બોલી ઉઠ્યો... ભલે બેટા ! તું જેમ કે એમ....

મોટો વેપારી મગફળીનાં સોદા માટે આવી ગયો... રહેમત તો બજાર ભાવ અને મોટા વેપારીઓનાં ઓછાં ભાવે પાક ખરીદવાના વલણથી સારી રીતે વાકેફ હતી.

મગફળીની સોદેબાજી ચાલુ થઈ. વેપારી એ સીધો ફક્ત પિસ્તાળીસ રૂપિયા કિલો મગફળીનો ભાવ બોલ્યો. રહેમત થોડીક અકળાઈ ઉઠી પણ દિમાગ ઠંડો રાખીને બોલી... શેઠ ! અતારે મગફળીનો બજારભાવ શું હાલે છે?

તુંડમિજાજી શેઠ ખુરશીમાં આડો-અવળો થઈને બોલ્યો.... તમને બાઈમાણસને બજાર ભાવમાં શું ખબર પડે? અને એક તો અમે તમારા જુનાં ઘરાક છીએ એટલે આવી મગફળી ખરીદી છીએ નકર આને કોઈ મફત માંય નો ખરીદે...

હવે રહેમત ઊંચા અવાજે તાડૂકીને બોલી... અમારી મગફળી એ વન ક્વોલિટીની છે... એક ખોખાંમાંથી છ દાણા નીકળે... તમે જે દર વખતે ઓછો ભાવ આપીને અમારી મગફળી મફતનાં ભાવે લઈ જાવ છો એની બજાર કિંમત અત્યારે સિત્તેર રૂપિયા હાલે છે... જો તમને ખબર ના હોય તો કાન ખોલીને બજાર ભાવ સાંભળી લ્યો... પાણીનાં ભાવે અમારી મહેનતની કમાઈ સેરવી જાવ છો...

રહેમતની આવી વાક્છટા સાંભળીને વેપારી ફાટી આંખે રહેમત સામે જોઈ રહ્યો... રાશીદને તો જાણે સાંપ સૂંઘી ગયો હોય એ રીતે એ રહેમત સામું જોઈ રહ્યો... પોતાની દીકરીનું આવું રૂપ એણે પહેલીવાર જોયું...

રહેમત રુઆબ સાથે બોલી... હાલો તમારો છેલ્લો ભાવ બોલો... પછી હું અમારો આપવાનો ભાવ કહું... નહિતર પછી બીજા કોઈ વેપારીને પકડીએ... ઘણાંય મળી જાશે અમારો પાક લેવાવાળાં... તમારાં વગર કાઇં માલ પડ્યો નહીં રેય...

શેઠ હવે મનોમન વિચારવા લાગ્યો... બોવ વરસ સસ્તા ભાવે પાક ખરીદીને રાશીદને લૂંટયો ... પણ હવે લાગે છે કે મારી દાળ અહીં ગળવાની નથી... આ છોળીને તો બજારભાવની પાકકી ખબર છે અને બીજો વેપારી શોધવાની પણ વાત કરે છે... જો એની વાત નહીં માનું તો આટલો સારો માલ હાથમાંથી ગયો સમજ...

આખરે વેપારી મોટા અવાજે બોલ્યો.... દીકરી બા કેય એ ભાવ મને મંજૂર રેશે... રાશીદ હારે તો મારે ઘર જેવો જૂનો સંબંધ... ઇનો પાક ખરીદવામાં વધારે પૈસા આપવા પડે તોય શું.... ’ઘી ખીચડીમાં ઢોળાશે.... ’ બોલીને શેઠ રહેમતને મસકા મારવા લાગ્યો..

રહેમત હવે છેલ્લો ભાવ બોલી... અડસઠ રૂપિયે કિલો નેવું કિલો મગફળીનો ભાવ લગાવું છું... બોલો છે મંજૂર? શેઠ.... આનાથી એક રૂપિયોય ઓછો નહીં થાય.

આવી સારી મગફળી હાથમાંથી નીકળી ના જાય એ માટે શેઠે અડસઠ રૂપિયે કિલો મગફળીનાં ભાવમાં ફટાફટ હામી ભરી દીધી અને સોદાનાં કાગળિયામાં સાઇન કરી દીધી...

શેઠ ઊભા થઈને જઈ રહ્યા તા.. ત્યાં પાછી રહેમત બોલી.... શેઠ ! હવે અમારી આકરી મહેનતનાં એકેય પાકને પાણીનાં ભાવે ખરીદવાનું વિચારતાં જ નહીં... કારણકે હવે પાકનાં દરેક સોદામાં તમારો પનારો મારી સાથે જ પડવાનો છે... સમજી ગ્યા ને શેઠ ! પરસેવે રેબઝેબ થયેલો વેપારી બે હાથ જોડીને ફટાફટ ગોદામમાંથી બાર નીકળી ગયો.

ખેતરેથી ઘરે જતાં રાશિદનું મન ચકરાવે ચડ્યું તું... વેપારી સાથે મગફળીનો સોદો પાર પાડતી રહેમતનો ચહેરો જ સતત રાશીદ સામે તરતો હતો... એ એને એ વાતનો અહેસાસ કરાવતો હતો કે ઓછું ભણેલી હોવાં છતાં મારી દીકરી કેટલી હોશિયાર છે..... કાશ ! મેં એને એની બેનપણી હેતલની જેમ ભણાવી હોત તો એ આજે ક્યાંની ક્યાં પોગી ગઈ હોત... રાશીદ માથે હાથ દઈને પોતાનાથી થયેલી ભૂલ બદલ ખૂબ પસ્તાવો અનુભવતો હતો.

રાશીદનાં વગર કહ્યે જ એનાં મનની વાત જાણી લેનાર રહેમત બોલી પડી.... અબ્બા ! જે થઈ ગયું એને હવે ભૂલી જાવ..... તમે અને માં જે આ બધું થયું એમાં તમારી જાતને બિલકુલ દોષિત માનતા નહીં... અને હવે હું જૂનું બધું ભૂલીને મારી જિંદગીમાં આગળ વધી ગઈ છું... હવે મારી જિંદગીનું એકમાત્ર મકસદ મારા છોકરાંવ છે.... અને એમને મારે મોટાં કરીને શિક્ષિત બનાવવાનાં છે... અને આ બધાયમાં તમારાં અને માં નાં સાથની ય મારે જરૂર છે...

રાશીદ અડધા રસ્તે ઊભો રહી ગયો અને રહેમતને પોતાનાં ગળે લગાડીને બોલી ઉઠ્યો.... તે તારા છોકરાંવનાં સગપણ તોડવાની જે હિમ્મત કરી એવી હિમ્મત મેં કરી હોત તો... મારી દીકરી તારે આ દી જોવાનો વારો ના આવ્યો હોત...

રહેમત રાશીદનાં આંસુ લૂંછતા બોલી.... અબ્બા ! હું તમને કહું છું ને બધું ભૂલી જાવ... મારો પરિવાર ખરેખર ખૂબ જ સારો છે. આજે જે હું તમારી સામે આ પગભર થઈને ઊભી છું એ ફક્ત અને ફક્ત મારાં સાસરીવાળાઓને કારણે જ છું... એમણે મને દીકરી બનાવીને રાખી છે... જે છૂટ આપણાં સમાજમાં દીકરાઓને મળે છે તે બધી છૂટ મારા પરિવારે મને આપી છે.... તેથી તમે ચિંતા કરવાનું મેલી દો.....

બેય બાપ-દીકરી ઘરે પહોંચ્યા.... ઓરડામાં અંદર દાખલ થતાં જ રાશીદ જિન્નતબાનુંનાં ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડી પડ્યો.... અને બોલ્યો... આપા ! ભાઇજાન ! મને માફ કરી દો.... હું તમને બેય જણાંને કેટલું બોલી ગ્યો તો... મેં અને આસિફાએ તો ફક્ત રહેમતને જન્મ આપ્યો છે.. પણ એનાં અસલી માં-બાપ કેવાના હકદાર તો તમે બેય જ છો.... તમે જ રહેમતને સમાજમાં અસલી નામ આપાવ્યું છે અને એની એક આગવી ઓળખ બનાવી છે... આભાર.... તમારાં બધાંય નો રહેમતને આટલી સમજવા બદલ....

જિન્નતબાનુંએ કસીને પોતાનાં ખોળામાં સૂતેલાં રાશીદને ગળે લગાડી દીધો... અને શકુરમિયાં રાશીદનાં ખભે હાથ મૂકીને બોલ્યા.... રાશીદ ! આપણે બેય બાપને તો ગર્વ હોવો જોઈએ કે આપણને રહેમત જેવી હોશિયાર દીકરી છે... હાલ.... હવે નાનો ગિગલો થા... મા... અને તારી બેનનાં ખોળામાંથી મોઢું ઊંચું કર અને અમને રજા આપ... અમારે ઘણુંય કામ છે.

સાંજ પડતાં શકુરમિયાંનો આખો પરિવાર પોતાનાં ગામ જવા વિદાય થયો...

***