Maro Shu Vaank - 19 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 19

મારો શું વાંક ?

પ્રકરણ - 19

બીજે દી સવારે શકુરમિયાં તબીયત ઠીક નહીં હોવાના કારણે અને જાવેદને કામથી બાર શહેરમાં જવાનું હોવાના કારણે આજે ખેતર સંભાળવાની અને બધાં જ દાળિયાઓનાં કામને જોવાની જવાબદારી રહેમત માથે હતી.

રહેમત સવારમાં ઊઠીને ઘરનું થઈ શકે એટલું નાનું-મોટું કામ પતાવી લેતી કારણકે શબાનાને પાંચેય છોકરાંવનેય સાચવવાના અને જિન્નતબાનુંની તબીયત પણ થોડી નરમ-ગરમ રહેવા લાગી હતી... શબાનાનાં ના કહેવા છતાં રહેમત વહેલી ઊઠીને કામ કરવા મંડી જતી જેથી શબાનાને પણ થોડો આરામ મળી રહે.

રહેમત રાબેતા મુજબ ખેતરે પહોંચી ગઈ... દાળિયાઓ એક-એક કરીને કામે આવવા માંડ્યા તા...

લગભગ બપોરનાં બે વાગે દાળિયાઓની ખાવાની અને થોડો આરામ કરવાની રાબેતા મુજબની એક કલાકની રજા પડી... જેને જ્યાં ઝાડ નીચે જગ્યા મળી ત્યાં પોતાનું ટિફિન ખોલીને જમવા બેસી ગયા..

ભાવના અને જુલેખાએ રહેમતને બૂમ પાડીને બોલાવી..... રહેમત દીકરી બા..... હાલો.... આજે અમારા ભેગાં જમી લ્યો.... રહેમત ગોદામમાંથી બોલી.... હા.... ભાવના કાકી ! જુલેખા ખાલા ! આ થોડોક હિસાબ કરવાનો બાકી છે... એ પતી જાય એટલે આવું છું... તમે બધાંય જમવાનું શરૂ કરો.

ત્યાં તો બાજુના ખેતરમાંથી અફઝલ રહેમત ગોદામમાં એકલી છે એ જાણીને બધાંની નજરથી બચીને છુપા પગલે ગોદામમાં દાખલ થયો.

તેને જોઈને રહેમત સફાળી ઊભી થઈ ગઈ અને ફટાક દઈને અફઝલને ધક્કો મારીને ગોદામની બાર નીકળીને ત્યાં ઊભી રહી ગઈ અને બોલી... કેમ અફઝલ ભાઈ ! શું કામ પડ્યું ? અને પૂછ્યા વગર ગોદામમાં દાખલ થવાની તમારી હિમ્મત કેમ થઈ? હવેથી હું અંદર બેઠી હોવ ત્યારે મારી પરમીશન લીધા વગર અંદર દાખલ થતાં નઇ...

અફઝલ ઠહાકા સાથે હસીને બોલ્યો.... વાહ ભાભી ! તમે તો અંગ્રેજી બોલવા માંડ્યા..... અને તમે મને ભાઈ શું લેવા કો છો? ખાલી અફઝલ કઈને બોલાવોને તો મને વધારે ગમશે...

રહેમત જોરથી તાડૂકીને બોલી... તમે મને પાછી ભાભી કહીને બોલાવી..... ઓલા દિવસે જાવેદ ભાઈએ ખખડાવ્યા તા તે ભૂલી ગયા કે શું? જાવેદ ભાઇ આજે ખેતરે નથી આવ્યા.... એમનું કામ હોય તો કાલે આવજો.... એટલે આજે મહેરબાની કરીને અહીંથી નીકળો.... કારણકે મારે ઘણું કામ છે...

બસ... ભાભી નહીં કઉ.... રહેમત કહીને જ બોલાવીશ... અને અફઝલે રહેમતનો હાથ પકડી લીધો અને બોલ્યો... રહેમત હુંય મારી બાયડીથી ખુશ નથી અને તારો ધણીય તને મૂકીને ભાગી ગયો છે તો આપણાં બેયનું સેટિંગ કેવું રેશે? આ વાતની કોઈને કાનોકાન ખબરેય નઇ પડે.... એની ચિંતા તું મેલી દેજે...

અફઝલની આવી વાત સાંભળીને અને તેણે હાથ પકડવાની કરેલી હરકતથી રહેમત ઉપર તો જાણે ખૂન સવાર થઈ ગયું તું... આખા શરીરનું લોહી ચહેરા ઉપર જમા થઈ ગયું હોય એ રીતે એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો... એ જોરથી બોલી ઉઠી... તારી માં નાં ધણી.... અફજલયા ! તારી એટલી હિમ્મત કે તે મારો હાથ પકડ્યો.... બોલતાની સાથે જોરથી પોતાનો જમણો પગ ઊંચો કર્યો અને અફઝલનાં બેય પગ વચ્ચે તેના ગુપ્તાંગનાં ભાગે જોરદાર લાત ઠોકી... ગુપ્તભાગે જોરદાર લાત વાગવાને કારણે સફાળો રહેમતનો હાથ જોરથી છોડીને પોતાના વાગેલા ભાગને પકડીને અફઝલ જોરથી બોલ્યો... એ છોડી ! તારી આટલી હિમ્મત?

ત્યાં તો રહેમતે તેને એ જ ભાગે બીજી લાત ઠોકી અને જોર-જોરથી બૂમો પાડીને બોલવા માંડી.... ભાવના કાકી ! જુલેખા ખાલા ! ઇબ્રાહિમ ભાઈ ! બધાંય જલ્દી આવો... આ નાલાયક અફજલયાએ મારા હારે બદતમીજીથી વાત કરી અને મારો હાથ પકડી લીધો તો...

અફજલયાને બીજીવાર લાત પડી એની કળ વળે એ પેલા તો બધાંય દાળિયાંઓ આવીને ભેગાં થઈ ગયા... જુલેખાએ કચ્છી ભાષામાં ગાળોની રમછટી બોલાવી અને પગમાંથી ચંપલ કાઢીને તેનાં મોંઢા ઉપર ઝીંકવા લાગી .... અને બોલી ... હેટ મૂઆ ! છટ્ટારાં..... મૂજી ધી કે હેરાન કરે તો.... કચ્છીમાં બોલીને પાછો ચંપલનો વરસાદ એનાં મોંઢા ઉપર કરવા માંડ્યો...

ઇબ્રાહીમે પોતાની માતાને બાજુમાં હટાવીને જોરથી બોલ્યો... અફજલયા ! તારી આટલી હિમ્મત.... અને જોરદાર મુક્કો એનાં મોંઢા ઉપર માર્યો જેના કારણે એનાં મોંઢા વાટે લોહી વહેવા માંડ્યુ... અને પાછી જોરદાર એક લાત એનાં ગુપ્તભાગે ઠોકી જેથી અફઝલને તમરી ચડી ગઈ અને મારને કારણે તે બેવડો વળી ગયો...

બધાંય દાળિયાઓ ભેગાં મળીને એને ઢસડીને મારતા-મારતા એનાં ખેતર તરફ લઈ ગયા... ત્યાં સામે પોતાનાં અધમૂવા થયેલા છોકરાંને જોઈને એનો બાપ દોડતો આવ્યો.

ઈબ્રાહિમ એનાં બાપ આગળ જઈને બોલ્યો.... બરાબરનો ઠમઠોર્યો છે તમારા છોકરાંને.... શકુરકાકાની દીકરી રહેમતની છેડતી કરી આ તમારાં નપાવટે.... એટલે માર ખાધો. લઈ જાવ તમારાં આ નાલાયકને... હજી તો જાવેદભાઈ આવીને શું કરશે.... એ વિચાર તું અફજલયા.... વધારે માર ખાવા તૈયાર રહેજે કહીને ઇબ્રાહીમ અને બધાં દાળિયાઓ પાછા શકુરમિયાંનાં ખેતર તરફ વળી ગયા.

સાંજે કામ પતી જતાં જુલેખા, ભાવના અને ઇબ્રાહીમ રહેમતને લઈને એને એનાં ઘરે મૂકવા ગયા. જાવેદ ઘરે આવી ચૂક્યો હતો... બધાંને રહેમત સાથે આવેલા જોઈને જાવેદ પૂછવા લાગ્યો... એલા ઇબ્રાહીમ ! તમે ત્રણેય જણાં કેમ રહેમતને મૂકવા આવ્યા?

ત્યાં તો રહેમત સજળ આંખે જાવેદનાં ગળે લાગી ગયી અને જોર-જોરથી રડીને બોલવા લાગી... ભાઈ ! પેલા અફજલયાએ મારા હારે ખરાબ વર્તન કર્યું અને મારો હાથ પકડી લીધો તો... રડતાં-રડતાં રહેમત પાછી ખુમારી સાથે બોલી... ભાઈ ! મેં પણ એને એનાં ગુપ્તભાગે બે વાર જોરદાર લાત ઠોકી... ભાઈ હાલો આપણે એ નાલાયક ખિલાફ પોલીસ ફરિયાદ કરીએ જેથી એ બીજીવાર કોઈનીય હારે આવી હરકત કરતાં બીવે....

શકુરમિયાં આ વાત સાંભળીને ગુસ્સાથી રાતા-પીળાં થઈ ગયા અને બોલ્યા... એ હનીફનાં જગ્ધાની આટલી હિમ્મત... જાવલા ! જલ્દી રહેમતને લઈને પોલીસ સ્ટેશને જા અને ફરિયાદ લખાવ અને એ નાલાયકને જેલમાં નખાવ....

જાવેદ રહેમતને લઈને પોલીસ સ્ટેશન ગયો... ઇબ્રાહીમ, એની માતા જુલેખા અને ભાવના પણ હારે ગયા...

પોલીસ સ્ટેશન પહોચીને જાવેદે હનીફમિયાંનાં છોકરાં અફઝલ વિરુદ્ધ રહેમતની છેડતી કરવા બદલ ફરિયાદ નોંધવાનું પી. એસ . આઈ ને કહ્યું... ફરિયાદ નોંધીને તાત્કાલિક રહેમત અને બધાંની સાથે પોલીસ અફઝલનાં ઘરે પહોચી...

ગડદાપાટુનો માર ખાવાને કારણે પીડામાં કણસતો અફજલયો સીધ્ધોપાટ જમીન ઉપર પડ્યો તો... ત્યાં તો તેનાં ઘરમાં જઈને ગુસ્સામાં જાવેદે તેનાં પેટ ઉપર જોરથી લાત મારી અને ગુસ્સામાં બોલ્યો.... ઊભો થા હરામી... તારો બાપ તને લેવા આવ્યો છે.

પોલીસે હનીફમિયાંનાં ઘરમાં જઈને આદેશ સંભળાવ્યો... રહેમતની છેડતી કરવાનાં ગુના બદલ અફઝલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેની છેડતી થઈ છે એ ગવાહી દેવા વાળા ત્રણ સાક્ષી પણ હાજર છે. તેથી છેડતી કરવાનાં ગુના બદલ અમે અફઝલની ધરપકડ કરીએ છીએ. આમ પણ ગામમાં એનો રેકોર્ડ સારો નથી. અમે અનેકવાર એનાં કિસ્સા સાંભળ્યા છે પણ કોઈ ફરિયાદ કરવાની હિમ્મત કરતું નહીં એટલે આ નાલાયક બચી જતો... પણ આ વખતે રહેમત અને એનાં પરિવારે ખૂબ સારી હિમ્મત દેખાડી છે એટલે હવે એ ક્યાંય છટકી શકવાનો નથી અને સજા પણ ખૂબ સારી એવી મળશે અને અમે એની મારથી મહેમાનગતિ કરશું એ તો અલગ...

પી. એસ. આઈ એ કોન્સ્ટેબલને હુકમ કર્યો... આ નાલાયકને ઘરની બહાર કાઢો અને ગાડીમાં બેસાડીને લોકઅપમાં પૂરો... કોન્સેબલ યસ સર ! કહીને પીડાથી બૂમો પાડતા અફજલયાને હાથ પકડીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા.

બીજા દિવસે ગામનાં ઘણાં લોકો કે જેમની દીકરીની અફજલયાએ ક્યારેક છેડતી કરેલી તે બધાં લોકો શકુરમિયાંનાં ખેતરે તેમનો આભાર માનવા ખેતરે ભેગા થઈ ગયા.

ગામની જ છોકરીઓ હિના અને સવિતા બંને જણી રહેમત પાસે આવીને બોલી.... રહેમત બેન ! સારું તમે આટલી હિમ્મત દેખાડી અને તમારાં પરિવારેય આમાં તમારો પૂરો સાથ દીધો. હિના આંખોમાં આંસુ સાથે બોલી... સારું થયું એ નાલાયક જેલમાં ગયો... એકવાર એણે મારોય હાથ પકડી લીધો તો અને ખરાબ વર્તન કર્યું હતું... એ દિવસથી આજ સુધી હું ઘરમાંથી એકલી બાર નોતી નીકળતી... મને એનાથી બોવ બીક લાગતી તી...

સવિતા વચ્ચે વાત ઉમેરતા બોલી.... આપણો વાંક નો હોવા છતાં આવા લોકોથી આપણે છોકરીઓએ ડરી-ડરીને રેવાનું.... અને આવા નાલાયકો ખુલ્લેઆમ ફરે... જો કદાચ ફરિયાદ કરવાનું વિચારીએ તો આપણાં ઘરવાળા જ આપણને બેસાડી દે કે તું છોકરીની જાત છો.... બેસ હેઠી.... સમાજમાં ફજેતી થાશે તો કોઈ હાથ નહીં પકડે કહીને ચૂપ કરાવી દેવામાં આવે છે... આ કેવો સમાજ છે જેમાં ગુનેગાર ખુલ્લેઆમ ફરતો રહે અને નિર્દોષ છોકરીઓ કોઈ પણ જાતનાં ગુના વગર મૂંગી રહીને સજા ભોગવતી રહે....

જાવેદ સવિતા આગળ આવીને બોલ્યો.... સવિતા ! તારી વાત એકદમ સાચી છે.... ચૂપ રહેવાના કારણે જ આવા નાલાયકોની હિમ્મત વધી છે.... આપણાં સમાજે દીકરીઓ માટે એટલા કુરિવાજો બનાવ્યા છે કે એમાં આપણી દીકરીઓ વગર વાંકે પીસાઈ રહી છે. જો દીકરીઓને ઘરમાંથી જ આવી બધી વાતોનો વિરોધ કરવાનું અને કોઈ પણ વાતને ઘરના સભ્યો સાથે મોકળા મને વાત કરી શકે એટલી છૂટ આપવામાં આવે તો આપણી દીકરીઓ આવા મુદ્દા ઉપર ચોક્કસ બોલતી અને વિરોધ કરતી થઈ જાશે...

રહેમત આગળ આવીને ગર્વથી બોલી... મારા પરિવારની જેમ જો બધાં પરિવારો એમની દીકરીને આવી રીતે ખુલ્લાં મને એમની વાત કહેવાની છૂટ આપશે અને કોઈપણ ખોટી વાતનો વિરોધ કરવાની છૂટ આપતા થઈ જશે અને એમાં એમનો સાથ આપશે તો સમાજમાં ચોક્કસ આવા નરાધમોની સંખ્યા ઓછી થશે અને એમનાં મનમાં કાયદાનો ડર પેદા થશે.

ખેતરે આવેલા બધી દીકરીઓનાં બાપ એક સૂરમાં બોલ્યા.... હા અમે બધાં રહેમત દીકરીની વાત થી સહેમત છીએ.... જેવી રીતે શકુરમિયાંએ એમની દીકરીને આ વાતનો વિરોધ કરવાની અને પોલીસ ફરિયાદ નોંધાવાની હિમ્મત આપી.... એ જ રીતે અમે પણ અમારી દીકરીઓને પૂરેપૂરો સાથ આપીશું... સમાજ શું કહેશે એ ડરથી હવે ચૂપ નહીં બેસીએ.... અમારી દીકરીઓને અમે રહેમત જેવી બનાવીશું..... જેથી એ દરેક ખોટી વાતનો વિરોધ કરી શકે.

જાવેદ ખુશીથી બધાંની સામે જોઈને બોલ્યો.... આ થઈને વાત.... આપણાં બધાંયની અંદર બસ આવી હિમ્મતની જ જરૂર છે. આ બધુ સાંભળીને રહેમતની આંખોમાં આંસુ આવી ગયા તા.... અને શકુરમિયાં પણ ગળગળા થઈ ગયા તા....

શકુરમિયાંનાં પરિવાર દ્વારા જાણેકે આખા ગામમાં સમાજસુધારાનો સૂર રેલાયો હતો.... પરિવર્તનની હવાની અસરનો ચેપ આખા ગામને લાગ્યો હતો. સમાજસુધારાનો સૂર જાણેકે આકાશમાં મેઘધનુષ્ય બનીને સાતે રંગોનો છંટકાવ ગામ આખા ઉપર કરી રહ્યો હોય એવું દરેક ગામનાં લોકો મહેસૂસ કરી રહ્યા હતા.

***