Limelight - 48 (Last part) books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૪૮ (અંતિમ)

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૮ (અંતિમ)

રીંકલ પોતાના બંગલાના હોલના કાચના દરવાજા પાસે પહોંચી અને પારદર્શક કાચમાંથી જોયું તો પતિ અજ્ઞયકુમાર હતો. તેનો ચહેરો જોઇ તે ગુસ્સા અને આશ્ચર્ય સાથે બોલી હતી:"તું...." પણ એ અવાજ કાચની બીજી બાજુ દયામણા ચહેરે ઊભેલા અજ્ઞયકુમાર સુધી પહોંચ્યો ન હતો. અજ્ઞયકુમાર રીંકલના ચહેરાના હાવભાવ જોઇને સમજી ગયો હતો કે તે પોતાને જોઇને બહુ ગુસ્સામાં છે. અજ્ઞયકુમારે તેને દરવાજો ખોલવા ઇશારો કર્યો. રીંકલને તેના પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તે અજ્ઞયકુમાર સાથે બોલવા માગતી ન હતી. અને તેનો ચહેરો જોવા માગતી ના હોય એમ પીઠ ફેરવીને ઊભી રહી ગઇ. અજ્ઞયકુમાર પોતાની સાથે આવો ખરાબ વ્યવહાર કરશે એવી તેણે જિંદગીમાં કલ્પના કરી ન હતી. રસીલીએ દાદ આપી નહીં હોય એટલે પાછો આવ્યો છે. આટલા દિવસ સુધી એક ફોન પણ ના કરનાર માણસ આજે ઘરમાં પ્રવેશવા યાચના કરી રહ્યો છે. અજ્ઞયકુમાર પર ગુસ્સે થયેલી રીંકલના દિલના છાના ખૂણે તે પાછો ફર્યાની ખુશીની કૂંપળ પણ ફૂટી હતી. અજ્ઞયકુમાર વગર જીવન જીવવા જેવું રહ્યું ન હતું. તેનો અભાવ સતત સાલતો રહ્યો હતો. પણ એને એમ માફ કરી શકાય નહીં. અજ્ઞયકુમાર દરવાજો ખખડાવી રહ્યો હતો. રીંકલે કંઇક વિચારીને દરવાજાની એક સાંકળ સહેજ ખોલી અને ગુસ્સામાં કહ્યું:"હવે કયું દુ:ખ આપવા આવ્યો છે?"

રીંકલને સહેજ પીગળતી જોઇ અજ્ઞયકુમાર થોડો ઉત્સાહમાં આવી ગયો:"ડાર્લિંગ, એકવાર મને અંદર આવવા દે... અને મારી વાત તો સાંભળ...."

"તારી વાત તેં આટલા દિવસ સુધી કેમ ના કહી? આજે અચાનક મારી યાદ કેવી રીતે આવી ગઇ? અને તું તો મને છોડી દેવા માગતો હતો. હવે કયા મોંએ આવ્યો છે?" રીંકલ તેના પર વધુને વધુ ગુસ્સો વ્યક્ત કરી રહી હતી.

અજ્ઞયકુમાર પ્રેમથી સમજાવવા લાગ્યો:"જો તું એક વખત મને મારી વાત કહેવાની તક આપ... પછી તારે જે સજા કરવી હોય તે કરજે, બસ? પ્લીઝ મને અંદર આવીને મારી વાત કહેવા દે...પ્લીઝ."

અજ્ઞયકુમારની વિનંતીથી રીંકલને થયું કે તેની વાત સાંભળવી જોઇએ. તેણે રીસમાં દરવાજો ખોલ્યો અને મોં ચઢાવીને સોફામાં બેસી ગઇ.

અજ્ઞયકુમાર દરવાજો બંધ કરીને આવ્યો અને રીંકલની સામે બેસી જતાં બોલ્યો:"ડાર્લિંગ, મને માફ કરી દે. મેં સફળતા માટે તારો ઉપયોગ કર્યો છે. તારી સાથે અન્યાય કર્યો છે. હવે પછી આવી ભૂલ નહીં કરું..."

"સફળતા માટે? તું શું બોલે છે?" મોઢું ફેરવીને બેઠેલી રીંકલે ચમકીને અજ્ઞયકુમાર સામે જોઇ પૂછ્યું.

અજ્ઞયકુમાર થોડી ક્ષણો માટે શાંત થઇ ગયો. તેણે આંખો મીંચી દીધી. અને બંને હાથ જોડી ફરી કહ્યું:"મને માફ કરી દે રીંકલ. હું તારો ગુનેગાર છું...."

રીંકલ બોલી:"એકે, આ શું કોઇ ફિલ્મી સીન છે?"

અજ્ઞયકુમાર કહે:"આ સાચો સીન છે. અત્યાર સુધી તારી સાથે જે કર્યું એ ફિલ્મી હતું."

"હવે તું જે હોય તે સ્પષ્ટ કહે. વાતને આમ ગોળગોળ ફેરવીને મારી ઉત્સુક્તા વધારીશ નહીં...." રીંકલ હેરતથી તેની તરફ જોઇને બોલી.

"રીંકલ, માય ડાર્લિંગ, હું તને આજે પણ એટલી જ ચાહું છું. તારા વગરના જીવનની કલ્પના કરી શકું એમ નથી. આટલા દિવસ તારા વગર અને તારા દિલને દુ:ખ આપીને કેવી રીતે વીતાવ્યા છે એ તું સમજી શકીશ. અસલમાં મેં ફિલ્મ "પતિ, પત્ની ઔર મોબાઇલ" ની ભારે સફળતા માટે આ નાટક કર્યું હતું. આ વાત હું એકલો જ જાણતો હતો. આ ફિલ્મ રૂ.૩૦૦ કરોડની ક્લબમાં સ્થાન મેળવે એ માટે જોરદાર પ્રચાર અને કેટલાક કિસ્સા જરૂરી હતા. મેં તને છૂટાછેડા આપવાનું નાટક કર્યું હતું. અને રસીલી સાથે અફેર પણ એક અફવા જ હતી. તારા એની સામેના પ્રત્યાઘાત સાચા હતા એટલે તેને વધારે પ્રસિધ્ધિ મળી. તેનો ફિલ્મના પ્રચારમાં મોટો ફાળો રહ્યો. મારા હરિફ હીરોની ફિલ્મો રૂ.૩૦૦ કરોડની કલબમાં આવી ગયા પછી મને ઝનૂન ચઢ્યું હતું કે હું પણ એ ક્લબનો હીરો બનું. મને ખબર ન હતી કે મારા આ પગલાથી તું કેટલી આહત થઇશ અને મારું દિલ જ મને કેટલું કોસશે. હું આ સફળતા માટે એક દિલદાહક સમયકાળમાંથી પસાર થયો છું. હવે કાન પકડું છું કે સફળતા માટે આવી અફવાઓ નહીં ફેલાવું. મારા અભિનય પર જેને ફિલ્મ જોવી હશે એ આવશે જ. આવા ટોટકા ભલે બીજા હીરો અપનાવે. હું તો હવે પછી તેનાથી દૂર જ રહીશ. અને જો કોઇ મારું નામ જોડીને પોતાના સ્વાર્થ માટે અફવા ફેલાવશે તો તેનો તરત જ ખુલાસો કરીશ...."

અજ્ઞયકુમારની વાત સાંભળી રીંકલની આંખો છલકાઇ ઊઠી. તે ઊભી થઇને અજ્ઞયકુમારને કસકસાવીને ભેટી પડી. અજ્ઞયકુમારે તેના પર ચુંબનોની વર્ષા કરી દીધી. વર્ષોથી કોરીધાકોર ધરતી પહેલા વરસાદથી ટાઢક અનુભવે એમ રીંકલ અજ્ઞયકુમારના હેતમાં ભીંજાતી રહી.

"મને વિશ્વાસ હતો કે તું મારો છે અને મારો રહેશે. આટલા વર્ષોનો તારો સહવાસ મને એ આશ્વાસન આપતો હતો. તારો આવો સ્વભાવ જ ન હતો એટલે હું આ નાટક હોવાનું માની ના શકી. પણ ચાલ જે થયું તે હવે આપણે સફળતા માટે અંગત જીવનને જોખમમાં ના મૂકાય એ વાત શીખી ગયા..." રીંકલ અજ્ઞયકુમારની બાંહોમાં ભીંસાતી બોલી રહી.

'મને તારી ચિંતા હતી. તારી સુરક્ષામાં મેં બે માણસ મૂક્યા હતા. તું બહાર જાય ત્યારે એ સતત પડછાયાની જેમ પીછો કરતા હતા. તું મોનિશને મળવા ગઇ ત્યારે ત્યાં નજીકમાં જ હતા. તેમણે સ્પાય કેમેરાથી બધું શુટિંગ કરી લીધું હતું. તેના કારણમાં બીજી એક વાત પણ કહી દઉ. તું તારી મમ્મી પર ખીજવાતી નહીં. મોનિશ સાથે અફેર કરવાની વાત ફેલાવવાનો આઇડિયા મારો જ હતો..." અજ્ઞયકુમારે એક પછી એક બધા રહસ્ય ખોલ્યા.

રીંકલની ગેરસમજ દૂર કર્યા પછી અજ્ઞયકુમારને રાહત થઇ હતી. પોતાનું લગ્નજીવન જોખમમાં મૂકવાની ભૂલ કરવાનો પસ્તાવો અજ્ઞયકુમારના દિલને ખટકી રહ્યો હતો. તેણે થોડીવાર પછી રસીલીના મિસકોલ જોયા અને તેના અગત્યના કામના જવાબમાં "આજે પત્ની રીંકલ સાથે અગત્યના કામે વ્યસ્ત હોવાથી આવતીકાલે વાત કરીશ" એવો મેસેજ મૂકી દીધો.

*

અજ્ઞયકુમારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યા પછી રસીલીએ તેની સાથે અગત્યની વાત કરવાનો મેસેજ મૂક્યો હતો. જ્યારે અજ્ઞયકુમારનો જવાબ આવ્યો ત્યારે તે ચોંકી ગઇ. અજ્ઞયકુમારે તેની પત્ની રીંકલ સાથે વ્યસ્ત હોવાની વાત લખી હતી. છેલ્લા કેટલાક દિવસથી અજ્ઞયકુમારનો પત્ની સાથે સંબંધ તૂટી રહ્યો હોવાના અને રસીલી સાથે અફેર ચાલતું હોવાના સમાચાર આવતા હતા. ખુદ અજ્ઞયકુમારે મને રીંકલ સાથે છૂટાછેડા લઇ રહ્યો હોવાની વાત કરી હતી. અને મારી સાથે પ્રેમ હોય એવું વર્તન કરી રહ્યો હતો. તો પછી આ બધું ખોટું હતું? શું અજ્ઞયકુમારે મારી સાથે સારું અને રોમેન્ટિક વર્તન કર્યું એને હું પ્રેમ માની બેઠી હતી? હું પોતાને રીંકલનો વિકલ્પ માની બેઠી હતી? અજ્ઞયકુમાર તો પત્ની સાથે વ્યસ્ત છે. મતલબ કે તેમની વચ્ચે કોઇ સમસ્યા નથી. બધી વાતો અફવા હતી?

રસીલીને તેના બધા જ પ્રશ્નોના ઉત્તર રાત્રે મળી ગયા. એક લોકપ્રિય ચેનલ પર સમાચાર આવ્યા કે "પતિ, પત્ની ઔર મોબાઇલ" ફિલ્મની સફળતાને ઉજવવા અજ્ઞયકુમારે સેવનસ્ટાર હોટલમાં માત્ર પોતાના સગાં-સંબંધીઓને એક પાર્ટી આપી છે. કદાચ રીંકલના જીવનમાં પાછો ફર્યો હોવાની પણ ઉજાણી હોય શકે. તેમાં હાજર રહેવા બધા પહોંચી રહ્યા છે. અજ્ઞયકુમાર અને રીંકલ તેમના સ્વાગત માટે પહેલાં જ ત્યાં પહોંચી ગયા છે. રીપોર્ટરે બધી વાત કર્યા પછી એવા અનુમાન સાથે રીપોર્ટ પૂરો કર્યો કે "ફિલ્મની રજૂઆત પહેલાં 'પતિ, પત્ની ઔર વો' ની ચાલતી અફવાઓ પર આ સાથે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે..."

રસીલીને આ સાંભળીને સારું ના લાગ્યું. અજ્ઞયકુમાર પ્રચાર માટે તેને 'વો' બનાવી ગયો હતો. અજ્ઞયકુમાર પાસે તેને આવી આશા ન હતી. પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવું જ તો વધારે ચાલે છે. પોતે પણ આવા સહારા પહેલી ફિલ્મ વખતે લીધા જ હતા. પોતે પણ ફિલ્મની સફળતા માટે મોન્ટુ સાથે ચક્કર હોવાની વાત ફેલાવી જ હતી. આ બધું અહીં સામાન્ય રીતે સ્વીકારવું પડે. અજ્ઞયકુમારને દોષ આપી શકાય એમ નથી. પણ પોતે મોન્ટુ સાથેના અફેરની વાત ઊડાવી હતી એને સાચી સાબિત કરી શકે છે. અજ્ઞયકુમાર તેની પત્ની સાથે ખુશ રહે એવી જ ઇચ્છા મારે રાખવી જોઇએ. કોઇ સ્ત્રીનું ઘર તોડીને સુખી રહી ના શકાય. મોન્ટુ મારા માટે યોગ્ય વર સાબિત થશે.

રસીલીએ લાંબો વિચાર કરીને મોન્ટુને ફોન લગાવ્યો. મોન્ટુ જાણે રાહ જોતો હોય એમ ફોન તરત જ ઉપાડી લીધો અને 'હાય!' કહ્યું. રસીલી તેને સરપ્રાઇઝ આપતી હોય એમ બોલી:"આઇ લવ યુ મોન્ટુ...!"

રસીલીની વાત સાંભળીને મોન્ટુ અવાક જ થઇ ગયો. બે ક્ષણ તો એ કંઇ બોલી જ ના શક્યો. તેના તરફથી કોઇ પ્રતિભાવ ના આવ્યો એટલે રસીલી હસીને બોલી:"કાનમાં બોમ્બ ફાટ્યો હોય એમ સૂનમૂન કેમ થઇ ગયો...."

'હં...કાનમાં કોઇએ ફૂલ ફેરવ્યું હોય એમ રોમાંચમાં ડૂબી ગયો હતો..." મોન્ટુ અતિ ઉત્સાહમાં આવી બોલ્યો:મારા પ્રેમનો સ્વીકાર કરવા બદલ આભાર!"

"માત્ર પ્રેમ કરીને જ બેસી રહીશું કે ઘરસંસાર વસાવીશું?" રસીલીએ બીજું પગલું પણ ઉપાડ્યું.

"ઓહ! તો તું મારી જીવનસંગીની બનવા તૈયાર છે?" મોન્ટુ કૂદીને ઊભો થઇ ગયો.

"હા મોન્ટુ, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. મને આશા છે કે તું શ્રેષ્ઠ પતિ સાબિત થઇશ..."

"અરે! આટલી મોટી જવાબદારી ના નાખો મેડમ! શ્રેષ્ઠનો એવોર્ડ મેળવવાનું સહેલું નથી હોતું એ દરેક કલાકાર જાણે છે..."

"મોન્ટુ, આપણે કાલે સવારે મળીએ છીએ...ગુડનાઇટ સ્વીટડ્રીમ્સ...." કહી રસીલી ફોન કટ કરવા જતી હતી. ત્યાં મોન્ટુ બોલ્યો:"અરે....સાંભળ, હસીન સપનું બતાવીને ઊંઘવાની વાત કરે છે?!"

"ધીરજના ફળ મીઠાં હોય છે...!" કહી હસીને રસીલીએ ફોન કટ કરી દીધો.

રસીલી અને મોન્ટુના ઘડિયા લગ્ન લેવાઇ ગયા. એક જ સપ્તાહમાં બંને સાદાઇથી પરણીને હનીમૂન માટે દુબઇ પહોંચી ગયા. મિડિયામાં હજુ ચર્ચા હતી કે 'લાઇમ લાઇટ' ના પ્રેમીપંખીડા આટલી જલદી પરણી જશે એવી ગણતરી ન હતી. ઘણા સમાચાર ભલે અફવા લાગતા હોય પણ આગ હોય ત્યાંથી જ ધૂમાડો આવતો હોય છે. ક્યારેક ખોટી લાગતી અફેરની અફવા સાચી સાબિત થઇ જાય છે, તો ક્યારેક સાચું લાગતું અફેર ખોટું સાબિત થાય છે.

એક હોટલમાં રસીલી અરમાનોથી ભરેલી નવોઢા તરીકે બેડ પર બેઠી હતી. રસીલીએ પહેલા લગ્ન કર્યા ત્યારે પત્ની તરીકેના તેના અરમાન પૂરા થયા ન હતા. આ બીજા લગ્નમાં તે પતિ સાથે હનીમૂન અને સુહાગરાતના રોમાંચનો અનુભવ કરવા ઉત્સુક હતી. તેને મોન્ટુ ફિલ્મના હીરો તરીકે શરૂઆતમાં ઘણો શરમાળ લાગ્યો હતો. ફિલ્મ જેમ આગળ વધતી ગઇ એમ એ થોડો પ્રેક્ટીકલ બન્યો હતો. આજે તે એક પતિના રૂપમાં સામે હતો. મોન્ટુએ બેડ પર રસીલી સાથે રોમાન્સ શરૂ કર્યો. મોબાઇલ પર યુટ્યુબમાં સેક્સોફોનના ધીમા મધુર સંગીતના રેલાતા સૂર વચ્ચે મોન્ટુએ રસીલીના શરીર પરના પાતળા વસ્ત્રોના આવરણો એક પછી એક દૂર કર્યા. પોચા બેડ પર રસીલીની રસભરી કાયાના અંગેઅંગને નીરખીને મોન્ટુની રગેરગમાં કામાવેગનું પૂર વહેવા લાગ્યું. તે તોફાની બની ગયો. રસીલીના અંગેઅંગને ભીંસી નાખ્યા. મોન્ટુએ કલાકો સુધી રસીલી સાથે સુહાગરાત માણી. રસીલી મોન્ટુના લાંબા આક્રમણથી થાકી ગઇ. તેણે સવારે મોન્ટુને પૂછ્યું:"એક સમય હતો જ્યારે મારી સાથે ઇન્ટીમેટ સીન વખતે તને પરસેવો વળી જતો હતો. હવે તું કેવી રીતે કામ કલામાં નિપુણ થઇ ગયો!"

મોન્ટુ હસ્યો અને બોલ્યો:"એ બધો સુજીતકુમારનો પ્રતાપ છે. એમણે મને પોર્ન ફિલ્મમાં કામ કરવાની ઓફર કર્યા પછી પ્રેક્ટીસ માટે કેટલીક સીડી આપી હતી. એના પરથી મારામાં એક તોફાન જાગ્યું અને હું બધું શીખી ગયો....!"

રસીલી તેને નવાઇથી જોઇ રહી. મોન્ટુને તે એક નવા જ રૂપમાં જોઇ રહી હતી. ત્યારે રસીલીને ખબર ન હતી કે તેના હવે પછીના દિવસોમાં મોન્ટુનો આ કામી સ્વભાવ કેવી પરિસ્થિતિ લાવવાનો છે.

*

છેલ્લા છ માસમાં રસીલીના શરીરમાં જ નહીં જીવનમાં અને કારકિર્દીમાં એકદમ પરિવર્તન આવી ગયું હતું. મોન્ટુ પાસે કંઇ ખાસ કામ ન હતું. રસીલીએ જે ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ અપાવી હતી એ માટે મહિનામાં માંડ એક સપ્તાહનો સમય ફાળવવાનો હતો. મોન્ટુ મોટાભાગે ઘરે જ રહેતો હતો અને રસીલી સાથે સમય ગાળવા માગતો હતો. તે રસીલીને થોડો સમય લગ્નનો આનંદ અને સુખ માણવાનું કહીને ફિલ્મના શૂટિંગ કેન્સલ કરાવતો હતો. તે રસીલીના ગોરી મખમલી કાયા પાછળ પાગલ બની ગયો હતો. રસીલી તેના આવેગને રોકી શકતી ન હતી. રસીલીએ એ કારણે કેટલીક ફિલ્મોના શૂટિંગ કેન્સલ કર્યા એટલે એક ફિલ્મ ગુમાવી. રસીલીની અનિયમિતતાને નખરાં ગણીને કેટલાક નિર્માતાઓએ ધીમે ધીમે તેની ભૂમિકાને ટૂંકી કરાવી દીધી. મોન્ટુ સાથેના વધુ પડતા સંગ અને એશાઆરામના જીવનને કારણે ભરાવદાર શરીરની માલિકણ રસીલીનું વજન વધવા લાગ્યું હતું. એક-બે ફિલ્મી વેબસાઇટે તો એક ડ્રેસમાં તેનું વધારે પડતું પેટ બતાવી તેના પર રાઉન્ડ કરીને તે પ્રેગ્નન્ટ હોવાની સંભાવના પણ વ્યક્ત કરી દીધી હતી. રસીલી આજ સુધી જે સેક્સી શરીરના દમ પર દામ અને ફિલ્મો મેળવતી હતી એના પર હવે ચરબીના થર વધી રહ્યા હતા. અને તે દર્શકોને આકર્ષી શકે એવી હીરોઇન રહી ન હતી.

મોન્ટુ સાથેના લગ્નના નવ મહિના પછી તેણે ઘરે બેસવાનો વખત આવી ગયો હતો. એ માટે તે મોન્ટુને દોષી આપવા લાગી હતી. બંને વચ્ચે ઝઘડા વધી રહ્યા હતા. મોન્ટુનો રસ પણ બહુ જલદી રસીલીમાંથી ઊડી ગયો હતો. તેને ફિલ્મમાં સાથે કામ કરતી એક મદમાતી યૌવના મળી ગઇ હતી. તેને દાણા નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે રૂપ અને શરીરથી આકર્ષાઇને મોન્ટુએ લગ્ન કર્યા હતા એ રસીલીએ ગુમાવી દીધું હતું. રસીલીને હવે ફિલ્મોમાં ભાભી કે મોટી બહેનની ભૂમિકાઓ ઓફર થવા લાગી હતી. પણ મોન્ટુએ કમાણી માટે પોર્ન ફિલ્મોમાં કામ શરૂ કરી દીધું એ જાણ્યા પછી રસીલીએ તેની સાથેના સંબંધનો છેડો ફાડી નાખ્યો. એક જ વર્ષમાં મોન્ટુ અને રસીલી અલગ થઇ ગયા.

રસીલીએ અગાઉ કમાણી કરી હતી એના કારણે હજુ સુધી જીવન જીવવામાં તકલીફ પડી ન હતી. રસીલીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની જરૂરિયાતો ઓછી કરી દીધી હતી. રસીલીને એક ફાઇનાન્સર સાથે સારું બનવા લાગ્યું. પચાસ વર્ષના વિધુર ફાઇનાન્સરને એક સ્ત્રીનો હાથ અને સાથ જોઇતો હતો. રસીલી તેની સાથે પરણી ગઇ. એ લગ્નજીવન પણ લાબું ટક્યું નહીં. રસીલીને તેનો સ્વભાવ ગમ્યો નહીં. બંને છૂટા પડી ગયા. એ ફાઇનાન્સરને બીજી એક સાઇડ રોલ કરતી તેનાથી સુંદર સ્ત્રી મળી ગઇ એટલે તેની સાથે લગ્ન કરી લીધા. રસીલીએ પણ દસ વર્ષમાં ચાર લગ્ન કર્યા અને લગ્ને લગ્ને કુંવારી સ્ત્રી ગણાવા લાગી. બે વખત તો તેણે માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે આનનફાનનમાં પુરુષો સાથે લગ્ન કરી લીધા. અને એટલા જ જલદી છૂટાછેડા મેળવી લીધા. એમાં એના આશય મુજબ આર્થિક ફાયદો પણ થયો.

સમય આગળ વધતો ગયો. નવી નવી હીરોઇનો આવતી ગઇ. રસીલી માટે હવે ભાભી અને માની ભૂમિકાઓનો જ વિકલ્પ રહ્યો હતો. એનો સ્વીકાર કર્યા વગર છૂટકો ન હતો. તેનું નસીબ સારું હતું કે થોડી ફિલ્મોમાં આધુનિક વિચારોવાળી મા તરીકેની ભૂમિકાઓમાં તેને પસંદ કરવામાં આવી. પરંતુ એ પણ લાંબુ ચાલ્યું નહીં. પિસ્તાળીસની ઉંમરે હવે એવું શરીર પણ ન હતું કે નિર્માતાઓ કે હીરોને તેની લાલચ આપીને ફિલ્મો મેળવી શકાય. અને બેડોળ બનતા શરીરનું અંગપ્રદર્શન સીમામાં રહીને કરવું પડતું હતું. કામ મળવાનું લગભગ બંધ જેવું થઇ રહ્યું હતું. સાકીરને ખુશ કરીને મેળવેલો ફ્લેટ વેચવો પડ્યો હતો. બે રૂમ રસોડાના એક સામાન્ય ફ્લેટમાં રહેવા તે મજબૂર બની હતી. તેને લાગ્યું કે હવે જો થોડા મહિનામાં રોજીરોટી નહીં મળે તો તે ફિલ્મી દુનિયામાંથી જ નહીં આ દુનિયામાંથી પણ જતી રહેશે. ચિંતાને કારણે રસીલીનું વજન થોડું ઘટ્યું હતું. તે હવે પહેલાં જેવું શરીર ધરાવતી હતી. પણ હવે એ જુવાની રહી ન હતી. સુંદરતાને ટકાવી રાખવા તે મથામણ કરતી હતી. કોઇને કોઇ રીતે તે કામ મેળવીને ખર્ચ પૂરો કરી રહી હતી. ક્યારેક કોઇ મોટા આસામીને એક રાત માટે શરીર વેચી દેતી હતી.

રસીલે સામાજિક સીરીયલોમાં કામ મેળવી શક્તી ન હતી. પણ હવે વેબસીરીઝનો જમાનો આવ્યો હતો. તેણે વેબસીરીઝમાં કામ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો. વેબસીરીઝનો કન્ટેંટ સેક્સ આધારિત રહેતો હતો. એમાં કામ કરવા રસીલી સહજ હતી. તેણે પોતાના શરીરની જાળ બીછાવી થોડું કામ મેળવી લીધું. તેની 'એકસ્ટ્રા શૌતન' સફળ રહી હતી. વળી એક સમય એવો આવી ગયો કે વેબસીરીઝમાં તેને કામ મળવાનું ઓછું થઇ ગયું. અને તેણે એક નિર્ણય લઇ લીધો.

રસીલીએ જાણીતા પત્રકાર ગોપાલ રમનનો સંપર્ક કરી પોતાની આત્મકથા લખવાનું આમંત્રણ આપ્યું. ગોપાલને પ્રસિધ્ધિ માટે આ તક સારી લાગી. તેણે પુસ્તકની મોટાભાગની કમાણી રસીલીને આપવાની ખાતરી આપી. રસીલી હવે આત્મકથા વેચીને કમાણી કરવા માગતી હતી. થોડા જ દિવસોમાં રસીલીની આત્મકથા લખાઇ રહી હોવાની વાત ફેલાઇ ગઇ. કેટલાક હીરો અને ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ રસીલીનો સંપર્ક કર્યો. તેઓ ડરી ગયા હતા કે તેમના રસીલી સાથેના સ્ખલનની વાતો પુસ્તકમાં આવી જશે તો જાહેર જીવનમાં બદનામી થશે. રસીલીએ ઘણાની પાસેથી વળતર લઇને નામ ન છાપવાની ખાતરી આપી. પણ આત્મકથાને વેચવા માટે પોતે વેશ્યા હતી એ વાતને વધુ હાઇલાઇટ કરાવી. અને લોકોને ગલગલિયાં થાય એવી વાતો વધારે લખાવી. કેટલાક ના બન્યા હોય એવા પ્રસંગ પણ જોડી દીધા અને હમદર્દી માટે પ્રયત્ન કર્યા. રસીલીના એ રંગીન જીવનને જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા વધી ગઇ. રસીલીએ પુસ્તકનું નામ "રસીલીના જીવનના રહસ્યો'' આપ્યું. રસીલીની આત્મકથાનું મોંઘી કિંમતનું પુસ્તક પ્રસિધ્ધ થતાની સાથે જ હોટકેકની જેમ વેચાઇ ગયું. પુસ્તકને નયનરમ્ય બનાવવા તેમાં રસીલીના 'લાઇમલાઇટ' ના કેટલાક સેક્સી પોઝના ફોટા ખાસ મૂકવામાં આવ્યા હતા. અને તેના પરથી ફિલ્મ બનાવવા નિર્માતાઓ આગળ આવવા લાગ્યા. ફરી એક વખત રસીલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં આવી ગઇ. રસીલીની આત્મકથાના પુસ્તકનો રીવ્યુ લખનાર એક પત્રકારે શરૂઆત કરતાં લખ્યું:"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ હોય કે ના હોય પણ લાઇમલાઇટમાં સતત કેવી રીતે રહી શકાય એ જાણવું હોય તો રસીલીના જીવનને અવશ્ય જાણવું જોઇએ..."

સમાપ્ત- ધ એન્ડ

*

મિત્રો, 'લાઇમલાઇટ' નું છેલ્લું પ્રકરણ આપને કેવું લાગ્યું તે જરૂરથી જણાવશો. સતત એક વર્ષ સુધી આ નવલકથાના વાંચન બદલ આપનો આભાર માનું છું. માતૃભારતીનો પણ આભારી છું કે મને નવલકથા લખવાની તક આપી.

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***