Mari Chunteli Laghukathao - 23 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 23

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ટોપી

“આવો આવો હઝૂર કેમ ગભરાયેલા લાગો છો?”

“પણ આગળ તો ગાઢ અંધારું છે. આ આપણે ક્યાં આવી ગયા છીએ?”

“અરે! તમે તમારા પોતાના શહેરને નથી ઓળખી શકતા?”

“તું શું મારી મશ્કરી કરી રહ્યો છે? આ ક્યાં મારું શહેર છે?”

“અરે હઝૂર અમે તમને તમારા જ શહેરમાં લઈને આવ્યા છીએ.”

“પણ મારું શહેર તો કાયમ રોશનીમાં નહાયેલું હોય છે જ્યારે અહીંયા તો એટલું બધું અંધારું છે કે કશું દેખાતું પણ નથી.”

ત્યાંજ અંધારામાં કેટલીક મશાલો સળગે છે. તે અહીં તહીં જોઈ રહ્યા છે. તેમની ચારે તરફ ભીડના પડછાયા એક ગોળાકાર બનાવીને ઉભા છે. તેઓ એ ગોળાકારને તોડવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ગોળાકાર બનાવીને ઉભેલા લોકોના હાથથી બનેલી ચેન ખૂબ મજબૂત છે.

હવે તેમના બંને હાથ પોતાના માથા પર વધી રહ્યા છે. તેઓ પોતાની ટોપીને પોતાના માથાથી ઉતારીને ખિસ્સામાં સંતાડવાનું વિચારી રહ્યા છે. પણ આ શું? ટોપી તો તેમના માથા પર છે જ નહીં.

પરંતુ તેમને ઘેરી વળેલી ભીડના તમામ લોકોના માથા પર ટોપી છે.

તેઓ ચીસ પાડીને ઉભા થઇ જાય છે. સામે જ ટેલિવિઝન પર મુખ્ય સમાચાર આવી રહ્યા છે... પ્રદેશના મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા છે.

***