Maro Shu Vaank - 29 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 29

મારો શું વાંક ?

પ્રકરણ - 29

જોત-જોતામાં બે મહિના પસાર થઈ ગયા. શકુરમિયાંની તબિયત હવે ખરાબ રહેવા લાગી હતી.... એમની ઉંમર પણ થઈ ગઈ હતી એટલે હવે શરીર પણ સાથ નહોતું દેતું. અમદાવાદમાં અનેક ડોક્ટરોને બતાવી જોયું અને હોસ્પીટલમાં દાખલ પણ કર્યા હતા... પણ એમને એવી કોઈ બીમારી નહોતી... ફક્ત ઉંમરને કારણે શરીરમાં કમજોરી આવી ગઈ હતી જેથી તે પથારીવશ થઈ ગયા હતા... ડોક્ટરે પણ હોસ્પિટલમાંથી રજા આપી દઈને છે ત્યાં સુધી તેમની સેવા કરવાનું કહી દીધું હતું.

શકુરમિયાંની બધી જ દૈનિક ક્રિયાઓ પથારીમાં જ થતી હતી... જાવેદ, શબાના અને રહેમત ખડેપગે તેમની સેવામાં હતા.

શકુરમિયાંની તબીયત ખૂબ લથડી ગઈ હતી અને આખરી સમય આવી ગયો હતો. જાવેદે ઇરફાનને ફોન કરીને આવી જવાનું કહ્યું... જેથી શકુરમિયાં ઇરફાનને જોઈ લે.... પણ ઈરફાન ઓફિસનાં કામે દિલ્હી ગયો હોવાથી તેને આવતા એક દિવસનો સમય લાગી જવાનો હતો.

ખબર મળતા જ ઈરફાન દિલ્હીથી તરત જ નીકળી ગયો... આ બાજુ શકુરમિયાંની તબીયતમાં કોઈ જ સુધારો નહોતો.

જાવેદ, શબાના અને રહેમતે વારાફરતી ઝમઝમનું પાણી ચમચીથી શકુરમિયાંને પીવડાવ્યું.... પાણી પીતાંની સાથે તરત જ શકુરમિયાંની રૂહ શરીરમાંથી નીકળી ગઈ..

શકુરમિયાંની આંખ બંધ થતાની સાથે જ જાવેદ અને આખા પરિવારે માં અને બાપ બેયની છત્રછાયા ગુમાવી દીધી. ત્રણેય જણાં ત્યાં જ પડી ભાંગ્યા... એકબીજાને ગળે લગાડીને સાંત્વના આપી શકે એટલી હિમ્મત પણ એકેયમાં નહોતી. સુમીત પણ એ વખતે ત્યાં જ હાજર હતો.

ઈરફાન સાંજ સુધીમાં ગામડે પહોંચવાનો હતો... બધા સગાઓ પહોંચી ગયા હતા... ફક્ત ઇરફાનની રાહ હતી.. એ આવે અને છેલ્લી વખત એનાં અબ્બાને જોઈ લે પછી દફનવિધિ કરવાની હતી.

દાનીશને ખબર પડતાં તે પણ રહેમતનાં ઘરે પહોંચી ગયો હતો.. અને ઘરની કોઈ વ્યક્તિ કામે લાગી જાય એ રીતે એ જાવેદને આવતા ની સાથે જ મદદમાં લાગી ગયો.

આખરે સાંજનાં છ વાગ્યે ઈરફાન આવી પહોંચ્યો.....

શકુરમિયાંને જોઈને એ જાવેદનાં ગળે લાગીને રડીને બોલવા માંડ્યો... ભાઈ ! આટલાં વરસોથી માં-બાપથી આઘો છું પણ હમેશાં મનમાં એક દિલાસો રહેતો કે ભલે એ મારાથી નારાજ છે પણ એમની દુવાઓમાં હું હમેશાં સામેલ છું... પણ હવે તો મનમાં એ દિલાસો પણ નહીં રહે... કારણકે મારા માટે દુવા કરનારા માં-બાપ હમેશાં માટે મને મૂકીને જતાં રહ્યા..

અત્યાર સુધી પોતાનાં આંસુઓને રોકીને બેઠેલો જાવેદ કચકચાવીને ઇરફાનને ગળે લાગી ગયો... અને ચોધાર આંસુએ રડીને જોરથી બોલી ઉઠ્યો.... ઇરફાનયા ! આપણે અનાથ થઈ ગયા.... આપણાં માથેથી માં-બાપ બેયનો સાયો ઊઠી ગયો.

આખરે મસ્જિદમાં નમાઝે જનાઝા અદા કરીને શકુરમિયાંની દફનવિધિ પૂરી કરવામાં આવી.

ત્રીજા દિવસે ઝિયારતની વિધિ રાખી હોવાથી દાનીશ મોડી રાત સુધી રોકાઈને બધા કામમાં મદદરૂપ થઈને ઝિયારતમાં પહોંચી જાશે કહીને જાવેદની રજા લીધી અને અમદાવાદ જવા નીકળી ગયો.

ઝિયારતનાં દિવસે વહેલી સવારે જ દાનીશ રહેમતનાં ઘરે પહોંચી ગયો..

ઇરફાનને ઊડતી-ઊડતી વાત મળી તી કે એમની ખેત-પેદાશ ખરીદતા એક વેપારીએ રહેમતનો હાથ માંગ્યો હતો પણ રહેમતે બીજા લગન કરવાથી ઇનકાર કરી દીધો હતો.

આખરે બધી વિધિ અને જમવાનું પતી જતાં સૌ સંબંધીઓ પોતાનાં ઘરે જવા નીકળી રહ્યા હતા.

અચાનક ઇરફાનની નજર દાનીશ સાથે વાત કરતી રહેમત ઉપર પડી.. ઇરફાને બાજુમાં ઉભેલા સુમિતને પૂછી લીધું... આ કોણ છે? સવારનો એ વ્યક્તિ આપણાં ઘરનો સદસ્ય હોય એ રીતે કામ કરી રહ્યો છે.

સુમિત બોલ્યો... એ દાનીશ છે... મારો મિત્ર અને આપણી ખેતપેદાશોને ખરીદનારો વેપારી...

ઈરફાને સુમિતની સામે જોઈને પૂછી લીધું... શું આ એ જ વ્યક્તિ છે જેણે રહેમત સાથે લગન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી?

સુમિત થોડીકવાર સુધી એકધારો દાનીશનાં ચહેરા સામે જોઈ રહ્યો અને બોલ્યો.... તારે હવે રહેમતબેન હારે શું લેવા-દેવા? છતાં પણ તું પૂછે છે તો કહી દઉં કે હા.... દાનીશ એ જ વ્યક્તિ છે જેણે રહેમતબેન સાથે લગન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ સાંભળીને વરસો પહેલા રહેમતને તરછોડી દેનાર ઇરફાનનું ધણીપણું જાગી ઉઠ્યું... ઇરફાને પોતાનાં બંને બાળકોને પોતાની પાસે બોલાવીને વ્હાલ કરાની કોશિશ કરી હતી પણ તેનાં બંને બાળકો તેનાથી દૂર જ ભાગતા હતા... અને અફસાના તો રીતસરની રડી જ પડતી...

દાનીશને જોઈને અફસાના દોડતી-દોડતી અંકલ.... અંકલ... કહીને દાનીશને ચોંટી ગઈ અને હમેંશાની જેમ દાનીશે એને ઉપાડી લીધી. આ જોઈને ઇરફાનનું વધારે લોહી ઉકળી ઉઠ્યું... ઇરફાનથી સહન નહોતું થતું કે એની જૂની પત્ની કોઈ બીજા પુરુષ જોડે વાત કરે અને બીજો કોઈ પુરુષ એનાં હારે લગન કરવાની ઇચ્છા વ્યક્ત કરે.... તે દાનીશ અને રહેમત ઊભા હતા ત્યાં પહોંચી ગયો.

પહેલા તો એ દાનીશ અને રહેમતને એકધારો જોઈ રહ્યો.. તેની આંખોમાં રીતસર ગુસ્સો વરસી રહ્યો તો... એ દાનીશની સામે ગુસ્સાથી જોઈને બોલ્યો.... ઉતાર મારી દીકરીને નીચે... અને જોરથી બોલ્યો..... તારી હિમ્મત કેમ થઈ મારી પત્ની માટે માંગુ નાખવાની? તે વિચાર્યું જ કઈ રીતે એની સાથે લગન કરવાનું? કહીને ઇરફાને દાનીશને ધક્કો માર્યો... અફસાના આ જોઈને રડવા માંડી.

હજી તો દાનીશ પલટીને ઇરફાનને કોઈ જવાબ આપે એ પહેલા રહેમતે પોતાના અંદર જેટલું જોર હતું એ બધુ જ લગાવી દઈને ઈરફાનનાં ગાલ ઉપર એક જોરદાર તમાચો જડી દીધો. તમાચાનો અવાજ એટલો જોરદાર હતો કે આવેલા બધાનું ધ્યાન એ તરફ ગયું.

રહેમતે મારેલો તમાચો એટલો જોરદાર હતો કે થોડીકવાર તો ઇરફાનનાં કાનમાં તમ્મર ચડી ગઈ અને ગાલમાં ચમચમાટી બોલાઈ ગઈ ... રહેમતનાં ગુલાબી હાથનાં પાંચેય આંગળાઓની છાપ ઈરફાનનાં ગાલ ઉપર પડી ગઈ.

રહેમત પહેલીવાર ઇરફાનને તુકારો દઈને બોલી.... ”તારી હિમ્મત કઈ રીતે થઈ મને તારી પત્ની કહેવાની અને મારી દીકરીને તારી દીકરી કહેવાની? ભૂલી ગયો હોય તો યાદ દેવડાવી દઉં કે તું વરસો પહેલા મને પત્ની કહેવાનો અને મારા.... અને ફક્ત મારા છોકરાંઓનો બાપ કહેવડાવવાનો હક ક્યારનોય ગુમાવી ચૂક્યો છે”.

ઈરફાન દિગ્મૂઢપણે રહેમત સામે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો કે... રહેમત તો કેટલી ભોટ હતી... એનાં અંદર આટલી હિમ્મત ક્યાંથી આવી ગઈ?

રહેમત ગુસ્સાથી જોર-જોરથી બોલવા લાગી કે... આ દાનીશ છે... મારો મિત્ર છે અને આજીવન રહેશે... અને બીજી વાત કોઈ મારા સાટું માંગુ મોકલે કે પછી હું બીજા લગન કરું એ ફક્ત અને ફક્ત.... મારી મરજીની વાત છે... આ મારું જીવન છે હું ગમે એ કરું.... તારે એમાં કાઇં લેવા-દેવા નહીં...

રહેમત બોલી.... મને આમ દાનીશ સાથે ખાલી વાત કરતાં જોઈને તને આટલી બળતરા થઈ આવી તો જરાક વિચાર.... તે તો બીજી હારે નિકાહ કરી લીધા અને એણે તારી છોકરીય જણી લીધી.... તો એ જાણીને મને કેટલી બળતરા થઈ હશે... મારું કેટલું લોહી બળ્યું હશે અને હું કેટલી રાતો જાગી છું અને હાલમાં અત્યારે મારા ઉપર શું વીતી રહ્યું છે... એ જાણવાનો તે કોઈ દી વિચાર કર્યો છે?

ધગધગતા લાવાની માફક ગુસ્સાથી તરબતર આંસુઓ રહેમતની આંખોમાંથી દળ-દળ વહી રહ્યા હતા અને એ બોલી ઊઠી.... આટલાં વરસો પછી તારું મારા માટે ધણીપણું જાગી ઉઠ્યું? જો વરસો પહેલા તને આવો જ તમાચો ઝીંકીને મારું બાયડીપણું બતાવ્યુ હોત ને તો તું બીજી આગળ જાવાની હિમ્મત જ ના કરેત... પણ શું કરતી? એ અખતે ઉંમરેય નાની હતી ને આટલી હિમ્મતેય નહોતી...

દાનીશ આ બધું સાંભળીને એકધારો રહેમત સામે જોઈ રહ્યો.

ત્યાં જાવેદ ઇરફાનની આગળ આવ્યો અને એક જોરદાર તમાચો એનાં ગાલે ઝીંકી દીધો... અને બોલ્યો.. ઇરફાનયા ! આ શું નાટક લગાવ્યું છે? તારી હિમ્મત કેમ થઈ રહેમતનાં જીવનમાં દખલ અંદાજી કરવાની? વરસો પહેલા તારો એની હારે સંબંધ પૂરો થઈ ગયો છે... અને એક વાત કાનમાં રૂ નું પૂમડું કચોકચ ઠસાવીએ છીએ એ રીતે ઠસાવી લે જે... રહેમત મારી દીકરી છે અને આજે જે રીતે તે એનાં હારે વાત કરી એવું ફોકટનું ધણીપણું બીજી વખત એની આગળ બતાવ્યું તો તારા બેય ટાંટયા ભાંગી નાખીશ. હવે ચલ, નીકળ અહીંથી.... કહીને જાવેદે એણે ડેલીનો રસ્તો દેખાડી દીધો.

જાવેદની સામે બોલવાની ઇરફાનને ક્યારેય હિમ્મત જ નહોતી... અને પોતે ખોટો છે અને રહેમત સાથે એણે ખોટું કર્યું છે એનો અહેસાસ પણ એને હતો જ. જાવેદનો જતાં રહેવાનો ઈશારો સમજી જઈને ઈરફાન નીચું મોં કરીને ઘરની ડેલી પાર કરી ગયો.

***