Mari Chunteli Laghukathao - 30 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 30

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

નિશ્ચય

નીલાંચલ, હા ત્રીસ માળની બિલ્ડીંગનું આ જ નામ છે જેના અઢારમાં માળે અઢારસો સ્ક્વેર ફૂટના આલીશાન ફ્લેટમાં જગદીશલાલ પોતાની અઢળક સંપત્તિ સાથે સાવ એકલા રહે છે. એકનો એક દીકરો તો વિદેશમાં પોતાના મૂળિયાં મજબૂત કરવા એક વર્ષ પહેલા જ ઉડી ગયો હતો અને બે વર્ષ અગાઉ મૃત્યુએ પત્નીને પણ તેમનાથી છીનવી લીધી હતી.

જગદીશલાલનું મન છેલ્લા વીસ દિવસથી બેચેન હતું. એકલાપણું હવે તેમની ઉંમર પર ભારે પડવા લાગ્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલના સ્ક્રિનને આંગળીથી સ્પર્શ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. છેવટે તેમની આંગળીએ મોબાઈલના સ્ક્રિનને ટચ કરી જ દીધો.

“હેલ્લો પપ્પા!” સામેથી ઊંઘરેટો અવાજ આવ્યો, “પપ્પા અત્યારે અહીંયા રાતના બે વાગ્યા છે.”

“હું જાણું છું બેટા!”

“તો...”

“હું છેલ્લી વીસ રાતથી સુઈ નથી શક્યો.”

સામેથી કોઈજ અવાજ નથી આવી રહ્યો.

“હું તને છેલ્લીવાર પૂછું છું... એકલાપણું હવે મને ડરાવવા લાગ્યું છે.”

“સુવા દો ને પપ્પા!” ત્યાંની ખીજ અહીં સુધી પહોંચી ગઈ છે.

“ના બેટા, જો હું જાગી જાગીને રાત પસાર કરું છું તો તું કેવી રીતે શાંતિથી સુઈ શકે છે!”

“તમારે શું જોઈએ છીએ પપ્પા?” ખીજ હવે ગુસ્સામાં બદલાઈ ગઈ છે.

“હું ઈચ્છું છું કે આજે તું તારો નિર્ણય લઇ જ લે.”

“કેવો નિર્ણય...?”

“શું તું કાયમ માટે ભારત પરત આવી શકે છે?”

“શીટ... એવું કેવી રીતે બની શકે છે?”

“તો ઠીક છે, હું નિર્ણય લઇ લઉં છું. હું મારું બધું જ વૃદ્ધાશ્રમને આપીને ત્યાં શિફ્ટ થઇ જાઉં છું.” જગદીશલાલનો અવાજ કઠોર થઇ ગયો છે.

“ના પપ્પા, એવું તો કઈ થાય?” સામેથી આવેલા અવાજમાં અવિશ્વાસની આશંકા છે.

“થાય બેટા, આજકાલ આવું પણ થાય છે. હું અનાથ મરવા નથી માંગતો.” અહીંના અવાજમાં એક નિશ્ચય ઉભરીને બહાર આવ્યો છે.

જગદીશલાલની આંગળી ફોન બંધ કરવાનું ભૂલી ગઈ છે. સામેથી હેલ્લો...હેલ્લો... નો અવાજ આવી રહ્યો છે પરંતુ એક નિશ્ચય લઇ લીધા બાદ તેમને કશું જ સંભળાઈ રહ્યું નથી.

***