Mari Chunteli Laghukathao - 38 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 38

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

આ પણ એટલુંજ સત્ય છે કે...

આ વહેલી સવારની વાત છે.

રામપ્રસાદ જૈનનું પોતાના સમાજમાં અત્યંત પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે. ચાતુર્માસના નવકાર મંત્રનું સહુથી વધુ પઠન આમના નિવાસસ્થાનેથી જ થતું હોય છે. આજે સવારે જ્યારે તેઓ સ્થાનક પર પહોંચ્યા ત્યારે સમગ્ર હોલ ખીચોખીચ ભરેલો હતો. દિવાળીના પર્વ નિમિત્તે મુનિશ્રી સુરત્નસાગરજીનું પ્રવચન સાંભળીને તમામ પોતાની જાતને ધન્ય કરી દેવા માંગતા હતા. રામપ્રસાદને હોલની છેલ્લી લાઈનમાં બહુ મુશ્કેલી બાદ સ્થાન મળ્યું પણ તો પણ તેઓ મન મારીને અહીં બેસી ગયા.

“આ પવિત્ર સવારે હું સમાજ પાસેથી એક વચન લેવા માંગુ છું.” મુનિશ્રીનો ગંભીર સ્વર હોલની છેક છેલ્લી લાઈન સુધી પહોંચ્યો.

“શું સમાજ મને એ વચન આપવા માટે તૈયાર છે કે આ વખતે મહાવીર નિર્વાણ દિવસ પર તમે બધા વાતાવરણને વાયુ તેમજ ધ્વની પ્રદુષણથી મુક્ત રાખશો?” મુનિશ્રીનો ઓજસ્વી સ્વર સમાજના તમામ લોકો તરફથી સમર્થન મેળવવા માટે સમર્થ હતો.

“હા અમે વચન આપીએ છીએ.” પૂરા સમાજે મુનિશ્રીના વિશ્વાસનું સન્માન કરતા પોતપોતાના હાથ ઉભા કરી દીધા.

એક સ્થાનિક ટીવી ચેનલે પોતાના સંવાદદાતા દ્વારા મોકલવામાં આવેલા આ સમાચારને આખો દિવસ બ્રેકિંગ ન્યૂઝ તરીકે મુખ્યરૂપમાં પ્રસારિત કર્યા.

આ જ દિવસની રાત્રીના બીજા પ્રહરની વાત છે.

એ જ ટીવી ચેનલનો એક સંવાદદાતા દીપ પર્વની ઝળહળ રાત્રીનું કવરેજ કરતા કરતા લાઈવ બાઈટ લેવા માટે જૈન કોલોની પહોંચી ગયો.

ધડામ.. ધડામ... ધડ... ધડ... સૂ.. સૂ. આખી કોલોની આતશબાજી કરવાની આંધળી દોટમાં લાગી પડી છે.

“જૈન સાહેબ! અમે તો અમારી ચેનલ પર આખો દિવસ એ જ સમાચાર દેખાડતા રહ્યા કે પુરા જૈન સમાજે મુનિશ્રીને પ્રદુષણમુક્ત પર્વ મનાવવાનું વચન આપ્યું છે.” સંવાદદાતાએ માઈક રામપ્રસાદ જૈન તરફ કર્યું તો કેમેરામેને પણ કેમેરો એમની તરફ સ્થિર કરી દીધો.

“મુનિશ્રીનો આદેશ હતો... અમારે માનવાનો જ હોય.” એક સુતળી બોમ્બ ફૂટ્યો અને તેના અંગાર છેક સંવાદદાતા સુધી પહોંચ્યા.

“તો આ બધું...?” એક રોકેટ બહુ ઝડપથી આકાશ તરફ ઉડી ગયું.

“બાળકોની જીદ! શું કરીએ ભાઈ, બાળકોએ બસ એક જ જીદ પકડી કે જો તેમને બોમ્બ અને અન્ય ફટાકડાઓ નહીં આપવામાં આવે તો એ લોકો જમશે નહીં, પાણી પણ નહીં પીવે કે પછી દિવાળી પૂજન પણ નહીં કરે. આજકાલના બાળકોની જીદ તો તમે સમજો જ છો.” એક મોટી કોઠીનો પ્રકાશ એવો તો ફેલાયો કે કેમેરામેનની ફ્લેશલાઈટની ચમક પણ તેમાં ખોવાઈ ગઈ.

જો કે આ પણ એટલુંજ સત્ય છે કે આ સંવાદદાતા એ સત્યથી પણ પરિચિત હતો કે કોલોનીમાં ફટાકડાની સહુથી મોટી દુકાન તો રામપ્રસાદ જૈનના જમાઈની જ છે.

***