Mari Chunteli Laghukathao - 42 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 42

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

કદાચ...

બદનામ ગલીઓની આ નાનકડી રૂમમાં અરીસાની સામે ઉભી સુરેખા પોતાના ભૂતકાળ અને વર્તમાનને સ્પષ્ટ જોઈ રહી હતી.

બંનેમાંથી કોઈએ પણ આ ઈચ્છ્યું ન હતું પરંતુ જવાનીના જોશમાં આવીને બંને તેને રોકી પણ શક્યા ન હતા. પરિણામ તો પછી એ જ આવ્યું જે કાયમ આવતું હોય છે. મદન રફુચક્કર થઇ ગયો અને સુરેખા એણે આપેલી ભેટને પોતાના ગર્ભમાં લઈને એ કોઠા પર આવી ગઈ.

વીસ વર્ષ પસાર થઇ ગયા છે. એનું શરીર નીચોવાઈ ગયું છે અને તેના વાળમાં હવે સફેદી ઉતરી આવી છે. અત્યારે તો તેના કસાયેલા શરીર અને કાળા ભમ્મર વાળ વાળી એક આકૃતિ અરીસામાં ઉભરી રહી છે.

ધપ્પ... ધપ્પ... એના દરવાજા પર અવાજ થયો તો એ ચોંકી ઉઠી. એની રૂમ પર હવે તો કોઈ આવતું પણ ન હતું.

હા, આ ‘અમ્મા’ જ હતી જે તેની રૂમનો દરવાજો ધક્કો મારીને અંદર આવી ગઈ હતી.

“તારી દીકરીને સમજાવ. એ એજ કરવા જઈ રહી છે જે વીસ વરસ પહેલા તે કર્યું હતું.” ગુસ્સાથી અમ્માનો અવાજ મોટો થઇ ગયો હતો.

“પણ અમ્મા! એની સાથે અહીં તો એજ થશે ને જે મારી સાથે વીસ વીસ વર્ષથી મારી સાથે થઇ રહ્યું છે?” એના અવાજમાં પણ રોષ ઉભરી આવ્યો છે.

“જો, સુમન એ છોકરા સાથે ભાગી ગઈ તો તારા અને મારા ઘડપણનું શું થશે?” અમ્માએ આશંકાની કાળી ચાદર ઓઢી લીધી. “હવે તો ગ્રાહકો પણ તારી રૂમથી પોતાનું મોઢું ફેરવી રહ્યા છે.”

“તો...?” સુરેખાના મોઢા પર એક પ્રશ્નાર્થ આવીને ઉભો રહી ગયો.

“તું સુમનના લગ્ન પેલા છોકરા સાથે કરી દે અને..” અમ્માની અડધી વાત તો સુમનના માથા પરથી જતી રહી. તેની પ્રશ્નોથી ભરેલી આંખો અમ્માની આંખ સાથે અથડાવા લાગી.

“આપણે ચારેય કોઈ બીજા શહેરમાં જતા રહીશું મારી દીકરી અને સાથે જ રહીશું. હું પણ આ બધાથી હવે ખૂબ થાકી ગઈ છું. કદાચ આમ કરવાથી આપણા બંનેનું ઘડપણ સુધરી જાય.” અમ્માનું આમ કહેવાની સાથેજ સુરેખા એમની છાતી સાથે ભેટી પડી અને ડૂસકાં ભરવા લાગી.

***