Mari Chunteli Laghukathao - 44 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 44

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

હજી કાંઇક બાકી છે

નીરા જ્યારથી ઉઠી છે ત્યારથી તેના મનમાં કોઈ ગુસ્સો ભરાયેલો છે. રાત્રે જ્યારે તે સરખી રીતે ઊંઘી ન શકે તો તેની સાથે આમ જ બને છે. એ ઘણી વખત એવું વિચારે છે કે રાત્રે ઊંઘતા અગાઉ તે ટીવી પર સમાચારોની ચેનલો ન જોવે પરંતુ બીજી ચેનલો પર પણ એ જ રડારોળ અને સાસુ-વહુ જ તો ચાલી રહ્યું હોય છે! પતિના કસમય અને અચાનક થયેલા મૃત્યુ બાદ તેને જ સમગ્ર વ્યાપાર સંભાળવો પડ્યો કારણકે દીકરો તો અમેરિકાથી પરત થવાનું નામ જ લેતો ન હતો.

ટીવી પર પ્રસારિત ચાર સમાચાર આખી રાત તેના મનમાં સંભળાતા રહ્યા... ચાલતી કારમાં સગીરા સાથે દુષ્કર્મ, અમેરિકામાં ભારતીયો પર રંગભેદી હુમલાઓ, દેશના ઘણા ભાગમાં ખેડૂતોની સતત આત્મહત્યા અને હવે તેમનું ઉગ્ર આંદોલન, દુષ્કાળને કારણે દેશના ગામડાઓમાં વધતી બેરોજગારીની વિસ્ફોટક પરિસ્થિતિ અને તેને કારણે લોકોનું શહેરો તરફ પલાયન અને ત્યાં ભીખ માંગવા માટે મજબુર.

નાસ્તાના ટેબલ પર પણ નીરાનું મન ઉકળાટ કરી રહ્યું હતું અને ઘરેથી કારમાં પોતાના વ્યવસાયના સ્થળ પર જતી વખતે પણ તે બેચેની અનુભવી રહી હતી.

ઘરથી વ્યવસાયનું સ્થળ માત્ર ૬ કિલોમીટર જ દૂર હતું પરંતુ દિલ્લીની આ લાલ-લીલી બત્તીઓ તે અંતરને ૪૦ મિનીટ જેટલું લંબાવી દેતું હતું. આવી જ એક લાલ બત્તી પર નીરા ની કાર એક લાંબી લાઈનમાં ઉભી રહી છે. ત્યારેજ તેને કારના કાચ પર ઠક... ઠક... સંભળાય છે.

એક છોકરો પોતાના હાથમાં કેટલાક રમકડાં લઈને તેની કારની બારીને ઠકઠક કરી રહ્યો હતો. નીરા ના હાથે અકસ્માતે જ એ બારીનો કાચ નીચે ઉતારી દીધો.

“મેમ સા’બ, રમકડાં... તમારા બાળકો માટે... ૫૦ રૂપિયાનું એક...”

“ઓહ! પણ બેટા મારા ઘરમાં તો કોઈજ બાળક નથી. તું એક કામ કર, તું આ દસ રૂપિયા રાખી લે.” તેણે એ છોકરા તરફ નોટ ધરતા કહ્યું.

“ના મે’મ! મા એ કહ્યું છે કે આમ કરવાથી મને ભીખ માંગવાની આદત પડી જશે.” આટલું કહીને એ આગળ વધી ગયો.

“ઉભો રહે...!” તેના અવાજે છોકરાના આગળ વધી રહેલા પગલાં રોકી લીધા છે.

“બે આપી દે.” નીરા ના એક હાથમાં દસની નોટ છે પણ તેનો બીજો હાથ સો રૂપિયાની નોટ સાથે છોકરા તરફ આગળ વધી રહ્યો છે.

છોકરાએ બે રમકડાં તેની તરફ કર્યા. લીલી બત્તી થઇ ગઈ છે. કાર ધીમે ધીમે આગળ વધી રહી છે. છોકરો ખુશીથી સ્મિત કરતો એક તરફ જઈ રહ્યો છે. નીરા ના ચહેરા પર સંતુષ્ટિ તરી રહી છે.

***