Devil Return-2.0 - 15 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 15

ડેવિલ રિટર્ન-2.0

15

નાયક દ્વારા દિપકનાં ઘર જોડે જીપને થોભાવતાં ની સાથે જ અર્જુન જીપમાંથી હેઠે ઉતર્યો અને દિપકનાં ઘરનાં પ્રવેશદ્વાર તરફ ચાલી નીકળ્યો.

ઘરનાં દરવાજે અર્જુને હાથ અથડાવી નોક કર્યું એ સાથે જ દિપકે ઘરનો દરવાજો ખોલ્યો. અર્જુન, નાયક અને જાનીને અચાનક ત્યાં આવી ચડેલાં જોઈ દિપકને આંચકો જરૂર લાગ્યો પણ પછી એ પોતાની મનોસ્થિતિ પર કાબુ મેળવતાં સસ્મિત અર્જુનને આવકારતાં બોલ્યો.

"એસીપી સાહેબ તમે, આવો આવો.. "

અર્જુને દિપકનાં ચહેરાનાં બદલાયેલાં ભાવ નોંધી લીધાં હતાં પણ દિપકને ઘરમાં જઈ શાંતિથી સવાલ કરશે એ ગણતરીએ અર્જુન દિપકનાં ઘરમાં પ્રવેશ્યો.. જાની અને નાયક પણ દિપકની પાછળ-પાછળ ઘરમાં આવ્યાં.

"સાહેબ અહીં બેસો.. "પલંગ પર બેસવાનું જણાવતાં દિપકે અર્જુનને સંબોધી કહ્યું.

દિપકનાં આમ બોલતાં અર્જુન, જાની અને નાયક પલંગમાં બેઠાં.. એમનાં બેસતાં જ દિપક બોલ્યો.

"બોલો સાહેબ શું લેશો.. ચા કે કોફી.. ?"

"ના ચા કે, ના કોફી.. બસ થોડાં જવાબ જોઈએ છે અને એ પણ સાચાં.. "અર્જુન કડકાઇથી બોલ્યો.

અર્જુનનાં આમ બોલતાં જ દિપકનો ચહેરો રૂ ની પુણી જેમ ફિક્કો પડી ગયો. અર્જુનને શું પ્રત્યુત્તર આપવો એ વિશે ઘડીભર વિચારતો દિપક ચૂપચાપ ઉભો રહ્યો.

"શું થયું દિપક.. સાપ સૂંઘી ગયો કે શું.. ?મળશે અમને અમારાં સવાલનાં જવાબ કે પછી કોઈ બીજી તરકીબ નિકાળવી પડશે. "નાયક રોફ જમાવતાં બોલ્યો.

"અરે બોલો બોલો.. તમે શું પૂછવા માંગો છો.. ?"હસવાનો દેખાવ કરતાં દિપક બોલ્યો.

"તે જનરેટરની પાઇપ કેમ કાપી હતી.. ?"સમય ની કિંમત જાણતાં અર્જુને સીધો સવાલ કરી લીધો.. દિપકનાં વર્તન પરથી અર્જુન સમજી ચુક્યો હતો કે એમનો શક સાચો જ છે.

"કયાં જનરેટરની પાઈપ અને ક્યારે.. ?આ તમે શું પૂછો છો.. ?"પોતાની ચોરી પકડાઈ ગઈ હોવાનું માલુમ પડતાં દિપક થોથવાતાં બોલ્યો.

"દિપક.. સીધી રીતે બતાવે છે કે પછી નાયક ને કહું.. ?"અર્જુન ગુસ્સામાં બોલ્યો.

"સાહેબ, સાચેમાં તમે શું કહો છો એમાં મને કંઈપણ ખબર નથી પડતી.. "દિપકનું નાટક ચાલુ જ હતું.

દિપકનાં આમ બોલતાં જ અર્જુને નાયકની તરફ જોયું.. નાયક અર્જુનનો ઈશારો સમજી ગયો અને ઉભાં થઈને ખુરશી પર બેસેલાં દિપકને ત્રણ-ચાર લપડાક લગાવી દીધી. નાયકનાં હાથની ઝાપટ ખાઈને દિપક નીચે ભોંય પર પછડાયો.

"હવે જણાવે છે સત્ય કે પછી પોલીસ સ્ટેશન જઈને તારી મહેમાનગતિ કરીએ. "અર્જુનનાં અવાજમાં તાપ વર્તાતો હતો.

દિપક સમજી ચુક્યો હતો કે એનું જુઠાણું વધુ સમય નહીં ચાલે એટલે એને સત્ય બોલવામાં પોતાની ભલાઈ હોવાનું સમજતાં ઉભાં થઈને અર્જુનની સામે હાથ જોડીને કહ્યું.

"સાહેબ.. મને માફ કરી દો, સાચેમાં એ દિવસે જનરેટરની પાઈપ મેં જ કાપી હતી. "

દિપકનાં આમ બોલતાં જ અર્જુનનો પિત્તો ગયો અને એને પોતાનો ફૌલાદી હાથ દિપકનાં ગાલ ઉપર ઝીંકી દીધો. અર્જુનનાં હાથનો પ્રસાદ પડતાં જ દિપકનાં હોઠની જમણી બાજુથી લોહી આવવાં લાગ્યું. અર્જુનનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો, એને દિપકનું ખમીસ ગરદનનાં ભાગથી પકડીને કહ્યું.

"તારી એક ભૂલનાં લીધે એ દિવસે ચાલીસ પોલીસકર્મીઓનાં જીવ પર આવી બની હતી.. અને આજે હજારો શહેરીજનો તારી એ જ ભૂલનાં લીધે ભયનાં ઓથાર નીચે જીવવા મજબૂર બન્યાં છે. હકીકતમાં તે જે કર્યું એ ભૂલ નહીં પણ એક મોટો ગુનો છે જેની સજા ફક્ત મોત જ હોઈ શકે. "ક્રોધાવેશ અર્જુને કહ્યું.

"સાહેબ, પ્લીઝ મને માફ કરી દો.. હું એ ક્રિસ નામનાં રક્તપિશાચની વાતમાં આવી ગયો હતો.. જેનાં માટે મારી મજબૂરી જવાબદાર હતી. "રડમસ અવાજે દિપક બોલ્યો.

"શું હતી તારી મજબૂરી એ જણાવીશ.. ?"અર્જુને કહ્યું.

"સાહેબ, આ તરફ આવો.. "આટલું કહી દિપક ઉપરનાં માળે જતો દાદરો ચડવા લાગ્યો.. અર્જુન, નાયક અને જાની એને અનુસરતાં દાદરો ચડીને ઉપર આવ્યાં.. દાદરો ચડીને ડાબી તરફ એક બંધ ઓરડાનો દરવાજો ખોલી અંદરની લાઈટ ઓન કરતાં દિપક બોલ્યો.

"સાહેબ આ રહી મારી મજબૂરી.. જેને મને આ અપરાધ કરવાં મજબુર કર્યો. "ઓરડામાં એક બેડ પર સુતેલી બુઝુર્ગ મહિલા તરફ આંગળી કરતાં દિપક બોલ્યો.

"કોણ છે આ.. ?"અર્જુને દિપકને સવાલ કર્યો.

"સાહેબ આ મારી માં છે.. પિતાજીની નાનપણમાં છત્રછાયા ગુમાવ્યાં પછી મારી માં એ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી એકલે હાથે મને ઉછેર્યો.. હવે જ્યારે એને શાંતિથી જીવવાના દિવસો આવ્યાં ત્યારે માલુમ પડ્યું કે એને બ્લડ કેન્સર છે. ડોક્ટરોએ કહી દીધું જે હવે મારી માં એકાદ વર્ષની મહેમાન છે. આ બીમારીનાં લીધે મારી માં ઘણાં સમયથી પારાવાર પીડા ભોગવી રહી છે.. અત્યારે પણ એ શાંતિથી સુઈ શકે એ માટે એને ઘેનની દવા આપી છે. મારાં માટે મારી જનેતા સર્વસ્વ છે, એનાં માટે હું કંઈપણ કરી શકું એમ છું. "

"જ્યારે મેં શેખ સાહેબનાં મુખે આ રક્તપિશાચોની અદભુત શક્તિ વિશે જાણ્યું એ દિવસથી મને આશા બંધાઈ કે એ લોકોની આ શક્તિ મારી માં ની માંદગી દૂર કરી શકે એમ છે.. એ રાતે જ્યારે લેબ પર હુમલો થયો એ રાતે રક્તપિશાચોની ટોળકી મને પણ મારી જ નાંખવાની હતી પણ મેં એમને ભવિષ્યમાં મદદરૂપ થવાની અને સદાયને માટે એમનાં વફાદાર બની રહેવાની વાત કરી ત્યારે ક્રિસ માની ગયો અને એ લોકોએ મને જીવિત છોડવાની તૈયારી બતાવી. "

"ક્રિસે મને પોતે જ્યારે પણ કોઈ કાર્ય સોંપે ત્યારે એ કરવાં જણાવ્યું જેનાં બદલામાં મેં મારીમાં ની માંદગી ની વાત કરી.. ક્રિસે આ સાંભળી મને પોતાનું રક્ત આપવાની વાત કરી પણ એ માટે એને મને મારી વફાદારી સાબિત કરવાં કહ્યું. એ રાતે ક્રિસનાં કહેવાથી જ તમે જ્યાં ડ્યુટી કરતાં હતાં ત્યાં હું આવ્યો. તમે લોકો નાસ્તો કરવામાં વ્યસ્ત હતાં એ તકનો લાભ લઈ મેં જનરેટરની પાઈપ કાપી નાંખી. "

"સાહેબ, મને માફ કરી દો.. હું મારી માં નાં પ્રેમ આગળ આંધળો બની ગયો હતો. "આટલું બોલતાં જ દિપક રડી પડ્યો.

દિપકની વાત સાંભળી અર્જુનને પણ થયું કે દિપકે જે કર્યું એ ખોટું જરૂર હતું પણ એક પુત્ર તરીકે એને એ સમયે શાયદ પોતાની માં ની જીંદગી વધુ મહત્વની લાગી હશે.

"દિપક, જે થઈ ગયું એ વિશે વ્યર્થ વિચારવું નકામું છે.. પણ તું માતૃપ્રેમમાં એ ભૂલી ગયો કે આ શહેરમાં એવી હજારો માં રહે છે જેની જીંદગી હાલ તારાં લીધે જોખમમાં છે.. આ સમય રડવાનો નથી પણ ભૂલ સુધારવાનો છે. "દિપકનાં ખભે હાથ મૂકી અર્જુન બોલ્યો.

"બોલો સાહેબ, હું આપની શું મદદ કરી શકું છું.. ?"પોતાનાં આંસુ લૂછતાં દિપક બોલ્યો.

"ચાલ પહેલાં નીચે હોલમાં જઈએ પછી તને જણાવું કે તું અમારી શું મદદ કરી શકે છે. "અર્જુનનાં આમ બોલતાં જ બધાં નીચે હોલમાં આવ્યાં.

"દિપક, તું ક્રિસ જોડે કઈ રીતે વાર્તાલાપ કરે છે.. ?"અર્જુને હોલમાં આવતાં જ દિપકને સવાલ કર્યો.

"મતલબ.. ?"દિપક બોલ્યો.

"મતલબ કે ક્રિસ તને કોઈ કાર્ય સોંપતો હોય તો કઈ રીતે એ તારી સાથે કોમ્યુનિકેશન કરે છે.. ?એ રૂબરૂ મળે છે કે પછી અન્ય કોઈ રીતથી.. ?"અર્જુને વિગતે કહ્યું.

"લેબમાં થયેલાં હુમલા પછી હું અને ક્રિસ ક્યારેય મળ્યાં જ નથી.. પણ જ્યારે મેં લેબમાં એની ગુલામી સ્વીકારી ત્યારે એને મને પોતાની સાથે કોમ્યુનિકેટ કઈ રીતે કરવું એની પદ્ધતિ શીખવી હતી. "દિપક બોલ્યો.

"તો દિપક રાહ શેની જોવે છે.. તું અત્યારે જ ક્રિસ સાથે સંપર્ક સાધીને એ માલુમ કર કે હાલ એ લોકો ક્યાં છે અને આગળ જતાં એમની યોજના શું છે. ?"અર્જુને દિપક ને કહ્યું.

અર્જુનની વાત સાંભળી દિપકે હકારમાં ગરદન હલાવી અને આંખો બંધ કરી પોતાનાં કપાળની બંને તરફ ધ્યાન ધરી મનોમન કંઈક રટણ કરવાં લાગ્યો.. નાયક, જાની અને અર્જુન દિપક શું કરી રહ્યો છે એ ધ્યાનથી જોઈ રહ્યાં હતાં.

દિપક બે-ત્રણ મિનિટ સુધી તો આમ જ ક્રિસ સાથે સંપર્ક સાધવાની કોશિશ કરતો રહ્યો પણ એવાં ચહેરા પરથી એ સમજાઈ રહ્યું હતું કે એમાં દિપકને સફળતા નથી મળી રહી.. આખરે કંટાળીને દિપકે આંખો ખોલી અને હતાશ ચહેરે ડોકું નકારમાં હલાવવાં લાગ્યો.

"શું થયું દિપક.. ?"દિપકનાં આંખો ખોલતાં જ અર્જુને સવાલ કર્યો.

"સાહેબ, મારાં તરફથી તો મોકલાવેલાં સંકેતો ક્રિસ સુધી પહોંચે જ છે પણ ક્રિસ એ સંકેતોનો સ્વીકાર કરતો નથી. "વ્યથિત ભાવે દિપક બોલ્યો.

"તો હવે શું કરીશું.. ?"નાયક અર્જુન ભણી જોઈને બોલ્યો.

"દિપક, બીજી કોઈ રીત ખરી જેનાંથી એ લોકો સુધી પહોંચી શકાય.. ?"અર્જુને સવાલ કર્યો.

"બીજી કોઈ રીતે તો એ લોકો જોડે સંપર્ક સાધી શકાય એમ નથી પણ હાં એ લોકો કોઈ મોટાં જહાજ પર રહે છે એવી મને ખબર છે. "દિપક બોલ્યો.

"સારું દિપક તો અત્યારે અમે નીકળીએ, રાત વધુ થઈ ગઈ છે અને હજુ રાધાનગર સુરક્ષિત નથી. જો તું એ લોકો જોડે કોન્ટેક્ટ કરવામાં સફળ રહે તો મને તાત્કાલીક કોલ કરજે. "આટલું કહી અર્જુન ત્યાંથી જવાં લાગ્યો.

અર્જુન, નાયક અને જાની હજુ જીપ સુધી માંડ પહોંચ્યાં હતાં ત્યાં દિપકે એમને અવાજ આપતાં કહ્યું.

"સાહેબ, ક્રિસ મારો સંપર્ક સાધી રહ્યો છે. "

અર્જુન, જાની અને નાયક દિપક ની વાત સાંભળી એની પડખે જઈને ઉભાં રહી ગયાં.

"તમે ક્યાં છો.. હું તમારી રાહ જોઈને બેઠો છું. મારે તમારાં રક્તની જરૂર છે મારી માં ને બચાવવા. "દિપક જાણીજોઈને આમ બોલ્યો જેથી ક્રિસને શક ના પડે.

સામેથી ક્રિસ કંઈક બોલ્યો એટલે દિપકે કહ્યું.

"પણ ગઈ વખતે તમારી મોત બનીને આવેલાં ફાધર વિલિયમ નું શું. ?"

ક્રિસે દિપકનાં આ પ્રશ્નનો ઉત્તર આપીને એની સાથેનો સંપર્ક તોડી દીધો.. આ સાથે જ દિપક ઝાટકા સાથે આંખો ખોલી અર્જુન તરફ ગભરાયેલાં ચહેરે જોઈ રહ્યો.

"શું જણાવ્યું ક્રિસે.. ?એ લોકો ફાધર વિલિયમ સાથે શું કરવાનું વિચારી રહ્યાં છે.. ?"અર્જુને ઉપરાઉપરી સવાલોનો મારો ચલાવતાં પૂછ્યું.

"આજની રાત રાધાનગરનાં લોકો માટે જોખમની રાત બની રહેવાની છે.. ક્રિસ અને એનાં ભાઈ-બહેનો પચાસ જેટલાં ગુલામ વેમ્પાયરોનાં કાફલા સાથે શહેરની તરફ આવી રહ્યાં છે.. એ લોકો આજે હજારો લોકોની સાથે બધાં જ પોલીસકર્મીઓનો ખાત્મો કરવાનું વિચારી રહ્યાં છે. ક્રિસનો સંકી ભાઈ ડેવિડ ફાધર વિલિયમને જાનથી મારી નાંખવા ચર્ચ તરફ ગયો છે. જો આજે એ લોકોને રોકવામાં નહીં આવે તો.. "આટલું બોલી દિપક માથું પકડી બેસી ગયો. પોતે જાણે-અજાણે ક્રિસનો સાથ આપી મોટી ભૂલ કરી હોવાનો પસ્તાવો દિપકનાં મુખ પરથી જણાઈ રહ્યો હતો.

"દિપક, તું ઉદાસ ના થઈશ.. હું કોઈને કંઈ નહીં થવાં દઉં. મને તારાં બાઈકની ચાવી આપ. "અર્જુને કહ્યું.

અર્જુનનાં આમ બોલતાં જ દિપક એનાં બાઈકની ચાવી લેવાં ઘરમાં ગયો.. આ દરમિયાન અર્જુને જાની અને નાયકને જરૂરી સૂચનો કરી દીધાં.

દિપકે અર્જુનનાં હાથમાં બાઈકની ચાવી મુકતાં જ અર્જુને નાયક અને જાનીને જીપ લઈને શહેરીજનોની રક્ષા માટે જવાનું જણાવ્યું અને પોતે દિપકનું બાઈક લઈને નીકળી પડ્યો સેન્ટ લુઈસ ચર્ચ તરફ જ્યાં ડેવિડ ફાધર વિલિયમ પર હુમલો કરવાંનાં મનસૂબા સાથે આગળ વધી રહ્યો હતો. !!

******

વધુ આવતાં ભાગમાં.

ફાધર વિલિયમને અર્જુન બચાવી શકશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***