Mahekta Thor - 21 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૨૧

ભાગ-૨૧
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ લાગણીભીના સંબંધો કેવા હોય એ જુએ છે, છતાં એ હજુ પરિપૂર્ણ થયો નથી, હવે આગળ...)

સૃજનભાઈ, વ્રતી, છગન, શીલું આ તે કેવા માણસો જે હજુ પણ કોઈક માટે જીવે છે, કોઈક માટે હેરાન થાય છે, એક ગામડાની છોકરી ન ખાઈ તો ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ જમવાનું મૂકી દે છે, એક ભાઈ પૈસાની તંગી અનુભવે તો પોતાના પાસે ન હોય તોય એક વ્યક્તિ બધું આપી દે છે ને વ્રતીની તો વાત જ નિરાલી પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. આ સતયુગ અહીં ડોકાયો છે કે આ લોકોનું સ્વરૂપ લઈ અહીં રોકાયો છે.

રોજ નવી સવાર ને રોજ નવા અનુભવો. વ્યોમ ખરેખર અજાણતા જ પોતાના ઘડતર તરફ આગળ વધી રહ્યો છે કે પથ્થર પર પાણી રેડવા જેવું થાય છે એ તો ઈશ્વર જાણે, પણ આ અનુભવો કઈક પરિવર્તનકારી નીવડશે એ તો નક્કી હતું.

આજે વ્યોમ હજુ તો સવાર સવારમાં આવ્યો હતો ત્યાં એક બેન પોતાના પતિનો હાથ પકડી આવ્યા. રડમસ અવાજે બેન બોલ્યા,

"સાયબ, જોવો ને આની પગમાં લાયગુ સે, પગ ભાંગી તો નઈ ગ્યો હોય ને ?"

વ્યોમ ચેક કરવા ઉભો થયો ત્યાં તો માથું ફાટી જાય એ હદે એ ભાઈ પાસેથી નશાકારક દ્રવ્યની ગંધ આવતી હતી. વ્યોમ બોલ્યો,

"નશો કરીને આવ્યા એટલે પડી ગયા હશે.."
પેલી સ્ત્રી બોલી,
"હા, સાયબ, ઈમ જ સે, કાયમ પી ને આવે બાધણા કરે, સોકરીયુંને મારે, કયેક તો મારા ઉપર પણ હાથ ઉગામી દયે, પણ એના જેવું અમારાથી થોડું થવાય. ઈ તો ધણી, કઈ બાયુંથી મરદ જેવું કઠણ નો થવાય, આ જોવો સાયબ આ હાથમાં લાયગુ, આણે કાઈલ ધક્કો માયરો તો. તોય આયજ તો મારે એના ભેગું દવાખાને આવવું જ પયડુ..."

એક મિનિટમાં તો આખી ગાથા એ સ્ત્રીએ કહી સંભળાવી. વ્યોમ સારવારમાં લાગી ગયો. ભાઈને પગમાં લોહી નીકળતું હતું. નશાની હાલતમાં એને તો ખ્યાલ પણ નહતો કે એને આટલું લાગ્યું છે. પોતાની પત્નીને હજી પણ અપશબ્દો બોલતો હતો એ માણસ. વ્યોમને ગુસ્સો આવ્યો, એ બોલવા જતો હતો ત્યાં સ્ત્રી એને અટકાવતા બોલી,

"સાયબ, તમારા પગે પડું કઈ ન બોલતા ઈમને, બમણા થાહે, ઈમનો પણ વાંક નથ હું જ એક દીકરો નથ આપી હકતી, તી પીવામાં સડી ગ્યા સે."

વ્યોમ હવે ખરેખરો ગુસ્સે ભરાયો. એ બોલ્યો,
"આ તમને લોકોને કોણ સમજાવે હવે. ને તમે આવું શા માટે વિચારો છો, તમારી દીકરીઓ પણ દીકરા જેવી જ થશે, તમે ખુદને દોષ આપવાનું બંધ કરો, એમ કરી તમે આમને સાથ આપો છો."

ભાઈની પાટાપિંડી થઈ ગઈ હતી. તો વ્યોમ બોલ્યો,

"તમારું ઘર તમારે જેમ કરવું હોય એમ, ભાઈને કહેજો આરામ કરે..."

સ્ત્રી પોતાના પતિને સહારો આપી ઉભા કરી ઘરે લઈ ગઈ. વ્યોમ બીજા દર્દીમાં પરોવાયો.

એક દિવસ વ્યોમ દવાખાને જતો હતો ત્યાં એને કોઈકનો શોરબકોર સંભળાયો. વ્યોમ એ તરફ ગયો. તપાસ કરતા ખબર પડી એક ભાઈ પોતાની પત્નીને મારી ઘર બહાર કાઢી મૂકે છે કારણ કે પત્ની એમને દીકરો નથી આપી શકી, બે દીકરીઓ જ છે. વ્યોમને સમજાઈ ગયું કે એ જ બેન હોવા જોઈએ જે એક દિવસ પોતાના પતિને લઈને દવાખાને આવેલા. વ્યોમ એમની પાસે ગયો. બેનને ગાલ પર લાગ્યાના નિશાન હતા, બે કુમળી છોકરીઓ પાસે ઉભી ઉભી રડતી હતી. ને નશાની હાલતમાં ઉભેલો એ પુરુષ કોઈનું સાંભળતો ન હતો જાણે એના મગજ પર તો ખુનસ સવાર હતું. વ્યોમ કઈ પણ વિચાર્યા વગર વચ્ચે પડ્યો. એણે છોકરીઓને સાઈડમાં લીધી એમને સમજાવી ચૂપ કરાવી. પછી બોલ્યો,

"હું તે દિવસે કહેતો હતો ને કે તમે ખોટા માણસને સાથ આપો છો હવે ભોગવો પરિણામ, હજી પણ મોડું નથી થયું તમે રજા આપતા હોય તો કાલે જ પોલીસ બોલાવી આમને જેલ હવાલે કરી દો, હું તમને બધી મદદ કરીશ."

નશાની હાલતમાં ચકચૂર એ ભાઈ વ્યોમ પર પ્રહાર કરવા દોડ્યો. વ્યોમે એક જ મુક્કો મારી એમને નીચે પાડી દીધા. ત્યાં ઉભેલા બધા તાળીઓ પાડવા લાગ્યા. નશાની હાલતમાં પણ એ ભાઈને સમજાઈ ગયું કે હવે એમનું કઈ ચાલે એમ નથી. વ્યોમે એમને ધમકાવ્યા કે હવે જો કોઈ બબાલ કરી તો એ સીધો પોલીસને જાણ કરી દેશે ને એમની પત્ની પણ એમનો સાથ આપશે. ત્યાં ઉભેલા લોકોની પણ વ્યોમે ઝાટકણી કાઢી નાખી કે ફક્ત તમાશબીન ન બનતા કોઈની મદદ પણ કરાય. ઉભેલા બધા શરમાયા. ટોળું ધીમે ધીમે વિખેરાયું. વ્યોમ પણ દવાખાના તરફ વળ્યો.

આજે પહેલી વખત વ્યોમને કઈક અજબ અનુભવ થયો. આત્મસંતોષ થયું હોય એવું લાગ્યું. બીજાની મદદ કરવાથી ભીતર આટલું મહેકી ઉઠાય એ વાત એને પહેલી વખત સમજાઈ. એને વ્રતી, સૃજનભાઈ, છગન બધા જે એક સમયે પાગલ લાગ્યા હતા તે આજે કેમ જાણે સાચા લાગ્યા. પેલી માસૂમ, રડતી છોકરીઓને ચૂપ કરાવતી વખતે કેમ જાણે એની આંખો પણ ભીની થઇ ગઇ હોય એવું લાગ્યું. ભલે એ કોઈને વર્તાવા દેતો ન હતો પણ એ ખરેખર બદલાઈ રહ્યો હતો. બીજા માટે વિચારતા આજે એનો ઈગો આડો ન હતો આવ્યો. પરિવર્તન આવી ગયું હતું. પ્રમોદભાઈના પ્રયાસો સફળ થતા જતા હતા....

વ્યોમ સાંજે રુમ પર જતો હતો ત્યારે થયું કે વ્રતી સાથે વિરલવાળી વાત પર ચર્ચા થઈ નથી તો આજે તો વાત કરી જ લઉં. એ સીધો વ્રતી પાસે ગયો.

ગામમાં કઈ બીના બની હોય ને વ્રતી અજાણ હોય એવું તો બને જ નહીં. વ્રતી રાત્રે ગામની સ્ત્રીઓની સભા કરતી હતી. એ કશો ઉપદેશ ન આપતી પણ નાની શી બોધકથા કહેતી જેને જે બોધ લેવો હોય એ લઈ લે. વ્યોમને બેસવા માટે ઈશારો કરી વ્રતીએ કથા ચાલુ કરી...

"સતરૂપા નામે એક અપ્સરા હતી. રૂપસુંદરી જોઈ લો. એનો એક જ અવગુણ હતો એ કોઈ પણ ફૂલ જુએ એને તોડી લે. ઇન્દ્રદેવ પાસે ફરિયાદ ગઈ. ઇન્દ્રદેવે એને પૃથ્વી પર વૃક્ષ થવાનો શાપ આપ્યો. સતરૂપા તો પૃથ્વી પર વૃક્ષ થઈ અવતરી. હવે આ કર્મનો ઉપાય શો ? તો ઇન્દ્રદેવ કહે એણે જેટલા ફૂલો તોડ્યા એટલા જીવને સંતોષ આપશે એટલે એનું કર્મ કપાશે ને અંતે એ ફરી સ્વર્ગે આવી શકશે. સતરૂપા તો વૃક્ષરૂપે પરોપકાર કરવા લાગી. હવે જ્યારે એનું કામ પૂર્ણ થયું એટલે એના પાંદડા સુકાવા લાગ્યા. એણે ઇન્દ્રને વિનંતી કરી કે મારે સ્વર્ગમાં નથી આવવું અહીં જ પરોપકાર કરી રહેવું છે. આ એ જ સતરૂપા હતી કે જે એક સમયે ફૂલોને તોડતી. એનામાં આટલું પરિવર્તન આવ્યું કારણ કે એનામાં સંવેદનાઓ જાગ્રત થઈ. આપણા એક વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સાબિત કરી આપ્યું છે કે વૃક્ષો સ્વયં સંવેદનશીલ સ્નાયુમંડલ ધરાવે છે. તો આપણે તો માણસ છીએ બીજાને કામ આવવામાં વિચારવાનું થોડું હોય....."

સભા પુરી થઈ એટલે બધા વિખેરાયા. વ્યોમ હજુ પણ વિચારમાં હતો. એને સમજતા વાર ન લાગી કે આ વાર્તા કોને ઉદેશીને બોલાઈ હતી. હવે વ્યોમને કશું બોલવાનું હતું નહીં. હા માફી માંગવાની હતી બસ.....

(શું વ્યોમ માફી માંગી શકશે કે હજુ એનો ઈગો આડો આવી જશે વધુ વાત આવતા ભાગમાં...)

© હિના દાસા