Mari Chunteli Laghukathao - 49 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 49

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ખુશનુમા મૌસમ

આ હાડકાં ગાળી નાખે એવી સવાર હતી. આ પહાડી શહેરમાં આખી રાત બરફ વરસ્યો હતો. જો કે બરફવર્ષા તો બંધ થઇ ગઈ હતી પરંતુ હવે તેજ હવાથી આમતેમ ડોલી રહેલા ઝાડ જમીનને ચૂમવા માટે આતુર હતા. સમમ.. સમમ.. એક તોફાન બહાર ચાલી રહ્યું હતું અને એક મૌન તોફાન હોટલના રૂમમાં સ્થિર થઇ ગયું હતું.

નયના પૂરી રાત્રી જડવત આ ખુરશીમાં બેઠી રહી હતી. પરોક્ષ પૂરી રાત્રી સોફા પર બેઠો બેઠો સિગરેટ ફૂંકી રહ્યો હતો.

“જ્યારે તમને ખબર જ હતી કે તમે ‘ગે’ છો તો તમે લગ્ન જ કેમ કર્યા?” નયના આખી રાતમાં તેને આટલું જ પૂછી શકી હતી. બસ!

ઉત્તરમાં તેને ફક્ત મૌન જ મળ્યું, એક લાંબુ અને સતત ખેંચાઈ રહેલું મૌન. રાત આગળ વધતી રહી પરંતુ બંનેની વચ્ચે સ્થિર થઇ ગયેલો સમય ઘડિયાળની ટક... ટક... થી વધુ આગળ ન વધી શક્યો.

“જો તારી ઈચ્છા હોય તો હું તને આ બંધનમાંથી મુક્ત કરી શકું છું.” આંગળીઓને ડામ આપતી સિગરેટને એશ ટ્રેમાં બુઝાવતા પરોક્ષ નજર નીચી રાખતા બોલ્યો અને તેણે પોતાના બધાજ પત્તાં ખોલી નાખ્યા.

“આ એટલું સહેલું નથી પરોક્ષ! જે વીતી ગયું છે તેને પરત લાવી શકાતું નથી.” આટલું કહીને નયના ડૂસકાં ભરી ભરીને રડવા લાગી. પરોક્ષમાં એટલું સાહસ ન હતું કે તે એને ચૂપ કરાવી શકે.

“આનું કોઈ તો સમાધાન હશે ને?” ઝૂકેલા માથા સાથે પરોક્ષ શાંતિને તોડી ચૂક્યો હતો.

“સમાધાન દરેક સમસ્યાનું હોય છે પરોક્ષ. બસ મજબૂત ઈરાદો જોઈએ.”

પરોક્ષની આશાભરી નજર નયના તરફ ઉઠી.

“હા પરોક્ષ, તમારે મજબૂત ઈરાદા સાથે અપ્રાકૃતિકમાંથી પ્રાકૃતિક તરફ વળવું પડશે. મને ખબર છે કે આ ખૂબ મુશ્કેલીભર્યું છે પરંતુ અસંભવ નથી. બસ દ્રઢ ઈચ્છાશક્તિ અને ડોક્ટરની સલાહની જરૂર છે અને સાથે સાથે ધીરજની પણ.” નયનાના અવાજમાં આત્મવિશ્વાસ પરત આવી રહ્યો હતો.

“તું મને સાથ આપીશ ને?” પરોક્ષના અવાજમાં પણ આશા પરત થઇ.

“હું તમારી પત્ની છું પરોક્ષ! દરેક પળ, દરેક હાલતમાં તમને સાથ આપવાનું વચન મેં તમારી સાથે મેં પણ લીધું હતું.” નયના આટલું જ કહી શકી હતી કે પરોક્ષે તેનો હાથ પોતાના બંને હાથમાં લઇ લીધો. બહાર ચમકતો સૂરજ નીકળવાની સાથે જ મૌસમ ખુશનુમા થઇ ગયું હતું.

***