Preet ek padchaya ni - 14 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૧૪

અન્વય લીપીને જોતો જ રહ્યો...આ શું ?? તેની એકદમ લાલ લાલ આંખો, કાળા થઈ ગયેલા હોઠ , દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે....અને ચામડી તો જાણે શરીરમાં લોહી જ હોય એમ ફિક્કી ફટ...અને અન્વય અને પ્રિતીબેનની સામે જોઈને જોર જોરથી હસવા લાગી.

એણે હજું પણ પ્રિતીબેનનો હાથ એટલો કસીને પકડેલો છે કે એમને જોરદાર પીડા થઈ રહી છે એ તેમનાં ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે... એ જગ્યાએ કોઈ બીજું કોઈ હોય તો કદાચ લીપીને જોરથી એક તમાચો મારી દે..પણ આખરે એક મા છે એ પોતાના દુઃખને અળગું રાખીને લીપી પર જ ધ્યાન આપી રહ્યાં છે.

પ્રિતીબેન : ચાલ બેટા..આ કપડાં પહેરી લે અને બહાર ચાલ...અને પછી આરામ કર..આપણે ઘરે જવાનું છે.

લીપી ઘરનું નામ સાંભળીને એકદમ ઉભી થઈ ગઈ... અત્યારે રાતે થોડું જવાય ?? સવારે જઈશું નિરાંતે... ક્યાં દુર છે ?? આમ પણ છ વાગ્યા પછી ક્યાં સાધન મળવાનું છે..... હું તો આમ પણ રોજ આવું જ છું ને અહીં...પણ પેલો મળતો નથી...

અન્વય : ક્યાં છે આપણું ઘર ?? તું કેમ અહીંયા આવે છે ??

લીપી : એ ડુંગરની ટેકરી પર...પણ એ તારૂં નથી ફક્ત મારૂં છે.... કહ્યું તો ખરાં પેલો મળતો નથી... એકવાર માં સમજ નથી પડતી...

પ્રિતીબેન : એ પેલા કપડાં તો સરખાં પહેરી લે. લે હું તને પહેરાવી દઉં...પણ પેલો કોણ છે??

લીપી અન્વયને જોઈને બોલી,ટોપ સિક્રેટ... ટોપ સિક્રેટ...કહીને હસવા લાગી. આ છોકરો મને કપડાં પહેરાવે તો પહેરીશ... બોલો છે મંજુર?? બહું હેન્ડસમ છે હો બાકી... આપણને તો ગમી ગયો...

પ્રિતીબેનને મનમાં થયું, એટલું તો સારૂં છે કે એ ગમે તેમ ઓળખ્યાં વિના પણ એનાં પતિને જ મોહી છે... બીજાં કોઈને જોઈને આવું કહ્યું હોત તો ખબર નહીં શું કરત...

પ્રિતીબેનને પણ અન્વયની મુંઝવણ સમજાઈ એટલે બોલ્યાં, અન્વય તરફ જોઈ, હું બહાર જાઉં બસ...હવે આ છોકરો જ તને કપડાં પહેરાવશે ચાલશે ને ??

લીપી એકદમ જાણે પાગલની જેમ બાથરૂમમાં જ એ પાણીથી ભીની એ ફર્શ પર જ આમ નાચવા લાગી...પરાણે અન્વયે તેને કન્ટ્રોલ કરી માંડ કપડાં પહેરાવ્યાં....અન્વયે નોંધ્યું કે લીપીનો ચહેરો એમ જ છે... એનાં દાંતમાંથી નીકળતું લોહી પણ ત્યાં જ અટકેલું છે....

એ ફરી પાગલની જેમ ગીતો ગાવા લાગી ને અન્વયને વળગી પડી...ને એનો હાથ ખેંચવા લાગી....અન્વય પણ એની સાથે ખેંચાઈને પડી જ જાત કદાચ તેને સપનું ન આવ્યું હોત એણે પહેલેથી જ પોતાનાં હાથને મજબુત રીતે એક જગ્યાએ ઝાલી લીધો છે અને પગને પણ એ પ્રમાણે તૈયાર કરી જ દીધાં હોવાથી...લીપી એકદમ જ સ્લીપ થઈ ગઈ....પણ અન્વયે તેનાં એક ગજબના બેલેન્સ સાથે લીપીનાં માથા નીચે પોતાનાં બંને હાથ લાવી દીધા જેથી એને કોઈ જ ઈજા ન થાય.......

*. *. *. *. *.

અન્વયે લીપીને પડ્યાં પછી વાગતાં તો બચાવી લીધી ને પછી એને એનું કંઈ પણ સાંભળ્યાં વિના બે હાથમાં ઉચકી જ લીધી...એણે અત્યારે લીપીને કેવી રીતે ઉપાડી છે એ તો એનું મન જ જાણે છે કારણ કે એનું વજન અત્યારે એટલું વધારે લાગી રહ્યું છે કે અન્વયને એમ જ લાગે છે કે એ હમણાં જ પોતાનું બેલેન્સ ગુમાવી દેશે.. છતાં તે બહું સારૂં બેલેન્સ રાખીને લીપીને પરાણે લીપીને બહાર લઈ આવ્યો...તે હજું પણ ઉછાળા મારી રહી છે.

બધાંએ કમને લીપીના બે હાથ અને પગ બાંધી દીધા... પરેશભાઈએ જે દોરા હતાં એ બીજાં એમની પાસેની થેલીમાંથી કાઢીને બધાંએ મળીને તેનાં બે પગમાં ફરી બાંધી દીધાં...ને થોડી જ વારમાં તે શાંત થઈ ગઈ અને એકદમ પહેલાં જેવી નોર્મલ થઈ ગઈ....

બધાંને થોડી શાંતિ થઈ...અને ફટાફટ પરેશભાઈ સવારે નક્કી કર્યાં મુજબ એક ગાડીવાળા ભાઈને ફોન કર્યો...એમણે અડધો કલાકમાં પહોંચવાનું કહ્યું....ને બધાં ફટાફટ તૈયાર થઈ ગયાં...લીપીને તો એમ સુતેલી જ ગાડીમાં જ ટ્રાન્સફર કરીને શિફ્ટ કરી દેવાની યોજના છે.

એટલામાં અન્વય અપુર્વને લઈને ક્યાંક બહાર ગયો. તેઓ બંને પેલાં સુનિતા સિસ્ટર પાસે પહોંચ્યા...અન્વય તેમની પાસે જઈને બોલ્યો, પ્લીઝ મારે તમારી સાથે થોડી વાત કરવી છે...તમને વાંધો ન હોય તો જરા સાઈડમાં આવશો ??

સુનિતા સિસ્ટર જે રીતે તેમની પાસે તરત આવ્યાં કે એવું લાગે છે કે તેમને કંઈ જ ખબર નથી.કારણ કે જો એમનાં પેટમાં કંઈ પણ પાપ હોત તો એમ ત્યાં ન આવત. તે બોલ્યાં, શું થયું ભાઈ ?? પ્લીઝ જે વાત કરવી હોય એ જલ્દી કરો..તમે મારી સાથે જ આવી રીતે વાત કરો છો બધાં ઉંધુ વિચારે છે એટલે પ્લીઝ જલ્દી કહો.

અન્વય : તમે મને જેક્વેલિન સિસ્ટરનુ એડ્રેસ આપ્યું હતું, ત્યાં તો અમને કોઈ મળ્યું નહીં. તમે ક્યારેય એમનાં ઘરે ગયાં છો ??

સુનંદા સિસ્ટર : ના આ તો એકવાર એણે જ મને આપેલું. અને અહીંના બધાં સ્ટાફનાં ડેટા હોય એમાં પણ એ જ એડ્રેસ છે...પણ ત્યાં બીજું કોઈ હશે ને ??કોઈને પુછ્યું નહીં તમે ?? એ તો કહેતી હતી એકવાર કે અમારે તો ત્યાં બહું લોકો છે પણ બધાં એટલાં હળીમળીને રહે છે કે એક પરિવાર જેવું જ લાગે... હીલ સ્ટેશન પર રહેતાં હોય એવું જ લાગે.

અન્વય : ત્યાં તો પણ અત્યારે ફક્ત બે જ ઘર છે...

સુનંદા : તો મને નથી ખબર ભાઈ. પણ એણે જે કહ્યું હતું એ જ હું તમને કહું છું...બાકી મને કંઈ જ ખબર નથી...જુઓ આ એડ્રેસ નું કાગળ પણ હજું મારા એપ્રનમાં જ છે એમ કરીને એ કાગળ નીકાળીને અન્વયને બતાવે છે.

જેવું કાગળ ખોલે છે કે તેમાં એ જે લખાણ હોય છે એની ઉપર રીતસર જેમ કોઈએ શાહીથી એને છુપાવવા માટે ઘુટ્યુ હોય એમ ઘુટેલુ છે પણ એ શાહીથી નહીં કોઈ માણસનાં રક્તથી કરેલું છે અને જાણે હમણાં થોડાં સમય પહેલાં જ કોઈએ કરેલું છે.

સુનંદા સિસ્ટર તો એકદમ ગભરાઈ ગયાંને એ કાગળ હાથમાંથી ફેંકી દીધું...આ શું છે આ તો તમને આપ્યું હતું એડ્રેસ ત્યારથી મારા એપ્રનમાં છે... સોરી ભાઈ હું તમને હવે કંઈ મદદ નહીં કરૂં ‌..મને તો બીક લાગે છે આ બધું શું છે એમ કહીને તે ફટાફટ ત્યાંથી જતાં રહ્યાં....ને બાકીનો સ્ટાફ માં રહેલી છોકરીઓ તો અન્વય અને અપુર્વને જ લાઈન મારતી એમની સામે એકીટશે જોઈ રહી છે...

*. *. *. *. *.

અન્વય અને અપુર્વ રૂમમાં આવી ગયાં ત્યાં જ પરેશભાઈ બોલ્યાં, ચાલો બેટા ગાડી આવી ગઈ છે... બધું તૈયાર છે હવે નીકળીએ...તો સવારે જલ્દીથી પહોંચીએ...

નિમેષભાઈ : હા એ બહાર જ ઉભી છે એણે કહ્યું કે જેની સાથે વાત થઈ હતી એને ક્યાંક બહાર જવાનું થયું. એટલે એણે બીજાં કોઈ ગાડીવાળાને મોકલ્યો છે અને એનો નંબર પણ આપ્યો છે....

બીજાં ગાડીવાળા નું નામ સાંભળીને અન્વય, અપુર્વ અને પ્રિતીબેન એકબીજા સામે જોવાં લાગ્યાં....

અન્વય ચાલો બધો સામાન મુકી દઈએ. બહાર ગયાં તો ગાડી ખુલી જ છે ડ્રાઈવર દેખાતો નથી...બધો સામાન મુકીને લીપીને પણ ઉંચકીને ગાડીમાં સુવાડી દીધી...

બધાં બેઠા પછી અન્વય અને અપુર્વ ગાડીમાં બેસતાં હતાં ત્યારે કોઈ બહેન હસતાં હસતાં બહાર આવ્યાં એમણે એમને આ પહેલાં જોયાં નહોતાં એ આવીને બોલ્યાં , આવજો... જલ્દીથી...મળીએ..!! ને ફરી એક પવનનાં સુસવાટાની માફ્ક ગાયબ થઈ ગયાં !!!

અન્વય બોલ્યો, અપ્પુ મને કેમ આવું લાગે છે કે હજું આપણે અહીં કંઈ છોડીને જઈ રહ્યાં છીએ....અને એ જ ફરી એકવાર આપણને અહીં લઈ આવશે...

અપુર્વ : ખબર નહીં ભાઈ.. ભગવાનનું નામ લઈને ગાડીમાં બેસી જઈએ...આગળ જે થશે એ જોયું જશે...એમ કહીને બંને ગાડીમાં બેસે છે અને ગાડી અમદાવાદ જવા માટે નીકળી જાય છે...

શું લીપીને તેમનો આખો પરિવાર સલામત રીતે અમદાવાદ પહોંચી શકશે ખરાં ?? અમદાવાદ પહોંચ્યા પછી લીપીની સમસ્યાઓનો અંત આવશે ખરાં ?? અન્વયને મનમાં અનુભવાતી ભયમિશ્રિત લાગણી સાચી પડશે?? જે રાઝ હજુ એમ જ રહી ગયાં છે એ એમ જ રહી જશે કે તેનાં છેડાં બહું લાંબા હશે ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૧૫

મળીએ બહું જલ્દીથી એક નવાં ભાગ સાથે........