once open a time - 154 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 154

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 154

‘મે, 2004ની લોકસભામાં ચૂંટણીમાં મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે ન બન્યુ. પણ ઓકટોબર, 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ અગાઉ ઈકબાલ કાસકરે કોર્ટમાં અરજી કરી કે ‘મને મુંબઈ ઉમરખાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી આપો.’

‘ઈકબાલ કાસકરે ચૂંટણી લડવાની પરવાનગી માગી એમાં બહુ કંઈ નવી નવાઈની વાત નહોતી. દાઉદનો દુશ્મન અરુણ ગવળી તો વિધાનસભા ચૂંટણી લડીને મહારાષ્ટ્ર વિધાનસભાનો સભ્ય પણ બન્યો હતો અને લોકપ્રતિનિધિની રૂએ તેના વિસ્તારના એક કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે એક કાર્યક્રમમાં તેણે વટભેર હાજરી પણ આપી હતી! એ વખતે મીડિયામાં ભારે હોબાળો થયો હતો. ગવળી ગેંગનો શાર્પ શૂટર સુનીલ ઘાટે પણ મુંબઈ મહાનગરપાલિકાનો માનવંતો સભ્ય એટલે કે કોર્પોરેટર બન્યો જ હતો ને!’ પપ્પુ ટકલાએ મોકળા મને હસતાં કહ્યું અને વાત આગળ ધપાવી, ‘દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ ઈકબાલના વકીલે મુંબઈ હાઈકોર્ટમાં એવી દલીલ કરી કે ઈકબાલ સામે આરોપ નોંધાયા છે પણ તે હજી ગુનેગાર સાબિત થયો નથી. એટલે એક ભારતીય નાગરિક તરીકે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે. ઈકબાલ કાસકરની અરજી વાજબી ગણીને મુંબઈ હાઈકોર્ટે તેને વિધાનસભા ચૂંટણી લડવાની પરવાનગી આપી દીધી. પરંતુ હાઈકોર્ટની પરવાનગી મળ્યા પછી ઈકબાલ કાસકરે કોઈ અકળ કારણથી ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. જો કે દાઉદના એક સમયના કટ્ટર દુશ્મન અરુણ ગવળીએ મુંબઈની ચિંચપોકલી વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. ગવળી એ બેઠક પર ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચી પણ ગયો.’

આ દરમિયાન આવકવેરા ખાતા દ્વારા મુંબઈમાં દાઉદના અબજો રૂપિયાની સંપત્તિ વેચીને રૂપિયા ઊભા કરવાની મથામણ ચાલુ હતી. પણ દાઉદની સંપત્તિ ખરીદવાની હિંમત કરે એવા કોઈ માઈના લાલ મળી રહ્યા નહોતા. બીજી બાજુ મુંબઈમાં દાઉદની બીજી સંપત્તિ જપ્ત કરવા માટે અને જપ્ત કરવામાં આવે એ સંપત્તિના વેચાણ માટે જુદી જુદી એજન્સીઝની એક ખાસ ટીમ બનાવવામાં આવી. દાઉદની સંપત્તિ કબજે કરીને વેચવા માટે બનાવાયેલી ખાસ ટીમમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના ડેપ્યુટી ડાયરેક્ટર સમીર બજાજ, મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) ડૉક્ટર સત્યપાલ સિંઘ, રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર (સબર્બ્સ) શ્યામસુંદર પાટીલ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) ધનંજ્ય કમલાકર, મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના માર્કેટિંગ ડાયરેક્ટર આર. સરવદે, મુંબઈના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુબ્રતો રાથો અને કમિશનર ઓફ કસ્ટમ્સ (પ્રિવેન્ટીવ) કે.પી.મિશ્રાનો સમાવેશ થતો હતો.

આવકવેરા ખાતાએ સ્વતંત્ર વેલ્યુઅર્સની મદદથી મુંબઈમાં દાઉદની સંપત્તિની કિંમતનો અંદાજ લગાવ્યો. એ અંદાજ પ્રમાણે મુંબઈમાં દાઉદની રૂપિયા બસોથી રૂપિયા 2000 કરોડની કિંમતની સંપત્તિ હતી. જોકે જેમ આવકવેરા ખાતાને દાઉદની જપ્ત કરેલી સંપત્તિ વેચવામાં સફળતા મળી નહીં એ રીતે તેની અન્ય સંપત્તિ જપ્ત કરીને વેચવા માટે બનાવેલી ખાસ ટીમને પણ મહત્વપૂર્ણ સફળતા મળી નહિ.

દાઉદની સંપત્તિ વેચાતી લેવા માટે કોઈ આગળ આવે એવું સ્પષ્ટ થયું એ પછી એક તબક્કે (ડિસેમ્બર, 2003માં) મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) ડૉક્ટર સત્યપાલ સિંઘે એક અનોખી યોજના રજૂ કરી હતી. જોકે એ યોજના અમલમાં આવી નહીં. ડૉક્ટર સિંઘે એવું સૂચન કર્યું હતું કે દાઉદની આશરે 76 જેટલી ઈમારતો શહેરમાં છે. એ ઈમારતોનો પોલીસ ક્વાર્ટસ તરીકે ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. મુંબઈના 39,000 પોલીસ કર્મચારીઓમાંથી 53 ટકા કર્મચારીઓ ઘરવિહોણા છે અથવા તો આરોગ્યની દષ્ટિએ જોખમી કહેવાય એવાં મકાનોમાં રહે છે. એમને સારી જગ્યા રહેવા માટે મળી જાય અને બીજું દાઉદની સંપત્તિ ખરીદનારાઓએ ધમકીનો સામનો કરવો પડે એ નોબત જ ન આવે. એક કાંકરે બે પક્ષી મારવા જેવી એ યોજના હતી પરંતુ એ યોજના કોઈ કારણથી અમલી બની નહોતી.

દાઉદની સંપત્તિ જપ્ત કરવાથી માંડીને તેમની સંપત્તિનો ઉપયોગ કરવા સુધીની યોજનાઓ સફળ થઈ નહોતી. એ જ રીતે દાઉદને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની કોશિશો પણ નાકામિયાબ રહી હતી. અગાઉ ઓકટોબર 2001માં દાઉદના પ્રત્યાર્પણ માટે સીબીઆઈની એક ખાસ ટીમ યુ.એ.ઈ. મોકલાઈ હતી. એ ટીમને જોકે દાઉદ સાથે ભારતમાં ગુના કરીને યુ.એ.ઈ.માં છુપાયેલા અન્ય રીઢા ગુનેગારોના પ્રત્યાર્પણ માટે કોશિશ કરવાની જવાબદારી પણ સોંપાઈ હતી. સીબીઆઈની ટીમે 13 ઓકટોબરથી 16 ઓકટોબર દરમિયાન યુ.એ.ઈ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટ કરી હતી. ભારતથી ગયેલી સીબીઆઈની ટીમમાં સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર વિજય શંકર, જોઈન્ટ ડાયરેક્ટર ડી.શિવાનંદન તથા ડેપ્યુટી ડાયરેક્ટર્સ અરુણ ગુપ્તા અને પી.એસ. મોહિનીનો સમાવેશ થતો હતો. અબુ ધાબીના ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર બ્રિગેડિયર મોહમ્મદ ખલીફા અલ મોહલ્લાના આગેવાની હેઠળ અબુ ધાબીના ગૃહખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથેની એ બેઠકમાં સીબીઆઈની ટીમે ભારતમાં દાઉદની ભાંગફોડિયા પ્રવૃત્તિઓથી માંડીને આંતકવાદી સંગઠનો સાથે તેની સાંઠગાંઠની માહિતી પૂરી પાડી હતી.

જો કે દાઉદ તો પાકિસ્તાનમાં હતો એટલે તેની વાત બાજુએ રહી જાય એ વાટાઘાટો પછી દાઉદ ગેંગના જે ગુંડાઓ યુ.એ.ઈ.માં આશ્રય લેતા હતા તેમને ભારતના હવાલે કરવાની ખાતરી યુ.એ.ઈ. દ્વારા અપાઈ હતી અને એ ખાતરી પછી 2003થી વર્ષમાં યુ.એ.ઈ. દ્વારા નક્કર પરિણામો પણ મળવા માંડ્યા હતા.

યુ.એ.ઈ. દ્વારા દાઉદ ગેંગના ઘણા ગુંડાઓને ભારતના હવાલે કરી દેવાયા હતા. પણ દાઉદ ઈબ્રાહિમ જ્યાં છુપાઈને બેઠો હતો એ પાકિસ્તાન દાઉદને ભારતને હવાલે કરે એવી કોઈ શક્યતા જણાતી નહોતી. જોકે ટ્રેજિકૉમિક વાત એ હતી કે દાઉદે અગાઉ અનેક વાર ભારતના શરણે આવવાની કોશિશ કરી ત્યારે ભારત સરકારે કોઈ અકળ અથવા તો અણગમતા કારણથી તેને ભારત પાછો લાવવાનો ઉત્સાહ દાખવ્યો નહોતો! એમ છતાં દાઉદ 2004માં ફરી એક વાર ભારત પાછા આવવાની વેતરણમાં પડ્યો હતો.

દાઉદ ઈબ્રાહિમ ફરીવાર મુંબઈ પાછા ફરવાની વેતરણમાં પડ્યો હતો પણ હવે તેના માટે ભારતભેગા થવું અત્યંત મુશ્કેલ બની ચૂક્યું હતું કારણ કે આઈએસઆઈના અધિકારીઓએ તેના પર રાઉન્ડ ધ ક્લોક વોચ ગોઠવી દીધી હતી. દાઉદે જ્યારે-જ્યારે ભારતભેગા થવાનું વિચાર્યું ત્યારે તેની સામે અવરોધો ઊભા થયા હતા. અમેરિકાએ દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો એ પછી ભારતમાં વિખ્યાત કાયદાવિદ રામ જેઠમલાણીએ ઘટસ્ફોટ કર્યો કે દાઉદ ઈબ્રાહીમે અગાઉ ભારતને શરણે આવવાની કોશિશ કરી હતી, પણ ત્યારે તત્કાલીન સરકારે આશ્વર્યજનક રીતે બહુ રસ દાખવ્યો નહોતો.

ભારત પાછા ફરવા માટે દાઉદે રામ જેઠમલાણીની કાનૂની સહાય માગી હોવાનું પણ પાછળથી બહાર આવ્યું હતું. દાઉદનું ગણિત એવું હતું કે એક વાર ભારતના શરણે થઈ ગયા પછી તે ભારતમાં વકીલોની ફોજ રોકીને કાનૂની લડાઈ લડી શકે અને કેટલાંક વર્ષ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર નીકળીને એશઆરામભરી જિંદગી જીવી શકે. અને જેલમાં હોય એ દરમિયાન પણ દાઉદને જલસા કરવા હોય તો ભારતીય જેલમાં પૈસા ખર્ચતા બધું મેળવી શકાય એવી દાઉદને ખબર હતી અને ખાતરી પણ હતી.

પરંતુ ભારત સરકારે કોઈ અકળ કારણથી દાઉદને પાછો લાવવામાં ઉત્સાહ દાખવ્યો નહીં એટલે દાઉદની ભારત પાછા આવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. દાઉદે ભારત છોડ્યું એ પહેલાં પણ તેણે મુંબઈ પોલીસના શરણે થવાની કોશિશ કરી જોઈ હતી. પણ તેણે એ વખતે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓ સામે એ એ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમને તેની એ ઈચ્છા પર પાણી ફેરવી દીધું. એ અધિકારીઓ માટે દાઉદ દૂઝણી ગાય સમાન હતો એટલે એવા પોલીસ અધિકારીઓએ દાઉદને શરણે થવા દીધો નહીં.

જેમની ગણના અત્યંત પ્રામાણિક ઑફિસર અધિકારી તરીકે થતી હતી એવા આઈપીએસ જુલિયો રિબેરો મુંબઈના કમિશનર ઓફ પોલીસ હતા ત્યારે દાઉદે શરણાગતિ સ્વીકારવાની કોશિશ કરી હતી. એ માટે દાઉદ એક પોલીસ અધિકારીને મુંબઈની એક હોટેલમાં મળ્યો હતો. પછી અચાનક જુલિયો રિબેરોની બદલી થઈ ગઈ એટલે દાઉદની શરણાગતિની વાત રખડી પડી. એ પછી ભારતમાં કાનૂની સકંજામાં સપડાવું ન પડે એટલે દાઉદ દુબઈ ભેગો થઈ ગયો. જોકે તેની ઈચ્છા થાય ત્યારે તે મુંબઈમાં કે ભારતના અન્ય વિસ્તારોમાં બેધડક આવીને પાછો દુબઈ જતો રહેતો હતો. પરંતુ 1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી દાઉદ અને તેના સાગરીતોના નામ મુખ્ય આરોપીઓ તરીકે બહાર આવ્યાં એ પછી દાઉદ માટે ભારત આવવાનું મુશ્કેલ બની ગયું. એના કારણે ભારતે 1993ના મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ સહિત અનેક રીતે મોટી કિંમત ચૂકવવી પડી અને એ જ દાઉદ પાછો ન આવી શક્યો એટલે તેણે પણ 1994માં એક મોટો આઘાત સહન કરવો પડ્યો હતો!

(ક્રમશ:)