મારી ચૂંટેલી લઘુકથાઓ - 59

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

બટેટાના ભાવ

આ એ સમયની વાત છે જ્યારે ભારતના નવનિર્વાચિત વડાપ્રધાન અમેરિકાના મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાની લોકપ્રિયતાનો ઝંડો ખોડીને પરત આવ્યા હતા. એ સમયે પાકિસ્તાને પોતાનો ગુસ્સો શાંત કરવા માટે સરહદ પર તૈનાત ભારતીય જવાનો અને સરહદની નજીક આવેલા ગામડાના નિર્દોષ નાગરિકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આજ સમયે ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાના રૂબલનો કસ નીકળી ગયો હતો.

એ એક સંયોગ માત્ર હતો કે દેશના એક નામચીન સમાચાર ચેનલનો જાણીતા સંવાદદાતાને સત્તાપક્ષની સાથે વિપક્ષના બે નેતા પણ સામે જ મળી ગયા હતા. એ ત્રણેયની પાસેથી એક જ પ્રશ્નનો જવાબ લેવાની ઈચ્છા ધરાવી રહ્યો હતો.

“શું નવા વડાપ્રધાનના આવવાથી વિશ્વમાં ભારતનો માનમરતબો વધ્યો છે?” તેણે માઈક સત્તાપક્ષના નેતાની સામે ધરી દીધું.

“એમાં શંકાને કોઈજ સ્થાન નથી. હવે આખું વિશ્વ ભારતની વાત પુરેપુરી ગંભીરતાથી સાંભળે છે.” એના અવાજમાં એક ખાસ રણકો છે.

“અમને તો આપણી સીમા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો જ અવાજ સંભળાય છે.” આ પ્રમુખ વિપક્ષી દળના નેતાનો ખીજાયેલો અવાજ છે.

“આ નવા વડાપ્રધાનનો જાદુ નથી, મૂડીવાદનું ષડ્યંત્ર છે. દેશને અમેરિકા દ્વારા ફેલાવવામાં આવી રહેલી જાળમાં ફસાવવામાં આવી રહ્યો છે.” આ લાલ સલામનો સ્વર છે.

“તમે આ અંગે શું વિચારો છો?” સંવાદદાતાનું માઈક થોડું ખસીને બાજુમાં ઉભેલા એક સામાન્ય વ્યક્તિ તરફ ફરી ગયું છે.

“હું તો શું કહું ભાઈ.... આજે જ બટેટાના ભાવ પાંચ રૂપિયે કિલો વધી ગયા છે.” આટલું કહીને એ જતો રહ્યો છે અને નેતાઓની દ્રષ્ટિ તેનો પીછો કરી રહી છે.