Devil Return-2.0 - 21 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 21

ડેવિલ રિટર્ન 2.0

21

અર્જુન અને એની ટીમ મળીને ગુલામ વેમ્પયરોની સાથે વેમ્પાયર પરિવારનાં ત્રણ સભ્યોને એક જ રાતમાં મારવામાં સફળ થાય છે. આ વાતથી હરખાતો અર્જુન જ્યારે પોતાનાં ઘરે પહોંચે છે ત્યારે ઘરની હાલત જોઈને અચરજ પામી જાય છે. અસ્ત-વ્યસ્ત ઘરમાં પીનલ કે અભિમન્યુ ધ્યાને ના ચડતાં બઘવાયેલો અર્જુન એમની ઘરમાં શોધખોળ કરી રહ્યો હોય છે ત્યારે રસોડામાં પીનલ ને જમીન પર પડેલી જોઈ અર્જુન ચિંતિત વદને પીનલની તરફ ભાગે છે.

"પીનલ.. પીનલ.. તને શું થયું છે.. ?"પીનલ ની નજીક પહોંચી એનો ચહેરો પોતાનાં હાથમાં લઈને અર્જુન બોલ્યો.

અર્જુનનાં અવાજ આપવાં છતાં પીનલ તરફથી કોઈ જાતનો પ્રતિસાદ ના મળ્યો એટલે અર્જુને ફ્રીઝમાંથી એક પાણીની બોટલ લીધી અને એમાંથી પાણી પોતાની હથેળીમાં લઈ પીનલનાં ચહેરા પર હળવેકથી પાણીનો છંટકાવ કર્યો.. અર્જુનનાં આમ કરતાં જ પીનલ ભાનમાં આવી ગઈ.

ભાનમાં આવતાં જ પીનલ જોરજોરથી પોતાનાં વ્હાલસોયા પુત્ર અભિમન્યુને યાદ કરતાં કરતાં "અભિ.. અભિ"ચિલ્લાવા લાગી.

અચાનક પીનલનાં અભિ.. અભિ ચિલ્લાતાં અર્જુનને ઘણું આશ્ચર્ય થયું.

"પીનલ, શું થયું અભિને.. ?"પીનલ ને સહારો આપી ઉભી કરી સાચવીને હોલમાં રાખેલાં સોફા પર બેસાડી અર્જુને ચિંતાયુક્ત સુરમાં પૂછ્યું.

"એ લોકો લઈ ગયાં આપણાં અભિને.. ?"આટલું બોલતાં જ પીનલનાં ચહેરા પર ડર અને આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં.

"કોણ લોકો પીનલ.. અને ક્યાં લઈ ગયાં અભિને.. ?અર્જુને પૂછ્યું.

"વેમ્પાયર.. વેમ્પાયર હતાં એ"પીનલ આટલું બોલી અર્જુનને ગળે વળગીને રડવા લાગી.

"વેમ્પાયર.. ?પીનલ તું રડયાં વગર મને જણાવીશ કે શું થયું.. ?"અર્જુન પીનલનાં આંસુ લુછી એને શાંત કરાવતાં બોલી.

"અર્જુન ઘણાં દિવસથી આ શહેર માટે જોખમરૂપ બનેલાં રક્તપિશાચ લોકો આવ્યાં હતાં.. જેમાં એક પુરુષ વેમ્પાયર હતો અને બે સ્ત્રી વેમ્પાયર. "આટલું કહી પીનલે શું થયું હતું એ વિશે અર્જુનને બધું જણાવવાનું શરૂ કર્યું.

"રાતે હું અને અભિ બેડરૂમમાં સુઈ રહ્યાં હતાં ત્યારે બારણે નોક થવાનો અવાજ આવ્યો.. આટલી રાતે કોઈ બારણું ખખડાવે એ આમ તો વિચિત્ર વાત હતી પણ મને એમ કે તમે હશો એટલે મેં ઉભાં થઈ બારણું ખોલ્યું.. મેં બહાર જોયું તો કોઈ નજરે ના ચડ્યું.. મને એમ કે મારો કોઈ ભ્રમ હશે એટલે હું દરવાજો બંધ કરવાં જતી હતી ત્યાં કોઈ વીજળીવેગે મને હડસેલી ઘરમાં પ્રવેશ્યું.. હું કંઈ સમજુ એ પહેલાં તો ત્રણ માનવાકૃતિઓ ઘરમાં પ્રવેશ કરી ચુકી હતી. "

"એમાંથી એક યુવતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું ડરીને મદદ માટે ચિલ્લાવા જતી હતી ત્યાં એ લોકોમાંથી એક અન્ય સ્ત્રી હતી અને મારાં ચહેરા પર હાથ રાખી મારું મોં બંધ કરી દીધું. "

"ક્યાં છે અમારી ઘંટડી.. ?"એમાંથી જે પુરુષ વેમ્પાયર હતો એને મને ચૂપ રહેવાં જણાવી વિચિત્ર લાગતો સવાલ કર્યો અને હું બોલી શકું એ ઉદ્દેશથી એની જોડે રહેલી વેમ્પાયર ને મારાં ચહેરા પરથી હાથ લઈ લેવાં ઈશારો કર્યો.

"મને નથી ખબર કોઈ ઘંટડી વિશે.. "મેં ગભરાતા સુરે કહ્યું.

"સાચે-સાચું બોલ કે અમારી ઘંટડીનું બોક્સ ક્યાં છે.. નહીં તો હું તને જીવતી નહીં છોડું.. "ક્રોધિત સુરમાં આટલું બોલેલા એ વેમ્પાયરનાં અણીદાર દાંત ચમકવા લાગ્યાં

"મને નથી ખબર કે તમે લોકો શેની વાત કરી રહ્યાં છો.. ?"મેં જે સત્ય હતું એ જણાવી દીધું.

"તું સીધી રીતે નહીં જણાવે તો મજા નહીં આવે.. દરિયા કિનારેથી તને જે ઘંટડી મળી છે એ અમને આપી દે.. "એ વ્યક્તિ ગુસ્સે થઈને બોલી.

"હું સાચું કહું છું કે મને નથી ખબર.. "મારાં આટલું બોલતાં એ વેમ્પાયરમાંથી એક યુવતીએ મને તમાચો મારી દીધો.. જેનાં લીધે મારાં હોઠમાંથી લોહી નીકળી આવ્યું.

"મમ્મી ને કંઈપણ ના કરશો.. મને ખબર છે તમારી બેલ ક્યાં છે.. "અચાનક અભિમન્યુ આટલું બોલી હોલમાં આવી ચડ્યો.

"તને ખબર છે બેટા કે ઘંટડી ક્યાં છે.. ?"એ વેમ્પાયર પુરુષે અભિની નજીક પહોંચતાં કહ્યું.. મને હવે ખૂબ ડર લાગતાં મેં અભિને મારાં ગળે લગાવી લીધો.

"હા મને એક બોક્સ મળ્યું હતું દરિયાકિનારેથી જ્યારે હું જયા આંટી જોડે ફરવા ગયો હતો.. એમાં એક ઘંટડી પણ હતી. "અભિ એ કહ્યું.

"તો એ ઘંટડી તે વગાડી હતી.. ?"તમે મને એ વેમ્પાયર પરિવારની વિગત કહી હતી એમાં એક ઘંટડી વગાડી એ લોકોને આવવાનાં સંકેત મળતાં એ જાણતી હોવાથી મેં અભિને પૂછ્યું.

"હા મમ્મી મેં જ એ ઘંટડી વગાડી હતી. "અભિ બોલ્યો.

"તો હવે જલ્દી અમને એ ઘંટડી આપી દે એટલે અમે અહીંથી નીકળી જઈએ.. "એમાંથી એક વેમ્પાયર સ્ત્રી અભિની જોડે આવી બોલી.

એ સ્ત્રીનાં આમ બોલતાં જ મેં અભિને એ લોકોની ઘંટડી તાત્કાલિક એમને આપવાં સૂચન કર્યું.. મારાં આમ બોલતાં જ અભિ દોડીને બેડરૂમમાં ગયો અને અલમારીમાં છુપાવેલું એક લાકડાનું બોક્સ લઈને બહાર આવ્યો. અભિએ એ બોક્સ પેલાં વેમ્પાયર પુરુષને આપી દીધું એટલે મેં એ લોકોની તરફ હાથ જોડી કહ્યું.

"તમને તમારી વસ્તુ મળી ગઈ હોય તો અહીંથી જાઓ.. "

"અમારો એક નિયમ છે.. અમે એ વ્યક્તિને જીવિત નથી છોડી શકતાં જે વ્યક્તિએ આ ઘંટડી બોલાવી અમને લોકોને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું હોય. "એ વેમ્પાયર પુરુષ બોલ્યો.

એની વાત સાંભળી હું અંદર સુધી હચમચી ગઈ.. એ લોકો અભિને જીવિત નહીં છોડે એ એનાં અવાજ પરથી લાગી રહ્યું હતું.. આ કારણથી વ્યથિત હું એ લોકોની સમક્ષ કરગરતાં અભિને કંઈ નહીં કરવાની અજીજી કરી રહી હતી.. અભિનાં બદલામાં એ લોકો મારો જીવ લઈ લે એવું પણ હું બોલી પણ એની કોઈ અસર એ રક્તપિશાચ લોકો પર ના થઇ.

એમાંથી એક સ્ત્રી રક્તપિશાચે મને કસકસાવીને પકડી રાખી અને બીજી એક સ્ત્રી અભિની તરફ આગળ વધી. એની આંખો અને ચહેરાનાં ભાવ પરથી લાગી રહ્યું હતું કે એ અભિને જીવિત નહીં જ મૂકે.. પણ જેવી એ સ્ત્રી વેમ્પાયર અભિ સુધી પહોંચી ત્યારે પુરુષ વેમ્પાયર એ સ્ત્રી ને અટકાવતાં બોલ્યો.

"થોભી જા ટ્રીસા.. પહેલાં આ તરફ તો જો.. "

એ પુરુષ વેમ્પાયરનો ઈશારો હોલમાં લાગેલી આપણી ફેમિલી ફોટો પર હતો.. એ જોઈ એ ટ્રીસા નામની વેમ્પાયર આગળ વધતી અટકી ગઈ. મને પકડીને ઉભેલી સ્ત્રી વેમ્પાયર આપણો ફેમિલી ફોટો જોઈને હસતાં-હસતાં બોલી.

"ક્રિસ.. આ તો ઈન્સ્પેકટર અર્જુનનો દીકરો છે.. "

"બેટા, આ ફોટોમાં કોણ છે.. "વાતની ખરાઈ કરતાં ક્રિસ અભિને ઉદ્દેશીને બોલ્યો.

"એ મારાં પપ્પા છે.. એ મોટાં પોલીસ ઓફિસર છે. એ આવશે તો તમને બધાંને બહુ મારશે. "અભિ બોલ્યો.

"એવું છે તો પછી અમે તમને કંઈ નહીં કરીએ.. "આટલું કહી ક્રિસ નામનો એ ક્રૂર વેમ્પાયર હસવા લાગ્યો.. એનાં ચહેરા પરનું ભેદી સ્મિત જોઈ હું સમજી ચુકી હતી કે એનાં મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.

"ઈવ, આપણે આ છોકરાંને આપણી સાથે લઈ જઈએ.. અર્જુન આને બચાવવા જરૂર આવશે.. અર્જુનને મારી આપણે આપણાં ભાઈ-બહેનોની મોતનો બદલો લઈ શકીશું. "ટ્રીસા પોતાની એક અન્ય બેનની તરફ જોતાં બોલી.

"તમે અભિને ના લઈ જશો.. "હું રડતાં રડતાં બોલી રહી હતી પણ એ લોકોને એની કોઈ અસર નહોતી થઈ રહી. ક્રિસે અભિને ઊંચક્યો અને પોતાની બે બહેનો સાથે બહાર નીકળવા લાગ્યો.. હું એ લોકોને રોકવા પાછળ-પાછળ ગઈ તો ઈવે મને ગરદનથી પકડી દૂર ફેંકી દીધી અને હું રસોડામાં પટકાઈને બેભાન થઈ ગઈ.

"અર્જુન એ લોકો બહુ ક્રૂર છે.. એ લોકો મારાં અભિને કંઈક કરી દેશે.. "પીનલ આટલું બોલી સતત રડી રહી હતી.

પીનલની વાત એકરીતે સાચી તો હતી કે પોતાનાં ભાઈ-બહેનોની થયેલી હત્યાનો બદલો કોઈપણ ભોગે લેવાં ઈચ્છતો ક્રિસ અભિમન્યુ સાથે કંઈપણ કરી શકે એમ હતો. સત્વરે અભિમન્યુને એ લોકોની પકડમાંથી કોઈપણ ભોગે મુક્ત કરવો જ રહ્યો એવો મનોમન નિશ્ચય કરી અર્જુને પીનલને સાંત્વના આપતાં કહ્યું.

"પીનલ તને વિશ્વાસ છે ને મારી ઉપર.. ?"અર્જુને પીનલ તરફ જોતાં કહ્યું.

"તારી પર તો મને મારાં કરતાં વધુ વિશ્વાસ છે પણ મને અભિમન્યુની બહુ ચિંતા થઈ રહી છે.. ક્યાંક એને કંઈક થઈ ગયું તો. ?"પીનલ રડતાં-રડતાં બોલી.

"પીનલ ધીરજ રાખ.. હું તને વચન આપું છું કે આપણાં અભિમન્યુને હું કોઈપણ ભોગે પાછો લાવીશ. "અર્જુન મક્કમ સુરે બોલ્યો.

"તમે કઈ રીતે એ લોકો સુધી પહોંચશો અને કઈ રીતે અભિમન્યુને એ ખૂંખાર રક્તપિશાચોથી બચાવશો. ?"પીનલની આંખોમાં સેંકડો સવાલ હતાં.

"મને એ ખબર નથી કે હું કઈ રીતે અભિમન્યુ સુધી પહોંચીશ અને કઈ રીતે એ લોકોનો સામનો કરીશ.. પણ એક વાત એ નક્કી છે કે હું અભિમન્યુ ને બચાવીને જ રહીશ. "આટલું કહી અર્જુને પીનલનાં કપાળને ચૂમી લીધું.

"પીનલ તું તારું ધ્યાન રાખજે.. હું અભિને લઈને જલ્દી પાછો આવીશ.. "આટલું કહી અર્જુને ઘરનાં દરવાજા તરફ ડગ માંડ્યા.

અર્જુને બહાર પાર્ક કરેલી બુલેટ તરફ આગળ વધતાં-વધતાં કોલ કરી નાયક ને પોતાનાં ઘરે જે કંઈપણ ઘટિત થયું એ વિશે ટૂંકમાં જણાવીને તાત્કાલિક અન્ય સિનિયર પોલીસકર્મીઓ સાથે સેન્ટ લુઈસ ચર્ચમાં પહોંચી જવાં જણાવ્યું.

રક્તપિશાચ લોકો સુધી પહોંચવાનો રસ્તો ફાધર વિલિયમ સિવાય અન્ય કોઈ બતાવી નહીં શકે એ જાણતો અર્જુન આ સાથે જ પોતાની બુલેટ પર સવાર થયો અને પુરપાટ ઝડપે બુલેટને સેન્ટ લુઈસ ચર્ચ તરફ ભગાવી મુકી.

પોતાની જાત પર વિશ્વાસ અને પોતાનાં ભગવાન પર શ્રદ્ધા ધરાવતાં અર્જુનને આશ હતી કે ફાધર વિલિયમની મદદથી એ અભિમન્યુને બચાવવામાં સફળ જરૂર થશે.. અર્જુનનું આ માનવું કેટલું સાચું હતું અને કેટલું ખોટું એ તો હવે સમય જ દર્શાવવાનો હતો. !

******

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?અર્જુન કઈ રીતે અભિમન્યુને બચાવશે.. ?આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***