Preet ek padchaya ni - 34 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૩૪

( આગળ આપણે જોયું કે સૌમ્યકુમારનાં રાજકુમારી નંદિની સાથે વેવિશાળ માટે માટે તૈયાર થાય છે અને રાજા ધન્વંતરિને એક પત્ર મોકલાવે છે.)

પત્ર મળ્યાં બાદ સૌમ્યકુમારની યોજના મુજબ આખાં પરિવાર સાથે સૌમ્યકુમારનો રાજપરિવાર સિંચનકુમારનાં નગરમાં પહોંચવા તૈયારી કરવા લાગ્યાં. સૌમ્યાકુમારીને તો એટલું જ ખબર છે કે તે ભાઈ માટે રાજકુમારી જોવાં જઈ રહ્યાં છે. પણ પોતાનાં સિંચનકુમાર સાથેનાં સંબંધ માટે હજું કંઈ વાત થઈ ના હોવાથી એ ઉદાસ છે....

બીજાં જ દિવસે આખો રાજપરિવાર પ્રિતમનગરી તરફ જવા નીકળે છે.

આ બાજું સિંચનકુમારને તો સૌમ્યકુમારનાં કહ્યાં મુજબ ધવલપુરીની રાજકુમારી મળશે એ આશા છે અને વળી એમની લાડલી બહેનનાં વેવિશાળ માટે તૈયારી કરી રહ્યાં છે અને તેમાં કોઈપણ ઉણપ ન રહી જાય એ માટે ખૂબ ધ્યાન રાખી રહ્યાં છે.

નંદિનીકુમારી પોતાના સૌમ્યકુમાર સાથેના સંબંધ માટે એમનાં માતા તૈયાર થયાં એ બાબતથી બહું ખુશ છે પણ બસ એમને થાય છે કે તેનાં ભાઈનાં પણ તેમની મરજી અનુસાર વિવાહ માટે ચેલણામાતા માની જાય.

***************

આખો ધન્વંતરિરાજાનો રાજપરિવાર પ્રિતમનગરી આવી પહોંચ્યાં છે. આમ તો સામાન્ય રીતે રાજા વિશ્વજિત તબિયતની પ્રતિકુળતાને કારણે મહેલમાંથી હવે ખાસ બહાર નીકળતા નથી. છુપાવેશે નગરજનોની તફલીકો સમજવાનું કામ પણ હવે સિંચનકુમારને જ સોંપી દીધું છે. પણ આજે તો દીકરીની વાત છે એટલે એ પોતે ને ચેલણારાણી રથમાં બેસીને સૌનું સ્વાગત કરવા પધાર્યા....તેમણે સૌનું પ્રેમથી એક રાજપરિવારને શોભે એવું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું.

સૌમ્યકુમાર જોવાં લાગ્યાં કે રાજા સિંચન કેમ દેખાયાં નહીં પણ તે કંઈ પણ બોલ્યાં વિના રાજા વિશ્વજીતનાં રથની પાછળ રાજમહેલ સુધી આવી ગયાં....

ઓહો આ શું ?? આખો મહેલ ઝગમગી રહ્યો છે... સુંદર રીતે શણગારાયેલો છે એ પણ ફક્ત કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને... ત્યાં જ એમને મહેલનાં મુખ્ય દ્વાર પાસે સ્વાગત માટે ઉભેલાં રાજા સિંચનને જોઈ દિલમાં એક શાંતિ થઈ.

રાજા સિંચને પણ બધાંને ઉમળકાભેર આવકાર્યા ત્યાં જ તેમનું ધ્યાન ત્રીજાં રથમાં બેસેલા એ ખુબસુરત રાજકુમારી સૌમ્યકુમારી પર ગયું ને એ એકટશી જોઈ જ રહ્યાં. પણ એમનાં અનેક સવાલો છે ?? તેઓ એક પ્રશ્નાર્થ નજરે સૌમ્યકુમાર સામે જોવાં લાગ્યાં...

સૌમ્યકુમાર ફક્ત મનમાં હસી રહ્યાં છે...હવે બસ રાજા સિંચન સાથે એકાંતમાં વાત કરવામાં મોકો શોધી રહ્યાં છે.. રાજમહેલમાં બધાંને યોગ્ય સ્થાન આપીને બેસાડવામાં આવ્યાં છે.

રાજા સિંચનની આંખો તો સૌમ્યાકુમારી પર જ અટકી ગઈ છે...સૌમ્યાકુમારી પણ સામે એક સ્ત્રીત્વને શોભે એમ કોઈને ખબર ન પડે એમ થોડી થોડી વારે સિંચનકુમાર સામે જોઈ લે છે.

બધી ઔપચારિક વાતચીત અને સ્વાગત પછી નંદિનીકુમારીને એ સભાખંડમાં લાવ્યાં જ્યાં બધાં મહેમાનો છે...આજે તો નંદિનીકુમારી એક અપ્સરા જેવાં સુંદર દેખાઈ રહ્યાં છે. સૌમ્યકુમાર નંદિનીકુમારીને મળવાં માટે એકાંત શોધી રહ્યાં હોય એવું સિંચનકુમારને જોયું. તેમણે કહ્યું , "પિતાજી તમે વડીલો અહીં થોડી વાતો કરો. અમે અમારાં કક્ષમાં જઈએ. સૌમ્યકુમારને પણ રાજ્યની થોડી મુલાકાત કરાવીએ..."

સિંચનકુમાર સાથે સૌમ્યકુમાર અને નંદિનીકુમારી ઉભાં થયાં પણ સૌમ્યાકુમારી ત્યાં બેસી રહ્યાં છે. સૌમ્યકુમારે તેમને ખાસ કહ્યું, "આ બધાં વડીલોને વાતો કરવા દો તમે પણ ચાલો."

ચારેય જણાં મહેલની પાછળનાં સુંદર રમણીય ઉધાનમાં પહોંચ્યાં. જ્યાં ફક્ત રાજપરિવારનાં સભ્યો જ જઈ શકે .સિંચનકુમારે કહ્યું," સૌમ્યકુમાર પહેલાં આપ મને અહીં એકાંતમાં મળો પછી હું તમને મારી બહેના સાથે મળવાં એકાત આપીશ. હું કોઈ જુઠ્ઠાણાંના પાયા પર આ સંબંધ આગળ નહીં વધવા દઉં. _ત્યાં ઉભેલાં સૌમ્યાકુમારી અને નંદિનીકુમારી બંને ગભરાઈ ગયાં કે સૌમ્યકુમારે એવું શું ખોટું કર્યું છે...

સૌમ્યકુમાર સમજી ગયાં કે સિંચનકુમાર શું પુછવા માગે છે...એ બોલ્યાં," ચાલો રાજન."

થોડાક દૂર જતાં જ સિંચનકુમાર જાણે સવાલોનો મારો કરતાં બોલ્યાં, " તમે ખરેખર કઈ નગરીના રાજકુમાર છો ?? ધવલપુરી કે સુવર્ણસંધ્યાનગરી ?? "

સૌમ્યકુમાર : "બંને"

સિંચનકુમાર : શું બંને ?? કોઈ બે નગરીના રાજકુમાર કેવી રીતે શક્ય છો ?? તમે તો રાજા ધન્વંતરિનાં પુત્ર છો તો. અને પેલાં રાજકુમારી તો ધવલપુરીના રાજકુમારી છે તો એ તમારાં બહેન કેવી રીતે છે ?? કે પછી કોઈ દૂરની બહેન છે ??"

સૌમ્યકુમાર હવે જોરથી હસવા લાગ્યાં ને બોલ્યાં, " રાજન શાંત થાઓ. તમારાં જેવાં શાંતિપ્રિય રાજાને આવું શોભતું નથી. "

" તો તમે મને સત્ય જણાવો ને."

સૌમ્યકુમાર : " ધવલરાજા એ મારાં દાદા હતાં એમનાં નામ પરથી અમારી નગરી ધવલપુરી પણ કહેવાય છે. સુવર્ણસંધ્યાનગરી અને ધવલપુરી એક જ છે...બોલો હવે આપને ધવલપુરીની રાજકુમારી પસંદ છે કે મારી બહેના ??"

સિંચનકુમારનાં ચહેરાં પર ખુશીનાં ભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યાં. તે બોલ્યાં, "રાજન મને માફ કરો. હું થોડો ચિંતાને કારણે તમને આવું બોલી ગયો."

સૌમ્યકુમાર : "આપણાં રાજપરિવારને આપણી સંસ્કૃતિ મુજબ આવી રીતે તમને મળવાની છૂટ આપવી યોગ્ય નથી છતાંય આખરે બંનેને જરૂર છે ને. જાઓ મારી બહેનને તો કંઈ ખબર જ નથી. પણ એ તમને બહુ પ્રેમ કરે છે."

સિંચનકુમાર : " તમે સાચું કહો છો ખરેખર ?? મને વિશ્વાસ નથી થતો. તેઓ પણ મને..??"

" હવે હું તમારાથી કંઈ નહીં છુપાવું પણ હું એમનાં તમારાં માટેનાં પ્રેમને કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું...યાદ છે પેલો પરદેશી સામાન્ય માણસ એ હું એ જ હતો...અને વળી તમારાં રાજ્યમાં મહેમાનગતિનું પ્રયોજન પણ મારે તમારાં નગર અને રાજપરિવાર વિશે જાણવું હતું સાથે તમારાં મનમાં શું છે મતલબ તમને કોઈ બીજું પસંદ હોય કે કદાચ સગપણ થયેલું હોય વગેરે વગેરે...જે એક ભાઈ તરીકે અમારે એક રાજકુમારીનાં વિવાહ માટે કરવી જોઈએ એ બધી જ તપાસ.."

" નંદિનીકુમારી તમને પસંદ છે કે પછી એ પણ તમે તમારી બહેન માટે...??"

" રાજન એટલો તો વિશ્વાસ રાખો.. મારૂં અને નંદિનીકુમારીનુ મળવું અને એકબીજાને પસંદ કરવાં એ સંજોગાવશાત છે એમાં મારી કોઈ પુર્વતૈયારી નથી‌. તમારી બહેન અમારાં રાજ્યમાં રાજ કરશે અને ક્યારેય દુઃખી નહીં થાય એનું હું આપને વચન આપું છું."

સિંચનકુમાર : "તમારી વાત તો બરાબર. પણ અમારાં સંબંધ માટે મારાં માતા તૈયાર થશે ખરાં ??"

" તમે ચિંતા ન કરો. કંઈક તો કરીશું. પણ અત્યારે આ વાત કોઈને ન ખબર પડવી જોઈએ આપણાં ચાર સિવાય તમારાં નગરમાં કે મારી બહેન એ એજ રાજકુમારી છે જેને તમે પસંદ કરો છો અને એની સાથે વિવાહ કરવાં ઈચ્છો છો.અને હવે આપ એની પાસે જાઓ એ બહું મુંઝવણ અને ચિંતામાં છે કે એની તમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા પુર્ણ થશે કે નહીં."

સિંચનકુમાર અને સૌમ્યકુમાર બંને પહોંચ્યા તો બંને રાજકુમારી એકબીજાં સાથે વાતો કરી રહ્યાં છે.તેમણે સાંભળ્યું કે સૌમ્યાકુમારી કહી રહ્યાં છે " ખબર નહીં આમ તો ભાઈ એવું કંઈ કરે નહીં પણ તમારાં ભાઈએ તેઓ જુઠું બોલ્યાં એવું કહ્યું એટલે મને બહું ચિંતા થાય છે કે ક્યાંય સંબંધો બંધાતાં પહેલાં જ...."

વાતમાં અડધેથી જ વચ્ચે સિંચનકુમાર બોલ્યાં, "ચિંતા ન કરો. કંઈ જ નહીં થાય સંબંધોમાં.સંબધો હવે વધારે ગાઢ બન્યાં છે. બંને રાજકુમારીએ ઉપર જોયું તો બંને એકબીજા સાથે હસતાં હસતાં હાથ પકડીને ઉભાં રહ્યાં છે.

સૌમ્યકુમાર : " હા ચિંતા ન કરો. અને હવે હું તમારી સાથે બેસી શકું રાજકુમારી ??"

નંદિનીકુમારી એ હા પાડી પણ એને ભાઈ અને સૌમ્યાકુમારી પાસે હોવાથી થોડો અચકાયા. સૌમ્યકુમાર પણ તેમની બહેન ચીડવવા બોલ્યાં, "હવે તો અમને એકાંત આપો..આપ ત્યાં બેસીને રાજા સિંચન સાથે સમય પસાર કરો એમને પણ સારૂં રહેશે."

સૌમ્યાકુમારીને થોડું માઠું લાગ્યું. એમને થયું કે એક તો ભાઈએ મારી જગ્યાએ એમનું બધું નક્કી કરી દીધું અને હવે અહીં બેસવાની પણ ના કહે છે..એ ફટાકથી ઉભાં થઈને ચાલવા લાગ્યાં. બંને રાજકુમારોએ ઈશારાથી કંઈક વાત કરી અને સિંચનકુમાર સૌમ્યાકુમારીની પાછળ ચાલવા લાગ્યાં અને બોલ્યો," રાજકુમારી મારી સાથે વાત પણ નહીં કરો?? "

સૌમ્યાકુમારીનાં પગ અને દિલ જાણે બધું જ થંભી ગયું... એમનાં ધબકારા વધવા લાગ્યાં...પણ કંઈ બોલતાં જીભ ન ઉપડી..એમણે આજુબાજુ જોયું કે કોઈ છે તો નહીં ને પણ કદાચ રાજા સિંચનનાં આદેશ અનુસાર અત્યારે કોઈ સૈનિક આસપાસ દૂર સુધી નથી દેખાઈ રહ્યું.

" રાજકુમારી આપને મારી સાથે વાત કરવાનું નહીં ગમે ખરેખર ??"

સૌમ્યાકુમારી હવે પાછળ ફર્યા. સિંચનકુમાર તેમનાં આ અદમ્યરૂપ અને સૌંદર્યરસને થોડી ક્ષણો સુધી પીતાં જ રહ્યાં..

" હા બોલો..."

"આપ અહીં બેસવાનું પસંદ કરશો ??" એમ કહીને એક સુંદર ફુલોથી મધમધતાએ સુગંધિત અને બેસવા માટે કરાયેલી એક નાનકડી આકર્ષક ઝુપડી કહી શકાય... ત્યાં ઈશારાથી બતાવ્યું.

રાજકુમારી શરમાઈને હકારમાં સંમતિ આપતાં બંને એ તરફ ગયાં અને બેઠાં....બંને જાણે શબ્દો કરતાં વધારે આંખોથી વાતો કરી રહ્યાં છે.

સિંચનકુમાર એક હીરાની રત્નજડિત અંગુઠી રાજકુમારીને આપીને કહે છે "જો આપની સંમતિ હોય તો આ મારાં પ્રેમની નિશાની આપની સાથે લઈ જઈ શકો છો. બાકી મારે તમારી પાસે કોઈ જ કારણ નથી જોઈતું ‌"

સૌમ્યાકુમારીએ કંઈક વિચાર્યા પછી કંઈ કહ્યું, "હું તમારાં પ્રેમની થાપણ તો જરૂર સ્વીકારીશ પણ હું તો આમ પણ તમને આપણી છેલ્લી હરિફાઈનાં દિવસથી જ તમને વરી ચુકી છું." રાજકુમારી એ વીંટીને સંભાળીને પોતાની પાસે રાખી લે છે. અને પોતાની સંમતિ સ્વરૂપે એક પોતાને સૌથી પ્રિય વીંટી કાઢીને એમને આપે છે...અને કહે છે " આજે હું તમને એ આપું છું જે મેં મારાં સિવાય કોઈને ય આપ્યું નથી.."

સિંચનકુમાર : "એક વાત કહું ?? તમે મારાં માતા રાજી થાય ત્યાં સુધી આ વિવાહ માટે રાહ જોવા તૈયાર છો ?? "

"રાહ ના જોઉં તો ??"

"તો કંઈ વાંધો નહીં. પ્રેમ તો એકને જ થાય . આખું જીવન એમ જ રહીશ."

રાજકુમારી : " એવું તો બધાય કહે વચન પાળશો ખરાં ??"

" મારી પ્રજા અને તમારાં માટે જાન આપવા તૈયાર છું. કદાચ આ વચનબદ્ધતાનાં કારણે જ આ અમારી પ્રજા મારાં આને પિતાજી પર પોતાનાં જીવ કરતાં વધારે વિશ્વાસ કરે છે."

સૌમ્યકુમાર :" ચાલો હવે જઈએ."

અવાજ સાંભળતાં જ સિંચનકુમાર અને સૌમ્યાકુમારી બંને ઉભાં થઈ ગયાં અને જાણે એકબીજાથી દૂર એક ક્ષણ માટે ઈચ્છા ન હોય એમ એમની આંખો એકબીજાને કહેવા લાગી...સમયને અનુસરતાં ચારેય રાજદરબારમાં પહોંચ્યાં...આ બાજું આ બધાં જ ખુશ છે સાથે જ ચારેય રાજારાણી પણ ખુશ છે...

બધું જ અવલોકન કર્યાં બાદ રાણી પ્રિયંવદા બોલ્યાં, " આપણાં સંતાનો બહું ખુશ છે એકબીજા સાથે એટલે આપણે પણ ખુશ‌. અમારે તો હવે દીકરી જાય એ પહેલાં તમારી દીકરી લઈ જવી છે ."

ચેલણારાણી : " કેમ તમારાં રાજકુમારીનાં વિવાહ નક્કી થઈ ગયાં છે ??"

રાજા ધન્વંતરિ : " પહેલાં આપની પણ પરવાનગી તો જોઈશે ને ??"

વિશ્વજીતરાજા અને ચેલણારાણી એકબીજા સામે જોઈ રહ્યાં છે અને રાણી પ્રિયંવદા શું કહેવા ઈચ્છે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે....

શું રાજા સિંચન અને સૌમ્યકુમારીના સંબંધ માટે ચેલણારાણી મંજૂરીની મહોર મારશે?? કે પછી આની અસર સૌમ્યકુમાર અને નંદિનીકુમારીનાં સંબંધ પર પણ પડશે ?? કઈ રીતે થશે ખુશખુશાલ રાજપરિવારમાં એક પતન કે એની અસર હજું સુધી લીપી અને અપુર્વ પર થઈ રહી છે ?? વળી જેક્વેલિન સિસ્ટરની વાત આની સાથે સંકળાયેલી હશે કે શું હશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......