Mari Chunteli Laghukathao - 65 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 65

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ચકલીની આંખ ક્યાંક બીજે જ હતી

વિનોદ મિશ્ર શહેરના એક લોકપ્રિય દૈનિકના સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તો સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયો હતો. નગરશેઠ દ્વારા હિન્દી દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યના સાહિત્યકારો, શિક્ષાવિદો, કલાકારો તેમજ સમાજસેવીઓનું સન્માન થઇ રહ્યું હતું.

મંચની આદરણીય ખુરશીઓ પર શહેરની નામી અને જાણીતી હસ્તીઓ બિરાજમાન હતી. એક રાજનૈતિક પાર્ટીના પ્રમુખ વચ્ચેની ખુરશીમાં અધ્યક્ષના રૂપમાં શોભાયમાન હતા. મંચની બંને તરફ અને સભાગૃહની દીવાલો પર આયોજકના મોટા મોટા કટઆઉટ્સ સજાવવામાં આવ્યા હતા. વિનોદ મિશ્રએ ફટાફટ ચારપાંચ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને પછી આજુબાજુ જોઇને ખાલી ખુરશીની શોધ કરવા લાગ્યા, પરંતુ વ્યર્થ! ‘ઉભા જ રહેવું પડશે’ આમ વિચારીને તેઓ એક દીવાલને અઢેલીને ઉભા રહી ગયા.

મંચ પર સ્થિત ખુરશીઓના ભાષણોથી જ્યારે સભાગૃહ કંટાળવા લાગ્યું તો ઉદ્ઘોષકે ઇનામ વિતરણની જાહેરાત કરી દીધી.

ઉદ્ઘોષક એક વખતમાં પાંચ-પાંચ સન્માન પ્રાપ્તકર્તાઓના નામ બોલી રહ્યો હતો અને તેઓ લાઈનમાં ઉભા રહીને વારાફરતી વારો મંચ પર સન્માન પ્રાપ્ત કરી રહ્યા હતા. મંચની એક ખુરશી તેમના ખભા પર શાલ ગોઠવતી, બીજી સ્મૃતિચિહ્નની ભેટ આપતી તથા ત્રીજી ખુરશી સન્માનપત્ર સોંપતી. ત્યારબાદ આયોજક મહોદય સામે સ્મિત કરીને અભિવાદન પ્રાપ્ત કરીને તેઓ મંચ પરથી નીચે ઉતરી જતા. સમય બહુ ઓછો હતો અને પ્રાપ્તકર્તા ઘણા હતા. સમગ્ર વાતાવરણમાં જાણેકે ઉતાવળ વ્યાપ્ત થઇ ગઈ હતી. કોઈકનું સન્માનપત્ર કોઈકને અપાઈ ગયું હતું. હવે તેઓ પોતપોતાના સન્માનપત્ર શોધી રહ્યા હતા. ઉદ્ઘોષક નામ બોલતો જ જતો હતો અને લાઈન લાંબીને લાંબી થતી જતી હતી.

આ દરમ્યાન સભાગૃહમાં એક બીજી જાહેરાત થઇ... “હવે શહેરના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત નાગરીકો આયોજકનું સન્માન કરશે અને શહેરની વિભિન્ન સંસ્થાઓ તેમને સન્માનપત્ર આપશે.... બાકી રહેલું સન્માન ત્યારબાદ વિતરિત કરવામાં આવશે.”

વિસ્મય પમાડે એવું દ્રશ્ય હતું... એક તરફ રાજ્યભરમાંથી આવેલા વૃદ્ધ સન્માન પ્રાપ્તકર્તા મંચ પર પડી આખડી રહ્યા હતા તો બીજી તરફ આયોજક મહોદય પોતાના અઢી ઇંચના સન્માન સાથે શહેરની ડઝનબંધ સંસ્થાઓ દ્વારા સન્માનિત થઇ રહ્યા હતા.

વિનોદ મિશ્ર ઘણી વાર આ બધું જોઈ રહ્યા. સભાગૃહમાં ફેલાયેલી આ અવ્યવસ્થાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ તેમણે પાડ્યા પરંતુ તેઓ ત્યાં વધુ સમય ઉભા ન રહી શક્યા.

તેઓ સભાગૃહમાંથી નિરાશ થઈને બહાર નીકળ્યા અને પોતાની કારમાં બેઠા. આ તે કેવો સન્માન સમારોહ? તેઓ વિચારી રહ્યા હતા.

ઢાળ ઉતરીને જ્યારે તેમની કાળ સપાટ સડક પર આવી તો તેમણે કારનો રેડિયો ચાલુ કરી દીધો. સમાચાર વાચિકાનો મધુર સ્વર બોલી ઉઠ્યો, “ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે...”

વિનોદ મિશ્રના હોઠ પર સ્મિત આવી ગયું છે.

***