SHADYANTRA books and stories free download online pdf in Gujarati

ષડયંત્ર

વાર્તા-ષડ્યંત્ર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

અર્જુનકુમાર આજે રોજ કરતાં સવારે થોડા વહેલા જાગી ગયા હતા.ઘરે એકલા હતા અને રાત્રે વહેલા ઊંઘી ગયા હતા એટલે વહેલા જાગી ગયા હતા.બેંકની નોકરીમાંથી બે મહિના પહેલાજ નિવૃત્ત થયા હતા એટલે હવે પતિ પત્ની સામાજિક પ્રસંગોએ વધુ હાજરી આપતા હતા.નોકરી દરમ્યાન ઘણા સામાજિક પ્રસંગો ટાળવા પડ્યા હતા પણ હવે તેઓ મુક્ત રીતે દરેક નાના મોટા પ્રસંગો માણતા હતા.સુરેખાબેન એક લગ્ન પ્રસંગે એકલા ગયા હતા અને અર્જુનકુમાર બીજો એક પ્રસંગ સાચવી લેવાના હતા.

નાહી ધોઇને તૈયાર થઇ જાતે ચા બનાવીને પી લીધી.કપડાં પહેરીને ઘડિયાળ સામે જોયું.સાડા દસ થયા હતા.પ્રસંગના સ્થળે સાડા અગિયાર પહેલાં પહોંચવું જરૂરી હતું.ચાલીસ કિલોમીટર નું અંતર હતું.પંદર દિવસ પહેલાં તેમની ગાડી બગડી હતી.અને હજી સુધી ગેરેજમાં પડી હતી.સાત દિવસથી ગેરેજ બંધ હતું.તેમની ગાડી બગડી એ તેમના માટે આશ્ચર્ય હતું.ન્યુ બ્રાન્ડ ગાડી કેવી રીતે બગડે અને એ પણ એન્જિન ફેલ થઇ જાય એ કેવું! ગેરેજવાળા એ કહ્યું કે એન્જિન ફેલ થઇ ગયું છે.

તેમણે ટેક્ષી કરીને જવાનું નક્કી કર્યું અને બુટ પહેરીને બહાર નીકળવાની તૈયારી કરી,તાળું ચાવી હાથમાં લીધા.એટલામાં બારણે ટકોરા પડ્યા.

‘ દરવાજો ખોલો સાહેબ’ બહારથી ભારેખમ અવાજ આવ્યો.અજાણ્યો અવાજ હતો તેમણે તુરંત દરવાજો ખોલ્યો.સામે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે જમાદારો ઊભા હતા.ઇન્સ્પેક્ટર ના ચહેરા ઉપર ગુસ્સો દેખાઇ આવતો હતો.

‘ ઇન્સ્પેક્ટર રૂપકુમાર ‘ તેમણે કરડાકી ભર્યા અવાજે કહ્યું.

‘ આવોને સાહેબ અંદર’ અર્જુનકુમારે મીઠાશથી કહ્યું.

‘અંદર તો તમને કરવાના છે અર્જુનકુમાર ‘ઈન્સ્પેક્ટરે ઘેરા પડછંદ અવાજે કહ્યું.

‘શું સવાર સવારમાં ગમ્મત કરોછો સાહેબ’અર્જુનકુમારે હસતાં હસતાં કહ્યું.

ઈન્સ્પેક્ટરે ગોગલ્સ ઉતારીને કાચ સાફ કરતાં કરતાં કહ્યું’ મિ.અર્જુનકુમાર,ગમ્મત તો તમે કાનૂન સાથે કરીછે.બેંકની મોભાદાર નોકરી કરતાં કરતાં જીવલેણ હથિયારો ની હેરાફેરી કરીને તમે કેટલો મોટો ગુનો કર્યો છે તેનો અંદાજ છે? તમારે અત્યારેજ મારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે.’

‘જીવલેણ હથિયારોની હેરાફેરી અને અર્જુનકુમાર ? ઇન્સ્પેક્ટર તમારે રોંગ નંબર લાગી ગયોછે.ભૂલથી કોઇ ભળતા ઘરમાં આવ્યા લાગોછો.હું એક બેન્કર હતો કદાચ તમારાથી ત્રણ ગણો વધારે મારો પગાર હતો.પછી મારે શા માટે હથિયારોની હેરાફેરી કરવી પડે?’

‘ એ બધી વાતો તપાસ વખતે કરજો અત્યારે ચાલો મારી સાથે.’

‘પણ મારે એક લગ્ન પ્રસંગે જવાનું છે.સાંજે આવું તો ચાલશે?’

‘તો પછી હું તમારી સાથે જ પ્રસંગના સ્થળે આવીશ.ફ્રી થાઓ એટલે આપણે સાથે જ પોલીસ સ્ટેશને જઈશું.’રૂપકુમાર વાત ટૂંકાવીને ઊભા થઇ ગયા.

અર્જુનકુમાર પોલીસની ગાડીમાં ના બેઠા પણ પ્રાઇવેટ ટેક્ષી કરી.પોલીસવાન તેમની ગાડીથી થોડું અંતર રાખીને પાછળ આવી રહી હતી.લગ્ન પ્રસંગ પતાવીને બહાર આવ્યા પછી તેઓ પોલીસવાનમાં બેઠા.

‘ અર્જુનકુમાર તમારી ન્યુ બ્રાન્ડ ડસ્ટર કાર ક્યાં ગઇ?’ ઈન્સ્પેક્ટરે ઉલટ તપાસ ચાલુ કરી.

‘એન્જિન બગડ્યું છે એટલે ગેરેજમાં પડીછે.ગેરેજવાળો અઠવાડિયાથી બહાર જતો રહ્યો છે.’

‘નવી ગાડીનું એન્જિન બગડે એ માન્યામાં તો નથી આવતું ‘

‘ગેરેજવાળો આવે એટલે પૂછી લેજો સાહેબ.મારે શુંકામ ખોટું બોલવું પડે?’

ઈન્સ્પેક્ટરે જમાદારને કહ્યું’ ગેરેજવાળાને અહીં લાવો.’ ગેરેજવાળો પોલીસ સ્ટેશનમાં જ હાજર હતો.

‘ભાઇ શું નામ તારું?’

‘પરવેઝ’ ગેરેજવાળા કાકાએ બીતાં બીતાં જવાબ આપ્યો.

‘પરવેઝ આ સાહેબ ની ગાડીનું એન્જિન બગડ્યું છે?’

‘ના સાહેબ થોડો કચરો ભરાઇ ગયો હતો.નવી ગાડીનું એન્જિન કેવી રીતે બગડે?’

આ સાંભળીને અર્જુનકુમાર ભડક્યા.અને પરવેઝ ને પૂછ્યું’ તેં કહ્યું હતું કે એન્જિન ફેલ છે.હવે કેમ ખોટું બોલેછે?’

પરવેઝે જવાબ આપ્યો’ સાહેબ મેં એવું કહ્યું જ નથી.પણ ઉપરથી તમે મને કહેલું કે ગાડી પંદર દિવસ સુધી તારા ગેરેજમાં રાખજે મારે બહારગામ જવાનું છે.’

ગેરેજવાળાની સ્ટેટમેન્ટ માં સહી કરાવીને તેને જવા દીધો.અર્જુનકુમાર ના કપાળે કરચલીઓ પડી ગઇ.તેમને કોઇ કાવતરામાં ફસાવવામાં આવી રહ્યા હોય તેવું હવે ભાન થયું.

‘ અર્જુનકુમાર,તમારી ગાડીની ડેકીમાં થી જીવલેણ હથિયારો અને સ્ફોટક પદાર્થો અમે પકડ્યા છે અને તેનું પંચનામું કર્યું છે.હવે તમે પૂરી વિગત જણાવો કે હથિયારો કોણે તમને આપ્યા અને ક્યાં મોકલવાના છે.આ માહિતી તમારા સિવાય અમને કોણ આપી શકે?’

અર્જુનકુમાર થરથર ધ્રુજી રહ્યા હતા.કેવા મોટા ષડ્યંત્ર માં તેમને ફસાવવામાં આવ્યા છે.દેશદ્રોહના ગુનાના તેઓ આરોપી બની ગયા હતા.

તેમણે ઇન્સ્પેક્ટર સામે જોઇને કહ્યું’ સાહેબ,હવે મને યાદ આવ્યું.ભલમનસાઇ નો જમાનો નથી રહ્યો.પંદર દિવસ પહેલાં એટલેકે જે દિવસે ગાડી બગડી એ દિવસે હું સવારે અગિયાર વાગ્યે હાઇવે ઉપર ગાડી લઇને જઇ રહ્યો હતો.એટલામાં રોડ ઉપર ટોળું એકઠું થયેલું મેં જોયું અને ગાડી ઊભી રાખી.કોઇ આધેડ ઉંમરના બેન ને એક ટ્રક વાળો ઘાયલ કરીને ભાગી ગયો હતો.બેન બેભાન હાલતમાં હતા.મારી ગાડી ઊભી રહેલી જોઇને બે વ્યક્તિઓ બેન ને ઉચકીને મારી ગાડી પાસે આવ્યા અને વિનંતી કરીકે બેનને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે તમારી ગાડીમાં લઇ જઇએ.વિચારવાનો સમય હતો નહીં.બેનની સાથે પેલા બે ભાઈઓ પણ ગાડીમાં બેસી ગયા.બેનને હોસ્પિટલમાં એડમિટ કરાવવા હું પણ એકાદ કલાક રોકાયો હતો.પણ ત્યાંથી વળતાં મારી ગાડી બગડી હતી.જે પંદર દિવસથી પરવેઝના ગેરેજમાં પડી છે.’

‘ તમારી સાથે જે બેન અને બે ભાઈઓ હતા એમને તમે હાલ ઓળખી શકો ખરા?’

‘ હા કેમ નહીં સાહેબ લગભગ અમે દોઢ કલાક સાથે હતા.’

‘અર્જુનકુમાર,બાતમીદારે આપેલી માહિતીમાં આપનો ગાડી નંબર આપ્યો હતો અને માહિતી સાચી નીકળી છે એટલે મોટામાં મોટો પુરાવો આપની વિરુદ્ધમાં છે.’ ઇન્સ્પેક્ટર થોડું નરમાશથી બોલ્યા.હવે એમને પણ લાગતું હતું કે કદાચ અર્જુનકુમાર ને બલીનો બકરો બનાવવામાં આવ્યો હોય.

‘ ઇન્સ્પેક્ટર સાહેબ,આ પરવેઝ જુઠું બોલ્યો છે.તે કશુંક જાણતો લાગેછે.’

‘મને પણ તેના ઉપર શંકા છે.તમે અત્યારે ઘરે જાઓ.અમે બોલાવીએ ત્યારે હાજર થવું પડશે.’

‘ ઓકે સાહેબ,આભાર.’

ગેરેજ આગળ પોલીસવાન ઊભી રહી.ઈન્સ્પેક્ટરે પરવેઝને બહાર બોલાવ્યો.અને કડક શબ્દોમાં કહ્યું’ પરવેઝ તારા બંને સાગરીતો પકડાઇ ગયાછે.એમણે તારું પણ નામ આપ્યું છે.તારી ધરપકડ કરવા આવ્યા છીએ.’

પરવેઝને પરસેવો છૂટી ગયો.તેણે બંને સાગરીતોના નામ સરનામાં આપી દીધાં.ઈન્સ્પેક્ટરે બીજો સ્ટાફ મોકલીને બંનેને પકડીને લોકઅપ માં પૂરી દીધા.પરવેઝને પણ એરેસ્ટ કર્યો.ત્રણે જણને બરાબર ફટકાર્યા પછી માહિતી મળી.

હોસ્પિટલ આગળ ગાડી ઊભી રાખીને અર્જુનકુમાર ઘાયલ બેનને એડમિટ કરાવવા ગયા એ વખતે પરવેઝ ડુપ્લીકેટ ચાવીથી ગાડી ચાલુ કરીને જ્યાંથી હથિયારો અને સ્ફોટક વસ્તુઓ લેવાની હતી ત્યાં લઇ ગયો.અને ડેકીમાં ભરીને કલાકમાં પાછો આવી ગયો.અને ગાડી રસ્તામાં બગડે એવી ગાડીમાં કંઇક ખરાબી કરી.અને રસ્તામાં ખરેખર ગાડી બગડી.પરવેઝ ને ખબર હતી કે ગાડી બગડવાની છે એટલે એ ગાડી ની પાછળ જ તેનું બાઇક લઇને આવતો હતો. પરવેઝ ની સાથેજ તેના
ગેરેજમાં ગાડી લઈને અર્જુનકુમાર પહોંચ્યા.હવે જ્યાં સુધી હથિયાર સગેવગે ના કરી દેવાય ત્યાં સુધી ગાડી રોકી રાખવી જરૂરી હતી.એટલે પરવેઝે એન્જિન બગડ્યું છે એમ કહીને ગાડી રોકી રાખી.
જે બાતમીદારે માહિતી આપી હતી તેણે તે દિવસે અર્જુનકુમારની ગાડી ચલાવતા પરવેઝને જોઇ લીધો હતો.અને પીછો કર્યો હતો અને દસ દિવસ વૉચ રાખીને પછી ઇન્સ્પેક્ટર રૂપકુમાર ને બાતમી આપી હતી.
રૂપકુમારે પોતાની કુનેહ અને બહાદુરીથી આખું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.અર્જુનકુમારને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા.
'અર્જુનકુમાર તમને પહેલીવાર મળ્યો ત્યારે જ તમે ગુનેગાર ન હોઇ શકો એવું લાગ્યું હતું પણ પુરાવો તમારી વિરુદ્ધ જતો હતો એટલે તમારે હેરાન થવું પડ્યું.
હવે પછી દયા ખાઇને કોઇ અજાણી વ્યક્તિ ને વાહન ઉપર લિફ્ટ આપતાં હજાર વાર વિચારજો.તમે ભયંકર કાવતરામાં થી હેમખેમ બહાર આવી ગયાછો.'