Aryariddhi - 44 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૪૪


ક્રિસ્ટલ પોતાના રૂમમાં બેડ પર બેસીને આર્યવર્ધનને યાદ કરતી હતી ત્યારે તેને આર્યવર્ધન સાથે થયેલી છેલ્લી વાત યાદ આવ્યો. જ્યારે તે બંને છેલ્લી વખત મળ્યા હતા ત્યારે આર્યવર્ધને ક્રિસ્ટલને કહ્યું હતું, “મારા જીવનનું એક જ લક્ષ છે, મારા મમ્મી-પપ્પા, રિદ્ધિના મમ્મી-પપ્પાની બીમારીનો ઈલાજ કરીને તેમને બચાવવા અને રિદ્ધિની રક્ષા કરવી અને જે વ્યક્તિના કારણે મારા પેરેન્ટ્સની આ હાલત થઈ છે તેની પાસેથી બદલો લેવો.”
આ દરમિયાન કોઈએ ક્રિસ્ટલના રૂમનો દરવાજો નોક કર્યો એટલે ક્રિસ્ટલે બેડ પરથી ઊભી થઈને દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે દરવાજા પર ભૂમિ ઊભી હતી. ક્રિસ્ટલે ભૂમિને રૂમમાં આવવા દીધી ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો.

ભૂમિ બાલ્કની પાસે ખુરશીમાં બેઠી અને ક્રિસ્ટલ તેના બેડ બેસી ગઈ. થોડીવાર પછી ભૂમિએ ક્રિસ્ટલને સવાલ પૂછ્યો, “ક્રિસ્ટલ, મારે તારી પાસેથી એક પ્રશ્નનો જવાબ જાણવો છે. અને મને વિશ્વાસ છે કે તું તેનો જવાબ આપીશ.” આ સાંભળીને ક્રિસ્ટલ બોલી, “તું જે પણ સવાલ પુછવો હોય તે પૂછી શકે છે. હું તેનો જવાબ ચોક્કસ આપીશ.”

“જ્યારે આર્યવર્ધન સાથે તારી સગાઈ થઈ ત્યારે તું જાણતી હતી કે આર્યવર્ધન રિદ્ધિને પ્રેમ કરે છે?” ભૂમિ આ સવાલ સાંભળીને ક્રિસ્ટલ હસી પડી એટલે ભૂમિને નવાઈ લાગી પણ તે બોલી નહીં. થોડીવાર સુધી હસ્યાં પછી ક્રિસ્ટલ બોલી, “ માફ કરજે પણ તારો સવાલ એવો હતો એટલે હું મારું હસવું રોકી શકી નહીં. અને રહી વાત તારા સવાલની તો આર્યવર્ધને મને તેની સાથે સગાઈ કરતાં પહેલાં જ કહી દીધું હતું કે તે રિદ્ધિને પ્રેમ કરે છે અને જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ તેને જ પ્રેમ કરશે. આ વાત જાણ્યા પછી જો હું ચાહત તો તેની સાથેની સગાઈ તોડી શકતી હતી પણ હું તેને પ્રેમ કરવા લાગી હતી એટલે મે તેની સાથે સગાઈ કરી.

“હું આર્યવર્ધનને હંમેશા ખુશ રાખવા માંગતી હતી અને આ રીતે હું તેને મારા પ્રેમનો અહેસાસ કરાવા માંગતી હતી. મને ખબર હતી કે હું આર્યવર્ધનના હદયમાં રિદ્ધિનું સ્થાન ક્યારેય નહીં મેળવી શકું પણ મારું અલગ સ્થાન મેળવવા માંગતી હતી. આર્યવર્ધન ભલે મને પ્રેમ ન આપી શકે પણ હું તેની મિત્રતા તો મેળવીને પણ ખુશ હતી.”

આ સાંભળીને ભૂમિને વધારે નવાઈ લાગી એટલે તેણે બીજો સવાલ પૂછયોં, “તો પછી તે રિદ્ધિ સાથે ફ્રેન્ડશીપ શા માટે કરી? રિદ્ધિને જાનથી મારવા માટે જેનાથી આર્યવર્ધન તારો થઈ જાય?” આ સાંભળી
ક્રિસ્ટલનો ચહેરા પર ઉગ્ર ભાવ આવ્યા. તે ઊંચા અવાજે બોલી, “ખબરદાર ભૂમિ, જે કઈ કહેવું તે વિચારીને કહેજે. તું મારા આર્યવર્ધન માટેના પ્રેમ કે રિદ્ધિ સાથેની ફ્રેન્ડશીપ માટે કોઈ ખોટો શબ્દ કહી શકે તેમ નથી.”

“તો પછી રિદ્ધિ સાથે ફ્રેન્ડશીપ કરીને તેની સાથે રહેવાનુ કારણ શું છે?” પોતાની શક પાકો કરતાં ભૂમિ બોલી. ભૂમિ પોતાના પર શક કરી રહી હતી એ વાત ક્રિસ્ટલથી સહન થઈ નહીં. તેણે તરત ઊભી થઈને પોતાનો ફોન હાથમાં લીધો અને તેમાં એક ફોટોગ્રાફ ઓપન કરીને તરફ ફેકયો અને બોલી, “આ જોઈ લે જેથી તારી શક દૂર થઈ જાય.”

ભૂમિએ ક્રિસ્ટલનો ફોન લઈને જોયું તો ક્રિસ્ટલનો ફોન તેના હાથમાંથી છૂટી ગયો. ભૂમિને શું બોલવું તે સમજાતું નહોતું. ભૂમિ ધ્રૂજતાં અવાજે બોલી, “તું...તું... CIA ઓફિસર છે.” ક્રિસ્ટલે પોતાનો જમીન પર પડેલો ફોન હાથમાં લેતા કહ્યું, “બિલકુલ, આર્યવર્ધનના કહેવાથી જ હું CIA સાથે જોડાઈ હતી. તે વખતે મારું ફક્ત એક જ લક્ષ્ય હતું કે આર્યવર્ધનને ખુશ રાખવો.”

“માટે હું CIA માં જોડાઈને તાલીમ પૂરી કર્યા પછી મારું પહેલું એસાઈમેન્ટ હતું રિદ્ધિની સુરક્ષા કરવી એટલે મે રિદ્ધિની કોલેજમાં એડમિશન લીધું અને તેના ઘરની નજીક રહેવા લાગી. હું તેની સાથે ફ્રેન્ડશિપ કરીને તેની સાથે રહેવા લાગી. હું આર્યવર્ધનને પ્રેમ કરતી હતી અને અત્યારે પણ પ્રેમ કરું છું. એટલે તેના માટે મારે દરેક ખતરાથી રિદ્ધિને દૂર રાખવાની છે. એ જ મારું લક્ષ છે.
“મારો પ્રેમ આર્યવર્ધન હતો અને આર્યવર્ધનનો પ્રેમ રિદ્ધિ છે. એટલે રિદ્ધિની સુરક્ષા અને તેની ખુશી મારા માટે મારી ફરજ છે.”

ભૂમિ આ સાંભળીને દંગ રહી ગઈ. તેણે વિચાર્યું પણ નહોતું કે ક્રિસ્ટલનો ભૂતકાળ આવો હશે અને કોઈ પોતાના પ્રેમ માટે આ હદ સુધી જઇ શકે છે તે વાત પર હજી પણ તેને વિશ્વાસ થઈ રહ્યો નહોતો. ક્રિસ્ટલે પ્રેમ વ્યક્ત કરવાનું એક અનોખુ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. તે માટે હવે ભૂમિને ક્રિસ્ટલ માટે માન થઈ આવ્યું.
પણ તે બંનેમાંથી કોઈને એ વાતની ખબર નહોતી કે રિદ્ધિ રૂમની બહાર ઊભી રહીને તેમની બધી વાત સાંભળી રહી હતી. જ્યારે રિદ્ધિ તેના રૂમમાં બહાર આવીને ક્રિસ્ટલ પાસે જવાનું વિચાર્યું પણ ભૂમિ તેના પહેલા ક્રિસ્ટલના રૂમમાં આવી ગઈ હતી. એટલે જ્યારે રિદ્ધિ ક્રિસ્ટલના રૂમ પાસે આવીને દરવાજો નોક કરવા ગઈ ત્યારે તેણે ક્રિસ્ટલ અને ભૂમિની બધી વાતો સાંભળી લીધી.

એટલે રિદ્ધિને શું કરવું તે સમજાતું નહોતું. તે તેના રૂમ તરફ જવા માટે પાછળ ફરી ત્યારે ભૂલથી તેણે દરવાજા પાસે મૂકેલો ફૂલદાન તોડી નાખ્યો. ફૂલદાન તૂટવાના અવાજથી ભૂમિ અને ક્રિસ્ટલ સચેત થઈ ગયા. તેઓ દરવાજો ખોલીને તરત બહાર આવ્યા ત્યાંસુધી રિદ્ધિ દોડીને તેના રૂમ જતી રહી હતી પણ રિદ્ધિએ તેનું બ્રેસલેટ ભૂલથી ત્યાં પાડી દીધું હતું જે ક્રિસ્ટલના હાથમાં આવી ગયું.

ક્રિસ્ટલે તે બ્રેસલેટ ભૂમિને બતાવતાં કહ્યું, “આ રિદ્ધિનું છે જે મે તેને બર્થડે ગિફ્ટ તરીકે આપ્યું હતું. તેનો મતલબ એ છે કે રિદ્ધિ અહીં આવી હતી અને તેણે આપણી વચ્ચે થયેલી બધી વાત સાંભળી લીધી છે.” આટલું કહીને ક્રિસ્ટલે ભૂમિ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. ભૂમિએ તરત મેઘનાને કોલ કરીને રિદ્ધિના રૂમ પાસે આવવા માટે કહ્યું.

ત્યારબાદ ભૂમિ અને ક્રિસ્ટલ રિદ્ધિના રૂમ પાસે આવ્યા પછી મેઘનાની રાહ જોવા લાગ્યા. જ્યારે રિદ્ધિ ત્યારે બાથરૂમ શાવર નીચે ઊભી રહી હતી અને ખુદને અરીશામાં જોઈ રહી હતી. તેના બધા કપડાં ભીના થઈ ગયા હતા પણ તેના મનમાં વિચારોનું તોફાન સર્જાયું હતું. તેણે લાગતું હતું કે ક્રિસ્ટલ તેની બેસ્ટ ફ્રેન્ડ છે પણ હવે તેની હકીકત જાણ્યા પછી શું કરવું તે સમજાતું નહોતું.

ક્રિસ્ટલ તેના આર્યવર્ધન પ્રત્યેના પ્રેમ માટે આટલો મોટો ત્યાગ કરી શકે છે. ક્રિસ્ટલ જાણે છે કે આર્યવર્ધન મને પ્રેમ કરે છે અને તે ક્યારેય તેને મળવાનો નથી કે પ્રેમ કરી શકવાનો નથી. તોપણ ક્રિસ્ટલ મારી સુરક્ષા કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારી સાથે રહે છે. આ વિચારે રિદ્ધિને વિચલિત કરી દીધી હતી.
પણ અચાનક રિદ્ધિને તેની મમ્મીએ બાળપણમાં કહેલી પ્રેમની સાચી વ્યાખ્યા યાદ આવી. એ વ્યાખ્યાએ રિદ્ધિના મનમાં ઉઠેલા બધા વમળો શાંત કરી દીધા. તે હસીને બાથરૂમમાં બહાર આવી.