Aryariddhi - 45 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૪૫

રિદ્ધિ બાથરૂમાંથી બહાર આવી ત્યારે તેના બધા કપડાં ભીના થઈ ગયા હતા પણ તેનું મન પ્રફુલિત થઈ ગયું હતું. બીજી બાજુ લેબમાં રાજવર્ધન મેઘના , નિધિ અને ખુશી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મેઘના પર ભૂમિનો કોલ આવ્યો એટલે મેઘના ઝડપથી રિદ્ધિના રૂમ તરફ ગઈ.

ભૂમિ અને ક્રિસ્ટલ રિદ્ધિના રૂમની બહાર મેઘનાના આવવાની રાહ જોવા લાગ્યા. પાંચ મિનિટ પછી મેઘના ભૂમિ પાસે પહોચી ગઈ. ભૂમિને મેઘના પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું ત્યારે ભૂમિએ ટૂંકમાં મેઘનાને બધી વાત જણાવી દીધી એટલે મેઘના આખી પરિસ્થિતિ સમજી ગઈ.

મેઘનાએ રિદ્ધિના રૂમનો દરવાજો નોક કર્યો તો તરત દરવાજો ખૂલી ગયો. એટલે મેઘના, ક્રિસ્ટલ અને ભૂમિ ત્રણેય એકસાથે રૂમમાં જઈને જોયું તો રિદ્ધિ બાલ્કની પાસે બેસીને તેના વાળ સૂકવી રહી હતી. આ જોઈને તે ત્રણેયને થોડી રાહત થઈ.

રિદ્ધિ તે ત્રણેયને જોઈને ઊભી થઈ ગઈ અને બધાને બેસવા માટે કહ્યું. ભૂમિ, મેઘના બેડ પર બેઠા અને ક્રિસ્ટલ ડ્રેસિંગ ટેબલ પર બેઠી જ્યારે ફરીથી બાલ્કનીમાં જઈને બેસી ગઈ. મેઘનાએ રિદ્ધિને પૂછ્યું, “દીદી, તમે ઠીક છો ને?”

“હા પરી, હું ઠીક છું. બસ થોડી પરેશાન થઈ ગઈ હતી પણ હવે એ પરેશાની દૂર થઈ ગઈ છે.” આટલું કહીને રિદ્ધિ ઊભી થઈને ક્રિસ્ટલ પાસે આવીને તેના પગે પડી ગઈ. આ જોઈ ક્રિસ્ટલ એક આંચકા સાથે ઊભી થઈ ગઈ, “રિદ્ધિ, આ શું કરી રહી છે?”

“હું તારી ગુનેગાર છું. એટલે તારી પાસે માફી માંગુ છું.” રિદ્ધિએ નીચે બેસીને ક્રિસ્ટલની સામે જોઈને કહ્યું. ક્રિસ્ટલે રિદ્ધિની આંખોમાં જોયું ત્યારે તેને રિદ્ધિની આંખોમાં આંસુ દેખાયા.

“પ્લીઝ રિદ્ધિ તું પહેલાં ઊભી થઈ જા.” ક્રિસ્ટલે રિદ્ધિનો હાથ પકડીને તેને ઊભી કરીને બેડ પર બેસાડીને પાણીનો ગ્લાસ આપ્યો. “તે કોઈ ભૂલ નથી કરી, કોઈને તકલીફ આપી નથી. તો પછી તું શેના માટે માફી માંગે છે?”

રિદ્ધિએ પાણી પીધાં પછી શાંત થઈ બોલી, “સૌથી પહેલાં તો મે તારો પ્રેમ છીનવી લીધો. મારા કારણે તું આર્યવર્ધનથી દૂર થઈ ગઈ. મારા કારણે તું તારી જિંદગી જોખમમાં મૂકીને મારી સાથે રહી આ તમામ બાબતો માટે હું તારી પાસે માફી માંગુ છું. એક વાર મેં તારું અપમાન કર્યું હતુ અને તને અપશબ્દો કહ્યા હતા. એ માટે હું તારી પાસે માફી માંગુ છું. પ્લીઝ, મને માફ કરી દે.”

આ સાંભળીને ક્રિસ્ટલની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે રિદ્ધિના બંને હાથ પકડીને કહ્યું, “રિદ્ધિ, તે ભૂલ કરી જ નથી. હું તારી સાથે રહીને તારી રક્ષા કરી એ મારી ડ્યુટી હતી. તું આર્યવર્ધનનો પ્રાણ હતી અને આર્યવર્ધન મારો પ્રાણ હતો. એટલે હું તારી રક્ષા કરીને મારી રક્ષા કરતી હતી. તું ખુદને તકલીફ આપીશ નહીં. તારે ખુદનું અને તારા પ્રેમની નિશાનીનું ધ્યાન રાખવાનું છે. માટે હવે તું આરામ કર, આપણે રાત્રે મળીએ.” આટલું કહીને ક્રિસ્ટલે ભૂમિને ઈશારો કર્યો એટલે ભૂમિ અને મેઘના રૂમની બહાર નીકળી ગયા.

ત્યારબાદ ક્રિસ્ટલે એક જ્યુસના ગ્લાસમાં સ્લીપિંગ પિલ્સ નાખીને તે રિદ્ધિને આપ્યો. રિદ્ધિ તે જ્યુસ પીધાં પછી થોડીવારમાં સ્લીપિંગ પિલ્સની અસરથી સૂઈ ગઈ. પછી ક્રિસ્ટલ બહાર આવી ત્યારે ભૂમિ અને મેઘના તેની રાહ જોતાં હતાં. ક્રિસ્ટલ બોલી, “હવેથી આપણે ખૂબ સાવધાન રહેવું પડશે. પરિસ્થિતિ ઘણી નાજુક બની ગઈ છે. અત્યારે રિદ્ધિને સ્લીપિંગ પિલ્સ આપીને સુવડાવી દીધી છે. પણ મને ડર લાગે છે કે રિદ્ધિ ખુદને કોઈ નુકસાન ન પહોચાડી બેસે.”

ભૂમિએ ક્રિસ્ટલને સાંત્વના આપતાં કહ્યું, “તું વધારે પડતી ચિંતાં કરી રહી છે. તું જેવુ વિચારે છે એવું કઈ નહીં થાય. રિદ્ધિને ખુદને પણ ખબર છે કે તેનું બાળક જ તેના માતા-પિતાનો જીવ બચાવી શકે તેમ છે. એટલે તે કઈ અયોગ્ય હોય તેવું કામ નહીં કરે.”

ભૂમિ આટલું બોલી ત્યાં જ ક્રિસ્ટલના પોકેટમાં મૂકેલા ફોનની રિંગ વાગી એટલે ક્રિસ્ટલે ફોન હાથમાં લઈને ફોન સ્ક્રીન પર પાર્થનું નામ જોઇને તેના ચહેરા પર ચિંતાંની રેખા ફરી વળી. પછી તેણે ફોનની સ્ક્રીન મેઘના તરફ કરતાં કહ્યું, “આ ફોન રિદ્ધિનો છે.”

ભૂમિએ તરત ક્રિસ્ટલના હાથમાંથી રિદ્ધિનો ફોન લઈને કટ કરી દીધો અને રિદ્ધિના ફોનમાં WHATSAPP ઓપન કરીને તેમાથી પાર્થને વોઇસ કોલ કર્યો. એટલે સામેથી પાર્થનો ચિંતાતુર અવાજ સંભળાયો, “રિદ્ધિ તું ઠીક છે?”

(ત્યાર બાદ ભૂમિએ રિદ્ધિના અવાજમાં પાર્થ સાથે વાત કરવાનું શરૂ કર્યું.)
ભૂમિ : હા, પાર્થ હું બિલકુલ ઠીક છું. તું મારી ચિંતાં ન કરીશ.
પાર્થ : તો પછી તે હમણાં મારો કોલ કેમ કાપી નાખ્યો અને આટલા દિવસ ફોન કેમ લાગતો નહોતો?
ભૂમિ : પાર્થ, હું અત્યારે મારા ફ્રેન્ડસ સાથે ફરવા માટે રાજસ્થાન આવી છું. એટલે અહી નેટવર્કની સમસ્યા છે પણ અહીં એક હોટેલમાં Wi-Fi ની સુવિધા મળી ગઈ એટલે તને whatsapp પર વોઇસ કોલ કર્યો.

પાર્થ : પણ તું અમદાવાદ ગઈ હતીને કોન્ફરન્સ માટે તો ત્યાંથી તું રાજસ્થાન કેમ ચાલી ગઈ અને હું તને એક વીક થી કોલ કરી રહ્યો છું પણ તારો ફોન બંધ આવતો હતો. અંકલ અને આંટી તારા માટે ખૂબ જ પરેશાન છે.

ભૂમિ : ભાઈ, હું તને કોલ કરવાની હતી પણ મારો ફોન બગડી ગયો હતો એટલે મારો ફોન બંધ હતો. તું ચાહે તો ક્રિસ્ટલને પૂછી શકે છે.

(આમ કહીને ભૂમિ ફોન ક્રિસ્ટલને પાછો આપ્યો અને વાત કરવા માટે ઈશારો કર્યો)
ક્રિસ્ટલ : હેલો પાર્થ.
પાર્થ : ક્રિસ્ટલ, રિદ્ધિ સાચું કહી રહી છે કે તમે રાજસ્થાનમાં ફરવા માટે ગયા છો ?

ક્રિસ્ટલ : હા પાર્થ. અમને લંડનની એક IT કંપનીનો પ્રોજેકટ મળ્યો છે. તેની રિસર્ચ કરવા માટે અને ફરવા માટે અહી આવ્યા છીએ. એટલે તું અમારી ચિંતા કરીશ નહીં.

પાર્થ ; ઠીક છે. પણ તમે લોકો પાછા ક્યારે આવશો ?
ક્રિસ્ટલ : અમારો પ્રોજેકટ ત્રણ મહિનાનો છે અને પછી 15 દિવસ લંડનમાં કંપનીના સેમિનારમાં હાજરી આપવાની છે તો ચાર મહિના જેટલો સમય લાગશે. હવે અમારે બહાર જવું છે તો હું પછી કોલ કરાવીશ. Bye.

આટલું કહીને ક્રિસ્ટલે કોલ કાપી નાખ્યો પછી તેણે ગુસ્સામાં ભૂમિ સામે જોયું એટલે ભૂમિ હસી પડી. એટલે ક્રિસ્ટલ બોલી, “ભૂમિ આ બધું નાટક કરવાની શું જરૂર હતી ? તને ખબર છે હું કેટલી ડરી ગઈ હતી.”

ભૂમિએ કહ્યું, “મેં રિધ્ધીના અવાજમાં પાર્થ સાથે વાત કરીને તેને વિશ્વાસ અપાવી દીધો છે કે રિદ્ધિ સુરક્ષિત છે અને તેને કંઈ થયું નથી. એટલે આપણને થોડો સમય મળી ગયો છે.” આમ બોલ્યા પછી તે ત્રણેય લિફ્ટથી ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા.

ત્યારે મહેલના હોલમાં એક સુંદર યુવતીએ બે અંગરક્ષકો સાથે પ્રવેશ કર્યો. તે જોઇને ભૂમિ ઘૂંટનભેર બેસીને તે યુવતીનું અભિવાદન કર્યું. ક્રિસ્ટલે તે યુવતીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ભૂમિએ બધાને તે યુવતીનો પરિચય આપતાં કહ્યું, “આ યુવતી આ મહેલની રાજકુમારી અને આર્યવર્ધનની બેસ્ટ ફ્રેન્ડ સંધ્યા છે.”