Incpector Thakorni Dairy - 16 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું સોળમું

ઇન્સ્પેક્ટર ઠાકોરને રાત્રે સમાચાર મળ્યા કે એક માલેતુજાર યુવાને શહેરના છેવાડાના એક અવાવરુ ભાગમાં આત્મહત્યા કરી લીધી છે, ત્યારે તેમને નવાઇ લાગી. પોલીસના રીપોર્ટમાં લખ્યું હતું કે મરનાર યુવાન કેટલાક દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હતો. સાંજે તેના પિતાની ફેક્ટરીમાંથી ઘરે જવાનું કહી નીકળ્યા પછી શહેર બહાર એક જંગલ જેવી જગ્યાએ કાર પહોંચે ત્યાં સુધી લઇ ગયો અને કોલ્ડ્રિંક્સમાં ઝેર નાખી આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન નક્કી થયા હતા. છોકરી પણ મોટા ઘરની હતી. અચાનક તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર બીજા દિવસે સવારે પોલીસ ઇન્સ્પેક્ટર દયારામ પાંડેને ફોન કરી ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા ધીરાજી સાથે પહોંચી ગયા. ત્યાં પહોંચીને ઇન્સ્પેક્ટર દયારામ પાંડેએ થોડે દૂરથી કહ્યું:"ઠાકોરજી, પેલું કુંડાળું દેખાય છે ત્યાં રવિતની લાશ પડી હતી. આપણે જમણી બાજુથી ત્યાં પહોંચીએ. કેમકે રવિત આ રસ્તેથી ત્યાં જઇને બેઠો હતો. તમે જોશો કે તેના પગલાથી ત્રણેક ફૂટ દૂર ધૂળમાં બીજા બે પગલાં દેખાય છે. રવિતના પગલાં સળંગ છે પણ બીજા પગલાં બે-ત્રણ ડગલાં માટે જ દેખાય છે. એના પરથી એમ માની શકાય કે તેની સાથે બીજું કોઇ આવ્યું હોય શકે."

પોલીસ સ્ટાફ ગોળ ફરીને લાશની જગ્યાએ પહોંચ્યો. ઇન્સ્પેક્ટર દયારામ પાંડેએ વધારે વિગત આપતાં કહ્યું:"ઠાકોરજી, અમે રાત્રે કોઇનો ફોન આવ્યો ત્યારે આ રીતે જ ગોળ ફરીને ગયા હતા. જેથી કોઇ પુરાવા હોય તો નષ્ટ ના થઇ જાય. અમે અહીં આવ્યા ત્યારે એક પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડું કાલાખટ્ટા કોલ્ડ્રીંક્સ ભરેલું હતું. અને એમાં ઝેર હતું. બાજુમાં એની બોટલ હતી. તેના પિતાએ કહ્યું કે તેને કાલાખટ્ટા વધારે ભાવતું હતું. તેની પાસેથી બીજી કોઇ વસ્તુ મળી નથી. તેણે આત્મહત્યા કરી હોય એવી શક્યતા વધારે લાગે છે. જે માણસે દૂરથી કાર જોઇને લાશ જેવું લાગ્યું એટલે ફોન કરીને કહ્યું એ નજીકના ગામનો જ છે. તેનું કહેવું છે કે ગામના કેટલાક યુવાનો કોઇ કોઇ વખત નશો કરવા અહીં આવીને ટોળકી જમાવે છે. તે ઘણી વખત રાત્રિની ડ્યુટી વખતે આ રસ્તેથી પસાર થયો છે....." પછી સહેજ અટકી પૂછી જ લીધું:"તમને શું લાગે છે?"

ઇન્સ્પેક્ટર ઠાકોર સહેજ વિચાર કરીને બોલ્યા:"અત્યારે તો કંઇ કહી શકાય એમ નથી. આત્મહત્યા માટે છેક અહીં સુધી એક પૈસાદાર યુવાનનું આવવું શંકા તો ઉપજાવે છે. તેના વિશે વધારે જાણકારી મેળવીને જ આગળ વધી શકાય એમ છે...."

"ઠીક છે. આપણે રવિતના પિતાને મળીએ..." કહીં ઇન્સ્પેકટર પાંડે પોલીસની જીપ તરફ વળ્યા. ધીરાજીએ ફોટા પાડી કેટલીક વિગતો નોંધી લીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર રવિતના પિતા ધારીચંદને મળ્યા. એ શોકમગ્ન હતા. પણ એમણે જાણ્યું કે આ ઇન્સ્પેક્ટર ઠાકોર છે ત્યારે તેમને ખાસ મળ્યા. અને બોલ્યા:"સાહેબ, હું તમારા કામથી પરિચિત છું. મને પણ લાગે છે કે રવિત મનથી ભાંગી પડેલો હતો પણ એટલો બુઝદિલ ન હતો કે જીવનનો અંત લાવી દે.... તમારે શું જાણવું છે એ કહો..."

ઇન્સ્પેક્ટર ઠાકોરને સુખદ આશ્ચર્ય થયું. મરનાર રવિતના પિતા ધારીચંદ સામે ચાલીને આ કેસને આગળ તપાસ માટે ધપાવવાનો ઇશારો કરી રહ્યા છે.

"જી, મને છેલ્લા છ માસના રવિતના વર્તન-વ્યવહાર અને કોઇ ખાસ પ્રસંગ બન્યો હોય એ વિશે જણાવો..." પૂછીને ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે ધારાચંદના સહકારથી આ કેસ જલદી ઉકેલાઇ જશે.

ધારાચંદ યાદ કરવા લાગ્યા:"હં...છ નહીં ચાર-પાંચ મહિના પહેલાંની વાતથી શરૂઆત કરું. રવિતને એક વિચિત્ર કાગળ દર સપ્તાહે નિયમિત મળતો રહ્યો છે. એમાં લખ્યું હોય છે કે, તારા દિવસો પૂરા થઇ ગયા છે. ગમે ત્યારે તારા જીવનનો અંત લાવી દેવામાં આવશે. હવે તારું આયુષ્ય બચ્યું નથી....વગેરે વગેરે..." પછી નજીકના એક કબાટમાંથી એક પાકીટ કાઢી એ પત્રો રજૂ કર્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે દરેક પત્ર અલગ પ્રકારના કવરમાં હતો. પણ પત્ર એક જ પ્રકારનો હતો. એ જોઇ કહ્યું:"તમે પોલીસને જાણ કરી હતી. આ પત્ર દર વખતે જુદી જુદી જગ્યાએથી આવતા હતા એટલે પોલીસ કંઇ કરી શકી ન હતી. એ વાત મને ઇન્સ્પેક્ટર પાંડેએ કરી છે. પોલીસ તો આવા નમામા પત્રોના આધારે કંઇ કરી ના શકે પણ તમે શું કાળજી લીધી હતી?"

"હા, શરૂઆતમાં રવિત જ નહીં અમારો આખો પરિવાર ડરી ગયો હતો. કોઇ રવિતની હત્યાની ધમકી આપી રહ્યું હતું. મેં એક મહિના સુધી એને ઘરની બહાર જ ના નીકળવા દીધો. પણ એ સ્વભાવનો થોડો વિચિત્ર હતો. ઓછું ભણ્યો હતો. ઘરમાં રહીને કંટાળી ગયો હતો. મેં રવિત સાથે ચોવીસ કલાક સીક્યુરીટી ગાર્ડ રાખ્યો. અને તેના લગ્ન કરવાનું નક્કી કરી લીધું. આ બધું બનતા પહેલાં ભવાનીલાલની પુત્રી રંગનાનું માગું આવ્યું હતું. અમે વાત રોકી રાખી હતી. છોકરી દેખાવે સુંદર અને સુશીલ હતી. અમને તો પહેલી જ નજરે ગમી ગઇ હતી. પ્રશ્ન એ હતો કે રંગના અમારા ગગા જેવા રવિતને પસંદ કરશે કે નહીં. તેના લગ્નની હવે ઉતાવળ થતી હતી. મેં ભવાનીલાલને વાત કરી અને બંનેની મુલાકાત કરાવી. એક-બે મુલાકાત પછી રંગનાએ રવિતમાં રસ બતાવ્યો પણ થોડી મુલાકાતો પછી યોગ્ય લાગે તો સગાઇ કરવાની વાત તેણે કરી. કદાચ રવિતે તેને હત્યાના આવતા પત્રોની વાત કરી હતી. તે થોડી ગભરાઇ હતી. ધીમે ધીમે બધા એ પત્રથી ટેવાવા લાગ્યા. એ પત્ર રવિતના નામે ફેક્ટરીના સરનામે જ આવતો હતો. કોઇ પાગલ આદમી હેરાન કરવા કે મજાક કરવા પત્ર લખે છે એમ સમજી અમે એ વાતને ભૂલી જવા લાગ્યા. હા, એ કારણે રવિત થોડો અસ્વસ્થ રહેતો હતો. પણ લગ્ન થશે એટલે બધું થાળે પડી જશે એવી આશા હતી. રવિત અને રંગના ઓછું મળતા હતા. રંગના લગ્ન બાબતે ખચકાતી હોય એવું લાગતું હતું. તે રવિતના સ્વભાવથી એટલી ખુશ ન હતી. ભવાનીલાલે એક વખત ફોન કરીને મને કહ્યું પણ હતું કે રવિતકુમારની માનસિક સ્થિતિની મને ચિંતા થાય છે. મેં એમને આશ્વાસન આપ્યું કે બધું સામાન્ય થઇ જશે. એ પછી હત્યાના પત્ર સામાન્ય ગણી રવિતે સિક્યુરીટી ગાર્ડને સાથે રાખવાનું બંધ કરી દીધું હતું. પત્રનો સાપ્તાહિક સિલસિલો ચાલુ જ રહ્યો હતો. શહેરની કોઇ પોસ્ટ ઓફિસ બાકી નહીં હોય જ્યાંથી પત્ર ના આવ્યો હોય...."

ધારાચંદ અટક્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરને પણ થયું કે બહુ લાંબી વાત કરી દીધી. એ વાતને સાંકળીને ઇન્સ્પેક્ટર ઠાકોરે પ્રશ્ન કર્યો:"તમારું કોઇ દુશ્મન હોય એવું ના બને?"

"દુશ્મન તો કોઇ નથી. પણ પોતાના જ દુશ્મન બની ગયા હોય તો કેવી રીતે ખબર પડે?" ધારાચંદ અફસોસ સાથે બોલ્યા.

"પોતાના એટલે ? તમારા કોઇ સગા-સંબંધી વિશે વાત કરો છો?" ઇન્સ્પેક્ટર ઠાકોરને અંદાજ આવી ગયો.

"હા, મારો ભાઇ કારાચંદ. વર્ષો પહેલાં અમારી એક જ ફેકટરી હતી. અમે સાથે જ સરખા ભાગમાં ચલાવતા હતા. પણ તેના ઝગડાળુ સ્વભાવને કારણે અમે અલગ થયા. અને તેણે બીજી ફેક્ટરી ચાલુ કરી. છેલ્લે એવા સમાચાર હતા કે તેની ફેકટરી ખોટમાં જઇ રહી છે. તેણે ઘણી ઉધારી કરી છે. તેની અમારા પ્રત્યેની ઇર્ષા વધી ગઇ છે. તેનો પુત્ર જનંગ સ્વભાવનો સારો છે. તેને અને રવિતને બનતું હતું. એ ક્યારેક રવિતને છાનોછપનો મળવા આવતો હતો. તે થોડી વાત કરી જતો હતો. રવિતના મોતના આગલા દિવસે પણ તે આવ્યો હતો. તેમની વચ્ચે શું વાત થઇ એ અંગે મારે વાત કરવાની બાકી હતી. મને તો એના ઉપર શંકા જાય છે. આખરે તો એનામાં કારાચંદનું જ લોહી છે ને..." બોલીને ધારાચંદ અટકી ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોર બીજી કેટલીક પૂછપરછ કરીને નીકળ્યા.

રસ્તામાં ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"કંઇ સમજાતું નથી. રવિતની હત્યાથી કોને અને કેવો ફાયદો થઇ શકે?"

"હા સાહેબ, આ એક કોયડા જેવો કેસ છે." ધીરાજી બોલ્યા.

"ધીરાજી, તમે થોડી માહિતી લાવી આપો પછી આગળ વધીએ." ઇન્સ્પેક્ટર ઠાકોરે એક કાગળમાં કંઇક લખીને આપતાં કહ્યું.

બીજા દિવસે મળેલી માહિતી વાંચીને ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, રવિતની હત્યા કરી શકે એવા શકમંદોનો વિચાર કરીએ તો મુખ્યમાં ભવાનીલાલ, ધારાચંદ, કારાચંદ, રંગના અને જનંગ આવે છે. અદ્રશ્ય પાત્રોમાં રવિતનો કોઇ મિત્ર કે ફેક્ટરીનો માણસ હોય શકે. અને પેલો હત્યાનો કાગળ લખનાર અજાણ્યો પણ હોય શકે. રંગનાને આપણે મળ્યા નથી. બધાનો મોબાઇલ ટ્રેસ કરાવ્યો એમાં કોઇનામાં શંકાસ્પદ કોલ થયા નથી. રવિતના મોતના દિવસના કોલલોગમાં જનંગ કે રંગનાનો કોઇ ફોન નથી. અને બંનેના એ સમયના લોકેશન એમના ઘરના જ છે. મતલબ કે બહાર નીકળ્યા નથી. રવિતને કોઇનો ફોન આવ્યો જ નથી. એટલે કોઇ શંકાસ્પદ કડી મળી રહી નથી. થોડો સમય રાહ જોવી પડે. આ બધા પાત્રોની હિલચાલ જાણવી પડે. અત્યારે તો માનસિક રીતે હારેલા રવિતનો આત્મહત્યાનો જ કેસ લાગે છે. તેની લાશ પાસેના અજાણ્યા પગલાં કોઇ પુરુષના શૂઝના છે, અને એ અગાઉના પણ કોઇના હોય શકે. તે કારમાં એકલો જ હતો. કોઇ બાજુ તપાસ આગળ વધતી જ નથી. ઠીક છે.... થોડી ધીરજ ધરીએ ધીરાજી!" કહી ઇન્સ્પેક્ટર ઠાકોર હસતા-હસતા ઘરે જવા નીકળી ગયા.

*

પંદર દિવસ પછી કેટલીક માહિતી મેળવીને ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, રવિતના નામે હત્યાનો પત્ર તો હજુ મળી જ રહ્યો છે. હત્યા કરવા માગતાને રવિતના મોતની ખબર ના પડી હોય એવું ના બને. રવિતના કેસમાં આપણે આગળ શું બને છે એ જોઇને નિર્ણય કરવાના હતા. પણ હજુ કોઇ કડી હાથ લાગી નથી....આ દિવસોમાં આપણે બીજા ત્રણ કેસ ઉકેલી કાઢ્યા છે."

"તો પછી કેસ બંધ કરી દેવાનો છે?" ધીરાજી પણ હવે ધીરજ ગુમાવી ચૂક્યા હતા.

"ના, હવે છેલ્લો પ્રયત્ન રીવર્સમાં જવાનો છે. આપણે રવિતની સાથે સંકળાયેલા લોકોના તેના મોતના એક વર્ષ પહેલાના ફોન કોલ્સની વિગતો તપાસવાની છે. જો એમાં કોઇ વિગત ના મળે તો કેસ બંધ કરી દઇશું...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર કામ પર લાગી ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોરને તપાસમાં કેટલીક માહિતી મળી ગઇ. તેમણે ધીરાજીને કહ્યું:"ચાલો, આ તો કોઇ ત્રીજું જ નીકળ્યું."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી ધીરાજીની આંખો નાચી ઊઠી.

ઇન્સ્પેક્ટર ઠાકોર ભવાનીલાલને ત્યાં પહોંચ્યા. એમણે રંગનાને બોલાવી અને પૂછ્યું:"આ સોજન કોણ છે?"

'સોજન' નું નામ સાંભળી રંગનાના ચહેરાનો રંગ ઊડી ગયો.

રંગનાએ જાત ઉપર કાબૂ મેળવીને કહ્યું:"એ મારી અંગત વાત છે. એની સાથે તમારે શું લેવાદેવા?"

ભવાનીલાલ પણ રંગનાની વહારે આવ્યા:"સાહેબ, એને અમે ભૂલી ગયા છે. એની યાદ ના અપાવો....મેં રંગનાના લગ્ન એની સાથે કરવાની ના પાડ્યા પછી એણે અમારો ક્યારેય સંપર્ક કર્યો નથી."

"તમે કોઇ અત્યારે સોજનના સંપર્કમાં નથી?" ઇન્સ્પેક્ટર ઠાકોરે વાત કઢાવવા પૂછ્યું.

ધારાચંદે જ જવાબ આપ્યો:"એ પ્રકરણ પર ચાર મહિના પહેલાં જ પડદો પડી ચૂક્યો છે...."

"પણ એક વર્ષ પહેલાંની વાત પરથી પડદો ઊંચક્યો ત્યારે અમે આ કેસનું રહસ્ય ઉકેલી શક્યા છે. જુઓ...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે એક ફોટો બતાવ્યો.

જેલના સળીયા પાછળ ધકેલાયેલા સોજનનો ફોટો જોઇ ભવાનીલાલ કરતાં રંગના વધારે ચોંકી ગઇ. રવિતના મોત પછી તેને સોજન સાથે લગ્ન કરવાની તક ફરી ઊભી થતી દેખાતી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે રહસ્યને વધારે ઘૂંટ્યા વગર કહ્યું:"રવિતને માનસિક ત્રાસ આપવાના અને હત્યામાં મદદ કરવાના ગુનાસર સોજનને પકડી લેવામાં આવ્યો છે. અને મુખ્ય આરોપી તરીકે અમે રંગનાને પકડવા આવ્યા છે...."

રંગના રડવા લાગી.

ભવાનીલાલ પણ રડવા લાગ્યા:"મેં બે પ્રેમીઓને મળવા ના દીધા અને એમણે ગુનો કર્યો...."

"ભવાનીલાલ, તમે નિર્ણય તો યોગ્ય જ લીધો હતો. સોજન એક અપરાધી માનસ ધરાવતો યુવાન છે. તેણે રંગનાને પ્રેમજાળમાં ફસાવી હતી. રંગના એના ઇશારે કામ કરતી હતી. જેવી રવિતની વાત તમે લાવ્યા કે તરત જ સોજને તેને હત્યાના પત્ર લખવાનું શરૂ કરી દીધું હતું. અને તેને માનસિક રીતે નબળો કરવાનું શરૂ કરી દીધું હતું. રવિત માનસિક રીતે પાગલ જેવો હોવાનું ચિત્ર રંગનાએ જ ઊભું કર્યું હતું. જ્યારથી રવિત સાથેનો સીક્યુરીટી ગાર્ડ હટાવી લેવામાં આવ્યો ત્યારથી બંને તેને હટાવવાના આયોજનમાં હતા. હવે રંગના જ આખી વાત કહેશે તો વધારે સારું રહેશે..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે હાથમાં સખ્તાઇથી દંડો પકડ્યો.

રંગના ગભરાઇ ગઇ. તે બોલી:"હું...હું સોજનથી મોહિત થઇ ગઇ હતી. તેને શરીર સોંપી ચૂકી હતી. એણે અમારો અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. હું એની મુઠ્ઠીમાં હતી. લગ્ન કરવાનું જ બાકી હતું. એણે કહ્યું કે રવિતને હટાવ્યા પછી તારા પિતા માની જ જશે. અને ના જ માને તો છેલ્લે ભાગીને પણ લગ્ન કરી લઇશું. તે પપ્પાની સંમતિથી લગ્ન કરવા માગતો હતો. કદાચ તે અમારી દોલતને ગુમાવવા માગતો ન હતો. એ દિવસે રવિતના ઘરે જવાના સમય પર હું એક જગ્યાએ રોડ પર ઊભી રહી. રવિતની કાર દૂરથી દેખાઇ એટલે મેં એને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તને સરપ્રાઇઝ આપવા માગું છું. તું શહેરના છેડે આવેલ એક જગ્યાએ પહોંચતો થા. હું આવું છું. હું એને અવારનવાર લગ્ન કરવા માગતી ન હોવાની હૂલ આપીને ગભરાવી રહી હતી. મારી વાત સાંભળી એને ખુશી થઇ. એ ખુશીમાં કંઇ વિચાર્યા વગર તૈયાર થઇ ગયો. યોજના મુજબ મેં કોલ્ડ્રીંક્સ સાથે ઝેરની પડીકી લઇ લીધી હતી. સોજન જ મને મૂકી ગયો. અમે બંને અમારા મોબાઇલ ઘરે મૂકીને જ આવ્યા હતા. એટલે અમારું લોકેશન પકડાય એમ ન હતું. મેં પગમાં સોજનના શૂઝ પહેર્યા હતા એટલે ત્યાં નિશાન મળે તો પણ મારા પર કોઇને શંકા ના જાય. સોજન મને ઘણે દૂર ઉતારીને ઊભો રહ્યો. હું ઝટપટ રવિત પાસે આવી. તેને કહ્યું કે આપણે લગ્ન કરવાના છે એની હમણાં કોઇને ખબર ના આપતો. આપણે કાલે બધાને સરપ્રાઇઝ આપીશું. લે, એની ખુશીમાં તારી મનપસંદ કાલાખટ્ટા પી. મેં પ્લાસ્ટિકના ગ્લાસમાં ઝેર નાખી એને આપી દીધું. એ ઉત્સાહમાં એક જ ઘૂંટમાં ગટગટાવી ગયો. અને બે મિનિટમાં તરફડીને મરી ગયો. હું દબાતા પગલે પાછી ફરી. સોજન મને ફરી એ જ જગ્યાએ છોડી ગયો અને હું મારી કાર લઇ ઘરે આવી ગઇ...."

"બરાબર છે. તેં બધી જ કાળજી લીધી. છ મહિનાથી સોજન સાથે ફોન પર સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. પણ એક વર્ષ પહેલાના તારા ફોન કોલ્સના ડેટાએ તમારો ભાંડો ફોડી નાખ્યો. એમાં તારી અને સોજનની લાંબી લાંબી વાતો હતી. વોટસએપ પર ચેટિંગ હતું. એના આધારે સોજનને પકડી લીધો અને બધી વાત અમે માલમ કરી લીધી..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે રંગનાને હાથકડી પહેરાવવા મહિલા કોન્સ્ટેબલને ઇશારો કર્યો.

ભવાનીલાલ રડતા-રડતા બોલ્યા:"બેટા, મારી ઇચ્છા તને લગ્નના પાનેતરમાં વિદાય કરવાની હતી. હાથકડી સાથે નહીં. આ તેં શું કરી નાખ્યું...?"

રંગના શું બોલે?

"ભવાનીલાલ, પ્રેમ આંધળો હોય છે, પણ એ અંધારા કૂવામાં પાડી દે ત્યારે અફસોસ કરવા સિવાય થઇ પણ શું શકે?" કહીને ઇન્સ્પેક્ટર ઠાકોર રંગનાને લઇ પોલીસ મથક જવા નીકળ્યા.

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' પસંદ કરવામાં આવી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***

Rate & Review

Hims

Hims 3 days ago

Harsad

Harsad 1 year ago

pratik

pratik 2 years ago

Vijay Maru

Vijay Maru 2 years ago

Rojmala Yagnik

Rojmala Yagnik 2 years ago