Saru nu aatm samman books and stories free download online pdf in Gujarati

સરુ નું આત્મ સમ્માન

આજે અચાનક સ્કૂલ માં સરીતા ને એ દિવસ યાદ આવી ગયો.
ધામધૂમ થી એના લગ્ન તારક જોશી સાથે સમાજમાં જ થયાં હતાં... પપ્પાની એકજ લાડકી દિકરી હતી. પાંચ ભાઈઓ વચ્ચે ઉછરેલી ... મનુભાઈ ને પાંચે દિકરા કરતાં સરુ પર હેત વધારે.મનુભાઈએ તારક ને સરકારી નોકરી કરતો હતો એટલે બહુ ગમ્યો હતો.એમણે વિચારેલું કે સરુ ને એ જીવન ભર સુખી રાખશે.બાંધી આવક હશે એટલે દિકરી ને જરાય દુઃખ નહીં પડે.તારક નાં ઘર વિશે થોડી ખરાબ વાત ઉડતી ઉડતી એમનાં કાને આવી પણ ખરી પરંતુ એમણે અવગણી ને સરુ ને પરણાવી દીધી.
ગામ આખું નવાઈ પામી ગયું એવા રંગેચંગે લગ્ન કર્યા.
કરિયાવર પણ અધધધ આપ્યો.એક જ દિકરી હોવાથી આ ફાયદો તારકને થયો. એનું તો જાણે ઘર છલકાઈ ગયું.
એક જ જમાઈ હતો એટલે પાંચે ભાઈઓ બનેવી ને હાથ પર રાખતા.
સરીતા સાસરે આવ્યાં પછી એનાં ઘરનાં એને સારૂં રાખતા.બસ એક જ વાત એને સમજાતી નહીં કે તારક કેમ આટલો મા-ઘેલો છે.પરણ્યાં પછી પણ દરેક વાત માને પૂછીને જ કરે.હરેક નિર્ણય માં જ કરે.પગાર આખ્ખો પણ તારક માને આપી દેતો.જરૂર પડે તો એ માં પાસે માંગી લે.
શરૂઆતમાં સરીતા ને પૈસા જોઈએ તો ઈ પપ્પા પાસે થી લેતી. પણ તારક એને ક્યારેય ના પૂછતો કે ,"સરીતા, તારે શું જોઈએ છે?કે પૈસા આપું તને?
ધીરે ધીરે એની સમજમાં આખું ચિત્ર આવવાં લાગ્યું.
તારક મોડો આવતો પણ એને ક‌ંઈ પૂછી ના શકાય.એકનો એક હતો એટલે માનો લાડકો હતો એટલો જ આઝાદ થયો હતો.સસરા ભાનુભાઈ તો બહારગામ નોકરી કરતા હતા એટલે મહીને એક જ વખત ઘરે આવતા.એ રહ્યો શાંત જીવ એટલે ઘરમાં બહુ માથાકૂટ કરતાં નહીં.પણ સાસુ બહુ જબરી ખેપાની નીકળી.વારે- તહેવારે સરીતા ને પિયર મોકલી ને પૈસા ની ને વસ્તુઓની માંગો કરાતી હતી.
કરિયાવર નાં દાગીના પણ લઈ લીધાં હતાં.મનુભાઈ શરૂઆત માં તો બધું આપતા પણ ધીમે ધીમે સરુને સાસરીમાં હેરાનગતિ વધી ગઈ.તારક પણ એને માં કહે એમ બહુ હેરાન કરે.
વરસ દિ પછી સરુ ને સારા દિવસો રહ્યા.એટલે એ દિવસ થી સાસુ એકદમ કાચિંડા ની જેમ બદલાઈ ગઈ.સરુને ખૂબ સઃચવે બધાં ને આખા ગામમાં સાસુ કહેતી ફરે," મારી વહુને તો દિકરો જ આવશે હો."...!! સમયનાં અંતરે સરુ ને દિકરો જ આવ્યો.બંને પરિવાર માં હરખ સમાતો નહોતો.સરુનાં ભાઈ ઓ તો એટલાં ખુશ થયાં કે ગામ આખામાં પેંડા વહેંચ્યા.મનુભાઈ તો જાણે ઉડી રહ્યા હતા.છ મહિને જીઆણું કરી સરુ ને વળાવી.
"હાશ, મારા માધવ મારી સરુ ને હવે સુખી રાખજે"...🙏 મનુભાઈ મનમાં બોલ્યાં.

અહીં મૂડીનું વ્યાજ તારકની માએ બહુ વ્હાલું કર્યું.સરીતા એનાં દિકરાને સાસુ રમાડતા જોડીને તો ખુબ ખુશ થઈ જતી.તારક પણ એને હવે સાચવતો.પણ અચાનક એક દિવસ દિકરાને ઓરી નીકળ્યા ને સાસુ એ જૂની માનતા મુજબ દવાખાને ના લ‌ઈ ગયા ને ચોથા જ દિવસે તાવમાં ને તાવ માં માસૂમ બાળક હાથમાંથી જતું રહ્યું.આખું ઘર મરણમાં આવ્યું.સરીતા પર તો જાણે પહાડ તૂટી પડ્યો.વિધી પતાવી ને મનુભાઈ સરુ ને સાથે લ‌ઈ ગયા.મહીના પછી ફરી એને તારક લ‌ઈ ગયો.
હવે પાછો સાસુમાને રંગ બદલ્યો હતો.એ ના સરીતા ને બોલાવે કે ના વાત કરે.સરીતાએ આખો દિવસ બધાં કામ જાતે જ કરવાનાં.નોકર ની જેમ જ.
એક દિવસ સાસુ રમાએ રંગ બતાવ્યો કે હવે જલ્દી બીજી સુવાવડ માં દિકરો જ જણવો... કેમકે તારક એકનો એક જ છે...એટલે.
સરુને બીજી વખત દિવસ ચડ્યાં.મનમાં ને મનમાં કબૂતરની જેમ સાસરે જ ફફડતી રહી, નવ મહિના બિચારી. અડધી રાત્રે એને અંતે વેણ ઊપડતાં દવાખાને લઈ જતાં બહુ જ વાર થઈ ને બાળક મરેલું જન્મ્યું....દાયણે બહાર આવી ને કીધું કે દિકરો હતો.પણ તમારા નસીબ માં નહોતો.
બસ, આ જ વાત રમાનાં મગજમાં ઘર કરી ગઈ.
ઘરે આવ્યાં પછી એનાં નસીબ સાસુ એ બદલી નાખ્યાં.કકળાટ, મેણાં,ને ત્રાસની ભરમાર ચાલુ કરી દીધી એણે સરીતા ઉપર. તારક કંઈ બોલતો નહીં કેમકે માવડીયો હતો ને...!!
પેલી બાજુ મનુભાઈ પણ એટેકમાં મૃત્યુ પામ્યા.હવે સરીતા સાવ ભાંગી પડી...પણ પાંચ ભાઈઓ એની પડખે ઉભા રહ્યાં.
ત્રીજી વખત સરીતા ગર્ભવતી બની એટલે સાસુ એ રીતસરની ધમકી આપી કે આ વખતે પણ દિકરો જ આવવો જોઈએ, નહીંતર આ ઘરનાં દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે એની માટે.
ને બીજા જ દિવસે તારક એને પિયરમાં મુકી ગયો.. સુવાવડ માટે.ને મોટાભાઈ ને ધમકી આપી કે ,"જો દિકરી આવશે તો એ સરુ ને હવે ક્યારેય તેડવા નહીં આવે."(કોને ખબર હતી કે આ સરુ ને તારક ની છેલ્લી મુલાકાત હતી..!!)

આ વાક્ય મોટા અશોક ને હાડોહાડ ઉતરી ગયું.
પછી નવેનવ મહીના આખ્ખું કુટુમ્બ સરીતા ને ખુશ રાખવામાં લાગી ગયું ને સરુ પણ બધું ભૂલી ગ‌ઈ..
ડિસેમ્બર મહીનાની કડકડતી ગુલાબી ઠંડીમાં સરુને
પરી જેવી સુંદર દિકરીનો પ્રસવ થયો.
સરુ અને એનાં મમ્મી ને ભાઈઓ ખૂબજ હરખે થયાં.
આ આનંદ નાં સમાચાર તારકને મોકલ્યાં.પણ અફસોસ તેમને નાં ગમ્યું તે ના જ ગમ્યું.એ લોકો દિકરી નું મોં જોવા પણ તૈયાર નહોતા.
સરુ નાં ઘરનાં સભ્યો એ દિકરી નું નામ પાડવા માટે પણ કહેણ મોકલ્યું પણ ત્યાં સૌ નિરૂતર ને નિરૂત્સાહી રહ્યા.
પછી પણ ઘરનાં સભ્યો ને આશા હતી કે થોડા દિવસ માં સરુ નહીં તો પોતાની દિકરી માટે હેત જાગશે . દિકરીનું નામ 'શચી' રાખ્યું.અથાક કોશિશ કરી પણ અસફળ રહી, સરુ ને તારક ફરી તેડવા ન આવ્યો.સરીતા ની જીંદગી હવે કુવા ને ખાઈ જેવી થઈ ગઈ.જીવનથી એને બહુ નફરત થઈ ગઈ.પણ નજર સામે પરી જેવી સુંદર દિકરી રમતી જોઈને એ ખૂબ જ રડી પડી.એનો અવાજ સંભળાયો ને અશોક દોડતો આવ્યો. એને ભેટીને સરુ બહુ જ રડી.બધાજ ભાઈઓ ને ભાભીઓએ એને સાંત્વના આપી કે અમે સૌ તારી સાથે છીએ.
એ રાત્રે આખી રાત એ જાગી ને વિચારતી રહી ને હવે પોતાનું આત્મ સમ્માન કેમ જાળવવું એનું મનોમંથન કર્યું. ને એક નિર્ણય કર્યો.
સવારે જાણે 'નવી સરીતા' નો જન્મ થયો હોય એમ એ બદલાઈ ગઈ.પછી પિયરમાં જ દિકરી ના ઉછેર સાથે એણે બે વર્ષ માં બી.એડ કરીને શિક્ષક ની સરકારી નોકરી મેળવી.નોકરી સાથે ભણતી રહી ને દિકરી ને પણ ભણાવતી રહી.એણે એમ.એડ.પણ કર્યું.દેવદૂત જેવા ભાઈઓનાં સહારે જિંદગી જીવાતી રહી.

જોતજોતામાં શચી પણ MBA બની ગ‌ઈ. સરુ અને ભાઈ-ભાભી ને આનંદ નો પાર ના રહ્યો.શચી ને તો બસ મામા,મામી ને મમ્મી જ એની દુનિયા હતાં.પછી પચીને મોટી કંપની માં નોકરી મળી ગઈ ને ફ્લેટ પણ આપ્યો કંપની એ.હવે મા-દિકરી અલગ રહેવા ગયા.કેટલાં વર્ષો પછી સુખની અનુભૂતિ એને શચીએ માને કરાવ્યો હતો..!!!મા-દિકરી બંને નોકરી કરતા ને હેયયય ને લહેરથી જીવતાં.કયારેક તે પિયર જતી તો ભાઈ ભાભી પણ આવતા હતા એને ઘરે.
એક દિવસ એને બેંક માં એના સાસરી નાં પાડોશી નવનીતભાઈ મળી ગયાં.વર્ષો પછી પણ સરુ એમને ઓળખી ગ‌ઈ.નવનીતભાઈએ પણ એને ખબર‌અંતર પૂછ્યાં.ને પછી બોલ્યાં કે "સરું,તને તારક નાં સમાચાર મળ્યા કે નહીં.??"
સરીતા એ વાત સાંભળવા તૈયાર નહોતી.છતાંય નવનીતભાઈ બોલતા રહ્યાં, " જો સરુ ,ખરાબ કર્મો કોઈ ને ય છોડતા નથી.તને ને તારી દિકરી ને એણે તરછોડી દીધા હતા ને ભૂતકાળમાં તારકે જે દિકરા ની ઘેલછામાં.....એજ દિકરો એને મહિના પહેલાં "વૃધ્ધાશ્રમમાં" તરછોડી આવ્યો છે."

ઘરે આવીને સરીતાએ શચીને ખૂબજ વ્હાલ કર્યુ ને પોતાની એ મનોમંથન ની રાત યાદ આવી જે રાતે એનામાં "આત્મ સમ્માન" પાછું જગાડ્યું હતું.....
© ફાલ્ગુની શાહ ✍️