allad megha books and stories free download online pdf in Gujarati

અલ્લડ મેઘા

......એ દિવસે હું ઓફિસ થી અડધી રજા લઈ ને બપોરે હું ઘરે જવા નીકળી. જેઠ મહિનાની ભઠ્ઠી માં તપતા હોઈએ એટલી કાળઝાળ ગરમી......
લૂખ્ખો ગરમ પવન મારી ચીલ્ડ ડસ્ટર કારને અડી ને પાછો જતો હતો.....
રસ્તા લગભગ ખાલી ને તોયે ચાર રસ્તા પર સિગ્નલે બ્રેક લગાવવી પડી. Red f.m પર ગીત વાગી રહ્યું હતુ ,"કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન ".....

ત્યાં જ કાર નાં કાચ પાસે આવીને એક ૧૦/૧૧ વર્ષ ની લઘર વઘર છોકરી એક હાથ માં ફાટેલું કપડું ને બીજા હાથમાં એનો ૨ વર્ષ નો નાનો ભાઈ કાંખમાં તેડીને કાચ સાફ કરવાં લાગી....
દેખાવે ચિંથરેહાલ હતા બે ય બિચ્ચારાં માસુમ જીવો..... જિંદગી નો ભાર ને ગરમી નો ભાર બેય સહન કરી રહ્યા હતાં. એવામાં એનાં ભાઈએ સખત રડવાનું ચાલુ કર્યું.....
એનાં હાથમાં પણ રહે નહીં....
પેલી છોકરી બહુ કોશિશ કરે કે એને ચૂપ કરાવી શકે, પણ એણે રડવાનું બંધ ના કર્યું....

આ જોઈ ને મારાથી રહેવાયું નહિ એટલે કારનાં કાચ ડાઉન કરીને મેં પૂછ્યું," એય છોકરી , કેમ આ આટલો બધો રડે છે? તારી માં ક્યાં છે??એને છાંયડે લ‌ઈ જાને...
એ સાવ અલ્લડ છોકરી એ જવાબ આપ્યો કે, "મેડમ, મારી માં એ ચાર દા'ડા પેલાં જ મારી બીજી બુનને જનમ આલ્યો સે...તે દવાખોને સે.
ને બાપ પોટલી'પી ને ચોક પડ્યો હસે....
ઓન બઉ ભૂખ લાગી સ, ચાણની , પણ કોઈ એકેય ગાડીનાં કાચ ઉતારતું નહીં ને પૈશા 'ક ખાવાનું આલતું નહીં..ઓ મોટા બુન ,તમે હવ કાચ ઉતારયો સ તે કસુક આલો ન , મનેય ખાવું સ... ભગવોન તમન સુખી કરસે...આલો ન કોક તો આલો ન.."
એટલું બોલતાં બોલતાં એ રડવા લાગી ને ગંદા કપડાં સાથે મારો હાથ પકડી રાખ્યો ‌.....

એનાં દરેક શબ્દોમાં કેટલી સચ્ચાઈ, નિર્દોષતા , ને મજબુરી છલકતી હતી કે હું શૂન્ય મનસ્ક થઈ ગઈ...
ભિખારીનું સંતાન હોવા છતાં એના મુખ પર જે અલ્લડતા હતી , જે વાત કરવાની ઢબ હતી , ખુમારી હતી એ પર થી મને શંકા ગઈ કે આ ભિખારી નું ફરજંદ તો ના જ હોઈ શકે.....
નક્કી આ સારા ઘરનું બાળપણ વિખૂટું પાડીને અહીં લાવવામાં આવ્યું છે.....પણ આ વાત મનમાં જ રાખી મેં....
ત્યાં જ સિગ્નલ ખુલ્યું એટલે મેં એને રસ્તા ની સાઈડમાં આવવાનું કહ્યું......એટલે એ એટલી ઝડપે દોડી કે મારી કાર પહેલાં એ ત્યાં પહોંચી ગ‌ઈ....
મેં કાર પાર્ક કરીને એને સેન્ડવીચ ને આઈસ્ક્રીમ ખવડાવ્યો ...ને નાના ભાઈ ને આ‌ઈસ્ક્રીમ...
એને બે દિવસ ચાલે એટલો બીજો નાસ્તો પણ અપાવ્યો તો એ બોલી ,"મેડમ, હવ હું રોજ તમારી ગાડી લુસી આલે હો, જો પેલાં ખૂણામો જ હું ઓન લ‌ઈને રાત લગી બેસી ર‌ઉ સુ હો...ભગવોન તમન બધું આલસે....બોલીને ખુશ થતી થતી રસ્તા નાં ખુણા પર જ‌ઈને ફાટેલું કપડું પાથરી ને ભાઈને સુવાડી ને પોતે પણ સુઈ ગઈ....!!!
નિરાંતે , ભરેલું પેટ પણ કેવી ઊંઘ આપે ,એ નજર સામે જ હતું......!!!

એ દિવસે હું ઘરે તો આવી ગ‌ઈ પણ મારૂં મન , શાંતિ , બધું જ એ ચાર રસ્તે મુકીને આવી જાણે .....

બીજે દિવસ થી નિત્ય ક્રમ એ અલ્લડ છોકરીનો બની ગયો.....મારી કાર રસ્તે ઉભી રહેને દોડતી દોડતી એ આવીને કાચ સાફ કરે ને મારી સામે રહસ્યમય સ્મિત આપે ...... કોઈ વાર વાત પણ કરે... હું એને નાસ્તા , કપડાં , રમકડાં જેવું આપતી રહું ......
પણ કોણ જાણે કેમ મારો આત્મા સતત મને ડંખતો રહે ,... અંદરથી એક પોકાર આવે કે નાં ,આ છોકરી માટે આટલું પુરતું નથી..... શું કરવું એ સમજાતું નહોતું.....
એક અગોચર તત્વ મને કંઈક ઈશારો કરી ને કહી રહ્યું હતું કે હું એને માટે કંઈક કરૂં....

દિવસો વિતતા હતાં , મન વિચલિત હતું. એ છોકરી સતત મારી સામે જ રહેતી .....જાણે પાછલા જનમ નો કોઈ નાતો ના હોય...!!!!

ત્યાં એક દિવસ મંદિરે દર્શન કરવા ગ‍ઈ ને ભગવાન સામે જ એક મનમાં ઝબકારો થયો ને વિચાર આવ્યો કે એ છોકરી ભિખારી તો નથી જ.... નક્કી કંઈક અઘટિત ઘટના બની છે એની સાથે.... ભગવાને જાણે મને આજે સંકેત આપી દીધો..... કોઈ નહીં માની શકે પણ એ જ ક્ષણથી મારાં મનનો ભાર હળવો થઈ ગયો.
પછી મેં એ છોકરી નાં સતત સંપર્ક રહી ને વાતો કઢાવવા ની ‍રીત અપનાવી.મને એ દિવસ સુધી એનું નામ પણ નહોતી ખબર . પછી એને પૂછ્યું તો નામ લાલી છેે ખબર પડી.

વાતવાતમાં એણે એક દિવસ જણાવ્યું કે એની માં એને જ્યારે મારે ને ત્યારે એટલું બોલે કે ,"મુઈ , તન તો થી લાયા નો ખરસો'ય મોથે પડ્યો...તારા નસીબમો'તો ભીખેય હરખી નહીં આવતી, મર જા "......

બસ, આ વાક્ય પરથી મારો શક પ્રયત્ન માં ફેરવાઈ ગયો..
બીજા દિવસથી મેં મારા પાવરનો ઉપ્યોગ કરવાનું શરુ કર્યું. મેં મારા સિનિયર ઓફિસર ને આ આખોય મામલો કહ્યો.
એ સાંભળીને ખુબ જ ગંભીર થઈ ગયા. ને બોલ્યાં , "તું ખૂબજ મોટી સમસ્યા લ‌ઈને આવી છે અને છોકરી ને બચાવવા જતાં તારા જીવનું જોખમ થઈ જશે.. ને હજી આપણા ડિપાર્ટમેન્ટ પાસે એટલો પાવર નથી....ને મને નથી લાગતું કે ઉપરનાં ઓફિસરો તરફથી આપણને કોઈ મદદ મળે."
ને આ સાંભળી હું ખૂબ જ નિરાશ થઈ ગઈ.

અડધી રાત રડતી રહી ને રાત્રે ૩.૦૦ વાગ્યે મને રિઝવાન યાદ આવ્યો..‌‌...ને તરત જ તેને ફોન લગાવ્યો..ને રિઝવાને ફોન ઉપાડ્યો.....એ ડ્યુટી પર હતો.. મેં આખી વાત વિગતે એને કરી..‌‌..એણે કહ્યું કે હવે તું શાંતિ થી સુઈ જા...આ મેટર હવે હું સંભાળી લ‌ઈશ.
આખરે રીઝવાન અને ડિપાર્ટમેન્ટ ની છ મહિના દિવસ રાત ની મહેનત પછી (આ જ મહિનામાં અમે ઘણું બધું સહન કર્યું , કેટલાય ઘા ઝીલ્યાં ,ને બાકી નું લખી ના શકાય એટલું સહન કર્યું )

અમે રાજસ્થાન નાં એક શહેરમાં આલિશાન ઘરનાં દરવાજે ડોર બેલ વગાડ્યો....
નોકરે દરવાજો ખોલ્યો.અમે પહેલા ખાતરી કરવા માંગતા હતા કે આજ લાલી નું ઘર છે ને ???એટલે એને ગાડીમાં જ બેસાડી રાખી હતી.

ત્યાં જ અંદરથી એક કપલ અને દાદા બહાર આવ્યાં.અમે અમારી ઓળખાણ આપી ને ઘરમાં દાખલ થયાં ને આશ્ચર્ય નો પાર ના રહ્યો.. આખા ઘરની દિવાલો પર લાલી નાં નાનપણ નાં ફોટાઓ હતાં...અમને અણસાર આવી જ ગયો કે આજ ઘર છે, છતાંય મેં એની મમ્મી ને એમની દીકરી વિશે પૂછપરછ ચાલુ કરી....
એમણે કહ્યું કે આ મારી દિકરી "મેઘા" હતી....એકની એક...લાડકી બધાની, સાક્ષાત લક્ષ્મીનું રૂપ હતી...
પણ આજથી આઠેક વર્ષ પહેલાં પુષ્કર મેળામાં ગયાં હતાં.... ત્યાં દાદીને એટેક આવ્યો ને એટલી બધી દોડધામ મચી ગઈ ને કોઈ મેઘાને ઉપાડી ને ક્યારે લ‌ઈ ગયું , કોઈ ને ખબર જ ન પડી.... દાદી પણ નાં બચ્યાં ને મેઘા પણ ગ‌ઈ.".... આટલું બોલતાં બોલતાં આખું ઘર રડી પડ્યું.... ધ્રુસકે ને ધ્રુસકે..મને પણ રડવું આવી ગયું.....નોકર પાણી લઈ આવ્યો.

મેઘા નાં પપ્પા બોલ્યાં , "મેડમ ,એ દિવસ હતો ને આજનો દિવસ છે અમે અમારી દિકરી ને જરાય ભૂલી નથી શક્યા ...સતત એને અમે શોધવાની બહુ કોશિશ કરી પણ ના મળી...એની માં તો દરરોજ આઠ વર્ષ થી કલાકો જાપ માં બેસીને એ પાછી મળે એની પ્રાર્થના કરે છે.".....ને એ મર્દ માણસ પણ રડી પડ્યા...

મેં છેલ્લો સવાલ કર્યો "તમારી મેધાની કોઈ નિશાની યાદ છે તમને "??

તરતજ એનાં દાદા બોલી ઉઠ્યા કે ,"બેન એનાં પેટ પર જન્મ થી જ સફેદ લાખું હતું ને એટલે જ એ મારા ધરનું અજવાળું હતું."

મેં તરતજ મારા લેડી આસિસ્ટન્ટ ને લાખાની તપાસ કરવાનો ઈશારો કર્યો....

એણે..O.K.Madam નો મેસેજ કર્યો એટલે મેં લાવીને ઉપર લાવવાં નો ઓર્ડર આપ્યો...

મેં એની મમ્મી પાસે જઈને હાથમાં હાથ લ‌ઈને કહ્યું કે
"તમારી મેઘા હું લ‌ઈને આવી છું." રડો નહીં, સામે જુઓ તો.."

ને મેઘાને જોતાં જ એની મમ્મી ફસડાઈ પડી ત્યાં જ....બેભાન થઈ ને....

એનાં પપ્પા અવાચક થઈને ઉભા રહ્યાં....
પણ એનાં દાદા મેઘાને વળગી ને રડી પડ્યાં....જાણે વિતેલાં આઠેય વર્ષો નું વ્હાલ એક સાથે વરસી પડ્યું..!! ને મેઘા તો સુનમુન જ હતી...

કસમ થી આટલાં વર્ષો ની ડ્યુટી માં આવું હૃદય દ્રાવક દ્રશ્ય ક્યારેય નહોતું જોયું અમે....

પછી મેં મેઘાને પ્રેમ થી સમજાવ્યું કે,"જો આ તારૂં સાચું પોતાનું ઘર છે ને આ તારા મમ્મી-પપ્પા ને દાદાજી છે..બેટા".....

પછી આંગળી પકડી ને દિવાલો પર નાં એનાં ફોટા ઓ બતાવ્યાં તો તરતજ એને વિશ્વાસ બેસી ગયો કે આ જ મારૂં ઘર છે.....

એકદમ જ એનાં દાદા મારા પગમાં પડી ગયાં...મને કહે કે "બેન તું જોગમાયા નો અવતાર બનીને આવી છો અમારા માટે.... તારૂં રૂણ હું ક્યારે ચૂકવી શકીશ ???
મેં એમને ઉભા કર્યા ને કહ્યું કે ,"દાદા , આ તો મારૂં ને મારી મેઘા નું ગયા જન્મનું ઋણાનુંબંધ હશે ને એટલે જ આ શક્ય બન્યું છે..."

એટલાં માં એની મમ્મી ને હોશ આવ્યો ને મેઘાને ભેટીને ખૂબ રડી....મેઘા પણ વર્ષો પછી માની મમતાને અનુભવી રહી હતી....

થોડીવાર પછી અમે એમની રજા માંગી એટલે મેઘા સફાળી બેઠી થઈ ને મને વળગી પડી ને સાથે આવવા માટે જિદે ચડી..... બહુ કોશિશ પછી એને મેં પ્રોમિસ આપ્યું કે હું તને મળવા આવતી રહીશ..... તું પણ આવજે ને દરરોજ ફોન પર વાત તો કરીશું એ પાક્કું...બેટા.."ત્યારે એ માની....

મોડી રાત્રે અમે સૌ ત્યાં જમીને અહીં આવવા માટે નીકળ્યા., ત્યારે મારી વ્હાલી મેઘા પોતાના ઘરે મીઠી નિંદર માણી રહી હતી...

હું રિઝવાન ને ફક્ત I love you જ કહી શકી રડતાં રડતાં.....

🍁જ્યારે જીવન માં તમે કોઈ નેક કરો ને ત્યારે
હૃદય માં આનંદ
ને
મનમાં નિજાનંદ
અસ્ખલિત વહે છે 🍁 ....

હજી યે એ અલ્લડ છોકરી નું સ્મિત મારી આંખો માં તરે છે .....‌‌મારી પ્રિય અલ્લડ મેઘા...😘😊
- ફાલ્ગુની શાહ ©