Marksheet books and stories free download online pdf in Gujarati

માર્કશીટ

નમન......
હું જિંદગી માં ભૂકંપના ઝટકા ભૂલી શકું કે સુનામી નાં ઉછાળા ભૂલી શકું પણ આ નામ ના ભૂલી શકું , ક્યારેય નહીં.

એ દિવસે ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ આવવાનું હતું...અમે બધાં વિધાર્થીઓ ની સાથે સાથે અમારા ઘરનાં પણ ખૂબજ ચિંતિત અને ઉત્સુક હતા રીઝલ્ટ માટે....
અમારા ૬ વચ્ચે ૧ લા જ ધોરણથી એવી પાક્કી દોસ્તી હતી કે એકબીજા વગર સ્હેજે ચાલતું જ નહીં.... ગમ્મે તેટલું લડતા ઝઘડતા પણ સાંજે તો એક‌ થઈ જ જતાં.
એમાં નમન સૌથી વધુ હોશિયાર. હંમેશાં ૯૦% ઉપર જ લાવનાર અમારો હીરો હતો. એનાં મમ્મી-પપ્પા નો એક જ દિકરો હતો એ.

એ આખી રાત સૌ જાગ્યા હતા...સવારે ૧૦ વાગ્યે અમે સ્કુલે રીઝલ્ટ લેવા માટે ગયાં...અમને બધા ને ચિંતા હતી પાસ થવાની પણ નમન તો નચિંત હતો...
એને જ નહીં પણ અમને સૌને ગળે સુધી ખાતરી હતી કે એ ૯૫% ઉપર લાવશે....નમન ની મહેનત જ એટલી હતી ને ...!!!

એક પછી એક માર્કશીટ આવવા લાગી હાથમાં.
મને ૮૫% , શીવમ ને ૭૩% , ઈશાની ને ૬૭% ,કરણ ને ૫૫% ને લબ્ધિ ને ૮૮% આવ્યાં પણ અમને નમન નાં રીઝલ્ટ ની રાહ હતી....

ને નમન નાં હાથમાં માર્કશીટ આપતા આપતા પટેલ સર અવાચક થઈ ગયા.....
"ના હોય...આ તો ના જ હોય , નમન આ તારૂં રીઝલ્ટ જ ના હોય.." સરે કહ્યું.
નમને રીઝલ્ટ હાથ માં લ‌ઈને વાંચ્યું તો રીતસર નો એ ત્યાં જ ફસડાઈ પડ્યો...અમને કોઈ ને ખબર જ ના પડી કે શું થ‌ઈ રહ્યું છે આ બધું???
અમે સૌએ નમન ને ઉભો કરીને બેંચ પર લાવ્યા પણ એ તો ફાટી આંખે માર્કશીટ જોઈ જ રહ્યો..બસ...
પટેલ સર મૌન તોડતા બોલ્યા કે ,"નમન ને ગણિતમાં ૨૯ માર્ક્સ આવ્યા છે ને એ ફેઈલ થયો છે"....

"ઓહ નો....નોટ પોસિબલ સર" મારાથી રડતાં રડતાં બોલાઈ ગયું.....
સર પણ રડું રડું થ‌ઈ ગયા.... આખીયે સ્કૂલ શોકમાં ગરકાવ થઈ ગ‌ઈ......
પછી અમે નમન ને ઉંચકીને ઘરે લઈ ગયા...એ બેભાન હાલતમાં હતો...

ઘરે એનાં મમ્મી-પપ્પા તો અમને જોઈને કંઈ સમજી જ ન શક્યાં.... એનાં પપ્પા એ નમન નાં હાથમાં થી માર્કશીટ લ‌ઈને વાંચી તો મોટી ચીસ નીકળી ગઈ...
"હે , ભગવાન આ શું કર્યું તે".....એ સન્નાટો અભેદ હતો .....

પટેલ સર એનાં મમ્મી-પપ્પા ને રી-ચેકીંગ કરાવીશું એમ સમજાવીને સાંત્વના આપી ને ગયાં....
અમે બધા દોસ્તો એની પાસે જ રહ્યાં રાત આખી ...નમન હજી સૂતો જ હતો બેભાન થઈ ને....

સવારે અજીબોગરીબ હરકતો નાં અવાજ સંભળાયા ને અમે સૌ જાગી ગયા....
"એ મમ્મી મમ્મી મને જો ૯૨% આવ્યાં છે. હવે હું ડોક્ટર બની જ‌ઈશ હો ને..... પપ્પા જુઓ ને જેટલા ધાર્યા હતાં ને એટલાં જ ટકા હું લ‌ઈ આવ્યો છું.મેં તમારૂં નામ ચમકાવ્યું છે હો...પપ્પા તમારે મને હવે બાઈક તો લ‌ઈજ આપવું પડશે હોં ને....ને પછી લાંબુ અટ્ટહાસ્ય ને રડવાનો ક્રમ..... પોતાના માથાના વાળ ખેંચી ખેંચીને રડતો જ રહ્યો એ..... આંખો સુજીને દડા જેવી થઈ ગઈ હતી.

બસ.....અમે સૌ સમજી ગયાં કે નમન ને મગજમાં આઘાત લાગ્યો છે ને એ માનસિક સંતુલન ગુમાવી બેઠો છે....હવે એનાં બધાં જ કામ એની મમ્મી એ કરવા પડે છે.સવારે એને બ્રશ કરાવવા થી લઈને રાત્રે સુવાડવા સુધી.....
આજે અમે બધા જ દોસ્તો જિંદગી માં પોતપોતાની કારકિર્દી બનાવી ને ગોઠવાઈ ગયા છીએ ..

...ને નમન અને એની મમ્મી ગુમનામી ની દુનિયા માં ખોવાઈ ગયા છે.


અમારો એ લાડકો નમન આજેય લઘર વઘર હસતો રડતો દોડતો ભાગતો ગામની સ્કુલ ની આસપાસ હાથમાં ફાટેલા કાગળિયાં લ‌ઈને એટલે કે નમન જેને માર્કશીટ સમજે છે એની સાથે જોવા મળે છે....📃

💥 તણખો 💥
આજ સુધી અમને કોઈ પણ સમજાયું નથી કે નમનનાં આવા વર્તમાન માટે કોણ જવાબદાર હતું ??
વિધીનું વિધાન કે પછી એ માર્કશીટ ??
- Falguni Shah©