MOTHER DAY books and stories free download online pdf in Gujarati

માતૃદિને માતૃવંદના

માતૃદિને માતૃવંદના

“નંદલાલાને માતા જશોદાજી સાંભરે,મમતા મેલીને મારી રહી ગઈ ગોકુળમાં... “ દેવકીના પેટે જન્મ લઇ યશોદામા પાસે મોટા થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ છોડી વૃંદાવન ગયા ત્યારે આંખમાં આંસુ સાથે માતા જશોદાને યાદ કરે છે,જે બતાવે છે કે ભગવાન માટે પણ માતાનું મહત્વ કેટલું છે!!તો કવિ બોટાદકર “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!”કાવ્ય દ્વારા માતાનું શબ્દે શબ્દે વર્ણન કર્યું છે.ઇતિહાસમાં અનેક સપુતોને જન્મ આપનાર મહાન માતાઓ (માતા બધી જ મહાન હોય!)—માતા જીજાબાઇ (શિવાજી ),માતા પુતળીબાઇ (ગાંધીજી)ના નામ લેતા આપણા મસ્તક આદર અને અહોભાવ થી આપોઆપ નામી પડે છે ને?મધર મેરીની ગોદમાં રહેલ બાળક ઇશુની છબી જોતા મમતાના મહાસાગરને નમન કરવાનું મન થઇ જ જાય.ફૂટપાથ પર સુતેલા,ઠંડીથી થરથર કાપતા નાના બાળકને માં પોતાના ફાટેલી સાડીથી ઢાંકી,હૂફ આપવાનો વ્યર્થ પ્રયત્ન કરતી મા મમતાનો મહાસાગર વહાવતી નજરે પડે છે....અરે મનુષ્યના પૂર્વજ વાંદરીનું ઉદાહરણ તો આપને જોઈએ જ છીએ...માંની છાતીએ વળગેલું બાળ વનર અને એને લઇ એક ડાળથી બીજી ડાળ કુદતી માતાની સંતાન પ્રત્યેની ચિંતા અને વહાલ “અશબ્દ” વ્યક્ત થાય છે.શ્રી ગુણવંત શાહ કહે છે..મહાવીરની અહિસા,બુદ્ધની કરુણા,ઈશુનો પ્રેમ,ગાંધીની સેવા..આટઆટલા મહાન લક્ષણો માતામાં હોવા છતાં તેને મહાત્મા નથી ગણતા કારણકે એની આસક્તિ માત્ર ને માત્ર તેના સંતાનમાં જ કેન્દ્રિત થયેલી હોય છે. મા માટે અંગ્રેજીમાં mother શબ્દ છે. M કાઢો તો other રહે !એટલે જ કદાચ કહેવાયું હશે કે ‘માં તે માં,બીજા વગડાના વા’.અંગ્રેજી લેખક હેન્રી બીયર પણ કહે છે કે ‘ઈશ્વરને પહેલીવાર માતા બનાવવાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે ને તરત જ માં નું સર્જન થયું હશે...ઈશ્વર ઘરે ઘરે ન પહોચી શક્યો એટલે એણે ‘મા’નું સર્જન કર્યું.

સંત શિરોમણી પૂ.શ્રી મોરારીબાપુ માતૃદેવો ભવની વાત ખુબ સરસ રીતે સમજાવતા કહે છે ક..સ્ત્રીઓના જીવનમાં ૩ પ્રવાહો વહે છે:એક રક્તનો જેમાં એ હોય તે વિરક્ત કહેવાય,,બીજો દુધનો જેમાં એ હોય એ નિર્દોષ ને શુદ્ધ હોય અને ત્રીજો આંસુનો .... જેનામાં આ ૩નો ત્રિવેણી સંગમ હોય એ ‘મા’.!!

“પરિવારમાં પુત્રીનું અવતરણ એટલે પિતાના દિલમાં દયાનું ઝરણું ફૂટવું,દિલમાં કરુણાનું સ્થાપન થવું,જીદ,અહંકાર ગર્વનું ખંડન થવું.દીકરી નામની દેવીનું આગમન એટલે દિલમાં દીવાનું સ્થાપન થવું.વીસ-પચીસ વર્ષ માતાપિતાને રમાડતી,રમતી,નાચતી,હસતી,ગતિ,સહુનો આત્મા બની ગયેલી દીકરી જયારે ઠરેલ બની પોતાન ઘરને અળગું કરી,પિયુના ઘરને પોતાનું બનાવવા જાય છે,ત્યારે અરણ્યના તપસ્વી કણ્વ જેવા વૈરાગી ઋષિ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તો પામર સંસારના પિતાનું શું ગજું??! એ જ બતાવે છે કે દીકરી એ પિતાના જીવતરનું બળ છે.” “વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે પુરુષ કરતા સ્ત્રીમાં સહનશક્તિ વધુ હોય છે.તો વિવિધ ક્ષેત્રે પોતાની નામના કરનાર આ નારીઓએ વિશ્વના ઇતિહાસમાં પોતાની ક્ષમતા પુરવાર કરી જ છે ને? યાદી બનાવવા બેસીએ તો કેટલીય લાંબી બને....કેટકેટલી નારી શક્તિને સલામ કરીશું? આ સહુ નારીઓએ પુરવાર કરી જ બતાવ્યું છે એક નારીશક્તિ ઝીન્દાબાદ હતી,છે અને રહેશે જ.!! તો પછી આવી શક્તિની ભ્રૂણમાં જ હત્યા કરી,દુનિયામાં આવ્યા પહેલા જ,વિદાય કરી દેવા જેવો અણગમો શા માટે? મને લાગે છે કે આ માટે આપને જ આગળ આવવું પડશે...તો ચાલો આજે વિશ્વ માતૃદિને શપથ લઇએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરીશું નહિ અને થતી હોય તો અટકાવીશું..

સંતાનો માને ગમે તેટલી તકલીફ આપે તો પણ માના મુખ અને હૃદયમાંથી તો તેના માટે દુવા જ નીકળતી હોય,એટલે જ કદાચ કહેવત પડી હશે કે દીકરા કપાતર થાય પણ માવતર કમાવતર ન થાય.. તો આવો ઈશ્વરના દેવદૂત સમાન માતાની આતરડી કડી ન બાળીએ અને કોઈ ગેરસમજથી આવી ભૂલ કરતુ હોય તો એને પ્રેમથી સમજાવીએ,.ખરા દિલથી માતાનું જતન કરીએ.વંદન કરીએ અને જનમોજનમ જેના ઋણી રહેવાના છીએ તેની સાચા અર્થમાં ભાવથી સેવા કરી,ઋણસ્વીકાર કરવાનો એક પણ અવસર ન ચૂકીએ.....માતાના ઋણ તો ચૂકવી જ ન શકાય પણ છતાં મમતાની મોલનો તોલ અજોડ છે.

૧૦ મે વિશ્વ માતૃદિન નિમિતે આવો સહુ સંકલ્પ લઈએ કે કોઈ મા ના આંસુને લુછીએ, જો ક્યાય આપણી આજુબાજુ આવું બનતું હોય તો એને અટકાવવાના પ્રયાસ જરૂર કરીએ. ખાસ તો એ આંસુનું કારણ બને એવા સંતાન આપણે પોતે તો ન જ બનીએ.વિશ્વની તમામ માતાઓને વંદન!!