Aryariddhi - 50 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૫૦

મિત્રો આશા રાખું છું કે આ ભાગ આપને ગમશે. આર્યરિદ્ધિના આ ભાગમાં મોટા ભાગના રહસ્યો ખુલી ગયા છે. જો આપ મનમાં હજી કોઈ સવાલ હોય તો આપ મને 8238332583 નંબર પર whatsapp પર મેસેજ કરીને પૂછી શકો છો.

રિદ્ધિને મયુરીની વાત પર વિશ્વાસ થયો નહીં એટલે તે તરત બોલી ઉઠી, “તું ખોટું બોલી રહી છે, મારા આંટી ક્યારેય પણ આવું ના કરી શકે.” મયુરી અકે નિસાસો નાખીને બોલી, “રિદ્ધિ, તારા કહેવાથી હકીકત બદલવાની નથી. તારા અંકલ નિમેશભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ કાલે સાંજે તારા ઘરમાં એક ગેસ એક્સપ્લોઝન થયું તેમાં તારા અંકલનું મૃત્યુ થઈ ગયું અને તારા ભાઈની આ હાલત થઈ છે. જો તને હજી પણ વિશ્વાસ ન હોય તો તારા ભાઈ સામે એકવાર જોઈ લે.”

આમ કહીને મયુરીએ પાર્થ સામે નજર કરી. મયુરીની વાત સાંભળીને બધાને લાગ્યું કે રિદ્ધિ રડવા લાગશે પણ બધાના આશ્ચર્ય વચ્ચે રિદ્ધિ શાંત રહી અને બોલી, “તો હવે મારા આંટી ક્યાં છે?”

મયુરી ઊભી થઈને પાર્થ પાસે ગઈ અને તેના માથા પર હાથ ફેરવતાં બોલી, “મને અફસોસ છે તે તારા અંકલની સાથે જ માર્યા ગયા પણ મને ખુશી છે કે હું પાર્થને બચાવી શકી.” મયુરીના અવાજમાં સત્યનો રણકો હતો.

હવે સંધ્યા બોલી, “મયુરી, હવે તું આ બધાને આગળની હકીકત જણાવીશ.” મયુરી ‘જી દીદી’ બોલીને એક બેગ લઈને પાછી ટેબલ પાસે આવી અને એક કવર ટેબલ પર મૂક્યું. ક્રિસ્ટલે તે કવર ખોલ્યું તો તેમાથી ફોટોગ્રાફ્સ નીકળ્યાં. ક્રિસ્ટલ બધા ફોટોગ્રાફ એક એક કરીને જોવા લાગી અને બધા ફોટોગ્રાફ રિદ્ધિને જોવા માટે આપ્યા.
પંદર મિનિટ જેટલો સમય પસાર પછી રિદ્ધિ, મેઘના અને રાજવર્ધન સહિત બધાએ ફોટોગ્રાફ્સ જોઈ લીધાં એટલે મયુરી બોલી, “હવે આગળની આપ જણાવો આર્ય.”

“હું મારા ભાઈ આર્યવર્ધનને પહેલી વાર ઈન્ડિયા ગયો હતો ત્યારે મળ્યો હતો, લગભગ પાંચ વર્ષ પહેલાં. મે તેમને પહેલીવાર જોયાં ત્યારે મને લાગ્યું કે તે મારા હમશકલ છે પણ તેમની સાથે વાત કર્યા પછી મને ખબર પડી કે મારા મોટા ભાઈ છે. પછી હું તેમને અહી લંડન આ મહેલમાં લઈને આવ્યો. તે અહી એક અઠવાડીયા સુધી રોકાયા હતાં ત્યારે તેમણે મને આપણાં મમ્મી-પપ્પાની બીમારી વિષે જણાવ્યું હતું.” આર્યવર્મન રિદ્ધિ સામે જોઇને બોલ્યો.

“રિદ્ધિ, જ્યારે તારા પેરેન્ટ્સ આઇબીમાં હતાં ત્યારે તે છેલ્લી વાર જે મિશન પર ગયા હતાં ત્યારે તે પકડાઈ ગયાં હતાં. આંતકવાદીઓએ તેમને જે જગ્યાએ બંદી બનાવી રાખ્યાં હતાં તે જગ્યાએ રેડિયોએક્ટિવ મટિરિયલ હતું. જેના રેડીએશનની અસર તારા પેરેન્ટ્સ પર અને મારા પિતા તેમને ત્યાં બચાવવા માટે ગયા ત્યારે તેમના પર થઈ હતી. આ રેડીએશનના કારણે તેમના શરીરનું ડીએનએ સ્ટ્રકચર ખરાબ થઈ ગયું અને ધીરેધીરે તેમની હાલત બગાડવા લાગી અને આજે તેમની આ પરિસ્થિતિ થઈ છે.” આટલું બોલી આર્યવર્મન અટકી ગયો.

રિદ્ધિ આર્યવર્મનના અટકવાની રાહ જોઇ રહી હતી. આર્યવર્મને બોલવાનું બંધ કર્યું એટલે તરત રિદ્ધિ બોલી ઉઠી, “પણ તેનાથી મારા અંકલના મૃત્યુનો શું સંબંધ છે?” આર્યવર્મને મો પર આંગળી મૂકીને રિદ્ધિને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો એટલે રિદ્ધિ કઈ બોલી નહીં.

આર્યવર્મને ફરીથી બોલવાનું શરૂ કર્યું, “એ જ સવાલનો જવાબ આપી રહ્યો છું, રિદ્ધિ. જે આતંકવાદી સંગઠનના માણસોએ તારા પેરેન્ટ્સને પકડી લીધા હતાં તેનો હેડ બીજું કોઈ નહીં પણ તારા આંટી મીનાનો ભાઈ સુમન હતો. જ્યારે મારા પિતા તારા પેરેન્ટ્સ બચાવવા ગયા ત્યારે કમાન્ડો અને આતંકવાદીઑ વચ્ચે થયેલી લડાઈમાં સુમન માર્યો ગયો.”

“આ વાતની મીનાને જાણ થઈ ત્યારે તે ન્યુયોર્કમાં હતી એટલે તેણે બધાની સાથે બદલો લેવા માટે પોતાના માણસો દ્વારા તારા પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સની બધાની ફેમિલી વિષે માહિતી મેળવી અને તે બધાનો વિશ્વાસ જીતવા માટે તારા અંકલ નિમેશ સાથે પ્રેમનું નાટક કરવા લાગી અને સાથે સાથે બધાની માહિતી મેળવવા લાગી.”

આર્યવર્મન એક ક્ષણ માટે અટકીને બધા સામે એક નજર કરીને ખાતરી કરી લીધી કે બધા તેની વાત સાંભળે છે કે નહીં. બધાનું ધ્યાન પોતાની તરફ છે તે જોઈને તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “થોડા સમય પછી મીનાને નિમેશ સાથે પ્રેમનું નાટક કરતાં સાચે જ પ્રેમ થઈ ગયો અને તે જ સમયે વિપુલ અને મૈત્રી વર્ધમાનનું ઘર છોડીને નિમેશના ઘરે આવ્યા.”

“વિપુલ અને મૈત્રીની સાથે રહીને મીનાને એક પરિવારનો અહેસાસ થયો અને પાર્થ તથા રિદ્ધિ પ્રત્યેની મમતાએ મીનાની અંદર રહેલી બદલાની આગ બુજાવી દીધી. બીજી બાજુ પંદર વર્ષ પછી મારા પિતા વર્ધમાનને પોતાની બીમારી વિષે જાણ થઈ એટલે તેઑ સમજી ગયા કે વિપુલને પણ આ બીમારી લાગુ પડી હશે એટલે તેમણે કોઈને પણ ખબર ન પડે તે રીતે વિપુલનો સંપર્ક કર્યો અને બીમારી વિષે બધી માહિતી આપી.”

આર્યવર્મન શ્વાસ લેવા માટે અટક્યો. રાજવર્ધન, મેઘના, રિદ્ધિ, ક્રિસ્ટલને કઈ સમજાતું નહોતું કે તેઓ શું કહે અથવા શું સાંભળે. મેઘનાએ ભૂમિ સામે જોયું તો તે શાંત થઈને એક જગ્યાએ બેસી રહી હતી. આર્યવર્મને આગળ કહેવાનું ચાલું રાખ્યું, “જ્યારે વર્ધમાને પહેલીવાર વિપુલને કોલ કર્યો ત્યારે તેમની વચ્ચે થયેલી બધી વાતચીત મીનાએ સાંભળી લીધી એટલે તેનામાં રહેલી બદલાની આગ ફરીથી સળગવા લાગી. એટલે તેણે બધાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો પણ તેના આ પ્લાનની જાણ વિપુલને થઈ ગઈ.”

“વિપુલે આ વાત વર્ધમાનને કહી એટલે મીના પોતાનો પ્લાન અમલમાં મૂકે તે પહેલાં વર્ધમાને એક સુઝાવ આપ્યો. તે પ્રમાણે વર્ધમાને વિપુલને બધાની સામે કોલ કરીને મદદ માંગવાનુ નાટક કર્યું. એટલે વિપુલ મૈત્રીને પોતાની સાથે લઈને વર્ધમાને બતાવેલી જગ્યા પર પહોચી ગયો. ત્યાં વર્ધમાન અને આર્યવર્ધન પહેલાંથી હાજર હતાં એટલે તેઓ બધા નિમેશના આવવાની રાહ જોવા લાગ્યા.”

“ત્યાર પછી શું થયું.” ક્રિસ્ટલ આતુરતાપૂર્વક બોલી ઉઠી પણ રિદ્ધિએ તેનો હાથ પકડીને શાંત રહેવા માટે ઈશારો કર્યો. આર્યવર્મન આગળ બોલ્યો, “નિમેશ પંદર મિનિટ પછી મીના સાથે એ ખંડેર થઈ ગયેલા એપાર્ટમેન્ત માં પહોચી ગયો. ત્યાંસુધીમાં વર્ધમાન અને વિપુલે મૈત્રીને બધી વાત સમજાવી દીધી એટલે મૈત્રી વર્ધમાન સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને તે વર્ધમાનની કારમાં ત્યાંથી જતી રહી.”

“ત્યારબાદ વિપુલ અને આર્યવર્ધન આઉટહાઉસમાં એક માઇક્રો ટીએનટી મટિરિયલવાળો બોમ્બ પ્લાન્ટ કરીને એક હોલોગ્રામ પ્રોજેક્ટર ગોઠવીને શરૂ કરી દીધું. એ પ્રોજેક્ટરમાં વર્ધમાન, મૈત્રી, આર્ય અને વિપુલ ખુરશીમાં બંધાયેલા હોય અને આર્યવર્ધન તેમની સામે ઊભો હોય તેવી ઇમેજ હતી. કોઈ વ્યક્તિ તેને દૂરથી જોવે તો તે વાસ્તવિક દ્રશ્ય હોય તેવું લાગે તેમ હતું.

“નિમેશ એ દ્રશ્ય જોઈને આઉટહાઉસની નજીક આવ્યો એટલે આર્યવર્ધને તે બોમ્બને બ્લાસ્ટ કરી દીધો અને તે તથા વિપુલ બંને ત્યાથી નીકળી ગયાં. એ પછી શું થયું તે આપ સૌને ખબર છે.” આટલું કહીને આર્યવર્મન ચૂપ થઈ ગયો.

“પણ મને હજી એક સવાલ મુંજવી રહ્યો છે કે આ બધું શા માટે કર્યું હતું?” રિદ્ધિ બોલી. સંધ્યા જવાબ આપતાં બોલી, “બહુ સીધી વાત છે, જો મીનાને વિશ્વાસ થઈ જાય કે વર્ધમાનનું તેના પરિવાર સાથે મૃત્યુ થઈ ગયું છે તો તે તેમને શોધવાનો પ્રયત્ન નહીં કરે અને તારો પાર્થની સાથે યોગ્ય રીતે ઉછેર કરે. તથા વર્ધમાન અને વિપુલ શાંતિથી પોતાની બીમારીનો ઈલાજ કરી શકે.”