Khuni koun ? - 8 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 8

રમેશ પાસે થી તેના અને તેની કંપની ના ભૂતકાળ વિશે જાણ્યા બાદ અમિતાભ નિરવ ના મમ્મી અને હિમાંશુ ના પત્ની હિમાની ને મળવા નું નક્કી કરે છે પરંતુ તે પહેલાં તે આશરે ત્રીસ વર્ષ પહેલાં થયેલા હિમાંશુ ના અકસ્માત ની પોલીસ ફાઈલ તપાસવા માગે છે. હવે આગળ...
__________

અભિમન્યુ એ હિમાંશુ મર્ડર ની ફાઈલ અમિતાભ ના હાથ માં મૂકતા બોલવા નું શરુ કર્યું, "સર, મે ફાઈલ નો અભ્યાસ કર્યો છે ખાસ કઇ છે નહિ, સિમ્પલ એક્સીડન્ટ નો શટ એન્ડ ઓફ કેસ લાગે છે. આજ થી પચીસ વર્ષ પહેલાં ચોમાસા ની એક સાંજે ચાલુ વરસાદે હિમાંશુ અને હિમાની તેના દોઢ વર્ષ ના નાના પુત્ર નિરવ ને કુળદેવી ના મંદિરે દર્શન માટે લઈ જવાનું નક્કી કરી ને નીકળ્યા ત્યારે રસ્તા માં એક વળાંક પાસે હિમાંશુ એ ગાડી નો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. હિમાની ને નાની મોટી ઇજા થઇ હતી અને નિરવ પણ સદનસીબે બચી ગયો પરંતુ હિમાંશુ બિચારો મૃત્યુ પામ્યો." અમિતાભે અભિમન્યુ ની વાત સાંભળ્યા પછી કેટલાક સવાલો પૂછ્યા, "શું ઘટના ને આંખે થી જોનાર કોઈ હતું? અને પોલીસે અકસ્માત નું કારણ શું દર્શાવ્યું છે?" અભિમન્યુ એ કહ્યું, "સર, પોલીસ ને હિમાની એ ઉપરોક્ત નિવેદન આપ્યું છે, એ ઉપરાંત હિમાંશુ ની ગાડી કે જ્યાં અકસ્માત થયો ત્યાંથી થોડે દૂર જ એક અન્ય ગાડી પણ વૃક્ષ સાથે અથડાઈ હતી અને તે ગાડી ના ડ્રાઈવર અમથાલાલ એ પણ આ અકસ્માત નજરો નજર નિહાળ્યો હોવાનું પોલીસ ને કહ્યું હતું અને તેમનું નિવેદન બરાબર હિમાની ના નિવેદન સાથે બંધ બેસતું હતું. કાર નું અકસ્માત થવા નાં કારણ માં પોલીસે ગાડી ની બ્રેક ઓછી હોવાનું તથા વરસાદી માહોલ હોવાનું લખ્યું છે." આટલું કહીને અભિમન્યુ એ પોતાની વાત પૂરી કરી. અમિતાભ વાત ને બરાબર સાંભળી રહ્યો હતો અને સાથે સાથે કેસ ફાઈલ પણ જોઈ રહ્યો હતો. થોડી વાર ફાઈલ તાપસી રહ્યા બાદ અભિમન્યુ ને તેણે પૂછ્યું, "અભિમન્યુ, શું તને આ અકસ્માત માં કઈ અજુગતું નથી લાગતું?" "અજુગતું શું સર?" અભિમન્યુ ની આ વાત સાંભળી અમિતાભે કહ્યું કે, "જો પોલીસ ની થીયરી પ્રમાણે વરસાદ અને ખરાબ બ્રેક ના કારણે અકસ્માત થયો હોય અને આ અકસ્માત એટલો જીવલેણ હોય કે હિમાંશુ નો જીવ ચાલ્યો ગયો ત્યારે તે જ ગાડી માં બેઠેલી હિમાની કે નાનકડા નિરવ ને કેમ કઈ નાં થયું, માત્ર થોડા નાના મોટા ઘાવ જ આવ્યા?" અમિતાભ ના આ તર્ક ઉપર અભિમન્યુ પણ વિચારો માં અટવાઈ ગયો. અમિતાભ હું તને કહું એટલી તપાસ કરી નાખ, પછી આપને હિમાની ને મળીએ.
___________

અમિતાભે અભિમન્યુ ને જે વાતો નીં તપાસ કરવા માટે કહ્યું હતું તેમાં બે થી ત્રણ દિવસ જેટલો સમય વિતી ગયો હતો, હવે અમિતાભ અકળાયો હતો એક વાર તો તે અભિમન્યુ પર ગુસ્સે પણ થઈ ગયો કે કેમ હજુ સુધી કામ નથી થયું. અભિમન્યુ એ કહ્યું કે સર, મેટર થોડી જૂની છે આથી એજન્સી ને થોડી વાર લાગી રહી છે અને આપણા ખબરી પણ એક બે દિવસ માં જ કઈક સારા ખબર જરૂર થી આપશે.

હજુ અભિમન્યુ અમિતાભ ને કંઇક સારા ખબર મળવા ની વાત જ કરી રહ્યો હોય છે ત્યાં એક ફોન આવે છે અને અમિતાભ ફોન પર જ બરાડી ઉઠે છે, "વોટ? એક વધુ ખૂન? અને તે પણ શેઠ રમેશ દાસજી નું?" અમિતાભ ની વાત સાંભળી અભિમન્યુ પણ એક ઘડી તો અવાક બની જાય છે, આખરે આ શું માંડ્યું છે? હજુ નિરાલી, કેતન અને સોપારી કિલર અસલમ અને સુંદર ના હત્યારા વિશે કોઈ ખાસ સગડ નથી મળ્યા ત્યાં વધુ એક ખૂન અને તે પણ શેઠ રમેશ દાસ નું!

અમિતાભ એકદમ જ ગુસ્સા માં અભિમન્યુ તરફ ફરે છે અને કહે છે કે શેઠ રમેશ દાસજી નીં કોઈકે તેમના અમદાવાદ માં આવેલા બંગલા માં ગોળી મારી ને હત્યા કરી નાખી છે. મે તેમને શહેર છોડી ને જવાની સ્પષ્ટ મનાઈ કરી હતી છતાં તેઓ હજુ ગઈ કાલે સવારે અમદાવાદ ગયા અને આજે વહેલી સવારે કોઈ એ તેમની હત્યા કરી નાખી છે. અમદાવાદ સેટેલાઇટ પોલીસ કેસ ને સંભાળે છે મારે અત્યારે જ નીકળવું પડશે. અડધા જ કલાક માં એક ડ્રાઈવર કોન્સ્ટેબલ ને લઈ અમિતાભ અમદાવાદ જવા રવાના થયો. અને એ જ દિવસે સાંજે અભિમન્યુ ને હિમાંશુ અકસ્માત કેસ માં કંઇક એવી માહિતી હાથ માં લાગી કે જે આ નિરાલી, કેતન અને હવે કદાચ રમેશ મર્ડર કેસ ની દિશા બદલાવી નાખવા ની હતી. બસ હવે રાહ હતી તો અમિતાભ ના અમદાવાદ થી પાછા આવવા ની કારણકે તેના અભિપ્રાય વગર આગળ વધવું શક્ય ના હતું.
___________

અમદાવાદ ગયા ના ત્રીજા દિવસે વહેલી સવારે નવ વાગ્યે અમિતાભ રાજકોટ માં પ્રવેશી ગયો હતો અને તુરંત જ તેણે અભિમન્યુ ને ફોન કરી ને હોટેલ ફર્ન ખાતે બોલાવ્યો, સવાર ના વહેલો પાંચ વાગ્યા નો નીકળ્યો હોવાથી ભૂખ પણ લાગી હતી અને અમદાવાદ માં રમેશજી ની હત્યા કેસ બાબતે તથા અભિમન્યુ ને હિમાંશુ કેસ માં મળેલ કડી બાબતે વાતો કરવા તે અધીરો બન્યો હતો.
___________

હોટેલ ફર્ન ખાતે અમિતાભ અને અભિમન્યુ બુફે બ્રેકફાસ્ટ નો આનંદ માણી રહ્યા હતા, અને સહુ પહેલા અમિતાભે રમેશ મર્ડર કેસ ની માહિતી અભિમન્યુ સાથે શેર કરતા વાત ની શરૂઆત કરી, "રમેશજી નું મર્ડર પણ એ જ રીતે ગોળી મારી ને કરવા માં આવ્યું હતું જે રીતે નિરાલી અને કેતન ની હત્યા થઈ હતી. સારું થયું હું અગાઉ થી જ ત્યાં પહોંચી ગયો. મે તરત જ રમેશ ના બંગલા અને આજુ બાજુ ના વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. ફૂટેજ તપાસવા માં આવતા શૂટર ઓળખાઈ ગયો હતો, ઉત્તર પ્રદેશ પ્રાંત નો કોઈ વિકાસ નામ નો શૂટર હતો. અગાઉ આપણને થયેલા અનુભવો ના આધારે મે અમદાવાદ પોલીસ ને બને એટલી વહેલી તકે વિકાસ ને પકડી પાડવા ની ફરજ પડી અને તેના ઉત્તર પ્રદેશ ખાતે ના ગામડે પણ તપાસ માટે ત્યાંની લોકલ ટીમ ને કહી દેવા માં આવ્યું, અને આ વખતે આપણાં નશીબ જોર કરી રહ્યા છે અભિમન્યુ. યુપી પોલીસે વિકાસ ને પકડી પાડયો છે અને કાલે સાંજ સુધી માં જ ગુજરાત પોલીસ ને સોંપી દેશે. અને મે ડીજીપી સર જોડે વાત કરી ને ખાસ પરમિશન અંતર્ગત રમેશ મર્ડર કેસ ની તપાસ રાજકોટ પોલીસ હસ્તક લઈ લીધી છે જેથી આપણ ને આ ટ્રીપલ મર્ડર કેસ માં સરળતા રહે." પોતાની વાત પૂરી કરી અને વિજયી હાસ્ય રેલાવતા અમિતાભે અભિમન્યુ ની સામે જોયું. "વાહ સર, આપનો જવાબ નથી. આખરે અમદાવાદ પોલીસે પણ માનવું જ પડશે કે અમિતાભ પંડિત એટલે અમિતાભ પંડિત."

હવે મારા વખાણ ના ખોટા પુલ બાંધવા નું બંધ કર અને હિમાંશુ કેસ માં શું નવી માહિતી મળી છે એ બોલ, અમિતાભે ફરી મુદ્દા ની વાત પર આવતા કહ્યું. અભિમન્યુ એ બોલવા નું શરુ કર્યું, "સર, તમે મને જે બાબતે શંકા વ્યક્ત કરી અને તપાસ કરવા મોકલ્યો હતો તે તીર બરાબર જ નિશાના પર લાગ્યું છે." "એટલે? હિમાંશુ અકસ્માત વખતે ગવાહી આપનાર અમથાલાલ શું ખોટું બોલી રહ્યો હતો? શું તેના વિશે કે તેના પરિવાર વિશે કોઈ વાત જાણવા મળી?" અમિતાભ એકી શ્વાસે બોલી ગયો. અભિમન્યુ પણ અમિતાભ ની આ કેસ ની ગંભીરતા થી બરાબર વાકેફ હતો આથી તેણે પણ સીધા જ મુદ્દા પર આવતા કહ્યું કે, "સર, તે અમથાલાલ ખોટી બોલી રહ્યો હતો કે સાચું એ તો નથી જાણી શકાયું પણ એ અમથાલાલ કોણ છે એ જરૂર થી જાણી શકાયું છે અને આપ તેના વિશે જાણશો તો ચોકસ તમે પણ આશ્ચર્ય માં ગરકાવ થઈ જ જશો એ નક્કી છે." અમિતાભ હવે ધીરજ ગુમાવી રહ્યો હતો, યાર અભિમન્યુ વાત ને ગોળ ગોળ શું ફેરવશ, સાફ સાફ બોલ શું જાણવા મળ્યું છે? અભિમન્યુ એ કહ્યું, "હિમાંશુ અકસ્માત માં પોલીસ તપાસ માં જે અમથાલાલ અને તેની ગાડી ની માહિતી હતી તેના આધારે મે આર. ટી. ઓ એજન્સી એ થી તેની માહિતી કઢાવી તો ખબર છે તે ગાડી કોની નીકળી?" "કોની?" અમિતાભે અધીરાઈ થી પૂછ્યું. "શેઠ રમેશ દાસજી ની." શું? અભિમન્યુ ના મોઢે થી તે ગાડી રમેશ દાસજી ની હોવાનું સાંભળી અમિતાભ ની આંખો ખુલી ની ખુલી રહી ગઈ, અને વધુ આચકો તો હવે પછી ની વાત સાંભળી ને લાગવાનો હતો. અભિમન્યુ કહી રહ્યો હતો, "અને સર મે આપણાં ખબરી મારફત અમથાલાલ વિશે માહિતી કઢાવી તો જાણવા મળ્યું કે અમથાલાલ કોઈ બીજું નહિ પરંતુ નિખિલ ના ઘર ના નોકર અને કેર ટેકર એવા કિશન કાકા ના પિતાજી હતા જે એ સમય માં પહેલાં અભય દાસજી ની ગાડી ચલાવતા હતા અને ત્યાર બાદ રમેશજી ની ગાડી ચલાવતા હતા. અને તેમના અવસાન બાદ તેમનો પુત્ર કિશન પણ એ જ ફેમીલી માં નોકરી એ લાગી ગયો હતો."

અભિમન્યુ એ આટલી વાત પૂરી કરી એટલે અમિતાભ એક આખો ગ્લાસ પાણી નો પી ગયો અને વિચારે ચડી ગયો. "યાર અભિમન્યુ, સાલુ સમજાતું નથી કે આખરે આ ચક્કર શું છે? પેલા તો નિરાલી ની હત્યા થાય છે, તેનો હત્યારો અસલમ હજુ ઓળખાયો ત્યાં તેના પિતા કેતન નું ખૂન, અને તે બંને ના હત્યારાઓ અસલમ અને સુંદર નું ખૂન. રમેશ અને નિરવ ની પૂછપરછ કરાતા તપાસ માં શંકા હિમાની તરફ ગઈ, હિમાંશુ અકસ્માત ની તપાસ કરાવી તો શંકા ની સોય રમેશ તરફ જાય છે કારણકે તેનો ડ્રાઈવર કમ નોકર અમથાલાલ પોલીસ ને ગવાહી આપે છે કે તેણે અકસ્માત નજરે નિહાળ્યો હતો. હવે જ્યારે આપણે રમેશ તરફ શંકા કરીએ તો તેનું તો ખૂન થઈ ગયું છે." અમિતાભ બે ઘડી શાંત થયો અને ફરી પાછું બોલવા નું શરુ કર્યું, "તો શું આ બધા ખૂન પાછળ હિમાની નો હાથ હશે? શું નિખિલ ના નોકર કિશન નો આમાં કંઇ રોલ હશે? કે હજુ આપણાં થી કોઈ કડી છૂપાયેલી છે?.." "મને લાગે છે સર, કે આપણા સવાલો નાં જવાબ હિમાની ને મળ્યા બાદ જ મળશે અને ત્યાં સુધી માં ઉત્તર પ્રદેશ પોલીસ આપણને વિકાસ ને પણ સોંપી દેશે." અમિતાભ ની મુંઝવણ ને થોડી હળવી કરવા ના આશય થી અભિમન્યુ બોલ્યો અને અમિતાભે પણ હુંકાર માં માથું હલાવ્યું.
___________

આખરે આટલી બધી હત્યાઓ પાછળ જવાબદાર કોણ હતું?
શું હિમાની ને મળ્યા બાદ કેસ સોલ્વ થશે કે નવી મુંઝવણો જન્મ લેશે?
તમામ સવાલો નાં જવાબ મેળવવા વાચતા રહો, "ખૂની કોણ?"

મિત્રો તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.