Pratishodh - 1 - 4 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 4

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:4

ઓક્ટોબર 2001 મયાંગ, અસમ

સૂર્યાએ પોતાની ઉપર પડેલું ભારે-ભરખમ લાકડું ઉપાડીને દૂર કરવાની ઘણી કોશિશ કરી પણ એ બધી કોશિશો વ્યર્થ સાબિત થઈ.

"શંકરનાથ, તે મારો શિકાર કરવા આ માસુમ બાળકને મોકલીને બહુ મોટી ભૂલ કરી છે." અબ્રાહમ હવે વ્યંગ કરતાં કહ્યું.

"તું મારું કાંઈ નહીં બગાડી શકે!" સૂર્યાએ ક્રુદ્ધ સ્વરે કહ્યું.

"આટલો બધો ઘમંડ સારો નહીં મૂર્ખ બાળક." અબ્રાહમે સૂર્યાની તરફ આગળ વધતાં કહ્યું. "હવે તું બે ઘડીનો મહેમાન છે તો આ સમયમાં તું તારાં ભગવાનને યાદ કરી લે, હું જોઉં છું કે તારો ભગવાન તને કઈ રીતે બચાવે છે!"

પોતે જે પરિસ્થિતિમાં ફસાયો હતો એની થોડી પણ ચિંતા કર્યાં વિનાં સૂર્યાએ આંખો બંધ કરી અને ઊંચા અવાજે મૃત્યુને પરાસ્ત કરનારાં મહા મૃત્યુંજય મંત્રનું રટણ કરવાનું શરૂ કરી દીધું.

"ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।"

જેમ-જેમ સૂર્યા મહામૃત્યુંજય મંત્રનું રટણ કરી રહ્યો હતો એમ-એમ પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. અચાનક વાતાવરણમાં તીવ્ર પલટો આવ્યો અને આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યાં. વિજળીઓ જોરજોરથી કડકડી રહી હતી. વાતાવરણમાં આવેલાં આ ઓચિંતા પલટાથી અબ્રાહમ અચંબિત થઈ ગયું.

સૂર્યાનું કામ તમામ કરી દેવા અબ્રાહમ સૂર્યાની તરફ આગળ તો વધી રહ્યો હતો પણ કોઈ અદ્રશ્ય શક્તિ એને આમ કરતાં રોકી રહી રહી. જેવું એ મહાપરાણે એક ડગલું આગળ વધતો એવું જ એક નાનું વંટોળીયું એની તરફ આવતું અને એને ચાર ડગલાં પાછાં ફેંકી દેતું. આ બધું કેમ થઈ રહ્યું હતું એ સમજવામાં અસમર્થ અબ્રાહમની આત્માએ હવે દૂરથી જ સૂર્યાને મારી નાંખવાનું વિચાર્યું.

અબ્રાહમે પોતાની આંખો મીંચી અને મનોમન કંઈક રટણ કર્યાં બાદ ઊંચા સ્વરે બોલ્યો.

"હે ક્રોધના દેવ ઓમેન, હું તમારો દાસ તમને વિનંતી કરું છું કે આ બાળકને મારી નાંખો. જો તમે મારી વિનંતીને માન આપશો તો હું તમને પાંચ લોકોની બલી ચડાવીશ."

અબ્રાહમના આમ બોલતાં જ એક કેસરી રંગનો ધુમાડો સૂર્યાની તરફ આગળ વધ્યો અને સૂર્યા પર પડેલાં વજનદાર લાકડાંને ઉપરની તરફથી દબાવવા લાગ્યો. સૂર્યાનો શ્વાસ હવે ધીરે-ધીરે અટકી રહ્યો હતો પણ એને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું ચાલુ રાખ્યું. સૂર્યાની આંખે અંધારા આવી ગયાં અને લાકડાનાં વધતાં વજનનાં લીધે એનાં હૃદયની ગતિ પણ હવે ખૂબ મંદ પડી ગઈ. મોત એનાંથી હવે હાથવેંત છેટું હતું ત્યાં આકાશમાથી એક વીજળી આવીને સૂર્યાની ઉપર પડેલાં લાકડાં ઉપર પડી.

વીજળી પડતાં જ સૂર્યાની ઉપર પડેલાં લાકડાંનાં ડઝનેક નાનાં-નાનાં ટુકડા થઈ ગયાં અને એની સાથે જ કેસરી રંગનો જે ધુમાડો સૂર્યાની ઉપર લાકડાનું દબાણ વધારી રહ્યો હતો એ પણ અદ્રશ્ય થઈ ગયો.

મોટાં લાકડાનું હવે ટુકડાઓમાં વિભાજન થઈ જતાં, સૂર્યા ઉપર દબાણ ઘણું ઓછું થઈ ગયું અને એ થોડી મહેનત કર્યાં બાદ લાકડાં નીચેથી નીકળવામાં સફળ રહ્યો. અચાનક પરિસ્થિતિ પોતાની વિરુદ્ધ જઈને ઊભી રહી એ હોઈ અબ્રાહમ બઘવાઈ ગયો.

"શું થયું? ડર લાગે છે હવે?" જમીન પર પડેલી પોતાની ચાંદીની કટાર હાથમાં લઈ અબ્રાહમ તરફ આગળ વધતાં સૂર્યાએ કહ્યું.

સૂર્યાને પોતાની તરફ આગળ વધતો જોઈ અબ્રાહમે ત્યાંથી ભાગી નીકળવાની ભરચક કોશિશ કરી પણ ખબર નહીં કેમ એ પોતાની જગાએથી એક ઈંચ પણ હલી ના શક્યો.

"સૂર્યા, મને માફ કરી દે!" અબ્રાહમ કરગરી રહ્યો હતો.

"અબ્રાહમ, તે શૈતાનનું સ્મરણ કર્યું એ તારી સૌથી મોટી ભૂલ છે, એટલે હું તને કોઈ હિસાબે માફ નહીં કરું." દયાહીન સ્વરે સૂર્યાએ કહ્યું. "તારો અંત સમય આવી ગયો છે."

આટલું કહી સૂર્યાએ પોતાનાં હાથમાં રહેલી ચાંદીની કટારને અબ્રાહમની જમણી આંખના ઉતારી દીધી. આ સાથે જ અબ્રાહમની હૃદયદ્રાવક ચીસો આખા જંગલમાં ગુંજી ઉઠી. સૂર્યાએ એની આત્માને આમ જ થોડો સમય તડપવા દીધી અને પછી માં કાળીનું આહવાન કરી ચાંદીની કટારને અબ્રાહમના હૃદયનાં સ્થાને ઘુસેડી દીધી. સૂર્યાના આમ કરતાં જ અબ્રાહમની આત્મા ભડભડ કરતી સળગી ઊઠી.

અબ્રાહમની આત્માને જહન્નુમ મોકલ્યાં બાદ સૂર્યાએ પોતાની કટારને પુનઃ એનાં મ્યાનમાં રાખી અને વિજયસુચક સ્મિત સાથે પોતાનાં ઘર તરફ રવાના થયો. સમગ્ર જંગલ પણ આ નાનકડાં યોદ્ધાની જીતનાં સમ્માનમાં શાંત થઈ ગયું.

સૂર્યાની આ વિજય એક એવાં યોદ્ધાનો ઉદય હતી જેની જરૂર સમગ્ર સૃષ્ટિને આવનારા સમયમાં સેંકડો વખત પડવાની હતી.!

★★★★★★

ઓક્ટોબર 2019, મુંબઈ

આફતાબ, વેંકટ અને આદિત્ય ત્રણેય ઘનિષ્ઠ મિત્રો હતાં. વેંકટનાં લગ્ન વખતે જ આદિત્ય અને જાનકીની મુલાકાત થઈ હતી. આફતાબની આત્મહત્યાની ખબર સાંભળી આદિત્ય અંદર સુધી હચમચી ગયો. એને જાનકીને આ વિષયમાં જણાવ્યું અને તાત્કાલિક મુંબઈ જવાની ઈચ્છા જાહેર કરી.

આફતાબ અને આદિત્ય કેટલી હદે નજીકનાં મિત્રો હતાં એ જાણતી જાનકીએ અદિત્યને મુંબઈ પાછા ફરવાની તુરંત રજા આપી દીધી અને પોતે પણ એની જોડે મુંબઈ પાછી આવવા તૈયાર થઈ. આધ્યાએ પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજતાં આદિત્ય અને જાનકીને રોકવાની કોશિશ ના કરી.

ઈમરજન્સી ફ્લાઈટ ટીકીટ બુક કરાવીને આદિત્ય અને જાનકી દુબઈથી મુંબઈ આવવા નીકળી પડ્યાં. છેલ્લાં બાર કલાકમાં પોતાની સાથે જે કંઈપણ બન્યું હતું એ વિશે વિચારતાં આદિત્યનું મગજ સુન્ન મારી ગયું. બપોરે એક વાગે જેવી કતાર એરવેઝની ફ્લાઈટ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર લેન્ડ થઈ એ સાથે જ આદિત્ય અને જાનકી એક ટેક્સી કરી અંધેરીમાં સ્થિત આફતાબના ફ્લેટે જવા નીકળી પડ્યાં.

આદિત્ય જ્યારે આફતાબના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે આફતાબના મૃત શરીરનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું હતું અને થોડી જ વાર પહેલાં અફતાબના પાર્થિવ શરીરને હોસ્પિટલમાંથી એનાં ફ્લેટ પર લાવવામાં આવ્યો હતો. વેંકટ, વેંકટની પત્ની કૃતિ અને અફતાબની ફિયાન્સે ઝેબા આફતાબના ફ્લેટ ઉપર એ સમયે હાજર હતાં. આફતાબ અનાથ હોવાથી થોડાં ઘણાં મિત્રોને બાદ કરતાં એનું અન્ય કોઈ સ્નેહીજન ત્યાં નહોતું.

જાનકી અને આદિત્યને ત્યાં આવેલાં જોઈ ઝેબા કલ્પાંત કરતી જાનકીને વળગીને રડવા લાગી. સતત રડવાથી એની આંખો સૂઝીને લાલ થઈ ગઈ હતી. જાનકી અને કૃતિ એની સંભાળવાની કોશિશ કરી રહ્યાં હતાં એ દરમિયાન આદિત્ય વેંકટને લઈને ફ્લેટની બહાર આવ્યો.

"વેંકટ, યાર આ શું થઈ ગયું.?" આદિત્યની આંખોમાં આંસુઓ ઊભરાઈ આવ્યાં હતાં.

"ખબર નથી ભાઈ શું થયું એ તો. રાતે લગભગ અઢી વાગે અંધેરી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પાટકરનો મારી ઉપર કોલ આવ્યો અને એને જણાવ્યું કે આફતાબે સાતમા માળે આવેલ એનાં ફ્લેટની બાલ્કનીમાંથી પડીને આત્મહત્યા કરી છે. આ સાંભળી હું તાત્કાલિક કાર લઈને અહીં આવી પહોંચ્યો."

"અહીં આવીને જોયું તો ફ્લેટનાં કોમન એરિયામાં આફતાબનો મૃતદેહ પડ્યો હતો, જેની ખોપડી આટલી ઉપરથી પડવાનાં લીધે ફાટી ગઈ અને એનું પડતાં જ મૃત્યુ થઈ ગયું."

"તને કોને કહ્યું કે આફતાબે આત્મહત્યા કરી? ઝેબા સાથે થયેલી સગાઈ પછી એની લાઈફ સેટ હતી, એનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ પણ સારો એવો ચાલી રહ્યો હતો. એવું કોઈ કારણ જ નહોતું કે એ આત્મહત્યા કરે!" આદિત્ય એકશ્વાસે બોલી ગયો.

"આદિ, તારી વાત સાચી છે કે આફતાબ જોડે આત્મહત્યા કરવાનું કોઈ કારણ નહોતું, પણ જે આંખો સામે છે એની ઉપર તો વિશ્વાસ રાખવો જ પડે મારાં ભાઈ." વેંકટે આદિત્યની વાતનો પ્રતિભાવ આપતાં કહ્યું. "આફતાબના નીચે પડવાનો અવાજ સાંભળી ફ્લેટનો ચોકીદાર તુરંત હરકતમાં આવ્યો, એને જેવી આફતાબની લાશ જોઈ એ સાથે અહીંના સેક્રેટરીને આ વિષયમાં જાણકારી આપી. આફતાબ હવે જીવિત નથી એની ખાતરી કર્યાં બાદ સેક્રેટરીએ અંધેરી પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો."

"પાટકર પોતાની ટીમ સાથે દસ મિનિટમાં તો અહીં આવી પહોંચ્યો. સેક્રેટરીને લઈને જ્યારે પાટકર આફતાબના ફ્લેટે આવ્યો તો એમને જોયું કે ફ્લેટ અંદરથી લોક હતો. સેક્રેટરી જોડે આફતાબના ઘરની બીજી ચાવી હતી જેની મદદથી ફ્લેટ ખોલી પાટકર ફ્લેટમાં પ્રવેશ્યો. હોલમાં આફતાબનો મોબાઈલ ફોન પડ્યો હતો જેની કોલ લિસ્ટમાં છેલ્લું નામ મારું હતું, એટલે પાટકરે મને કોલ કરી આ વિષયમાં માહિતી આપી."

"ફ્લેટનું અંદરથી બંધ હોવું અને સીસીટીવી ફૂટેજમાં સાતમા માળનાં પેસેજમાં અન્ય કોઈ વ્યક્તિનું દ્રશ્યમાન ના થવું એ સાફ-સાફ એ તરફ સંકેત કરે છે કે આપણાં મિત્રએ આત્મહત્યા કરી છે."

વેંકટ દ્વારા જે કંઈપણ જણાવવામાં આવ્યું એ સાફ-સાફ એ તરફ ઈશારો કરી રહ્યું હતું કે અફતાબે આત્મહત્યા જ કરી છે. આમ છતાં આદિત્યનું મન કેમેય એ વાતનો સ્વીકાર નહોતું કરી રહ્યું કે એનો દોસ્ત કાયરની માફક આત્મહત્યાનું પગલું ભરે.!

અંધેરી નજીક આવેલાં કબ્રસ્તાનમાં જઈને આફતાબની દફનવિધિ કરવામાં આવી ત્યારે આદિત્ય નાના બાળકની માફક રડ્યો. અત્યાર સુધી એને રોકી રાખેલો લાગણીનો બંધ આખરે મિત્રની અંતિમ વિદાય વખતે તૂટી ગયો.

આફતાબની દફનવિધિ બાદ સાંજે જ્યારે આદિત્ય અને જાનકી આદિત્યના ફ્લેટ પર મળ્યાં ત્યારે આદિત્ય ખૂબ જ વ્યથિત લાગી રહ્યો હતો.

"આદિત્ય, હવે જે થઈ ગયું એને યાદ કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી." જાનકીએ આદિત્યને દિલાસો આપતાં કહ્યું.

"તારી વાત સાચી છે જાનકી, વિધિને કોઈ ટાળી નથી શકતું. પણ આફતાબ મારાં સગા ભાઈ જેવો હતો, એની આમ મને છોડીને ચાલ્યાં જવું મારાં માટે ખૂબ જ તકલીફદાયક છે." આદિત્યએ કહ્યું. "જાનકી હું જો અહીં રહીશ તો મને સતત આફતાબની યાદ આવશે."

"એ તો છે, પણ એનો સામનો તો કરવો પડશે ને!"

"જાનકી, હું એ જ તો નથી કરી શકતો. હું અહીં રહીશ તો મારી માનસિક હાલત વધુ ને વધુ ખરાબ થતી જશે."

"તો પછી તું શું કરીશ.?"

"હું થોડાં દિવસ માટે કામથી બ્રેક લઈને ક્યાંક જવા માંગુ છું."

"ક્યાં? હું પણ આવીશ તારી સાથે.!"

"હું ક્યાં જાઉં છું એ હું તને નથી જણાવવા માંગતો. મારે થોડાં દિવસ એકાંત જોઈએ છે, તો પ્લીઝ ખોટું ના લગાડતી; હું તને સાથે નહીં લઈ જઈ શકું. એન્ડ તું સામે ચાલીને મારો કોન્ટેક્ટ કરવાનો પણ પ્રયત્ન ના કરતી; આ મારી હંબલ રિકવેસ્ટ છે."

આદિત્યને સાચેમાં હવે થોડાં દિવસ બ્રેક લેવાની જરૂર હતી એ જાણતી જાનકીએ વધુ કંઈ માથાકૂટ કર્યાં બાદ આદિત્યને થોડાં દિવસ એની મરજી મુજબનાં સ્થળે જવાની છૂટ આપી દીધી. બીજાં દિવસે સવારે આદિત્ય પોતાનો સામાન પેક કરી મુંબઈ છોડીને ક્યાંક નીકળી ગયો હતો.

************

ક્રમશઃ

સૂર્યા સાથે આગળ શું બનવાનું હતું? આદિત્ય ક્યાં ગયો હતો? આફતાબે સુસાઈડ કેમ કર્યું હતું? આધ્યાનાં ઘરમાં સાચે જ કોઈ શૈતાની શક્તિનો વાસ હતો? સમીર અને આધ્યા વચ્ચેનાં સંબંધમાં કડવાશનું કારણ આખરે કોણ હતું? આ સવાલોનાં જવાબ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર પ્રતિશોધ. આ નવલકથા દર મંગળ અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)