Pratishodh - 1 - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 7

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:7

1980, મયાંગ

પોતાનો શાળાકીય અભ્યાસ ગુવાહાટીમાં પૂર્ણ કરી શંકરનાથનો પુત્ર નિરંજન મયાંગ આવ્યો ત્યારે એની ઉંમર સત્તર વર્ષ હતી. નિરંજન પોતાનાં પરિવારનાં વારસાને આગળ ધપાવવા તંત્ર-મંત્ર વિદ્યા શીખે એવી શંકરનાથને આશા હતી.

"નિરંજન, તારી માંની ઈચ્છા હતી કે તને શાળાકીય શિક્ષણ મળે એટલે મેં તને ગુવાહાટી ભણવા માટે મોકલ્યો હતો." ગુવાહાટીથી નિરંજન પાછો આવ્યો એનાં બીજાં દિવસે શંકરનાથે એને સમજાવતાં કહ્યું. "હવે એ સમય આવી ગયો છે જ્યારે તું આપણાં પરિવારનાં વારસાને આગળ ધપાવે."

"તમારાં કહેવાનો અર્થ એ છે કે હું એ તંત્ર-મંત્રનાં ધતિંગ કરું." શંકરનાથની વાત સાંભળી અણગમા સાથે નિરંજને કહ્યું. "અત્યારે દુનિયા ચાંદ ઉપર પહોંચી ચૂકી છે અને આપણાં ગામનાં લોકો હજુ પણ આવી વિધિઓ કરે છે એ ખરેખર હસ્યાસ્પદ છે."

'શું કહ્યું અમે જે કરીએ છે એ તારાં માટે હાસ્યાસ્પદ છે?" ગુસ્સાથી રાતાપીળા થઈ ગયેલાં શંકરનાથે પોતાનાં પુત્ર નિરંજનને જમણાં ગાલ પર એક જોરદાર તમાચો આપતાં કહ્યું.

"એમાં મેં ખોટું શું કહ્યું છે." નાક ફુલાવી ગુસ્સામાં શંકરનાથ તરફ જોતાં નિરંજને કહ્યું. "આપણાં ગામનાં લોકો આવી વિધિઓ અને જાદુટોણા કરી અન્ય લોકોને ઉલ્લુ બનાવી શકે, મને નહીં."

"નિરંજન તારી જીભને કાબૂમાં રાખ.! નહીંતો.." ક્રુદ્ધ સ્વરે શંકરનાથ બોલ્યાં.

"નહીં તો શું કરી નાંખશો, તંત્ર વડે મને ચકલી બનાવી દેશો, કે સસલું!" વ્યંગાત્મક શૈલીમાં નિરંજન બોલ્યો.

"તું આપણાં ગામનાં લોકોની વિદ્યાની મશ્કરી કરી રહ્યો છે..હમણાં જ દૂર થઈ જા મારી નજરોથી." અવાજમાં આગ વરસાવતાં શંકરનાથે કહ્યું.

"મારે રહેવું પણ નથી તમારી નજર સામે.!" પગ પછાળીને નિરંજન ઘરની બહાર નીકળી ગયો.

"આજ પછી મને તારું મોઢું ના બતાવતો; આજથી મારાં માટે તું મરી ગયો છે." નિરંજનના અનાપેક્ષિત વ્યવહારથી રઘવાઈ ગયેલાં શંકરનાથ પંડિતે કહ્યું.

શંકરનાથને હતું કે એમનો દીકરો નિરંજન ગુસ્સામાં ગયો છે એટલે નજીકમાં ઘરે પાછો આવી જશે પણ આખી રાત પસાર થઈ ગઈ તો પણ નિરંજન પાછો ના આવ્યો એટલે શંકરનાથ પંડિત એની ભાળ મેળવવા નીકળી પડ્યાં. આખરે છોરું કછોરું થાય માવતર કમાવતર થોડાં થાય.

તપાસ કરતાં પંડિતને માલુમ પડ્યું કે નિરંજન મયાંગથી ગુવાહાટી અને ત્યાંથી કલકત્તા ચાલ્યો ગયો છે. ગુવાહાટીમાં રહેલાં શંકરનાથ પંડિતના એક ખાસ દોસ્ત જગદીશ બાબુએ આ વિષયમાં પંડિતને જણાવ્યું. એમને પંડિતને કહ્યું કે નિરંજનને એમની સદીઓ જૂની તંત્ર-મંત્ર વિદ્યામાં રસ નથી; એને વધુ ઉચ્ચતર અભ્યાસ કરીને પોતાનું અને પોતાની આવનારી સંતાનો માટે એક સારાં ભવિષ્યનો પાયો રાખવો છે. જગદીશ બાબુએ પંડિતને સલાહ આપતાં કહ્યું કે નિરંજન ઈચ્છે એ કરવા દેવું જોઈએ, એનાં જોડે એની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરાવવું ના જોઈએ.

શંકરનાથ પંડિતે મને-કમને પોતાનાં દીકરાની ઈચ્છાનો સ્વીકાર કરી લીધો. પાંચ વર્ષ પહેલાં પત્નીને ગુમાવ્યાં બાદ હવે જ્યારે નિરંજન પણ એમને છોડી ગયો હતો ત્યારે શંકરનાથ પંડિત સાવ એકલાં અટૂલા પડી ગયાં. પણ એમને આ એકલતાનો ઉપયોગ તંત્ર-મંત્ર અને કાળી વિદ્યામાં પોતાની જાતને વધુ નિપુણ બનાવવા કર્યો.

હવે એ વિદેશોમાં પણ શૈતાની આત્માનોને કેદ કરવા જતાં હતાં. મિડલ ઈસ્ટ, સાઉથ અમેરિકા, અને યુરોપનાં અમુક દેશોમાં એમને અવારનવાર જવાનું થતું. એમની ખ્યાતિ એ હદે વધી ગઈ હતી કે હાવર્ડ યુનિવર્સિટીનાં પેરાનોર્મલ વિષયનાં પ્રોફેસર મેકોડે પોતાનાં વિદ્યાર્થીઓ માટે શંકરનાથ પંડિતનું એક લેક્ચર પણ ગોઠવ્યું હતું.

પોતાનાં કામ પ્રત્યેની નિષ્ઠાને લીધે શંકરનાથ પંડિત સારું એવાં નામ અને દામ મેળવી ચૂક્યાં હતાં. પોતાનું એકાંકી જીવન પંડિતે વ્યસ્ત રહીને પસાર રહેવાનું મન બનાવી લીધું હતું. ઈરાનનાં એક ગામમાં આવેલાં સુદુલા કબીલાનાં જીન્નને એ ગામ છોડીને જવા પર મજબુર કર્યાં બાદ પંડિતનું નામ પૂરાં મિડલ ઈસ્ટમાં ખૂબ સમ્માનથી લેવાતું. પિશાચ, જીન્ન, સટાન, ડિમન એમ દરેક પ્રકારનાં શૈતાની જીવોનો ખાત્મો કરવાની કાબેલિયત શંકરનાથ પંડિત ધરાવતાં હતાં. સ્થાનિક ખ્રિસ્તી પાદરીઓ જ્યારે બ્રાઝીલની એક સ્ત્રીમાં પ્રવેશેલા ડિમનને નીકાળી ના શક્યાં ત્યારે એમને એકસોરસિઝમ કરવા પંડિતને બોલાવ્યાં. એમનાં આશ્ચર્ય વચ્ચે જે ડિમન એમને મચક નહોતો આપી રહ્યો એને પંડિતની સામે દસ મિનિટમાં તો ઘૂંટણ ટેકી દીધાં.

શંકરનાથ પંડિત હવે પોતાનાં ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવક-યુવતીઓને શીખવા મળે એ હેતુથી પુસ્તકો પણ લખતાં; જેમાં વિવિધ પ્રકારની શૈતાની આત્માઓને કાબુમાં લેવાની વિધિઓ વિશે એ લખતાં. વિવિધ દેશોમાં અને નિર્જન ટાપુઓ પર ફરીને શંકરનાથ પંડિત અલગ-અલગ શૈતાનીક વિધિઓ વિશે પણ જાણકારી મેળવતાં. રોમાનિયન વિચ ક્રાફટ, ફિલિપાઈન્સ આદિવાસીઓની નર બલી વિધિ, ઈજીપ્તમાં થતાં સેટાનીક કલ્ટ અને દક્ષિણ અમેરિકન વુડુ વિદ્યાનું જ્ઞાન પણ પંડિત જોડે બહુધા પ્રમાણમાં હતું.

એવી માન્યતા પ્રચલિત બની કે શંકરનાથ પંડિત જે જગ્યાએ પગ મૂકે ત્યાં આસુરી શક્તિઓ શક્તિહીન બની જાય છે.

આ દરમિયાન નિરંજન કોલકતામાં માસ્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાની સાથે અભ્યાસ કરતી સોનાલી નામક યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં. પોતાની કાબેલિયતનાં જોરે નિરંજનને સેન્ટ્રલ વોટર બોર્ડમાં નોકરી મળી ગઈ અને એને અમદાવાદ ખાતે પોસ્ટિંગ મળ્યું.

ઇ.સ ૧૯૯૦માં નિરંજન સોનાલીને લઈને અમદાવાદ આવી ગયો અને અહીં જ એનાં જીવનનો નવો અધ્યાય લખાવાનો શરૂ થયો. નિરંજન ખૂબ જિદ્દી સ્વભાવનો હોવાથી એને આટલાં વર્ષો સુધી પોતાનાં પિતાજી જોડે સંપર્ક સાધવાની કોશિશ સુધ્ધાં ના કરી. સામા પક્ષે પોતાનાં કામની વ્યસ્તતા વચ્ચે શંકરનાથ જગદીશ બાબુને અવારનવાર કોલ કરી પોતાનાં પુત્ર અને પુત્રવધુનાં ખબરઅંતર પૂછી લેતાં.

અમદાવાદ શિફ્ટ થયાંને ત્રીજા વર્ષે સોનાલીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. જગદીશ બાબુ જોડેથી આ શુભ સમાચાર અંગેની જાણકારી મળતાં શંકરનાથ પંડિત બધો જ ગુસ્સો ગળે ઉતારી પોતાનાં પુત્ર નિરંજનના ઘરે અમદાવાદ જઈ પહોંચ્યાં.

આટલાં વર્ષે પોતાનાં પિતાજીને જોઈ નિરંજનની આંખો ઊભરાઈ આવી. સોનાલી પણ ખૂબ જ ખુશ હતી કે આખરે શંકરનાથ પંડિતનું પોતાનાં ઘરે આગમન તો થયું.

જ્યારે પંડિતે પોતાનાં દીકરા નિરંજનને હેતથી ગળે લગાવ્યો ત્યારે પિતા-પુત્ર વચ્ચેનો બધો જ મતભેદ એક પળમાં ગાયબ થઈ ગયો. શંકરનાથ પંડિત જે દિવસે નિરંજનના ઘરે આવ્યાં એ દિવસે એનાં પુત્રને જન્મે છ દિવસ થઈ ગયાં હતાં; આથી નિરંજને પોતાનાં પુત્રનું નામકરણ કરવાની જવાબદારી શંકરનાથ પંડિતને સોંપી.

શંકરનાથે પોતાનાં પૌત્રને હાથમાં લીધો અને એનું તેજસ્વી મુખ ધ્યાનથી જોયું. પૌત્રની આંખોમાં રહેલું તેજ અને ચહેરાની ચમક એમનાં પૂર્વજ ચિન્મયાનંદને મળતી આવતી હતી. પોતાનાં પુત્રનો જન્મ જગતમાં વ્યાપ્ત અંધકારને દૂર કરવા જ થયો છે એવું દૃઢપણે માનતા શંકરનાથ પંડિતે ઉત્સાહિત સ્વરે કહ્યું.

"આનું નામ હશે સૂર્યા, સૂર્યા પંડિત!"

નિરંજને પોતાનાં પિતાજીને હવે પોતાનાં ઘરે રોકાઈ જવા જ વિનંતી કરી પણ શંકરનાથ પંડિતે પ્રેમથી એનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો. પાંચ-છ દિવસ અમદાવાદ રોકાયાં બાદ શંકરનાથ પાછાં મયાંગ ચાલ્યાં ગયાં.

પોતાનાં કામની વ્યસ્તતા વચ્ચે પણ પૌત્ર પ્રત્યેનો એમનો પ્રેમ જ હતો જે એમને દર ત્રીજા-ચોથા મહિને અમદાવાદ જવા મજબૂર કરતો. નિરંજન અને સોનાલી પણ જ્યારે શંકરનાથ પંડિત પોતાનાં ઘરે આવતાં ત્યારે ખૂબ જ ખુશ જણાતાં હતાં. જગદીશ બાબુ પણ પિતા-પુત્ર વચ્ચે થઈ ગયેલાં મનમેળ બાદ ખૂબ જ ખુશ જણાતાં હતાં. એમને પંડિતને ચાર-પાંચ વખત કહ્યું પણ ખરું કે આ તંત્ર-મંત્રમાંથી નિવૃત્તિ લઈ પંડિત નિરંજન જોડે અમદાવાદ જ રહે. પણ શંકરનાથ પંડિત સાફ-સાફ કહેતાં કે જો હું નિવૃત થઈને ત્યાં ચાલ્યો જઈશ તો શૈતાની શક્તિઓથી પીડિત લોકોની તકલીફોનું નિવારણ કોણ કરશે.

આમને આમ સૂર્યા સાત વર્ષનો થઈ ગયો, હવે જ્યારે શંકરનાથ પંડિત અમદાવાદ જતાં ત્યારે એ પણ પોતાનાં ઘરે જ રોકાઈ જવાની હઠ શંકરનાથ જોડે કરતો થઈ ગયો. દર વખતે શંકરનાથ એને એવું કહી મનાવી લેતાં કે હવે આવતી વખત એ જ્યારે અમદાવાદ આવશે ત્યારે સૂર્યાની જોડે જ રોકાઈ જશે! દાદાની આ વાત પર સૂર્યા વિશ્વાસ કરી લેતો અને એમને જવા દેતો.

જાન્યુઆરી ૨૦૦૧માં શંકરનાથ પંડિતને ગ્રીસનાં એક શહેર લેરિસા જવાનું થયું; લેરિસાની એક હોટલમાં એક ચુડેલ થોડાં મહીનાથી હોટલમાં રહેતાં પ્રવસીઓને રંઝાડી રહી હતી. એ ચુડેલનો ખાત્મો કરવા હોટલ પ્રશાસને શંકરનાથ પંડિતને લેરિસા બોલાવ્યાં હતાં. પંડિતે પોતાની વિદ્યા અને વિશ્વાસનાં જોરે એ ચુડેલને કાબુમાં કરી અને એનો ખાત્મો કર્યો.

થોડાં દિવસ ગ્રીસ રોકાયાં બાદ પંડિત જ્યારે ભારત આવવા નીકળી રહ્યાં હતાં ત્યાં એમને એક એવી ઘટનાનાં સમાચાર સાંભળ્યાં જે સાંભળી એમની આખી દુનિયા જ બદલાઈ ગઈ.!

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)