Pratishodh - 1 - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 5

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:5

ઓક્ટોબર 2001 મયાંગ, અસમ

પોતાનાં દાદાએ સોંપેલું કાર્ય સિદ્ધ કરીને સૂર્યા જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે એનાં દાદા ઘરની અંદર સ્થાપિત માં કાળીનાં મંદિર આગળ બેસીને પૂજા કરી રહ્યાં હતાં.

"તું આવી ગયો દીકરા?" સૂર્યાના પગરવનો અવાજ સાંભળી શંકરનાથે કહ્યું. સૂર્યાને એ વાતનું આશ્ચર્ય થયું કે એનાં દાદાની આંખો હજુ બંધ છે છતાં પોતાનાં આગમનની જાણ એમને કેમની થઈ?

"જા, તું તારાં રૂમમાં જઈને સુઈ જા..વધુ વાતો સવારે કરીશું." સૂર્યા જંગલમાં શું થયું એ વિશે પોતાનાં દાદાને જણાવવા ઉત્સુક હતો પણ શંકરનાથના આ શબ્દો સાંભળી એ કોઈ જાતનો વિરોધ કર્યાં વિનાં પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો.

લગભગ અડધો કલાક પછી શંકરનાથે પોતાની આંખો ખોલી અને માં કાળીની પ્રતિમા સામે શીશ ઝુકાવીને કહ્યું.

"માં, આજે તે મારાં પૌત્રની રક્ષા કરીને પુનઃ એ વાતની સાબિતી આપી દીધી છે કે જ્યારે-જ્યારે આસુરી શક્તિઓનું જોર વધશે ત્યારે-ત્યારે તું તારાં ભક્તોની વ્હારે અવશ્ય આવીશ."

આટલું કહી શંકરનાથ પંડિત ઊભાં થયાં અને સૂર્યાના રૂમ તરફ અગ્રેસર થયાં. રૂમનો દરવાજો થોડો ખોલીને એમને જોઈ લીધું કે સૂર્યા સુઈ રહ્યો છે કે નહીં, સૂર્યા ઘસઘસાટ સુઈ રહ્યો હતો એ જોઈ શંકરનાથ પંડિત પોતાનાં રૂમ તરફ આગળ વધ્યાં.

શંકરનાથ પંડિતનો રૂમ કોઈપણ સામાન્ય વ્યક્તિને પરસેવો છૂટી જાય એવી વસ્તુઓથી સજાવેલો હતો. રૂમની અંદર મોજુદ અલમારીમાં પાંચ ખોપરીઓ રાખેલી હતી. આ ઉપરાંત રૂમની દીવાલો પર નક્ષત્રો, માં કાળી, મહાદેવ અને ઘટોત્કચની તસવીરો લગાડેલી હતી. રૂમની અંદર જે બુકસેલ્ફ હતું એમાં ગીતા, કુરાન, બાઈબલ, ગુરુ ગ્રંથ સાહેબ જેવાં દરેક ધર્મનાં ધર્મપુસ્તકો પડ્યાં હતાં. આ ઉપરાંત તંત્ર-મંત્ર વિદ્યાની અન્ય પુસ્તકો પણ હતી.

શંકરનાથ જ્યાં સૂતાં હતાં એ પલંગને એક ચક્રની અંદર રાખવામાં આવ્યો હતો. સૂર્યાનો પલંગ પણ આવાં જ એક ચક્રની અંદર સ્થિત હતો. રૂમમાં એક ટેબલ પણ હતું જેની ઉપર એક ડાયરી પડી હતી જેની વચ્ચે એક કલમ રાખેલી હતી.

શંકરનાથે સૂતાં પહેલાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો અને પછી આંખો બંધ કરીને નિંદ્રાધીન થઈ ગયાં.

મયાંગ ગામનું નામ સંસ્કૃત શબ્દ માયા એટલે કે જાદુ ઉપરથી પડ્યું છે. આ ગામ અસમની રાજધાની ગુવાહાટીથી માત્ર ચાલીસ કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ ગામનો દરેક વ્યક્તિ તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાનો જાણકાર છે. આ ગામનાં લોકો પોતાની આવડતનો ઉપયોગ શૈતાની શક્તિઓને વશમાં લેવાં, ચોરી થયેલી કિંમતી વસ્તુઓને શોધવા અને અસાધ્ય બીમારીઓનાં ઈલાજ માટે સદીઓથી કરતાં આવ્યાં છે.

ગામની પરંપરા મુજબ અહીં દરેક બાળકને વારસામાં કાળા જાદુ અને તંત્ર-મંત્ર વિદ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ગામનો ડર એવો છે કે મુઘલ શાસક ઔરંગઝેબે પણ અહીં આક્રમણ કરવાનું ટાળ્યું હતું. શંકરનાથ પંડિત મયાંગનાં સૌથી મોટાં તાંત્રિક ચિનમ્યાનંદના પ્રપૌત્ર છે. ચિન્મયાનંદ લુકી મંત્ર દ્વારા અદ્રશ્ય થવાની અને બાઘ બંધા મંત્ર દ્વારા ખૂંખાર જંગલી વાઘોને પોતાનાં કાબુમાં લેવાની શક્તિ પણ ધરાવતાં. ચિનમ્યાનંદ પંડિતને સ્થાનિક લોકો ચુરા બેઝ કહીને પણ સંબોધતાં.

શંકરનાથ માત્ર છ વર્ષનાં હતાં ત્યારથી જ પોતાનાં પિતા દયાશંકર પંડિતની સાથે શબ સાધના વિધિ અને રક્તબીજ વિધિમાં ભાગ લેવાં લાગ્યાં હતાં. પિતાજી જોડેથી એમને શૈતાની શક્તિઓને વશમાં કરવાનું અને એમનો નાશ કરવાનું કુનેહ કેળવ્યું હતું. દસ વર્ષની ઉંમરે શંકરનાથે કોલકાતા જઈને અબિશ નામક એક જીન્નનો ખાત્મો કર્યો હતો.

દયાશંકર પંડિતનું ટી.બીનાં લીધે અવસાન થયાં બાદ માત્ર સોળ વર્ષની ઉંમરે શંકરનાથે પિતાની ગાદી સંભાળી લીધી. શંકરનાથ માટે દરેક શૈતાની શક્તિઓનો અંત કરવો એ જ જીવન લક્ષ્ય બની રહ્યું. એમને ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં જઈને હજારો શૈતાની આત્માનોને કાબુમાં લીધી હતી.

શંકરનાથ ઈચ્છતાં હતાં કે પોતાની વંશ પરંપરાને પોતાનો પુત્ર નિરંજન આગળ ધપાવે અને શૈતાની શક્તિઓથી પીડિત લોકોની સેવામાં પોતાની જીંદગી સમર્પિત કરે; પણ કહ્યું છે ને ક્યારેક તો જૂનાં રીતિ રિવાજોનો વિરોધ કરનારો એક વ્યક્તિ તો તમારાં વંશમાં અવશ્ય જન્મે છે. નિરંજન એવો જ વ્યક્તિ હતો જેને પોતાનાં પિતાનું સ્વપ્ન ચકનાચૂર કરી મૂક્યું.

★★★★★★★

ઓક્ટોબર 2019, દુબઈ

આદિત્ય અને જાનકી જે પરિસ્થિતિમાં દુબઈથી મુંબઈ જવા નીકળ્યાં હતાં એનાં લીધે આધ્યા ખૂબ ઉદાસ જણાતી હતી. સમીર સાથેનાં સંબંધોમાં આવી ગયેલી ખટાશ બાદ રવિ અને જાનકી થોડાં દિવસ પોતાની જોડે રોકાય એવી આધ્યાની ઈચ્છા હતી, પણ સંજોગોને કંઈક અલગ જ મંજૂર હતું; દુબઈ આવ્યાંને માંડ એક દિવસ પણ નહોતો થયો ને આદિત્ય અને જાનકીને મુંબઈ પાછું જવું પડ્યું.

આખો દિવસ આધ્યા પોતાનાં ફ્લેટમાં ઉદાસ બેસી રહી, પણ સાંજે જ્યારે સમીરનો એ જણાવવા કોલ આવ્યો કે પોતે આજે રાતે ઘરે આવી રહ્યો છે; આ સાંભળી આધ્યાનો કરમાઈ ગયેલો ચહેરો પુનઃ ખીલી ઉઠ્યો.

આધ્યા અને સમીરની મુલાકાત મુંબઈ સ્થિત એક કન્સ્ટ્રકશન કંપનીની મિટિંગ વખતે થઈ હતી. એ સમયે આધ્યા અને સમીર એક જ કંપનીમાં જોબ કરતાં હતાં; આધ્યા સમીરની જુનિયર તરીકે કાર્યરત હતી. સમીરની ગજબની વાકછટા અને વ્યક્તિત્વથી અંજાઈને આધ્યા સમીરની તરફ આકર્ષાઈ હતી. સમીરને પણ ચુલબુલી અને દેખાવડી આધ્યા જોતાં જ પસંદ આવી ગઈ.

એક વર્ષની મિત્રતા બાદ વેલેન્ટાઈનનાં દિવસે સમીરે આધ્યાને પ્રપોઝ કર્યું; જેને ઘડીભરનો પણ વિલંબ કર્યાં વિનાં આધ્યાએ સ્વીકારી લીધું. ત્રણ મહિના બાદ બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધાં. સમીરના માતા-પિતા અવસાન પામ્યાં હતાં એટલે એ પણ આધ્યાની માફક જ અનાથ હતો. પ્રેમ મેળવવાની ઝંખના આધ્યા અને સમીરને લગ્ન પછી વધુ ને વધુ નજીક લાવતી રહી.

માલદીવ પર જ્યારે એ બંને હનીમૂન મનાવવા ગયાં તો આધ્યા અને સમીર દિવસમાં ત્રણ થી ચાર વખત એકબીજાથે સહવાસ માણતાં. લગ્નનાં બે વર્ષ બાદ સમીરને દુબઈની એક મલ્ટીનેશનલ કંપની તરફથી સાઈટ એન્જીનીયરની જોબની ઓફર થઈ. સમીરને દુબઈની જોબમાં જે સેલરી ઓફર થઈ હતી એ એની અને આધ્યાની સંયુક્ત સેલેરી કરતાં પણ પાંચ ગણી વધુ હતી. સમીરે તુરંત એ જોબ સ્વીકારી લીધી અને આધ્યાને લઈને દુબઈ આવી ગયો.

સમીરને વર્કલોડ વધુ હોવાથી એ મોટાં ભાગે ઘરથી બહાર જ રહેતો, આથી આધ્યાએ સમય પસાર કરવા દુબઈમાં એક બુક સ્ટોરમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દીધી હતી. જેની માલિક સમીરના મિત્ર યુસુફ રઝાની પત્ની રેહાના રઝા હતી. પોતાની સમવયસ્ક રેહાના સાથે આધ્યાને ખૂબ સારું બનતું હતું.

સવા વર્ષ સુધી એક ભાડાનાં મકાનમાં રહ્યાં બાદ સમીરે છ મહિના પહેલાં જ આલીશાન ફોર બી.એચ.કે ફ્લેટ ખરીદ્યો હતો. અહીં સુધી તો સમીર અને આધ્યાનાં સંબંધો પહેલાંની માફક સુમેળભર્યાં રહ્યાં હતાં પણ અહીં આવ્યાંનાં થોડાં દિવસો પછી આધ્યા અને સમીર વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યાં. શરૂઆતમાં તો સમીર પોતાનાં વર્કલોડનાં લીધે આવું કરતો હશે એવું આધ્યાને લાગ્યું પણ સતત ચાર-પાંચ મહિનાઓથી એ બંને વચ્ચે જે હદે મનમોટાવ આવી ગયો એ પછી આધ્યાને એવું લાગી રહ્યું હતું કે એનાં અને સમીરનાં લગ્નજીવનનો નજીકમાં જ અંત આવી જશે.

આધ્યાએ જ્યારે આ વિષયમાં રેહાનાને જણાવ્યું ત્યારે રેહાનાએ સાચા મિત્રની ફરજ અદા કરતાં આધ્યાને લગ્નજીવન ટકાવી રાખવા બહુમૂલ્ય સલાહો આપી. રેહાનાએ આધ્યાને કહ્યું કે હજુ એને સમીરને થોડો સમય આપવો જોઈએ, જેથી એમનાં વચ્ચે જો કોઈ મનભેદ હોય તો એનો નિવેડો આવી શકે.

આ ઉપરાંત રેહાનાએ આધ્યાને એક બીજી કિંમતી સલાહ પણ આપી હતી; રેહાનાનું કહેવું હતું કે જો લગ્નજીવન માં પહેલા જેવા પ્રેમની સુગંધ ફેલાવવી હોય તો પોતાનાં પતિને પોતાની સુંદરતા અને શરીરનો પાગલ બનાવી દેવો જોઈએ. સમીરનો કોલ આવ્યો ત્યારથી જ આધ્યાએ કઈ રીતે સમીરને પોતાની નજીક લાવી શકાય એ અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું.

ઘણું બધું મનોમંથન કર્યાં બાદ આધ્યાએ સમીરને પોતાનાં તરફ કઈ રીતે પુનઃ આકર્ષવો એની યોજના બનાવી લીધી. આ યોજના ચોક્કસ સમીરને પોતાની નજીક લાવવામાં કારગર નીવડશે એવી આધ્યાને પૂર્ણતઃ આશા હતી.

રાતનાં લગભગ સાડા નવ વાગે જ્યારે સમીર પોતાનાં ફ્લેટ પર આવ્યો ત્યારે ફ્લેટનો દરવાજો સહેજ ખુલ્લો હતો. આજ પહેલાં ક્યારેય આવું બન્યું નહોતું કે સમીર આવે ત્યારે ફ્લેટનો દરવાજો આમ ખુલ્લો રહ્યો હોય. આથી સમીર સાવચેતીપૂર્વક દરવાજો ખોલીને ફ્લેટમાં પ્રવેશ્યો તો એને જોયું કે ફ્લેટમાં બધી જ લાઈટ બંધ હતી; જેનાં લીધે આખા ફ્લેટમાં અંધકાર વ્યાપ્ત હતો. સમીરે પોતાનાં શૂઝ ઉતાર્યા અને સાચવીને હોલમાં આવ્યો.

સમીરે મોબાઈની ફ્લેશ લાઈટનાં અજવાળે સ્વીચબોર્ડ શોધી હોલની લાઈટ ચાલુ કરી; લાઈટ ચાલુ કરવાથી હોલ ઝગમગી ઉઠ્યો અને આમ થતાં સમીરે જે દ્રશ્ય જોયું એ જોઈ એની આંખો ફાટીને ફાટી રહી ગઈ. ઘડીભર તો એ વિશ્વાસ જ ના કરી શક્યો કે પોતે જે જોઈ રહ્યો હતો એ હકીકત હતું કે સપનું?

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)