Meh no neh books and stories free download online pdf in Gujarati

મેહ નો નેહ

આવ રે વરસાદ...!!!

કેટલો અદ્દભુત , સૌંદર્ય સભર , ને નિજાનંદી શબ્દ છે ..!!!

વરસતા વરસાદ નો મધુર ધ્વનિ એટલે પૃથ્વી પર નું કર્ણ પ્રિય સર્વ ‌શ્રેષ્ઠ સંગીત નું સર્જન ...

વરસાદ એકલો તો ક્યારેય ના આવે હોં...!!
એની સાથે સાથે એ કેટ -કેટલું લ‌ઈને આવે છે..

કોઈ નાં સપનાં
કોઈ ની ઈચ્છાઓ
કોઈ નાં ઉજાગરા
કોઈ ની તડપ
કોઈ ની આજીવિકા
કોઈ ની મસ્તી
કોઈ નું મિલન
કોઈ નો વિરહ
કોઈ નો ઈંતજાર લ‌ઈને આવે છે વરસાદ...

વરસાદ નું જળ નવું જીવન લ‌ઈને આવે છે....

પહેલાં વરસાદ ની ભીની ભીની માટીની આહલાદક સુગંધ તન - મનને એવી તરોતાજા ને તરબતર કરી નાંખે ને કે કસ્તુરી ની સુગંધ પણ ઝાંખી લાગે હોં..

આઠ આઠ મહિના લગી ધરતી એની કાગડોળે રાહ જોઈ રહી હોય ને પછી ઈ અનરાધાર વરસી પડે ને ત્યારે મને એ પૃથ્વી પર નું સૌથી અલૌકિક, મનમોહક અને પરિણય પ્રિય મિલન લાગે..!!

પહેલાં વરસાદ માં ભીંજાઈ ને આત્મા ને તૃપ્ત કરવા નો અવસર જ્યારે જ્યાં મળે ને ત્યારે એને વધાવી લેવો , ચૂકવો નહીં..

‌એમાંય નવજુવાન નાં હૈયા તો વરસાદ ની હેલી એટલે પ્રણયની શરૂઆત .‌‌..મેહમાં રચાતા મેઘધનુષ નાં રંગો હ્દય ની મુલાકાતે આવી ને જીવન આખુંય રંગબેરંગી કરી જાય...!!

ઝરમર ઝરમર વરસે મેઘ ને એનાં સ્પર્શે ધરતી પર લહેરાતી નવોઢા ની લીલી ઓઢણી એ તો જાણે આકાશ નાં અપાર - અમાપ પ્રેમ નું જીવંત ઉદાહરણ...!!!

વરસતો વરસાદ એટલે ગોરંભાયેલા આકાશનું તરસતી ધરતી ને જાણે પ્રેમાલિંગન...

વરસાદ નાં પાણી માં છપાક છપાક છબછબિયાં કરતા નાના ભૂલકાઓ ને જોઈ ને કાનુડો ય એનું બાળપણ એકવાર તો યાદ કરી જ લે...!!

કાગળની હોડી વારંવાર બનાવી ને તરવવાનો પ્રયત્ન કરતું બાળક કેટલું વ્હાલું લાગે..!!

જગત નાં તાત ની સઘળીય આશાઓનો એકમાત્ર સહારો આ મેહુલો જ છે હોં વળી..!!

તો વળી મારા જેવા વરસાદ પ્રેમી ઓને તો પહેલાં જ વરસાદ માં ગમે તે થાય પણ ગરમાગરમ દાળવડા તો મનગમતી જગ્યાએ જ‌ઈને ખાવાં નો આનંદ ક‌ંઈક અદકેરો જ હોય...
વરસાદ નાં પ્રથમ દિવસે હું ગમે તે શહેરમાં હોઉં પણ દાળવડાં તો ખાવાનાં એટલે ખાવાનાં જ...!!
ને ઓલા કોલસાની સગડી માં શેકેલા મકાઈ નાં ભૂટટા ને તો કેમ વિસરાય..??!!

વરસતા વરસાદમાં રાતના ત્રીજા પ્રહર સુધી બાલ્કની માં નિતાંત શાંતિ હોય ને ઝરમર ઝરમર અવાજમાં મારી કલમને મારી કલ્પનાઓને કાગળ પર ઉતારવાની જે કારીગરી આવડે છે એ અનહદ હોય..!!

મારાં જેવા પ્રકૃતિ પ્રેમીઓ તો આખું વરસ ચોમાસા ની રાહમાં પસાર કરતાં હોય... ઓગસ્ટ/સપ્ટેમ્બર સુધી માં તો આખીયે ધરતી લીલીછમ વનરાજી ઓઢીને હ્દય અને આંખો ને ટાઠક આપે એવી પથરાઈ ગઈ હોય ને જંગલો ને કુદરતના ખોળે સાનિધ્યમાં રહેવા માટે મન તલપાપડ થતું હોય...

નાનપણથી જ પ્રકૃતિ ની સાથે રહેવાની , જાણવાની , ને માણવાની એટલી બધી માયા લાગી ગઈ છે કે સમય પણ ખૂટી પડે...!!

ચોમાસામાં પ્રકૃતિ ની જાહોજલાલી ને સાનિધ્ય માં રહેવાની મોજ ક‌ંઈક અલગ જ હોય છે.. જેટલી નજીક થી એને ઓળખવાની કોશિશ કરો ને એટલા તમે તમારી જાત સાથે સંવાદ કરતા થઈ જાવ...તમે તમારી અંદર ઉતરતા જાવ.....
તપસ્યા માં સ્થિર થયેલા સાધુની જેમ ડુંગરાઓ ખૂંદવા , ને પહાડોની પગદંડીઓ માપવી ને ઈ માટે મેઘાઋતુ સિવાય બીજી કોઈ ઋતુ નહીં હોં..!!

આત્મા ને પરમાત્મા સાથે સંયોજન થતું હોય એવો અનુભવ થાય... પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે રહો ને તો ઈશ્વર ની અનન્ય રચના શક્તિ માં વિશ્વાસ કરતા થઈ જાવ....

વરસતા વરસાદમાં ગુલઝારે લખેલી ગઝલ યાદ આવ્યાં વગર નાં રહે.....

एक पुराना मौसम लौटा याद भरी पुरवाई भी
ऐसा तो कम ही होता है वो भी हों तनहाई भी

यादों की बौछारों से जब पलकें भीगने लगती हैं
कितनी सौंधी लगती है तब माज़ी की रुसवाई भी

दो दो शक़्लें दिखती हैं इस बहके से आईने में
मेरे साथ चला आया है आप का इक सौदाई भी

ख़ामोशी का हासिल भी इक लम्बी सी ख़ामोशी है
उन की बात सुनी भी हमने अपनी बात सुनाई भी

-गुलज़ार
-ફાલ્ગુની શાહ ©