Pagrav - 29 books and stories free download online pdf in Gujarati

પગરવ - 29

પગરવ

પ્રકરણ – ૨૯

સુહાનીએ જોયું તો પરમનો મેસેજ હોય છે. એણે વાંચ્યું તો એમાં લખેલું છે, " સુહાની તારી એક અઠવાડિયાની રજા મંજુર કરૂં છું...ઘરે શાંતિથી રહીને આવજે બધાં સાથે...વી ઓલ મિસ યુ મેડમ...ટેક કેર..."

સુહાનીને છેલ્લી લાઈન સમજાઈ નહીં. આવું કેમ લખ્યું હશે ?? પરમે તો કોઈ દિવસ એની સાથે જરાં પણ અજુગતું વર્તન કે એવી કોઈ જ વાત કરી નથી. વળી " વી ઓલ મિસ યુ ?? " સુહાનીને આ કંઈ સમજાયું નહીં. કંપનીનો બોસ કોઈ આવો મેસેજ કરે ?? "

થોડીવારમાં જ સુહાની વડોદરા પહોંચી ગઈ. ત્યાં ઘરેથી તેને લેવાં માટે આવી ગઈ જ છે. એ ફટાફટ બેસી ગઈ. પોતાની ગાડી હોવાથી ફટાફટ ઘરે પહોંચી ગઈ. ઘરે ગઈ તો સગાંસંબંધીઓ બધાં જ હાજર હોય છે ફક્ત સુહાનીની રાહ જોવાઈ રહી છે. સુહાની ગઈ એવી જ ચોધાર આંસુડે પોતાના દાદીના મૃતદેહ પાસે જઈને રડી પડી.... ઘણીવાર પછી પરાણે એને બધાંએ ત્યાંથી દૂર કરી કારણ કે એ ભલે નાનપણથી એનાં મામાને ઘરે રહેતી છતાં પણ બધાં ભાઈ બહેનમાં એમને સુહાની સૌથી વધારે વ્હાલી હતી. વળી છેલ્લે સમર્થનાં આવાં સમાચાર બાદ સુહાનીને આ રીતે દુઃખી જોઈને એ બહું દુઃખી જ ચિંતામાં હતાં...

પછી બધી અંતિમક્રિયા પતી ગયાં પછી બધાં વિખેરાઈ ગયાં. માત્ર નજીકનાં લોકો જ ઘરમાં છે. સુહાની જે આખાં ઘરને હસતી હસાવતી હોય એ બહું સુમસામ બની ગઈ છે એ કોઈની જાણ બહાર ન રહ્યું. કદાચ દાદીનાં મૃત્યુએ એનાં પોતાનાં આંસુ અને વ્યથાને છુપાવવા માટે એક કવચ બનાવી આપ્યું છે આજે.

હજું પણ એ વાયરસની અસર સંપૂર્ણપણે નાબૂદ થઈ એવું નહોતું આથી ભલે આખી દુનિયા ફરીથી કાર્યરત થઈ છે છતાં પણ અમૂક પ્રિકોશન હવે કાયમ માટે રાખવાં પડે એવી સ્થિતિ સર્જાઈ છે. એ દરેક ઘરથી માંડીને ઓફિસો કે બજાર બધે જ લાગું પડી રહી છે. એ જ વિચારીને એનાં દાદીની બધી વિધિ સમય મુજબ બે દિવસમાં પતાવી દેવામાં આવી અને બારમું પણ ફક્ત નજીકનાં લોકો મળીને પતાવી દેશે એવું નક્કી થયું.

સુહાની આજે ઘણાં સમયે પોતાના પરિવારને મળીને ખુશ છે છતાંય એ સમર્થ વિનાની જિંદગી એને ડગલે ને પગલે સુનકાર આપી રહી છે. આજે સુહાનીને ઘણાં સમયે એનાં ભાઈ ભાભી, દીદી બધાં સાથે રહેવાનો સમય મળ્યો છે. બધાં એ પહેલાંની નટખટ સુહાનીને પાછી શોધી રહ્યાં છે પણ જાણે સમર્થની સાથે એ બધું ખોવાઈ ગયું છે.

ઘરમાં બધાંને એમ હતું કે સુહાનીએ ફરીથી જોબ ચાલુ કરી છે...એટલે એ હવે નોર્મલ બની રહી છે પરંતુ એવું જરાય થયું નથી એ આજે સુહાનીને જોઈને બધાંને ખબર પડી રહી છે. એ એકદમ મેચ્યોર , શાંત દરેક વસ્તુને વિચારીને સિરીયસ રીતે કરનારી બની ગઈ છે. આવી ત્યારથી ઘરનું બધું કામ પણ એ કોઈનાં કહ્યાં વિના જ સંભાળી રહી છે કદાચ જાણે એ પોતાની જાતને કામમાં પરોવીને પોતાની મનોવ્યથા સૌ સમક્ષ લાવવા ન ઈચ્છતી હોય એમ...!!

સુહાનીનાં ભાઈને જોબ ચાલું હોવાથી એ લોકો આવતીકાલે નીકળવાના છે‌‌. આથી બધાં સાથે મળીને મોડાં સુધી બેઠાં હોય છે. પછી બધાં ઉંઘવા ગયાં. સુહાનીએ આવ્યાં પછી આ બધામાં પરમે કરેલા મેસેજ વિશે કંઈ જ વિચાર્યું ન હતું. પણ આજે ફરી એણે જોયું તો બપોરે અવિનાશનો મેસેજ જોયો, " સુહાની ક્યારે આવે છે પાછી ?? ઓફિસની રોનક જતી રહી છે...આમ અચાનક જતાં રહેવાનું ?? ક્યારે પાછી આવવાની છે ?? "

સુહાનીને અવિનાશને રિપ્લાય આપવો કે નહીં એમ થયું. હવે તો એ પોતે મેનેજમેન્ટ સાથે કામકાજ માટે જોડાઈ હોવાથી દરેક પાસે એકબીજાંનાં નંબર રાખવાં પણ જરૂરી છે. ને કદાચ સંબંધો પણ‌...એણે " બે દિવસમાં આવીશ..." કહી દીધું.. બહું બીજી કોઈ વાત ન કરી...

પછી તે સૂઈ ગઈ. એનાં મનમાં ધીમેધીમે પરમની છાપ સારી બનતી જઈ રહી છે. એ એક પુરૂષ તરીકે એનું સમ્માન પણ જાળવતો સાથે જ એક એમ્પ્લોય તરીકે કાળજી પણ... સુહાનીનાં મનમાં અવિનાશની એ કુટિલ નજર કરતાં પરમ એને વધારે સારો લાગવા લાગ્યો... કંઈ પ્રોબ્લેમ થાય તો એને પરમને કહેવાનું વધારે ઈચ્છા થઈ રહી છે. એ પોતાની જાતને સમજવાનો પ્રયાસ કરવાં લાગી કે આ બધું એની સાથે શું થઈ રહ્યું છે...સમર્થ માટે આ બધું કરી રહી છે એનાં માટે તો અહીં સુધી પહોંચી છે ત્યાં કદાચ એનાં દિલની એ ખાલી જગ્યા કદાચ પરમને‌....!!

આવો વિચાર આવતાં જ સુહાનીને પોતાની જાત પર નફરત થવાં લાગી. એણે મનને બરાબર સેટ કર્યું. કદાચ આ બધું સમર્થની યાદને કારણે આવું બધું બની રહ્યું છે. એણે પછી પોતાની જાત સાથે વાત કરી.એને જવાબ મળ્યો કે સુહાની અને સમર્થ વચ્ચે કોઈ ન આવી શકે કોઈ જ નહીં....કોઈ એટલે કોઈ જ નહીં...!!

બીજાં દિવસે સવારે જ સુહાનીએ કહ્યું કે એને કંપનીઓમાં બહું રજા નહીં મળે એણે આવતીકાલે રાત્રે નીકળી જવું પડશે જેથી સોમવારે સવારે ત્યાં ઓફિસ જઈ શકે...વીણાબેનને પણ બધાં ભેગાં થયાં હતાં તો સારું લાગ્યું થોડાં દિવસ એ ઉદાસ થઈ ગયાં. એ બોલ્યાં, " ફરીથી આ કલબલાટ શમી જશે‌‌...આ ઘર સુનૂસટ બની જશે...ફરી અમે બે જણાં એકલાં થઈ જઈશું... આખું ઘર જાણે ખાવાં આવતું હોય એવું લાગે છે..."

સુહાની : " મમ્મી તું ચિંતા ન કર... એવું લાગે ત્યારે મને ફોન કરી દેવાનો...હાલ તો તમે લોકો નહીં આવી શકો પણ થોડાં દિવસો પછી એવું હોય તો પુના આવી જાઓ થોડાં દિવસો તમને લોકોને પણ સારું લાગશે..."

અશોકભાઈ : " આવીશું...બેટા..દિવ્ય પણ ક્યારનો કહે છે‌.. એકવાર સમય કાઢીએ કૃતિને લઈને જ આવીશું... બેંગલોર પુના બધું ફરી લઈશું..."

સુહાની : " પપ્પા તમે તો આવ્યાં ત્યારે ખરાં...તમે દુકાનને છોડતાં નથી ને દુકાન તમને..."

અશોકભાઈ હસીને બોલ્યાં, " બેટા ધંધો જ એવો છે. આટલાં વર્ષોથી કામ કરતા હોઈએ બેસી રહેવાનું ફાવતું નથી અને ઘરે હોઈએ તો તારી મમ્મી કંટાળીને કહે છે ," તમે તો દુકાને જ સારાં..‌" બોલ શું કરવું મારે ?? "

બધાં હસી પડ્યાં. વાતાવરણમાં ઘણાં દિવસો પછી હળવાશપણું આવ્યું.

વીણાબેન ( હસીને ) : " આજે બે દીકરીઓ છે સાથે એટલે એમને મજા આવે છે ચીડવવાની... પણ પછી તો મારી સાથે જ રહેવાનું છે હોને..."

મજાક કરતા કરતાં બધાં પોતાનાં કામમાં પરોવાઈ ગયાં...!!

રાત્રે સુહાની પુના જવાની તૈયારી કરવાં લાગી. એની મમ્મીએ બધું નાસ્તાને થોડું ભરી દીધું...!! ને પછી બધું પતાવીને સુહાની બેઠી કે એની બહેન કૃતિ પાસે આવીને બોલી, " હવે આજે તો તારી દીદીને સમય આપીશ ને થોડો ?? કેટલો સમય થઈ ગયો આપણે એકબીજાં સાથે આવી રીતે શાંતિથી કોઈ જ વાત કરી નથી..."

સુહાની : " હા ચોક્કસ દીદી..." બેય જણાં સૂતાં સૂતાં વાતો કરી રહ્યાં છે. કૃતિ પણ પોતાનાં પરિવારની એનાં પતિ સાથેની ખાટીમીઠી નોકજોકની બધી વાતો કરી રહી છે‌.

સુહાની : " દીદી તું હવે મને માસી ક્યારે બનાવે છે એ તો કહે ?? "

કૃતિ થોડી શરમાઈ પછી બોલી, " હા બસ આવનાર બેબી માટે તું માસા પસંદ કરી લે એટલે..."

એ સાથે જ સુહાનીનું હાસ્ય વિલાઈ ગયું...એ કંઈ બોલી નહીં.

કૃતિ : " શું થયું બિટ્ટુ ?? "

સુહાની : " તને ખબર તો છે દીદી કે સમર્થ મારો છેલ્લો અને પહેલો પ્રેમ છે...તો પછી કેમ આવી વાત કરે છે ?? "

કૃતિ : " પણ હકીકત તું પણ જાણે છે.... દુનિયામાં થોડું પ્રેક્ટીકલ બનવું પડે. અમે પણ જાણીએ છીએ કે કદાચ સમર્થ અને તારાં પ્રેમની મિશાલ કોઈ ન બની શકે... એનાથી વધારે તને ખુશ રાખનાર કોઈ મળી પણ ન શકે...પણ ખબર છે ને એકલી છોકરી માટે આ જમાનામાં જિંદગી વીતાવવી કેટલી અઘરી હોય છે.‌‌..મધમાખીઓની જેમ લોકો લાળ ટપકાવીને ફરતાં જ હોય છે જ્યાં એકલી સ્ત્રી કે છોકરી જોઈ તો...અરે આ કળયુગમાં મોટી સ્ત્રીઓ કે નાની બાળકીઓ પણ સલામત નથી તો એક તારાં જેવી યુવાન, સુંદર છોકરીની પાછળ કેટલાં લોકો પાગલ હોય...?? ખબર છે ને કોલેજમાં કેટલાં લોકો તારી પાછળ પાગલ હતાં પણ એ તો સમર્થ પહેલાં દિવસથી તારી જોડે ઢાલ બનીને ઉભો હતો... શું તને જોબ માટે પૂણે સુધી મોકલવા બધાં તૈયાર થાત પણ એ વખતે પણ સમર્થ હતો...પણ હવે તો કંઈ વિચારવું પડશે ને ?? "

સુહાની મક્કમતાથી બોલી, " કોઈએ સમર્થના મૃતદેહને જોયો છે ?? કોઈએ એને કંઈ થઈ ગયું છે એવાં કોઈ સમાચાર વ્યક્તિગત રીતે સાંભળ્યા છે ?? "

કૃતિ : " ના પણ એ તો આટલી ન્યુઝચેનલો કહી રહી છે એ ખોટું થોડું હોય બકા ?? "

સુહાની : " પણ દીદી એવું નથી..." કહીને સુહાનીએ સમર્થનાં ફોનની વાત કરી..."

કૃતિ : "શું એવું છે ?? પણ એવું હોય તો એ હજું સુધી ઘરે કેમ નથી આવ્યો ?? કદાચ એ બીજું કોઈ તો નહીં હોય ને ?? "

સુહાની : " ના મને પાકી ખાતરી છે. એ જ તો વસ્તુ છે ને કે એ કોઈ મોટા સકંજામાં ફસાયો છે પણ એ કોને શા માટે કર્યું છે એવું કંઈ જ ખબર નથી પડી હજું સુધી...છે તો કોઈ મોટી વ્યક્તિ..."

કૃતિ : " પણ હવે કેવી રીતે શોધી શકાશે ?? કદાચ એણે એની સાથે કંઈ કરી દીધું હોય તો ?? "

સુહાની : " ના એવું ન કહીશ. દી... એનાં માટે તો ફરીથી જોબ ચાલુ કરી છે ને પ્રમોશન પણ લીધું છે...." ને એને બધી વાત કરી..." પણ આ વાત તારાં સિવાય કોઈને કરીશ નહીં...જીજુને પણ નહીં..."

કૃતિ : " પણ મને ચિંતા થાય છે કે કદાચ તારો જીવ જોખમમાં ન મુકાઈ જાય..."

સુહાની : " કાનાજી છે ને !! ચાલો હવે સૂઈ જઈએ " કહીને સુહાની કૃતિને ભેટીને સૂઈ ગઈ !!

શું થશે હવે ?? સુહાની પોતાનું મિશન કેવી રીતે શરું કરશે ??

હવે સુહાની કંઈ શોધી શકશે કે પછી એને કંઈ ઝાટકો મળશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......