Ek bhool - 6 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 6

મીરાને એ દિવસ નજર સમક્ષ આવી રહ્યો હતો કે જેને લીધે મીરાનું સર્વસ્વ ખોવાઈ ગયું હતું.

***

કોફીશોપમાં મિહિર અને મીરાએ નક્કી કર્યું એ મુજબ મીરા રાધિકાને આરવ વિશે વાત કરવાની હતી અને આરવે શા માટે રાધિનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એ વિશે પૂછવાની હતી. પણ જ્યારે મીરા ઘરે પહોંચે છે ત્યારે રાધિકા તેની ઘરે હતી નહીં માટે તે બીજા દિવસે જ્યારે કોલેજેથી આવે ત્યારે પૂછવાનું નક્કી કર્યું. બીજા દિવસે મીરા જ્યારે જોબ પર હોય ત્યારે ઘરેથી તેના પપ્પાનો ગભરાયેલ અવાજ કાને પડે છે,

"મીરા.. મીરા તું જલ્દી ઘરે આવ. રાધિકા....."

"પપ્પા.. શું થયું? બધું ઠીક છે ને? ને રાધિકા.. એને શું થયું?" મોહનભાઈનો અવાજ સાંભળી મીરા ટેન્શનમાં આવી ગઈ.

"મીરા તું જલ્દી ઘરે આવ.. પછી બધી વાત.. "

આટલું કહી મીરાના પપ્પાએ ફોન મૂકી દીધો. મીરા ઝડપથી ઘરે જવા નીકળી. રસ્તામાં કેટલાંય વિચાર આવી રહ્યાં હતાં. રાધિને કઈ થયું તો નહીં હોઈ ને? આરવે રાધિકાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું શું એને કશી ખબર હશે? સાચે કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને? વિચારોનું તોફાન ચડયું હતું પણ ઘરે પહોંચ્યા વગર ખબર પડે એમ હતી નહીં. તેણે મિહિરને ઘણાં કોલ કર્યા પણ નહોતો લાગી રહ્યો. એટલામાં તેનું ઘર આવી ગયું.

તે ઝડપથી ઘરમાં ગઈ. તેની મમ્મીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો અને તેનાં પપ્પા પણ ચિંતામાં હતાં. મીરાએ આવીને પૂછ્યું,

"મમ્મી, તું કેમ રડે છે?" સુમિત્રાબહેને મીરા સામું જોયું પણ નહીં. મીરાને થોડું અજીબ લાગ્યું પણ અત્યારે તે ખૂબ ચિંતામાં હતી.

મીરા સીધી રૂમમાં ગઈ. રૂમ, બાલ્કની, કિચન બધે જોયું પણ રાધિકા ક્યાંય મળી નહીં. તે તેનાં પપ્પા પાસે ગઈ અને પૂછ્યું,

"પપ્પા, શું થયું? ક્યાં રાધિ?"

તેનાં પપ્પાએ મીરાનાં હાથમાં કાગળ મૂક્યો. મીરા આશ્ચર્યથી તે કાગળને જોઈ રહી. મોહનભાઈએ તેને વાંચવાનું કહ્યું. મીરાએ વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે,

"ડિયર મમ્મી પપ્પા, તમે દુનિયાનાં બેસ્ટ પેરેન્ટ્સ છો. આજ સુધી તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો. મારી દરેક ઈચ્છા પૂરી કરી પણ આજે હું તમને જે વાત કહી રહી છું તેનાથી તમને ખૂબ દુઃખ થશે અને એ માટે હું તમારી માફી માગું છું. મીરાદીદી એ આજ સુધી મને ખૂબ પ્રેમ કર્યો. મારે કોઈ પણ કામ હોઈ, હંમેશા એણે મારી મદદ કરી. હું પણ એને એટલો જ પ્રેમ કરું છું. પણ હમણાં થોડા દિવસથી મીરા દી નું મારી પ્રત્યેનું વર્તન થોડું અજીબ થઈ ગયું છે અને કદાચ એનું કારણ છે આરવ.. એ મીરા દી નો બેસ્ટ ફ્રેન્ડ છે. એ હમણાં જ થોડા દિવસ પહેલાં અહીં આવ્યો હતો અને મને અચાનક રસ્તામાં મળ્યો. તો મેં તેની સાથે થોડી વાતચીત કરી. પણ ખબર નહીં દી એ અમને જોઈ લીધાં હશે. ત્યારથી એ હંમેશાં મારી તરફ ચીડાયેલ રહેતી. ખબર નહીં કેમ પણ તેને મારી પર શક થવાં લાગ્યો. તે મને આરવથી દુર રહેવા કહેતી અને વાતવાતમાં મારી પર ગુસ્સે થતી. એણે તમને પણ કાંઈ વાત ન કરવાની ધમકી આપી. મેં એને સમજાવવાની કોશિશ કરી, પણ એનો શક દુર ન થયો. મને દી માટે ખૂબ માન છે. હું મારી કોઈપણ મુશ્કેલી સહુથી પહેલાં તેની સાથે જ શેર કરતી. મને બધાથી વધું એ જ જાણે છે પણ હવે જ્યારે મને મારા બચપણથી ઓળખતી બહેનને જ મારી ઉપર વિશ્વાસ નહોતો રહ્યો, પછી મને અહીંથી જતું રહેવું જ સાચું લાગ્યું. મને ગોતવાની કોશિષ ન કરતાં. આમાં કોઈનો વાંક નથી. બસ હવે હું એકલી રહેવાં માંગુ છું અને મારી રીતે જીવવા માગું છું. મારી ચિંતા ન કરતાં. તમને બધાને મારો ખુબ સારો પ્રેમ.
- તમારી વહાલી રાધિ."

મીરા ફાટી આંખે બધું વાંચતી રહી. તેને કાંઈપણ સમજાઈ રહ્યું નહોતું. ના તો રાધિકા આરવને મળી હતી, ના તો મીરાએ રાધિકાને લેટરમાં લખ્યું એ મુજબ કાંઈપણ કહ્યું હતું. તેને એટલી તો ખબર પડી જ ગઈ કે આ રાધિકાના શબ્દો નથી. પણ એ નહોતું સમજાઈ રહ્યું કે આ કરવા પાછળ છે કોણ?

"મીરા, મને તારી પાસેથી આવી આશા નહોતી. તું કોઈ બીજાં છોકરાંને લીધે તારી બહેનને જ...... આજે તને મારી દીકરી કહેતાં પણ મને શરમ આવે છે."

મીરા તેનાં પપ્પાનો અવાજ સાંભળી પોતાનાં વિચારોમાંથી બહાર આવી. પણ સાથે સાથે તેને નવાઈ તો એ વાતની લાગી કે તેનાં પપ્પાએ એક કાગળમાં લખેલી વાત તેની દીકરી પર રાખેલાં ભરોસાં કરતાં મોટી લાગી.

"મીરા, જવાબ આપ.... શું આ સાચું છે?"

આટલાં સમયથી ચૂપ રહેલી મીરાની મમ્મીએ તેને પૂછ્યું. મીરાને સમજાઈ નહોતું રહ્યું કે તેની સાથે આ શું થઈ રહ્યું છે. પહેલાં આરવની વાત, પછી રાધિકાનું આમ ઘર છોડી જતું રહેવું.. અને ઉપરથી આ લેટરમાં લખેલી વાત, બધું તેની સમજ બહારનું હતું.

"હવે કંઈ બોલવાં જેવું બાકી હોય તો બોલે ને. બધી હકીકત સામે જ છે. જ્યારે સમાજમાં આ વાતની ખબર પડશે ત્યારે મારી આબરુ શું રહેશે.. આમાં મારા સંસ્કાર લજાય છે. હું કોઈને મોઢું બતાવા જેવો નથી રહ્યો હવે. એકે પોતાનાં પરિવારની ઈજ્જત દાવ પર લગાડી, અને બીજી... કદાચ મારા પ્રેમમાં જ ક્યાંક કમી રહી ગઈ હશે એટલે જ તે પોતાની મુશ્કેલી પણ મને ન કહી શકી અને આવડી અમથી વાતમાં ઘર છોડી ચાલી ગઈ."

મોહનભાઈ આટલું બોલીને માથા પર બંને હાથ ટેકવીને સોફા પર બેસી ગયાં. સુમિત્રાબહેન ઊભા થયા અને મીરા પાસે આવ્યાં. મીરાનાં બંને હાથ પોતાનાં હાથમાં લઈને ગુસ્સામાં બોલ્યાં,

" શું આ.. લેટરમાં લખેલી વાત... સાચી છે??"

મીરા કશું બોલી શકી નહીં. મોહનભાઈએ સુમિત્રાબહેનને કહ્યું,

"તું હજી શું પૂછે છો. એને કહી દે મારી નજર સામેથી દૂર ચાલી જાય. હું તેનો ચહેરો પણ જોવા નથી માંગતો. આજે મારી બંને દીકરીને ખોઈ દીધી છે મેં."

મીરા આગળ એકપણ શબ્દ બોલ્યાં વગર ચાલવા માંડી. તેને ઘણું કહેવું હતું. લેટરમાં લખેલી એક એક વાત ખોટી હતી. કદાચ રાધિકા મુસીબતમાં પણ હોય શકે પણ તેની પાસે પોતાની વાત સાચી પાડવાનું કોઈ પ્રમાણ હતું નહીં અને એનાં કરતાં પણ વધું ગંભીર એ બાબતે હતી કે તેનાં મમ્મી પપ્પાને એક કાગળમાં લખેલી વાત સાચી લાગી રહી હતી. મીરા દરવાજા સુધી પહોંચી ગઈ. તેણે એકવાર પાછળ ફરીને જોયું. તેનાં મમ્મી રડી રહ્યાં હતાં અને તેનાં પપ્પા ખૂબ જ દુઃખી હતાં. મીરાને ખૂબ જ દુઃખ થયું. પણ હવે અહીં રોકાવાનો કોઈ અર્થ હતો નહીં. તે બહાર નીકળી ગઈ.

***

"એટલે તારા પપ્પાએ તને જતું રહેવાનું કહ્યું અને તું જતી રહી. એ પણ એટલે દૂર. કોઈને પણ કહ્યાં વગર. મને કહેવું પણ જરૂરી ન લાગ્યું તને. વાહ.. ખુબ સરસ મીરા." મિહિરે કહ્યું.

"મેં કોશિશ કરી હતી તને કોલ કરવાની પણ નહોતો લાગી રહ્યો. એક વાર નહીં.. ઘણીબધી વાર." મીરા બોલી.

"મીરા મારે અને પપ્પા એક જરૂરી કામથી બહાર જવાનું થયું. આપણે જ્યારે સાંજે મળ્યાં એનાં બીજાં જ દિવસે સવારનાં અમે નીકળી ગયાં હતાં. અને ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે કદાચ નહીં લાગી રહ્યો હોય. મેં ત્યાં પણ રાતે તને જાણ કરવાં અને રાધિકા સાથે વાત કરી કે નહીં તે પૂછવા કૉલ કર્યો હતો પણ તારો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. મેં તો વિચાર સુધ્ધાં ય ન'તો કર્યો કે મારી ગેરહાજરીમાં આટલું બધું થઈ જશે. અમે ત્રણ દિવસ પછી પાછા આવ્યાં. આવીને મને બધી ખબર પડી. મેં તારો કોન્ટેક્ટ કરવાની ઘણી ટ્રાય કરી પણ ના થયો. પછી તારાં ફેસબુક એકાઉન્ટ પરથી તારાં જેટલાં ફ્રેન્ડસ્ હતાં એનો કોન્ટેક્ટ કરી તારાં વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી છતાં પણ કાંઈ ખબર ન પડી. તારી ઓફિસે જઈને પણ જોયું પણ રિઝલ્ટ ઝીરો... " મિહિર એકસાથે બધું બોલી ગયો.

"સોરી મિહિર, પણ.. પણ મને રાધિ ખુબ વહાલી છે. તે નાની હતી ત્યારથી કોઈપણ વાત હોય એ પહેલાં આવીને મને કહેતી. પણ કદાચ થોડાં દિવસથી હું જ તેનાથી દૂર થઈ રહી હતી. મેં એકવાર પણ તેને પૂછ્યું નહીં કે રાધિ.. તને કાંઈ તકલીફ તો નથી ને.. હું જ મારી એક બહેન તરીકેની ફરજ ભૂલી ગઈ હતી. કાશ, હું બધું ત્યારે જ સમજી ગઈ હોત તો રાધિ આજે મારી સાથે હોત. મારી એક ભૂલને કારણે મારો આખો પરિવાર વિખરાઈ ગયો."

આટલું બોલી મીરા રડી પડી. દિલનું બધું દર્દ બહાર કાઢી નાખ્યું. મીરાની આવી હાલત મિહિર જોઈ નહોતો શકતો. તેણે મીરાને પોતાની બાહોમાં લઈ લીધી અને તેને મન ભરીને રડવા દીધી. મિહિરને પણ ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે કાશ એ ત્યારે મીરાની સાથે હોત. કાશ જ્યારે મીરાને સહારાની જરૂર હતી ત્યારે હું તેનો સહારો બની શક્યો હોત.

થોડીવાર પછી મિહિરે મીરાને પોતાનાથી અલગ કરી. મીરા હવે પહેલાં કરતાં કરતાં થોડું વધું સારું મહેસૂસ કરી રહી હતી. પોતાની વાત કહીને તેનું મન હવે હળવું થઈ ગયું હતું. મીરા થોડી ખુશ પણ હતી કેમ કે મિહિર હવે તેની સાથે હતો.

બંને ત્યાંથી ઊભા થઈ હીંચકે બેઠાં. થોડીવાર થઈ ત્યાં એક છોકરો આવ્યો બોલતો બોલતો આવ્યો, "અય મીરુડી, શું કરે છે.. હાલને નવરી હો તો બાર ક્યાંક આંટો મારી આવીએ. કંટાળો આવે છે મને તો."

મિહિરે અવાજ આવ્યો તે તરફ જોયું. લગભગ પોતાની જેટલી જ ઉંમર હશે.

"ઓહો મીરુડી.... હશે હશે.." મિહિરે ધીમેકથી મીરાને કહ્યું.

"મારો ભાઈ માનું છું હું એને.." મીરાએ જવાબ આપ્યો અને મિહિરને ચીટલો ભર્યો.

"ઠીક.. તો ભલે." હસતાં હસતાં મિહિર બોલ્યો.

"હેય મીરા, આ કોણ છે? મેં તો પહેલી વાર જોયો." પેલો છોકરો બોલ્યો.

"પેલી વાર આવ્યો છું.. તો પેલી વાર જ જો ને.. બાય ધ વે, હાય. હું મિહિર ફ્રોમ સુરત અને મીરાનો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ." મિહિરે પોતાનાં વિશે જણાવ્યું.

"ઓહ હા રાઇટ રાઇટ.. મીરા પાસેથી એકવાર નામ સાંભળ્યું હતું... હાય, હું રોનક. અહીં બાજુમાં જ રહું છું. જ્યારથી મીરાને ઓળખું છું ત્યારથી મને એમાં મારી બહેન જ દેખાય છે. હું મીરાને મારી બહેન જ માનું છું." રોનકે કહ્યું.

"સારું ચાલો, હવે તમે વાતું કરો હું બા ને જગાડી આવું." એટલું બોલી મીરા તેનાં બા ને જગાડવા ગઈ.

"તો કેમ અચાનક આ બાજુ આવવાનું થયું?" રોનકે સવાલ કર્યો.

"હું એક કામથી આવ્યો હતો પણ પછી મને ખબર પડી કે મીરા અહીં છે.. સો હું આવ્યો મળવાં." મિહિરે ક્હ્યું.

"અચ્છા, સારું કર્યું. એમ પણ અમને તો કોઈને કાંઈપણ કહ્યું નથી મીરાએ. શાયદ હવે થોડીઘણી ખબર પડશે." રોનક બોલ્યો.

જવાબમાં મિહિર એ ફક્ત હમમ કહ્યું. મિહિરને વિચાર આવ્યો કે મીરાએ અહીં કોઈને પણ કાંઈપણ વાત કરી નથી. આટલાં સમયથી બધું મનમાં ને મનમાં જ રાખી જીવતી રહી. કેટલી દુ:ખી થઈ હશે એકલી ને એકલી. બસ હવે બહુ થયું. હું મીરાની ખુશી પાછી લઈ આવીશ. અને એ માટે રાધિકાને હવે શોધીને જ રહીશ.

મિહિર વિચારી રહ્યો હતો ત્યાં મીરા ચપટી વગાડીને બોલી, "ઓ રાજકુમાર, સપનાની દુનિયામાંથી બહાર આવો. ક્યારની બોલાવું છું, ધ્યાન ક્યાં છે તારું."

મિહિરે ફટાફટ પોતાનાં વિચારોનું પોટલું બાંધ્યું અને જવાબ આપ્યો, "કાંઈ નહીં હવે.. હું તો એ વિચારતો હતો કે આ ચા ની સુગંધ ક્યાંથી આવે છે."

"એ હા હો મને ખબર છે ચા પાછળ ઘેલો છો એ. અત્યારે બા માટે બનાવી તો તારા માટેય બનાવી નાખી. મને ખબર છે તું એનાં માટે કોઈ દિવસ ના નહીં પાડ." કહી મીરાએ કપ મિહિર આગળ ધર્યો.

"હા હો.. આ તું સાવ સાચું બોલી લે." મિહિર ચા નો પીતા પીતા બોલ્યો, "મજા આવી હો હવે કાંઈક."

"સારું હવે હું જાવ. ઘણાં સમય બાદ ભેગાં થયાં છો તો વાતચીત કરો. હું પછી નિરાંતે આવીશ." રોનક બોલ્યો.

"અરે બેસને.. સાથે ગપ્પા મારીએ. મજા આવશે." મિહિર તેને રોકતા બોલ્યો.

"ના ના, પછી નિરાંતે. એમ હવે તું તો અહીંયા છો ને થોડાં દિવસ. પછી શું. અત્યારે હવે જવ છું." રોનક ચાલતો થયો અને ઇશારામાં જ મિહિરને મીરાનું રાખવાનું કહેતો ગયો.

"મીરા, બા ક્યાં?" મિહિરે મીરાને પૂછ્યું.

"એ બસ હવે થોડીવારમાં મંદિરે જશે. એનો રોજનો નિયમ છે સાંજે જવાનો." મીરાએ જવાબ આપતાં કહ્યું.

"બરોબર, તો તું ન જા?" મિહિરે ફરીથી સવાલ કર્યો.

"ના, મારે સ્કૂલનું થોડું ઘણું કામ હોય એ કરવાનું હોય અને રાતે જમવાનું બનાવું ત્યાં બા આવી જાય." મીરાએ કહ્યું.

"ઠીક એ સારું લે." મિહિરે કહ્યું.

"મીરા.. હું જાવ છું હો." બા એ મીરાને કહ્યું અને તે મંદિરે જવા નીકળી ગયાં.

મિહિરને થોડી મસ્તી સુજી. એણે મીરાને કહ્યું, "એટલે હવે ઘરે કોઈ નથી એમ. ખાલી આપણે બંને જ છીએ."

મીરા તેની મસ્તી સમજી ગઈ અને બોલી "હા તો?"

"તો... તો શું હોય બીજું. તું જ કે." મિહિરે કહ્યું.

"હોય શું.. કાંઈ નહીં." મીરા બોલી.

"એવું એમ હે.."

એમ બોલી મિહિરે મીરાના વાળ ખેંચ્યા. મીરાએ તેને ફરીથી ચીટલો ભર્યો. બંને નાના બાળકોની જેમ ઝગડી રહ્યાં હતાં. મીરાને ખુશ જોઈ મિહિરને પણ આનંદ થયો.

"મીરા, એક વાત પૂછું?" મિહિર બોલ્યો.

"હા બોલ ને.." મીરાએ કહ્યું.


***


વધું આવતાં ભાગમાં...

વાંચવા બદલ આપ સહુનો ખૂબ ખૂબ આભાર..

આ ભાગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવશો.

અંત સુધી બન્યા રહેજો.. આભાર 😊